ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / પિતાએ બસ-ટ્રેન, રસ્તા પર ગવડાવ્યું, આજે સવાર પડતા આખું અમદાવાદ તેના ગીતો સાંભળે છે!

VTV Amazing / પિતાએ બસ-ટ્રેન, રસ્તા પર ગવડાવ્યું, આજે સવાર પડતા આખું અમદાવાદ તેના ગીતો સાંભળે છે!

Published By: Nidhi Panchal

Last Updated: 09:00 AM, 24 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરિલના પિતા માત્ર સંગીતપ્રેમી નહોતા, તેઓ દીકરામાંથી સ્ટેજનો ડર કાઢવા માટે અનોખી રીત અપનાવતા. બસમાં મુસાફરી હોય, ટ્રેનમાં બેઠા હોય, રસ્તા પર ચાલતા હોય કે ઓફિસમાં... જ્યાં તક મળે ત્યાં તેઓ સુરિલને ગીત ગવડાવતા. તેમનો એક જ નિયમ હતો "ગીત આવડે એટલે ગાવાનું... લોકો શું વિચારે એની ચિંતા નહીં કરવી."

ADVERTISEMENT

અમદાવાદની પોળોમાં જો તમે વહેલી સવારે ફરવા નીકળો, તો કદાચ કોઈ મધુર અવાજ તમારા પગલાં થંભાવી દે એવું બને. હાથમાં કોઈ માઇક નહીં, સામે કોઈ સ્ટેજ નહીં, છતાં દરેક સૂર સીધો દિલ સુધી પહોંચે. આ અવાજ છે સુરિલ કાપડિયાનો. હેરિટેજ વૉક દરમિયાન તેઓ જ્યારે ઐતિહાસિક પોળ, ચોક અને મંદિરો વચ્ચે ગુજરાતી ગીતો ગાય છે, ત્યારે માત્ર સંગીત નહીં, પરંતુ અમદાવાદનો જીવંત વારસો પણ ગુંજી ઊઠે છે. આજે હજારો લોકોને રાહ જોવડાવતા આ અવાજ માટે એક સમય એવો પણ હતો, જ્યારે ગીત ગાવાની તો વાત જ દૂર, સ્ટેજ પર ઊભા રહેવાનો પણ ડર લાગતો હતો.

i-am-soori

સંગીત નહોતું શીખવું પણ..!

સુરિલ કાપડિયાનો જન્મ અને ઉછેર અમદાવાદમાં થયો. બાળપણમાં તેઓ ખૂબ જ શરમાળ સ્વભાવના હતા. સંગીત પ્રત્યે ખાસ રસ નહોતો, પરંતુ તેમના પિતા મનીષ કાપડિયાએ નક્કી કરી લીધું હતું કે દીકરો સંગીત શીખશે જ. સુરિલને ગુરુ દિવ્યાંગ ઠાકર પાસે લઈ જવામાં આવ્યા. પહેલી જ મુલાકાતે ગુરુજીની સામે બેઠેલા સુરિલને લાગ્યું કે સામે કોઈ સામાન્ય વ્યક્તિ નહીં, પરંતુ કોઈ દિવ્ય શક્તિ બેઠી છે. જ્યારે ગુરુજીએ પ્રથમ સૂર ગવડાવ્યો અને તેમના ગળામાંથી પણ એ જ સૂર સહજ રીતે નીકળ્યો, ત્યારે પહેલીવાર તેમને પોતાની અંદર છુપાયેલા સંગીતનો અહેસાસ થયો. બસ... એ જ ક્ષણથી તેમની જિંદગીની દિશા બદલાઈ ગઈ.

બસ, ટ્રેન કે રોડ પર, પપ્પા બધે જ ગવડાવતા!

સુરિલના પિતા માત્ર સંગીતપ્રેમી નહોતા, તેઓ દીકરામાંથી સ્ટેજનો ડર કાઢવા માટે અનોખી રીત અપનાવતા. બસમાં મુસાફરી હોય, ટ્રેનમાં બેઠા હોય, રસ્તા પર ચાલતા હોય કે ઓફિસમાં... જ્યાં તક મળે ત્યાં તેઓ સુરિલને ગીત ગવડાવતા. તેમનો એક જ નિયમ હતો "ગીત આવડે એટલે ગાવાનું... લોકો શું વિચારે એની ચિંતા નહીં કરવી." આ જ પ્રેક્ટિસે આજે સુરિલને હજારો લોકો સામે નિર્ભયતાથી ગાવાની શક્તિ આપી.

પપ્પાનો એ ફોન કોલ....

સુરિલ પોતાના બાળપણની એક ઘટના આજે પણ હસતાં-હસતાં યાદ કરે છે. એક વખત તેમના પિતા મુંબઈ ગયા હતા. તે સમય મોબાઇલનો નહોતો. આખો દિવસ તેઓ પિતાના ફોનની રાહ જોતા રહ્યા. જ્યારે આખરે ફોન આવ્યો, ત્યારે લાગ્યું કે હવે લાંબી વાત થશે. પરંતુ પિતાએ ફોન પર કહ્યું,"મારી સાથે એક મલયાલી મિત્ર બેઠા છે... ચાલ, એમના માટે એક મલયાલમ ગીત ગાઈ બતાવ." મનમાં તો થયું કે આખો દિવસ વાત કરવાની રાહ જોઈ અને હવે ગીત ગાવાનું! પણ પિતાની વાત ટાળી શકાય એવી નહોતી.

