બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / રાજકોટના સમાચાર / સવારે 5 વાગે બાઈક લઈની નીકળી પડે છે આ મહિલા, એક ફોન કોલ પર બની જાય છે 'બર્ડ એમ્બ્યુલન્સ'

VTV Amazing / સવારે 5 વાગે બાઈક લઈની નીકળી પડે છે આ મહિલા, એક ફોન કોલ પર બની જાય છે 'બર્ડ એમ્બ્યુલન્સ'

Published By: Nidhi Panchal

Last Updated: 10:16 AM, 7 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉપલેટાની કોમ્પ્યુટર શિક્ષિકા ભક્તિ ચૌહાણની અનોખી જીવદયા: ચાઇનીઝ દોરીથી ઘાયલ પક્ષી હોય કે ગટરમાં ફસાયેલું બચ્ચું, રેસ્ક્યૂ માટે પહોંચી જાય છે; 250થી વધુ પક્ષીઓને આપી નવી જિંદગી, હવે ‘બર્ડ ICU’ બનાવવાનું સપનું

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સવારે 5 વાગ્યાનો સમય હોય છે. મોટાભાગના લોકોની ઊંઘ હજુ પૂરી થઈ રહી હોય છે, ત્યારે કોમ્પ્યુટર શિક્ષિકા ભક્તિ ચૌહાણ પોતાની દિવસની શરૂઆત કરી દે છે. તેમની બાઇક પર એક બાસ્કેટ અને મેડિકલ કિટ તૈયાર હોય છે. ક્યાંક ઘાયલ પક્ષી મળ્યું હોય, કોઈનું બચ્ચું માળામાંથી નીચે પડી ગયું હોય કે કોઈ પક્ષી દોરીમાં ફસાયું હોય, ફોન આવતાં જ ભક્તિબેન બાઇક લઈને નીકળી પડે છે.

ઉપલેટા અને આસપાસના 51થી 52 ગામોમાં હવે ભક્તિબેનનો ફોન નંબર જાણીતો બની ગયો છે. લોકો ઘાયલ પક્ષી જુએ એટલે તેમને જાણ કરે છે. કોઈ મોટી એમ્બ્યુલન્સ તો નથી, પરંતુ તેમની બાઇક જ જાણે અબોલ પક્ષીઓ માટે 'બર્ડ એમ્બ્યુલન્સ' બની ગઈ છે. સ્થળ પર સામાન્ય ઇજા હોય તો સારવાર કરે છે અને સ્થિતિ ગંભીર હોય તો પક્ષીને પોતાના 'કૃષ્ણ પક્ષી આશ્રમ'માં લઈ આવે છે.

ભક્તિબેન માટે આ સેવા કોઈ એક દિવસ કે એક સિઝન પૂરતી નથી. તેઓ એક તરફ કોલ્કી સ્થિત એચ.જી. તિલવા હાઈસ્કૂલમાં ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર ભણાવે છે અને બીજી તરફ છેલ્લા ઘણા વર્ષોથી અબોલ જીવોની સેવા કરી રહ્યાં છે. સવારે પક્ષીઓની સંભાળ, ત્યારબાદ શાળા અને સાંજે ફરી આશ્રમની જવાબદારી. તેમની આખી દિનચર્યા જ જીવદયાની આસપાસ ફરે છે.

