ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / ગાંધીનગરના સમાચાર / સચિવાલયમાં MLA લખેલી કારની માથાકૂટ તો એક મોટા મંત્રીજી માટે આવી 'મીઠી મુસીબત', ગાંધીનગરમાં શું ચાલી રહ્યું છે?

Inside Story / સચિવાલયમાં MLA લખેલી કારની માથાકૂટ તો એક મોટા મંત્રીજી માટે આવી 'મીઠી મુસીબત', ગાંધીનગરમાં શું ચાલી રહ્યું છે?

Published By: Vishal Khamar
Reported By: Mehul Desai

Last Updated: 10:54 AM, 7 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એ તો સાતમ-આઠમની રજાઓ પૂરી થઈ અને ગાંધીનગર ધમધમતું થઈ ગ્યું. તમે રજાઓ કરી અને બીજી બાજુ ભાજપે ચૂંટણીનું બ્યુગલ વગાડી દીધું. હવે, તો Gen Z માટે રાજકીય પક્ષો ગાય છે, સબ ધૂંધલા ધૂંધલા લાગે, તુજ પે હી ફોકસ હૈ! તો બીજી બાાજુ ભાજપમાં ફરી એક લેટરકાંડ થયો. તમને કહું ને બધી વાતો, પણ જો જો તમે કોઈને કહેતા નહીં પાછા!

ADVERTISEMENT

ગુજરાતને મળશે મહિલા મુખ્ય સચિવ?

ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસ ડિસેમ્બરમાં નિવૃત્ત થઈ રહ્યા છે. એટલે હવે નવા મુખ્ય સચિવ કોણ એની ચર્ચા ચાલુ થઈ ચૂકી છે. કારણ કે, આગામી વર્ષ ગુજરાત માટે ખાસ છે. 2027માં રાજ્યની વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે, જે દરમિયાન મુખ્ય સચિવનો પદભાર કોને મળશે તે ખૂબ જ અગત્યનું છે. એમ. કે. દાસ બાદ બે અધિકારીઓ સિનિયોરિટીમાં આવે છે. સી. વી. સોમ અને એ. કે. સોલંકી. પણ આ બંને અધિકારીઓ બે મહિનામાં નિવૃત્ત થવાના છે, એટલે તેમના નામ મુખ્ય સચિવની રેસમાં નથી. આ બે અધિકારીઓ બાદ મહેસૂલ વિભાગના વર્તમાન અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવી અને સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા આવે છે. જેમાંથી જયંતી રવિ ઓગસ્ટ 2027માં નિવૃત્ત થશે, તો 1991ની બેચના અંજુ શર્મા 2029માં નિવૃત્ત થશે. એટલે હવે સરકાર લાંબા ગાળાનું વિચારે છે કે પછી કોઈ જુદી રણનીતિ છે. એના પર બધાની નજર છે. હા, કદાચ એમ. કે. દાસને એક્સટેન્શન મળે, એવું પણ ગાંધીનગરની ગલીઓમાં ચર્ચાઈ રહ્યું છે.

સ્વર્ણિમ સંકુલમાં MLA લખેલી કારની બબાલ!

સોમવાર અને મંગળવારે સચિવાલયમાં મંત્રીઓના કાર્યાલયમાં મુલાકાતીઓની સંખ્યા વધી જાય. કામની રજૂઆત માટે આ બે દિવસોએ સાંસદ અને ધારાસભ્યો પણ આવતા હોય છે. જો કે, ગયા મંગળવારે સ્વર્ણિમ સંકુલ એકમાં આવી જ સ્થિતિ માં બે 'મોટા' વ્યક્તિઓ ઝઘડી પડ્યા. પ્રોટોકોલ પ્રમાણે અધિકારી જ્યારે ઓફિસમાંથી નીકળે ત્યારે તેમની કાર નીચે ઉભી હોય. જો કે આ મંગળવારે અધિકારીની ગાડી નીકળે તે પહેલા ધારાસભ્યની ગાડી ઉભી હતી. અમદાવાદ જિલ્લાના આ સિનિયર ધારાસભ્યની મોટી ગાડી વચ્ચે ઉભી હતી જેને આગળ લઈ જવા બાબતે ધારાસભ્યના સિક્યોરિટી ગાર્ડ અને અધિકારીની ગાડીના ચાલક વચ્ચે ગાડી રાખવા બાબતે તકરાર થઈ હતી. પણ ધારાસભ્ય અને અધિકારી વચ્ચે તો બધું ઠીક જ છે!

હવે, Gen Z વગર છૂટકો નથી!