Infographic_IG_3

પપ્પાએ આકરી તાલીમ આપી

પિતાની તાલીમ માત્ર ગમે ત્યાં ગીતો ગવડાવવાથી અટકતી નહોતી. રાત્રે તાનપુરા અને તબલાનું મશીન ચાલુ કરીને તેઓ ખૂબ જ ઝડપી ગતિએ સૂર ગાતા અને સુરિલને એ સૂર તરત જ પકડવાનો પડકાર આપતા. આ કઠોર તાલીમે તેમની સંગીત સમજને એવી ઘડી કે આજે મુશ્કેલથી મુશ્કેલ રાગ પણ તેઓ સરળતાથી ગાઈ શકે છે. સંગીતનો વારસો માત્ર પિતા પાસેથી જ નહીં, માતા પારુલ કાપડિયા પાસેથી પણ મળ્યો. તેઓ આકાશવાણી અમદાવાદ સાથે વર્ષો સુધી જોડાયેલા રહ્યા હતા અને ગરબા ગાયક તરીકે જાણીતા હતા.

આ પણ વાંચો : ગુજરાતની દીકરીએ બનાવી એવી કીટ કે પશુની પ્રેગ્નેન્સીનો 5 મિનિટમાં મળી જશે જવાબ, લાખો પશુપાલકોને થશે સીધો ફાયદો

ભણવામાં પાછળ... પણ સંગીતમાં હંમેશા પહેલા નંબર પર

શાળા અને કોલેજના દિવસોમાં સુરિલ ઘણી વખત અભ્યાસમાં નિષ્ફળ રહ્યા. પરંતુ સંગીતની સ્પર્ધાઓમાં હંમેશા પ્રથમ સ્થાન મેળવતા. મ્યુઝિક પરીક્ષામાં 90 ટકાથી વધુ ગુણ લાવનાર સુરિલે બાદમાં 'સંગીત વિશારદ' પૂર્ણ કર્યું અને વર્ષ 2022માં 'સંગીત અલંકાર'ની પદવી મેળવી.

i-am

ધ્રુવ ભટ્ટ સાથેની મુલાકાતે દિશા આપી

સુરિલની બહેન અને અભિનેત્રી સોની ભટ્ટ દ્વારા તેમની મુલાકાત જાણીતા સાહિત્યકાર ધ્રુવ ભટ્ટ સાથે થઈ. ધ્રુવ ભટ્ટના સાહિત્ય અને ખાસ કરીને બંગાળના 'બાઉલ સંગીત'થી પ્રભાવિત થઈ સુરિલને એક નવી દિશા મળી. તેમણે વિચાર્યું જો બંગાળની ગલીઓમાં બાઉલ સંગીત ગુંજી શકે, તો અમદાવાદની પોળોમાં ગુજરાતી ગીતો કેમ નહીં? આ વિચારમાંથી જન્મી 'મ્યુઝિકલ હેરિટેજ વૉક'. સુરિલ અમદાવાદની પોળો, ચોક અને ઐતિહાસિક સ્થળો પર ચાલતાં-ચાલતાં ગીતો ગાય છે. દલપતરામ ચોક પહોંચે ત્યારે ત્યાંનું ગીત... બીજા સ્થળે પહોંચે ત્યારે તે સ્થળને અનુરૂપ રચના... દરેક ગીત સાથે લોકો માત્ર સંગીત નહીં, પરંતુ શહેરનો ઇતિહાસ પણ અનુભવે છે.

Infographic_IG_1

પહેલા ડર હતો કે લોકો શું કહેશે... આજે લોકો બારીમાં રાહ જુએ છે!

સુરિલ કહે છે કે શરૂઆતમાં સૌથી મોટો ડર એ હતો કે લોકો ડિસ્ટર્બ તો નહીં થાય? પરંતુ આજે દૃશ્ય બિલકુલ બદલાઈ ગયું છે. અમદાવાદની અનેક પોળોમાં લોકો સવારે તેમની રાહ જુએ છે. ઘણા ઘરોમાં માતા-પિતા બાળકોને બારી પાસે બેસાડે છે... "હમણાં સુરિલભાઈ આવશે..." લોકો ચા-નાસ્તા સાથે તેમનું સંગીત સાંભળે છે. સુરિલ કહે છે, "લોકોનો આ પ્રેમ જ આજે મારું સૌથી મોટું ઇંધણ છે."

આ પણ વાંચો : સિલ્વર મેડલિસ્ટ એન્જિનિયરે કોર્પોરેટ લાઈફ છોડી, એક જ ટેક્સીથી શરૂ કર્યો બિઝનેસ, આજે 19 રાજ્યોમાં ફેલાયેલી છે કેબ કંપની

ગુરુ પ્રત્યે સમર્પણ

સુરિલના ગુરુ ગુરુ દિવ્યાંગ ઠાકરનું ગયા વર્ષે અવસાન થયું. પરંતુ સુરિલ માને છે કે ગુરુ ક્યારેય જતા નથી. તેમના દરેક સૂરમાં, દરેક પ્રસ્તુતિમાં અને દરેક હેરિટેજ વૉકમાં આજે પણ ગુરુનો આશીર્વાદ તેમની સાથે છે. આજે સુરિલ કાપડિયા માત્ર ગાયક નથી. તેઓ અમદાવાદની સંસ્કૃતિ, ગુજરાતી ભાષા અને સંગીતને નવી પેઢી સુધી પહોંચાડતા એક જીવંત વારસાના દૂત બની ગયા છે. એક શરમાળ બાળકથી શરૂ થયેલી સફર આજે હજારો લોકોના દિવસની સૌથી મધુર શરૂઆત બની ગઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Heritage Walk Gujarati Singer Suril Kapadia

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