ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, મોહમ્મદ યુનુસના ઘર પર આગચંપી અને અનેક જિલ્લાઓમાં બોમ્બ ધડાકા!
Last Updated: 09:27 AM, 19 November 2026
ADVERTISEMENT
બાંગ્લાદેશમાં ફરી એકવાર એવી સ્થિતિ સર્જાઈ છે કે દેશભરમાં તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. ક્યાંક બોમ્બ બ્લાસ્ટ થઈ રહ્યા છે, તો ક્યાંક રાજકીય નેતાઓનાં ઘરો અને બેંકની શાખાઓને આગને હવાલે કરવામાં આવી રહી છે. રાજકીય પક્ષો વચ્ચેનો સંઘર્ષ હવે રસ્તાઓ પર જોવા મળી રહ્યો છે. ભૂતપૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાના પ્રતિબંધિત અવામી લીગ પક્ષ દ્વારા લોકડાઉનનું એલાન કરવામાં આવે તે પહેલાં જ દેશના અનેક વિસ્તારોમાં હિંસા અને આગચંપીની ઘટનાઓ સામે આવી છે. રાજધાની ઢાકામાં પણ અનેક ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટકોના ધડાકા થતાં સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે.
ADVERTISEMENT

છેલ્લા બે દિવસમાં દેશના વિવિધ વિસ્તારોમાં વચગાળાની સરકારના ભૂતપૂર્વ વડા મોહમ્મદ યુનુસ સાથે જોડાયેલી ગ્રામીણ બેંકની અનેક શાખાઓને નિશાન બનાવવામાં આવી છે. સિલહટ, રાજશાહી, બરીસાલ અને ફરીદપુરમાં બેંકની શાખાઓમાં આગ લગાડવામાં આવી હોવાના અહેવાલ છે. આ ઉપરાંત, અજાણ્યા હુમલાખોરોએ ચિત્તાગોંગના પંચલાઈસ વિસ્તારમાં મોહમ્મદ યુનુસના પૈતૃક ઘરને પણ આગ ચાંપી દીધી હતી. બીજી તરફ, અખબારી અહેવાલો અનુસાર, વડાપ્રધાન તારિક રહેમાનની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના કાર્યકરોએ રાત્રિના સમયે ઢાકામાં અવામી લીગના બે નેતાઓનાં ઘર પર હુમલો કરીને આગ લગાવી દીધી હતી.
ADVERTISEMENT
દેશના 64 વહીવટી જિલ્લાઓમાંથી 28 જિલ્લાઓમાં ડઝનબંધ ઇમ્પ્રુવાઇઝ્ડ બોમ્બ વિસ્ફોટ થયા હોવાના અહેવાલ છે. આ ઉપરાંત અનેક વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી છે. ઢાકામાં અત્યાર સુધી થયેલી હિંસામાં ઓછામાં ઓછા ચાર લોકો ઘાયલ થયા છે. પશ્ચિમી નરેલ જિલ્લામાં અવામી લીગના કાર્યકરોએ BNPની માર્ચ પર હુમલો કર્યો હતો. આ અથડામણમાં સ્થાનિક શાસક પક્ષના બે નેતાઓનાં મોત થયાં હતાં. જ્યારે ફરીદપુર અને પીરોજપુરમાં BNPના એક નેતા અને એક પરિવહન કર્મચારીનું પણ મોત થયું છે. આ ઘટનાઓને કારણે રાજકીય તણાવ વધુ વધી ગયો છે.