પહેલાં શ્વાનની સેવા શરૂ કરી, પછી પક્ષીઓ માટે આશ્રમ બનાવ્યો

ભક્તિબેને 2020 પહેલાં રખડતા અને ઘાયલ શ્વાનોની સેવા શરૂ કરી હતી. શરૂઆતમાં કોઈ આશ્રયસ્થાન કે ખાસ સુવિધા નહોતી. તેઓ પોતાની બાઇક પર દિવસમાં ત્રણ વખત ફરતાં અને ઘાયલ શ્વાનોને દવા તથા ખોરાક આપતાં. લગભગ બે વર્ષ સુધી આ રીતે સેવા કર્યા બાદ ઉપલેટા નગરપાલિકાએ તેમને જગ્યા ફાળવી. સમય જતાં ઘાયલ પક્ષીઓની સંખ્યા પણ વધતી ગઈ અને પક્ષીઓ માટે અલગ વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાત અનુભવાઈ. ત્યારબાદ ભક્તિબેને 'કૃષ્ણ પક્ષી આશ્રમ' શરૂ કર્યો. આજે આ આશ્રમ અનેક ઘાયલ અને મુશ્કેલીમાં મુકાયેલા પક્ષીઓ માટે સુરક્ષિત સ્થળ બની ગયો છે. ભક્તિબેનની ગેરહાજરીમાં તેમની નાની બહેન આશ્રમની જવાબદારી સંભાળે છે. બંને બહેનો મળીને પક્ષીઓની સારવાર, ખોરાક અને સંભાળનું કામ કરે છે.

એક ફોન આવે એટલે બાઇક પર મેડિકલ કિટ લઈને નીકળી પડે છે

ઉપલેટા ઉપરાંત આસપાસના 51થી 52 ગામોમાંથી ભક્તિબેનને ઘાયલ પક્ષીઓ માટે ફોન આવે છે. તેમની બાઇક પર ખાસ બાસ્કેટ અને જરૂરી મેડિકલ કિટ હોય છે. માહિતી મળતાં જ તેઓ શક્ય તેટલી ઝડપથી સ્થળ પર પહોંચે છે. કોઈ પક્ષીને સામાન્ય ઇજા થઈ હોય તો સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવે છે. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત પક્ષીઓને આશ્રમમાં લાવીને સારવાર કરવામાં આવે છે. આ રીતે અત્યાર સુધીમાં 250થી વધુ પક્ષીઓને બચાવીને ફરી ખુલ્લા આકાશમાં ઉડવાની તક આપવામાં આવી છે. ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓ હોય કે ઉનાળાની ગરમીમાં નબળા પડી ગયેલા પક્ષીઓ... ચોમાસામાં ઇજાગ્રસ્ત કબૂતર, ચકલી, પોપટ અને અન્ય પક્ષીઓ પણ ભક્તિબેનના આશ્રમ સુધી પહોંચે છે.

માત્ર પક્ષીઓ જ નહીં, ઈંડા અને બચ્ચાંની પણ એટલી જ કાળજી

ઘાયલ પક્ષીઓની સારવાર ઉપરાંત ભક્તિબેનનું કામ ત્યારે વધુ મુશ્કેલ બની જાય છે જ્યારે કોઈ પક્ષીનું ઈંડું નીચે પડી જાય અથવા નાનું બચ્ચું માળામાંથી નીચે આવી જાય. આવા બચ્ચાંને તેઓ પોતાના ઘરે લઈ આવે છે. ખાસ હીટ લેમ્પની મદદથી તેમની સંભાળ રાખવામાં આવે છે. સવારે 6 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી દર 15થી 20 મિનિટે બચ્ચાંને ફીડિંગ કરાવવામાં આવે છે. જ્યાં સુધી બચ્ચું સ્વતંત્ર રીતે જીવવા માટે સક્ષમ ન બને ત્યાં સુધી તેની દેખરેખ રાખવામાં આવે છે.

