ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સુમુલ ડેરીએ વધાર્યા દૂધના ભાવ, આજે બપોરથી નવા ભાવ લાગુ!
Last Updated: 11:13 AM, 19 November 2026
ADVERTISEMENT
સુરત સહિત દક્ષિણ ગુજરાતના દૂધ ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. પેટ્રોલ-ડીઝલથી લઈને શાકભાજી અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ વધારા વચ્ચે હવે દૂધ પણ મોંઘું થયું છે. સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અલગ-અલગ પ્રકારના દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2થી ₹6 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ નવા ભાવ 19 નવેમ્બર બપોરથી અમલી બનશે. દૂધના ભાવમાં થયેલા આ વધારાની સીધી અસર સુરત અને દક્ષિણ ગુજરાતના આશરે 85 લાખ લોકોના ઘરખર્ચ પર પડવાની છે.
ADVERTISEMENT

સુમુલ ડેરી દ્વારા કરવામાં આવેલા ભાવ વધારામાં સૌથી વધુ વેચાતા અમૂલ ગોલ્ડ દૂધનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધી અમૂલ ગોલ્ડના એક લિટર પેકેટ માટે ગ્રાહકોએ ₹72 ચૂકવવા પડતા હતા, પરંતુ હવે તેના માટે ₹76 ચૂકવવા પડશે. એટલે કે એક લિટર અમૂલ ગોલ્ડના ભાવમાં ₹4નો વધારો થયો છે. બીજી તરફ, અમૂલ બફેલો મિલ્ક એટલે કે ભેંસના દૂધના ભાવમાં સૌથી વધુ ₹6નો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ એક લિટર ભેંસના દૂધની કિંમત ₹78 હતી, જે હવે વધીને ₹84 થઈ ગઈ છે.
ADVERTISEMENT
આ ઉપરાંત સુમુલ ગાયના દૂધના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ₹30માં મળતું ગાયનું દૂધ હવે ₹32માં મળશે. જ્યારે અમૂલ શક્તિ દૂધના ભાવમાં પણ વધારો થયો છે. અગાઉ ₹33માં મળતા અમૂલ શક્તિના ભાવ હવે વધીને ₹34થી ₹35 સુધી થયા છે. આમ, અલગ-અલગ પ્રકારના દૂધના ભાવમાં વધારો થતાં રોજ દૂધ ખરીદતા પરિવારોના માસિક બજેટ પર તેની અસર જોવા મળશે.
ADVERTISEMENT
નોંધનીય છે કે ચાલુ વર્ષ 2026માં મે મહિના બાદ ફરી એકવાર દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ વખતે સુમુલ ડેરી દ્વારા કરવામાં આવેલા ભાવવધારાની અસર સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના આશરે 85 લાખ લોકો પર પડશે. ખાસ કરીને રોજિંદા વપરાશમાં દૂધનો સમાવેશ થતો હોવાથી મધ્યમ વર્ગ અને સામાન્ય પરિવારોના ઘરખર્ચમાં વધારો થશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
દૂધના ભાવમાં વધારાને લઈને દક્ષિણ ગુજરાતના ખેડૂત આગેવાન જયેશ પટેલ અને જય સદિયારે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમના જણાવ્યા અનુસાર, અમૂલ દૂધના ભાવ વધ્યા બાદ સુમુલ ડેરી દ્વારા પણ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ ભાવવધારા પાછળનું મુખ્ય કારણ પશુપાલનના ખર્ચમાં થયેલો વધારો છે. પશુઓને આપવામાં આવતા ઘાસચારા અને પશુ આહારના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.
ADVERTISEMENT
ખેડૂત આગેવાનના જણાવ્યા અનુસાર, પશુ આહારના ભાવમાં પ્રતિ કિલો આશરે ₹3નો વધારો થયો છે. તેના કારણે એક પશુ પાછળ દરરોજ સરેરાશ ₹20થી ₹25 જેટલો વધારાનો ખર્ચ થઈ રહ્યો છે. આ ઉપરાંત આ વર્ષે ઓછા વરસાદને કારણે સૂકા અને લીલા બંને પ્રકારના ઘાસચારાના ભાવમાં વધારો થયો છે. પશુ આહારમાં વપરાતા અનાજના ભાવ પણ મોંઘા થયા છે. આ તમામ કારણોને લીધે પશુઓના દૂધ ઉત્પાદન પાછળનો ખર્ચ વધી રહ્યો છે અને તેના કારણે દૂધના ભાવમાં વધારો કરવો જરૂરી બન્યો હોવાનું ખેડૂત આગેવાને જણાવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુમુલ ડેરી છેલ્લા 75 વર્ષથી સુરત શહેરના નાગરિકોને પોષક દૂધ પૂરું પાડી રહી છે અને બજારમાં દૂધનો પૂરતો પુરવઠો જાળવી રહી છે. પશુપાલકોને ટકાવી રાખવા માટે દૂધના ભાવમાં કરવામાં આવેલા વધારાને ગ્રાહકોએ સ્વીકારવો જોઈએ તેવી અપીલ પણ કરવામાં આવી છે. તેમના મતે, દૂધના ભાવમાં થયેલો વધારો પશુપાલકોના વધેલા ખર્ચને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.
દૂધના નવા ભાવ મુજબ, અમૂલ ગોલ્ડના એક લિટરનો ભાવ ₹72થી વધીને ₹76 થયો છે. અમૂલ બફેલો મિલ્ક (ભેંસનું દૂધ)નો ભાવ ₹78થી વધીને ₹84 થયો છે. જ્યારે સુમુલ ગાયના દૂધનો ભાવ ₹30થી વધીને ₹32 થયો છે. આ ઉપરાંત અમૂલ શક્તિના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ₹33માં મળતું અમૂલ શક્તિ દૂધ હવે ₹34માં મળશે. એક તરફ પશુપાલકોને ઘાસચારો અને પશુ આહાર મોંઘો પડતાં દૂધ ઉત્પાદનનો ખર્ચ વધી રહ્યો છે, તો બીજી તરફ ગ્રાહકોને હવે દૂધ ખરીદવા માટે વધુ રૂપિયા ચૂકવવા પડશે. 19 નવેમ્બર બપોરથી નવા ભાવ લાગુ થતાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના લાખો પરિવારોના ઘરખર્ચમાં વધુ એક વધારો નોંધાશે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.