ADVERTISEMENT
બાંગ્લાદેશમાં હાલની હિંસા પાછળ શેખ હસીનાની વાપસીનું એલાન પણ એક મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. 5 ઓગસ્ટ, 2024ના રોજ વિદ્યાર્થી આંદોલન એટલે કે 'જુલાઈ બળવા' બાદ સત્તા પરથી હાંકી કાઢવામાં આવ્યા ત્યારથી શેખ હસીના ભારતમાં રહે છે. માનવતા વિરુદ્ધના ગુનાઓના આરોપમાં ખાસ ટ્રિબ્યુનલે ગયા વર્ષે તેમની ગેરહાજરીમાં મૃત્યુદંડની સજા સંભળાવી હતી. આ સજાની વર્ષગાંઠ નિમિત્તે અવામી લીગે લોકડાઉનનું આહ્વાન કર્યું છે.
ADVERTISEMENT
આ મહિનાની શરૂઆતમાં શેખ હસીનાએ જાહેરાત કરી હતી કે તેઓ મૃત્યુદંડની સજાની પરવા કર્યા વિના ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરશે. આ જાહેરાત બાદથી જ દેશમાં રાજકીય તણાવ વધવા લાગ્યો હતો. મંગળવારે લગભગ 30 શંકાસ્પદ સમર્થકોની ધરપકડ કરવામાં આવ્યા બાદ સેંકડો લોકોએ તેમના વતન તુંગીપરામાં આવેલા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. સ્થિતિ એવી બની હતી કે પોલીસે સુરક્ષાના કારણોસર પોલીસ સ્ટેશન ખાલી કરવાની ફરજ પડી હતી.
ADVERTISEMENT
બુધવારે રાત્રે બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાને લોકશાહી દળોને એક થવાની અપીલ કરી હતી. તેમણે અવામી લીગને 'આતંકવાદી સંગઠન' અને 'પરાજિત ફાસીવાદી બળ' ગણાવ્યું હતું. મંગળવારે રાત્રે સંસદમાં સંબોધન દરમિયાન તેમણે કહ્યું હતું કે, 2024માં જે રીતે નિરંકુશ દળોને દેશમાંથી હાંકી કાઢવા માટે લોકો એક થયા હતા, તેવી જ રીતે ફરી એકવાર એક થઈને તેમની નિર્ણાયક હાર સુનિશ્ચિત કરવી જોઈએ. 'ધ ડેઇલી સ્ટાર'ના અહેવાલ અનુસાર, તારિક રહેમાને સાંસદોને માત્ર સરકારી તંત્ર પર આધાર રાખવાને બદલે લોકોની વચ્ચે રસ્તા પર ઉતરવાની અપીલ પણ કરી હતી.
ADVERTISEMENT
દેશમાં હિંસક ઘટનાઓને કાબૂમાં લેવા માટે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. શેખ હસીનાના જન્મસ્થળ ગોપાલગંજ સહિત સંવેદનશીલ જિલ્લાઓમાં હજારો અર્ધલશ્કરી બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. બીજી તરફ, પોલીસે 24 કલાક સુધી ચલાવેલા વિશેષ ઓપરેશન દરમિયાન એકલા ઢાકામાંથી 565 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા લોકોમાં શેખ હસીનાની કેબિનેટમાં શિક્ષણ મંત્રી રહી ચૂકેલા નુરુલ ઇસ્લામ નાહિદનો પણ સમાવેશ થાય છે.
ગૃહમંત્રી સલાહુદ્દીન અહેમદે આ મામલે નિવેદન આપતાં જણાવ્યું છે કે, ઓડિયો અને વીડિયો પુરાવાના આધારે હિંસા અને તોડફોડમાં સામેલ બદમાશો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે મોહમ્મદ યુનુસના કાર્યકાળ દરમિયાન 2024માં શેખ હસીના સરકારના પતન બાદ અવામી લીગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ દરમિયાન બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનના ધનમોન્ડી સ્થિત નિવાસસ્થાન અને 1971ના મુક્તિ સંગ્રામ સાથે જોડાયેલા સ્મારકોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. હવે ફરી એકવાર રાજકીય હિંસા, બોમ્બ બ્લાસ્ટ અને આગચંપીની ઘટનાઓએ બાંગ્લાદેશને અશાંતિ તરફ ધકેલી દીધું છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.