ગટરમાં પડેલા મૈનાના બચ્ચાને બચાવવા બે કલાક સુધી રેસ્ક્યૂ

ભક્તિબેન માટે દરેક રેસ્ક્યૂ પાછળ એક અલગ અનુભવ છે. પરંતુ મૈનાના એક નાનકડા બચ્ચાનું રેસ્ક્યૂ તેઓ આજે પણ ભૂલી શકતાં નથી. એક વખત મૈનાનું બચ્ચું ગટરમાં પડી ગયું હતું. ગટર ઉપર સિમેન્ટ હોવાથી અંદર ઉતરીને તેને બહાર કાઢવું શક્ય નહોતું. ભક્તિબેને લગભગ બે કલાક સુધી અલગ-અલગ રીતે તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. આખરે તેઓ ગટર પાસે બેસી ગયા અને બચ્ચાનો અવાજ સાંભળવાનો પ્રયાસ કર્યો. જ્યારે અવાજ સંભળાયો ત્યારે તેમણે ઈંટો હટાવી હાથ અંદર નાખ્યો અને ચપટી વગાડવાનું શરૂ કર્યું. ધીમે-ધીમે બચ્ચું તેમના હાથ સુધી આવ્યું અને તેનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું. આ બચ્ચું હાલ પણ ભક્તિબેનની સંભાળ હેઠળ છે. સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તેને ફરી પ્રકૃતિમાં મુક્ત કરવામાં આવશે.

ઊંચા ઝાડ પર ફસાયેલા પક્ષી માટે વન વિભાગ અને ફાયર બ્રિગેડની મદદ

કેટલાક રેસ્ક્યૂ એવા હોય છે જ્યાં એકલા પહોંચવું શક્ય નથી. પક્ષી ઊંચા ઝાડ પર ફસાયું હોય, કોઈ ઇમારત પર અટવાયું હોય કે સ્થળ જોખમી હોય ત્યારે ભક્તિબેન વન વિભાગ અને ફાયર બ્રિગેડની મદદ લે છે. પક્ષીઓને સુરક્ષિત રહેઠાણ મળી રહે તે માટે તેઓ વર્ષના 365 દિવસ વિનામૂલ્યે પક્ષીઓના માળાઓનું પણ વિતરણ કરે છે. તેમનો પ્રયાસ છે કે પક્ષીઓ માટે માત્ર સારવારની વ્યવસ્થા ઊભી ન થાય, પરંતુ તેમને સુરક્ષિત રીતે રહેવા માટેનું સ્થળ પણ મળે.

આ પણ વાંચો : પિતાએ બસ-ટ્રેન, રસ્તા પર ગવડાવ્યું, આજે સવાર પડતા આખું અમદાવાદ તેના ગીતો સાંભળે છે!

હવે ઘાયલ પક્ષીઓ માટે 'બર્ડ ICU' બનાવવાનું સપનું

ભક્તિબેન હવે પક્ષીઓ માટે બર્ડ ICU બનાવવાનું સપનું જોઈ રહ્યાં છે. તેમના જણાવ્યા મુજબ, ઘણી વખત ગંભીર રીતે ઘાયલ પક્ષીઓ સમયસર યોગ્ય સારવાર અને જરૂરી સુવિધાના અભાવે બચી શકતા નથી. જો આધુનિક સારવારની સુવિધા સાથે બર્ડ ICU તૈયાર થાય તો ગંભીર હાલતમાં આવતા અનેક પક્ષીઓનો જીવ બચાવી શકાય તેમ છે. આ માટે તેઓ ભવિષ્યમાં વધુ સારી વ્યવસ્થા ઊભી કરવા માગે છે. ભક્તિબેનની કહાની માત્ર એક શિક્ષિકાની નથી, જે શાળામાં બાળકોને ભણાવે છે. શાળાના સમય પહેલાં અને પછી તેઓ એવા જીવો માટે દોડી રહ્યા છે, જેઓ પોતાની પીડા કહી શકતા નથી અને મદદ માટે કોઈને ફોન પણ કરી શકતા નથી.

એક ફોન આવે એટલે બાઇક પર નીકળી પડતી ભક્તિબેન માટે કદાચ આ રોજિંદી કામગીરી છે, પરંતુ 52 જેટલા ગામોમાં કોઈ ઘાયલ પક્ષીને ફરી આકાશમાં ઉડવાની તક મળે ત્યારે તેમની આ બાઇક ખરેખર એક એવી 'બર્ડ એમ્બ્યુલન્સ' બની જાય છે, જેની પાછળ કોઈ સ્વાર્થ નથી-માત્ર એક અબોલ જીવને બચાવવાની લાગણી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Serving injured bird Teacher unique Rajkot news

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