ન્યૂઝ અપડેટ્સ
VTV / VTV વિશેષ / અન્ય જિલ્લા / રીલ્સ છોડીને રવિવારે ટીમ રામદૂત કરે છે એવું કામ, જેનાથી સામે આવે છે સદીઓ જૂના રહસ્ય
Last Updated: 09:26 AM, 9 August 2026
ADVERTISEMENT
રવિવારની સવાર... શહેરના મોટા ભાગના યુવાનો માટે આ દિવસ આરામનો હોય છે. કોઈ મોડે સુધી ઊંઘે છે, કોઈ ફ્રેન્ડ્ઝ સાથે ચિલ કરે છે, તો કોઈ મોબાઇલની સ્ક્રીન પર રીલ્સ સ્ક્રોલ કરે છે. પરંતુ અમદાવાદની એક ઐતિહાસિક વાવમાં રવિવારની સવારનું દૃશ્ય કંઈક અલગ હોય છે. અહીં યુવાનોના હાથમાં મોબાઇલના બદલે કોદાળી અને પાવડો જોવા મળે છે. કોઈ કચરો સાફ કરે છે, કોઈ પથ્થરોની સફાઈ કરે છે તો કોઈ વર્ષો ખૂણાને ફરી જીવંત કરવાનો પ્રયાસ કરે છે. આ યુવાનો અહીં ફોટો પડાવવા નથી આવ્યા. તેઓ પોતાના ભૂતકાળને બચાવવા આવ્યા છે. કારણ કે તેમના માટે વાવ માત્ર વાવ નથી, આ શહેરની ઓળખ છે. અને આ ઓળખને ખંડેર બનતી અટકાવવાનું કામ કરી રહ્યું છે એક અનોખું યુવા અભિયાન—'ટીમ રામદૂત'.
ADVERTISEMENT

આ સફરની શરૂઆત કોઈ મોટા સંગઠન, મોટી ઓફિસ કે મોટા બજેટથી નહોતી થઈ. એક વિચારથી થઈ હતી. મહારાષ્ટ્રના સાંગલીના જયંત પ્રભુ નામના વ્યક્તિ આખી એક્ટિવિટીના જનક છે. જે પોતે ટીમના ગ્રાઉન્ડ ઓપરેશન પર ધ્યાન આપે છે. તેમના જણાવ્યા પ્રમાણે શરૂઆતમાં ટીમે 10થી 15 જેટલા નાના મંદિરોમાં લાઇટ, લીકેજ અને સામાન્ય સમારકામ જેવા કામ કર્યા હતા. પરંતુ ભંડારામાં એક સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગયેલા મંદિરની માહિતી મળતાં ટીમે નક્કી કર્યું કે હવે માત્ર નાનું-મોટું સમારકામ નહીં, પરંતુ જ્યાં વારસો ખતમ થવાની અણી પર છે ત્યાં જવું છે. સ્થાનિક લોકોની મદદ અને જરૂરી સરકારી મંજૂરી બાદ મંદિરના પુનઃસ્થાપનનું કામ શરૂ થયું. શરૂઆતમાં નાના કામથી શરૂ થયેલી આ સફર ધીમે-ધીમે એક મોટા સંકલ્પમાં બદલાઈ ગઈ—વારસાને ફરી જીવંત કરવાનો.
ADVERTISEMENT
કોઈ વાવ માત્ર પાણી ભરવાની જગ્યા નથી અને કોઈ મંદિર માત્ર ઈંટ-પથ્થરનું બાંધકામ નથી. આ જગ્યાઓ સાથે લોકોની શ્રદ્ધા, પરંપરા, જીવનશૈલી અને અનેક પેઢીઓની યાદો જોડાયેલી હોય છે. એક સમય હતો જ્યારે વાવ ગામના જીવનનું કેન્દ્ર હતી. લોકો અહીં પાણી ભરવા આવતા, બાળકો રમતા અને વટેમાર્ગુ અહીં થાક ઉતારતા. પરંતુ સમય પસાર થયો અને આ જ વાવ કચરા, કાદવ અને ગંદકીથી ભરાતી ગઈ. મંદિરો જર્જરિત થવા લાગ્યાં અને ધીમે-ધીમે એક આખી પેઢી પોતાના જ વારસાથી દૂર થતી ગઈ. ટીમ રામદૂતની લડાઈ આ જ ભૂલાઈ રહેલા વારસા સામે છે.
ADVERTISEMENT