દિલ્હીમાં થયેલા Gen Z આંદોલને ઘણાં સમીકરણો બદલી નાંખ્યા છે. આંદોલન બાદ ભારતના વિવિધ રાજ્યો માં થયેલી વિધાનસભાની પેટા ચૂંટણી પણ સત્તાપક્ષ માટે લાલબત્તી સમાન સાબિત થઈ છે. ગુજરાત, યુપી સહિત દેશના પાંચ રાજ્યોમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ગુજરાતના નેતાઓ સીધા જ Gen Z પર ફોકસ કરી રહ્યા છે. કેન્દ્રીય ભાજપ ની બનેલી સમિતિ માં ગુજરાતમાં યુવાનો માં પોપ્યુલર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સ્થાન અપાયું છે. બીજી તરફ ગુજરાતમાં પણ નેતાઓ Gen Zની સાથે સંવાદ કરી રહ્યા છે. ગુજરાત ભાજપ ના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તાજેતરમાં જ Gen Z સાથે સંવાદ કર્યો હતો, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણGen Z સાથે સંવાદ કરતા જોવા મળ્યા હતા. મુદ્દાઓને બદલે Gen Zના મિત્ર બનવામાં રાજકીય પક્ષોને વધારે લાભ લાગી રહ્યો છે!

ભાજપમાં ફરી લેટરકાંડ

ગયા અઠવાડિયે કચ્છના ભાજપના જ એક નેતાનો પત્ર સોશિયલ મીડિયા પર વાઈરલ થયો. જેમાં ભાજપના જ નેતાઓ અને સમિતિના ચેરમેનને કોન્ટ્રાક્ટના બે ટકા રકમ આપવાના આક્ષેપો થયા છે. સોશિયલ મીડિયા પર સમાંતર ચર્ચા શરૂ થઈ કે લેટર ભલે કચ્છમાંથી વાઈરલ થયો હોય, પરંતુ આવું આખા ગુજરાતમાં ચાલે છે! આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ આવા મુદ્દાઓથી દૂર રહેવા માગે છે, નહીં તો ભ્રષ્ટાચારનો મામલો વિપક્ષ માટે હાજર હથિયાર બની જાય. એટલે આવા લેટરને અવગણવાની જગ્યાએ ગુજરાત ભાજપે એવા લોકોને દૂર કરવાનું શરૂ કરી દીધું છે, જે ભ્રષ્ટ્ચારનું લાંછન લઈને પક્ષની છબી બગાડે. ગુજરાત ભાજપની નજર દરેક જિલ્લામાં આવા પ્રશ્નો ઉપસ્થિત ન થાય તેના પર જ છે.

મંત્રીજીની મીઠી મુસીબત!

સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ડે. સીએમ હર્ષ સંઘવીની અધ્યક્ષતાવાળી કેબિનેટને 1 વર્ષ થઈ ગયું. પણ સરકારના સિનિયર મંત્રી કુંવરજી બાવળિયા માટે પરિસ્થિતિ વિચિત્ર બની છે. કુંવરજી બાવળિયા હાલ શ્રમ અને રોજગાર મંત્રાલય સંભાળે છે, આ પહેલા તેમની પાસે પાણી પુરવઠા વિભાગ હતો. જો કે, હવે તેમની પાસે આ વિભાગનો ચાર્જ ન હોવા છતાંય, સમગ્ર રાજ્યમાંથી અને ભાજપના કાર્યકર્તાઓ તેમને પાણી પુરવઠા અંગેની ફરિયાદ કરી રહ્યા છે. એટલે સુધી કે એક ધારાસભ્ય પણ તેમને આજ બાબતે મળવા આવ્યા હતા. પોતાનો વિભાગ ન હોવા છતાંય, આ ભલામણો કે ફરિયાદો આવે તો તેનું શું કરવું એની કુંવરજીને વિમાસણ હતી. પણ હવે તેઓ આ બધી જ ભલામણો સંબંધિત મંત્રીને મોકલી આપે છે.

ભાજપમાં ફૂંકાયું ચૂંટણીનું બ્યુગલ!

