ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:15 AM, 15 November 2026
ADVERTISEMENT
અંતરિક્ષ ક્ષેત્રે એલન મસ્કની કંપની SpaceXએ મોટી સફળતા મેળવી છે. પહેલીવાર પૃથ્વી પર પરત ફરી રહેલા સ્ટારશિપ રોકેટને લોન્ચ ટાવર પર હવામાં જ પકડી લેવામાં આવ્યું છે.આ સફળતા પાછળ ટેકનોલોજીની મોટી સિદ્ધિ છુપાયેલી છે. ટેક્સાસમાં આવેલા લોન્ચ ટાવર પર લગાવેલા બે વિશાળ યાંત્રિક હાથની મદદથી સ્ટારશિપને જમીન પર ઉતારવાને બદલે હવામાં જ રોકી લેવામાં આવ્યું. આ યાન 22 કલાકથી વધુ સમય અંતરિક્ષમાં રહ્યું અને પૃથ્વીના 14 ચક્કર લગાવીને પરત ફર્યું. આ સફળતાથી રોકેટનો ફરીથી ઉપયોગ કરવાની SpaceXની યોજના વધુ મજબૂત બની છે. સાથે જ ચંદ્ર અને મંગળ પર માનવ મિશન મોકલવાની દિશામાં પણ મોટું પગલું ભરાયું છે.
ADVERTISEMENT
SpaceXએ અમેરિકાના ટેક્સાસમાં આવેલા Starbase સેન્ટર પરથી 407 ફૂટ એટલે કે આશરે 124 મીટર લાંબા રોકેટનું લોન્ચિંગ કર્યુ હતું. અમેરિકા અને મેક્સિકોની સરહદ નજીકથી થયેલા આ લોન્ચિંગમાં રોકેટના બંને ભાગ સફળતાપૂર્વક અલગ થયા હતા. આ રોકેટના નીચેના ભાગને Super Heavy બૂસ્ટર અને ઉપરના ભાગને Starship કહેવામાં આવે છે.આ પરીક્ષણમાં સૌથી વધુ ધ્યાન સ્ટારશિપના ઉપરના ભાગ પર હતું. કંપનીનો હેતુ તેને અંતરિક્ષમાં મોકલ્યા બાદ ફરી પૃથ્વી પર લાવીને લોન્ચ ટાવર પર જ પકડવાનો હતો. અગાઉના પ્રયાસોની સરખામણીએ આ વખતે સ્ટારશિપે વધુ સમય અંતરિક્ષમાં વિતાવ્યો અને સફળતાપૂર્વક પરત ફર્યું.
ADVERTISEMENT
અંતરિક્ષમાં પહોંચ્યા બાદ સ્ટારશિપે 26 નવા Starlink સેટેલાઇટને તેમની નિર્ધારિત દિશામાં છોડ્યા હતા. ત્યારબાદ તે પૃથ્વીથી આશરે 260થી 265 કિલોમીટરની ઊંચાઈએ રહીને ચક્કર લગાવતું રહ્યું.આ યાને 22 કલાકથી વધુ સમય દરમિયાન પૃથ્વીના કુલ 14 ચક્કર લગાવ્યા હતા. અગાઉના પરીક્ષણમાં સ્ટારશિપ માત્ર એકથી બે ચક્કર જ લગાવી શક્યું હતું. આ વખતે મળેલી સફળતા તેની ક્ષમતામાં થયેલા સુધારાનો સંકેત આપે છે.
ADVERTISEMENT
વર્ષ 2023 પછીનું આ સ્ટારશિપનું 15મું પરીક્ષણ હતું. ખાસ વાત એ છે કે બીજીવાર આ યાન પૃથ્વીની કક્ષામાં પહોંચવામાં સફળ રહ્યું હતું. આટલો લાંબો સમય અંતરિક્ષમાં રહ્યા બાદ સુરક્ષિત રીતે પરત ફરવું કંપની માટે મોટી સિદ્ધિ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સ્ટારશિપને પૃથ્વી પર પરત લાવવાની પ્રક્રિયા પણ એટલી જ પડકારજનક હતી. અંતરિક્ષમાં નિર્ધારિત સમય વિતાવ્યા બાદ તેના એન્જિન ફરી ચાલુ કરવામાં આવ્યા હતા. આ પ્રક્રિયાથી યાનની દિશા બદલાઈ અને તે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું.વાતાવરણમાં પ્રવેશતી વખતે સ્ટારશિપની ઝડપ આશરે 17 હજાર માઇલ પ્રતિ કલાક હતી. આટલી ઝડપે પૃથ્વી તરફ આવતાં યાનને ભારે ગરમીનો સામનો કરવો પડે છે. આ ગરમીથી બચાવવા માટે તેની બહારની સપાટી પર ખાસ હીટ શીલ્ડ લગાવવામાં આવી છે.વાતાવરણમાં પ્રવેશ્યા બાદ યાનના એન્જિન ફરી શરૂ થયા હતા. ત્યારબાદ તે પોતાની સ્થિતિ સીધી કરીને લોન્ચ ટાવર તરફ આગળ વધ્યું હતું. અહીં ટાવર પર લગાવેલા બે વિશાળ યાંત્રિક હાથની મદદથી તેને હવામાં જ પકડી લેવામાં આવ્યું હતું. આ ખાસ હાથને Mechazilla નામ આપવામાં આવ્યું છે.યાનને પકડવાની સાથે જ તેના એન્જિન બંધ થઈ ગયા હતા અને તે જમીનને સ્પર્શ કર્યા વગર જ ટાવરના હાથમાં સ્થિર થઈ ગયું હતું. આ રીતે SpaceXએ પહેલીવાર અંતરિક્ષમાંથી પરત આવેલા સ્ટારશિપને હવામાં પકડવામાં સફળતા મેળવી હતી.
ADVERTISEMENT
આ પરીક્ષણમાં કંપનીનો હેતુ રોકેટના બંને ભાગને ફરીથી પકડવાનો હતો. જોકે, સ્ટારશિપને પકડવામાં સફળતા મળી હોવા છતાં નીચેના ભાગ એટલે કે Super Heavy બૂસ્ટરને બચાવી શકાયું નહોતું.પૃથ્વી પર પરત ફરતી વખતે બૂસ્ટરના કેટલાક એન્જિન સમય પહેલાં જ બંધ થઈ ગયા હતા. બૂસ્ટરની સિસ્ટમે તેની સ્થિતિ યોગ્ય ન હોવાનું ઓળખી લીધું હતું. ત્યારબાદ તેની દિશા બદલીને તેને સમુદ્ર તરફ મોકલવામાં આવ્યો હતો.આખરે બૂસ્ટર નષ્ટ થઈ ગયો હતો અને તેનો કાટમાળ મેક્સિકોના અખાતમાં મળ્યો હતો. હાલ તેની પાછળનાં કારણો જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. એટલે આ પરીક્ષણમાં એક મોટી સફળતા મળી હોવા છતાં રોકેટના બંને ભાગને ફરીથી ઉપયોગમાં લેવાનો હેતુ હજુ બાકી છે.
સ્ટારશિપની આ સફળ ઉડાનમાં તેની હીટ શીલ્ડે પણ સારી કામગીરી કરી હતી. પૃથ્વીના વાતાવરણમાં પરત ફરતી વખતે યાનની બહારની સપાટી પર ખૂબ જ ગરમી પેદા થાય છે. આવી સ્થિતિમાં અંદરના ભાગને સુરક્ષિત રાખવા માટે હીટ શીલ્ડ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.સ્ટારશિપમાં કાળા રંગની ષટ્કોણ આકારની ટાઇલ્સ લગાવવામાં આવી છે. આ ટાઇલ્સ યાનને વાતાવરણમાં પ્રવેશતી વખતે પેદા થતી ભારે ગરમીથી બચાવે છે. જોકે, કંપનીનું લક્ષ્ય માત્ર યાનને સુરક્ષિત રીતે પરત લાવવાનું નથી. તે એવી ટાઇલ્સ તૈયાર કરી રહી છે, જેને દરેક ઉડાન બાદ વારંવાર સમારકામ કરવાની જરૂર ન પડે.જો આ ટેકનોલોજી સફળ થાય તો એક જ રોકેટનો વારંવાર ઉપયોગ કરવો વધુ સરળ બનશે. તેનાથી અંતરિક્ષમાં સેટેલાઇટ મોકલવાનો અને ભવિષ્યનાં મિશનનો ખર્ચ પણ ઘટી શકે છે.

SpaceXની આ સફળતા માત્ર કંપની પૂરતી મર્યાદિત નથી. અમેરિકાની અંતરિક્ષ સંસ્થા NASA પણ ચંદ્ર પર અવકાશયાત્રીઓને ઉતારવા માટે સ્ટારશિપ પર આધાર રાખે છે. આ માટે SpaceXને અબજો ડોલરનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.કંપની આગામી મહિનાઓમાં ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટર પરથી પણ સ્ટારશિપનું લોન્ચિંગ કરવાની તૈયારી કરી રહી છે. આ સાથે તેના પરીક્ષણ અને કામગીરીને વધુ આગળ વધારવાની યોજના છે.NASAના Artemis મિશન હેઠળ ચાર અવકાશયાત્રીઓ પોતાના કેપ્સ્યુલને SpaceXના સ્ટારશિપ અને Blue Originના Blue Moon લેન્ડર સાથે જોડવાની પ્રેક્ટિસ કરશે. આ પ્રક્રિયા ચંદ્ર સુધી પહોંચવાના મિશન માટે જરૂરી છે.
NASAનો હેતુ Artemis IV મિશન હેઠળ વર્ષ 2028માં ફરી એકવાર માનવીને ચંદ્રની સપાટી પર ઉતારવાનો છે. આ મિશન માટે સ્ટારશિપની સફળતા ખૂબ જ જરૂરી છે. કારણ કે ચંદ્રની સપાટી પર અવકાશયાત્રીઓને ઉતારવા અને તેમને સુરક્ષિત રીતે પરત લાવવા માટે આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.બીજી તરફ એલન મસ્કનું સપનું માત્ર ચંદ્ર સુધી પહોંચવાનું નથી. તેઓ સ્ટારશિપની મદદથી મંગળ ગ્રહ પર માનવ વસાહત સ્થાપવા માગે છે. તેના માટે વિશાળ રોકેટ, વધુ ક્ષમતા ધરાવતું યાન અને વારંવાર ઉપયોગ કરી શકાય તેવી લોન્ચિંગ સિસ્ટમ જરૂરી છે.સ્ટારશિપને હવામાં પકડી લેવાની આ સફળતા એ દિશામાં મોટું પગલું છે. જોકે, હજુ પણ અનેક પરીક્ષણો અને ટેકનોલોજીમાં સુધારા કરવાની જરૂર પડશે. જો SpaceX આ યોજનામાં સફળ થશે તો ભવિષ્યમાં અંતરિક્ષ યાત્રા વધુ સરળ અને ઓછી ખર્ચાળ બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