આ અભિયાન અમદાવાદ પહોંચ્યું ત્યારે ટીમે શહેર અને આસપાસની 20થી 25 ઐતિહાસિક વાવોનું સર્વેક્ષણ કર્યું અને ઉત્તમનગર વાવને પ્રથમ પ્રોજેક્ટ તરીકે પસંદ કરી. વાવની અંદર પહોંચવું અને કામ શરૂ કરવું એટલું સરળ નહોતું. સ્થાનિક સ્તરે પરમિશનના પ્રશ્નો આવ્યા. ત્યારબાદ પુરાતત્વ વિભાગ, મામલતદાર અને સ્થાનિક તંત્રની મંજૂરી લેવામાં આવી અને સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી. એક દિવસ નહીં, બે દિવસ નહીં, પરંતુ પાંચ ડ્રાઇવમાં અંદાજે 3થી 4 ટન કાદવ બહાર કાઢવામાં આવ્યો. પરંતુ સૌથી મોટી વાત કાદવ બહાર આવવો નહોતી. કાદવ નીચે કંઈક બીજું જ છુપાયેલું હતું—પાણી.
ADVERTISEMENT

વર્ષોથી કાદવમાં દટાયેલી વાવમાંથી ફરી પાણી દેખાયું. ટીમના અમદાવાદના સભ્ય દેવાંગ સોલંકી માટે આ ક્ષણ માત્ર સફળતા નહોતી. વર્ષો સુધી ગંદકીમાં દટાયેલી વાવને સાફ કરતાં જ્યારે અંદરથી પાણી બહાર આવતું દેખાયું ત્યારે ટીમને લાગ્યું કે તેમની મહેનતનું ફળ મળી ગયું. કલ્પના કરો, એક એવી જગ્યાની જ્યાં કદાચ દાયકાઓ પહેલાં લોકો પાણી ભરવા આવતા હશે, જ્યાં મહિલાઓની વાતોથી સવાર ગુંજતી હશે અને જ્યાં બાળકોનો અવાજ સંભળાતો હશે. આજે એ જ જગ્યાએ કચરો અને કાદવ સિવાય કંઈ ન હોય. પછી કેટલાક યુવાનો આવે, કોદાળી ચલાવે, કાદવ કાઢે, પથ્થરો સાફ કરે અને વર્ષો પછી એ જ વાવમાંથી પાણી દેખાય. એ ક્ષણે માત્ર પાણી બહાર નથી આવતું... એક આખી પેઢીની ભૂલાયેલી યાદ બહાર આવે છે.
ADVERTISEMENT
ટીમ રામદૂતે સોશિયલ મીડિયાને પણ પોતાના અભિયાનનું એક મોટું હથિયાર બનાવ્યું છે. દરેક પ્રોજેક્ટની શરૂઆતથી અંત સુધીની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવે છે. કેટલું કામ થયું, કેટલો ખર્ચ થયો અને દાનના પૈસાનો ક્યાં ઉપયોગ થયો તે લોકો સુધી પહોંચાડવામાં આવે છે. આ સમગ્ર અભિયાન પબ્લિક ફંડિંગથી ચાલે છે. લોકોને મોટી રકમ આપવા માટે દબાણ કરવાને બદલે ટીમ માત્ર 11 કે 21 રૂપિયા જેવી નાની રકમથી પણ જોડાવા માટે અપીલ કરે છે. ટીમ સાથે જોડાયેલા જયંત પ્રભુના શબ્દોમાં, 'ટીપે ટીપે સરોવર ભરાય.' કદાચ આ જ વિચારના કારણે અત્યાર સુધી દોઢ લાખથી વધુ લોકો આ અભિયાન સાથે જોડાઈ ચૂક્યા છે.
ADVERTISEMENT
ટીમે અત્યાર સુધી વિવિધ કદના પ્રોજેક્ટ હાથ ધર્યા છે. પ્રથમ મંદિરના પુનઃસ્થાપનમાં અંદાજે 18થી 20 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો, જ્યારે ધાંગધ્રાના પથ્થરમાં તૈયાર કરવામાં આવેલા બીજા મંદિરના પુનઃસ્થાપન પાછળ લગભગ દોઢ કરોડ રૂપિયાનો ખર્ચ થયો. પરંતુ અહીં મહત્વની વાત માત્ર ખર્ચની રકમ નથી. મહત્વની વાત એ છે કે આ કામ લોકોના સહયોગથી આગળ વધ્યું છે. ક્યાંક સ્થાનિક વિરોધ થયો, ક્યાંક પાર્કિંગની સમસ્યા ઊભી થઈ તો ક્યારેક વેબસાઇટ પર સાયબર એટેક કરીને ડોનેશન પ્રક્રિયા રોકવાનો પ્રયાસ પણ થયો. છતાં ટીમે કામ અટકાવ્યું નહીં. કારણ કે તેમના માટે આ કામ કોઈ એક વ્યક્તિનું નથી, પરંતુ આવનારી પેઢી માટેની જવાબદારી છે.