તમને ભળે લાગે કે હજી ચૂંટણીને એક વર્ષ કરતા વધુની વાર છે, પરંતુ કોર્પોરેટ કંપનીની જેમ કામ કરતા ભાજપે તો તૈયારીઓ આદરી દીધી છે. ગુજરાત ભાજપ પણ અત્યારથી જ ચૂંટણી મોડમાં આવી ગયું છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા જિલ્લાઓમાં પ્રવાસ કરી રહ્યા છે અને હવે નવા પ્રભારી તરૂણ ચૂગ પણ કામે ચડી ગયા છે. તેમણે પણ તબક્કાવાર જિલ્લામાં પ્રવાસ કરી ચૂંટણી પહેલા પક્ષના મુદ્દાઓ ઉકેલવાનું શરૂ કર્યું છે. જો કે, ચૂંટણી વર્ષ પહેલા આદિવાસી વિસ્તારોમાં પડકારો વચ્ચે નેતાઓ વચ્ચે અહમના ટકરાવના મુદ્દા તથા કેટલાક આંતરિક પ્રશ્નો ઉકેલવા ભાજપ માટે ચેલેન્જિંગ સાબિત થવાના છે.

એક્શન મોડમાં પ્રફુલ પાનશેરિયા!

મહારાષ્ટ્રના અધિકારી તુકારામ મુંઢેનું નામ કોઈથી અજાણ્યું નથી. એમની કામ કરવાની રીતથી મહારાષ્ટ્રમાં આખા ફૂડ બિઝનેસને અસર પહોંચી છે. હવે, ગુજરાતમાં કોઈ અધિકારી નહીં, પરંતુ ખુદ મંત્રીજી પણ આવો જ સપાટો બોલાવી રહ્યા છે. મંત્રી બન્યા બાદ પ્રફૂલ પાનશેરિયાએ ફૂડ એન્ડ ડ્રગ્સ સેક્ટરને ક્લીન કરવાની નેમ લીધી હતી, લાંબો સમય તેના પર કામ પણ કર્યું અને હવે છેલ્લા બે મહિનાથી ભેળસેળિયા વેપારીઓ સામે ગુજરાતમાં તવાઈ બોલાવાઈ છે. ભેળસેળ થયેલી ચીજો પકડવા સાથે ક્લોઝર નોટિસ પણ અપાઈ છે. ગુજરાત અને મહારાષ્ટ્ર માં ભેળસેળીયાઓ સામે થઈ રહેલી આ કાર્યવાહીની નોંધ લેવાઈ છે.

મંત્રીઓ મુખ્યમંત્રી જોડે શીખે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર આખા વિશ્વમાં થઈ છે. એક તબક્કે હોર્મુઝની ખાડી બંધ થવાના કારણે ફ્યુઅલની શોર્ટેજ સર્જાઈ હતી. જેને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પોતાના કાફલામાં ઘટાડો કર્યો હતો અને તમામ મંત્રીઓએ પોતાના પાયલોટીંગ કાર બંધ કરી હતી. જો કે, યુદ્ધની અસર ઘટતા હવે પરિસ્થિતિ બદલાઈ છે. જિલ્લામાં જતા મંત્રીઓએ પોતાનું પાયલોટિંગ લેવાની શરૂઆત કરી દીધી છે. પણ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હજુ પણ માત્ર ત્રણ જ ગાડીઓ ના કાફલા સાથે જ નીકળે છે. અમદાવાદ, ગાંધીનગર જ નહીં પણ અન્ય જિલ્લાઓમાં પણ મુખ્યમંત્રીના કાફલા માં ત્રણ જ વાહનો યથાવત રાખ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જોઈ અન્ય મંત્રીઓએ પણ શીખવું જરૂરી છે.

આ પણ વાંચોઃ કોંગ્રેસ-ભાજપ બંનેના કાર્યકર્તાઓ કહે છે,"કંઈક તો બદલાવાનું છે!" ગુજરાતના રાજકારણની ન જાણેલી વાતો!

પિતા, પુત્ર, પુત્રી - ગુજરાત સરકારમાં 'પરિવાર'

ગુજરાતમાં કૃષિ વિભાગના અગ્રસચિવ આર. સી. મીણા આજકાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. સચિવાલયમાં અધિકારીઓ અને કર્મચારીઓ તેમના પરિવારની ચર્ચા કરી રહ્યા છે. 1997ની બેચના આર. સી. મીણા કૃષિ વિભાગમાં અગ્રસચિવ છે. તેમના પુત્ર હર્ષિલ મીણા ને ગુજરાત કેડર માં મેરેજ ગ્રાઉન્ડ પર ટ્રાન્સફર મળી છે. આર. સી. મીણાના પુત્રી માનસી મીણા IPS તરીકે પહેલેથી જ ગુજરાતમાં પોસ્ટેડ છે. આમ, ગુજરાતના વિકાસમાં પિતા, પુત્ર અને પુત્રી ત્રણેય જણ મહત્વની ભૂમિકા ભજવવાના છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Chief Secretary woman Chief Secretary Gujarat Gujarat politics

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