મંદિરનું પુનઃસ્થાપન કરીને જ ટીમ રામદૂત અટકી નથી. કેટલાક સ્થળોએ મંદિર સાથે ગૌશાળા અને વૈદિક ગુરુકુલ પણ શરૂ કરવામાં આવ્યા છે. અહીં 30થી 40 વનવાસી બાળકોને ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાનું શિક્ષણ આપવામાં આવે છે. કારણ કે માત્ર એક જૂનું મંદિર ઊભું કરી દેવાથી સંસ્કૃતિ બચતી નથી. સંસ્કૃતિ ત્યારે જીવંત રહે છે જ્યારે નવી પેઢી પોતાના ઇતિહાસ અને પરંપરાને ઓળખે, તેને સમજે અને આગળ લઈ જાય.
આજે ટીમ રામદૂત માત્ર અમદાવાદ કે મહારાષ્ટ્ર પૂરતી સીમિત નથી. વડોદરા, અમદાવાદ, ઇન્દોર, ધનબાદ, રાજસમંદ, જોધપુર, જયપુર અને ઉદયપુર સહિત અનેક શહેરોમાં ટીમો કાર્યરત છે. ટીમનું લક્ષ્ય 108 મંદિરોનું પુનઃસ્થાપન કરવાનું છે. અમદાવાદમાં એલિસબ્રિજ પાસે આવેલા 22 શિવલિંગ ધરાવતા ઐતિહાસિક મંદિરના પુનઃસ્થાપન માટે પણ ટીમ હેરિટેજ અને પુરાતત્વ વિભાગ સાથે ચર્ચા કરી રહી છે. એક પછી એક મંદિર, એક પછી એક વાવ અને એક પછી એક ઐતિહાસિક સ્થળ... કેટલાક યુવાનો પોતાના હાથથી ઇતિહાસને ફરી ઊભો કરી રહ્યા છે.

આ યુવાનોને બદલામાં શું મળે છે? ન તો મોટો પગાર, ન કોઈ રાજકીય પદ અને ન કોઈ ગ્લેમર. ક્યારેક તો માત્ર માટીથી ભરાયેલા કપડાં અને થાકેલું શરીર લઈને ઘરે પાછા ફરવું પડે છે. પરંતુ જ્યારે વર્ષો જૂની વાવમાંથી પાણી દેખાય, જ્યારે ખંડેર બનેલું મંદિર ફરી ઊભું થાય અને જ્યારે કોઈ બાળક પોતાના પૂર્વજોની ધરોહર વિશે જાણવા લાગે ત્યારે કદાચ એ જ તેમની સૌથી મોટી કમાણી છે.

આજે જ્યારે યુવાનોના જીવનમાં Screen Time સતત વધી રહ્યો છે, ત્યારે ટીમ રામદૂત Green Time વધારવાની વાત કરે છે. રીલ્સમાં ખોવાયેલી પેઢીને કુદરત સાથે ફરી પ્રેમ કરાવતા 70 વર્ષના 'ગ્રીન ગુરુ', બાળકોને ગમે છે મોબાઈલ લઈ લેતા આ દાદા! તેઓ મોબાઇલ છોડવાનું કહેતા નથી. તેઓ માત્ર એટલું કહે છે કે સ્ક્રીન પર ઇતિહાસ જોવાને બદલે ક્યારેક જમીન પર ઉતરીને ઇતિહાસ બચાવો. કારણ કે આવનારી પેઢીને જો માત્ર નવી ઈમારતો આપવી હોય તો શહેરો બનાવી શકાય, પરંતુ જો તેને પોતાની ઓળખ આપવી હોય તો વાવો, મંદિરો અને વારસો બચાવવો પડશે.
અને કદાચ આ જ 'ટીમ રામદૂત'ની સૌથી મોટી કહાની છે... તેઓ જૂની ઈમારતોનું માત્ર રિસ્ટોરેશન નથી કરી રહ્યા, તેઓ નવી પેઢીનું પોતાના મૂળ સાથેનું કનેક્શન રિસ્ટોર કરી રહ્યા છે
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT