ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / VTV વિશેષ / ગુજરાતની દીકરીએ બનાવી એવી કીટ કે પશુની પ્રેગ્નેન્સીનો 5 મિનિટમાં મળી જશે જવાબ, લાખો પશુપાલકોને થશે સીધો ફાયદો
Last Updated: 10:34 AM, 18 July 2026
ADVERTISEMENT
ગામડામાં પશુપાલન કરતા કોઈપણ ખેડૂતને પૂછો કે સૌથી મોટી મુશ્કેલી કઈ? તો મોટાભાગે જવાબ એક જ મળશે- "ગાય કે ભેંસ ગાભણ રહી કે નહીં, એની ખબર જ બહુ મોડે પડે છે." આ પ્રશ્ન માત્ર એક પશુની પ્રેગ્નન્સીનો નથી, પરંતુ આખા પરિવારની આવક સાથે જોડાયેલો છે. એક તરફ પશુ માટે રોજનો ચારો, દવાઓ, દેખરેખ અને મજૂરીનો ખર્ચ ચાલુ રહે છે, બીજી તરફ મહિનાઓ સુધી એ પણ ખબર પડતી નથી કે ગર્ભ રહ્યો છે કે નહીં. ત્રણ મહિના પછી ખબર પડે કે પશુ ખાલી છે, તો એટલા સમયનો ખર્ચ, મહેનત અને આશા- ત્રણેય પર પાણી ફરી વળે. એક આખા પરિવારની આશાઓ તૂટે છે, આવક વેડફાય છે અને પશુએ પણ સહન કરવું પડે છે.
ADVERTISEMENT

વર્ષોથી દેશના લાખો પશુપાલકો માટે આ એક મોટી સમસ્યા હતી. પરંતુ હવે ગુજરાતની એક યુવતીએ આ સમસ્યાનો એવો ઉકેલ શોધ્યો છે, જે પશુપાલન ક્ષેત્રની કાર્યપદ્ધતિ જ બદલી શકે છે. અમદાવાદ સ્થિત સ્ટાર્ટઅપ બિગ નેનો વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર અને CEO કોમલ કલંત્રી અને તેમની ટીમે ગાય અને ભેંસ માટે બ્લડ-બેઝ્ડ અર્લી પ્રેગ્નન્સી ડિટેક્શન કીટ વિકસાવી છે. આ કીટ દ્વારા કૃત્રિમ ગર્ભાધાન અથવા સંવનન બાદ માત્ર 28 દિવસમાં પશુ ગર્ભવતી છે કે નહીં તેની જાણકારી મેળવી શકાય છે. પરિણામ માટે માત્ર 5 મિનિટ રાહ જોવી પડે છે. આ શોધ માત્ર એક નવી પ્રોડક્ટ નથી, પરંતુ સમય, ખર્ચ અને પશુ કલ્યાણ- ત્રણેયને એકસાથે સ્પર્શતી ટેક્નોલોજી છે
ADVERTISEMENT
આપણે સામાન્ય રીતે ખેતીમાં પાક નિષ્ફળ જવાની વાત કરીએ છીએ, પરંતુ પશુપાલનમાં પણ આ સમસ્યાને કારણે દર વર્ષે હજારો કરોડનું નુકસાન થતું હોવાનો અંદાજ છે. ધારો કે કોઈ પશુપાલકે પોતાની ગાયને કૃત્રિમ ગર્ભાધાન કરાવ્યું. ત્યારથી તે ગાયને વિશેષ સંભાળ આપવાનું શરૂ કરે છે. પૌષ્ટિક ચારો, નિયમિત દેખરેખ, દવાઓ અને અન્ય ખર્ચ ચાલુ રહે છે. પરંતુ લાંબા સમય સુધી તેને ખબર જ પડતી નથી કે ગર્ભ રહ્યો છે કે નહીં. જો પાછળથી ખબર પડે કે પશુ ગર્ભવતી જ નહોતું, તો આખો સમય અને ખર્ચ બંને વેડફાઈ જાય છે. ત્યારબાદ ફરીથી આખી પ્રક્રિયા શરૂ કરવી પડે છે. પરિણામે પશુનું પ્રજનન ચક્ર પણ પાછળ ધકેલાઈ જાય છે અને દૂધ ઉત્પાદન પર પણ તેની સીધી અસર પડે છે. પશુપાલન ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતોના અંદાજ પ્રમાણે, ગર્ભાવસ્થાની મોડી જાણકારી અને લાંબા સમય સુધી પશુ ખાલી રહેવાને કારણે દેશના ડેરી ક્ષેત્રને દર વર્ષે મોટું આર્થિક નુકસાન સહન કરવું પડે છે.
ADVERTISEMENT
હાલમાં પશુઓમાં ગર્ભની પુષ્ટિ માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી પદ્ધતિ રેક્ટલ પરીક્ષણ છે. તેમાં પ્રશિક્ષિત પશુચિકિત્સક ગર્ભાશયની સ્થિતિ તપાસીને પશુ ગર્ભવતી છે કે નહીં તેનો અંદાજ લગાવે છે. આ પદ્ધતિ વર્ષોથી સફળતાપૂર્વક ઉપયોગમાં લેવામાં આવે છે, પરંતુ તેની પોતાની મર્યાદાઓ છે. સૌથી મોટી મર્યાદા એ છે કે સામાન્ય રીતે આ પ્રકારની તપાસ માટે સંવનન બાદ લગભગ 60થી 90 દિવસ જેટલો સમય પસાર થવો જરૂરી બને છે. એટલે પશુપાલકને લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. જો પશુ ગર્ભવતી ન હોય, તો તે સમય દરમિયાન થયેલો ખર્ચ પાછો આવતો નથી.
ADVERTISEMENT
કોમલ કલંત્રી કહે છે કે પશુપાલન ક્ષેત્રમાં કામ કરતી વખતે તેમને સતત એક જ પ્રશ્ન સાંભળવા મળતો હતો- "વહેલી ખબર પડે એવું કોઈ સાધન કેમ નથી?" માણસ માટે ઘરે બેઠા પ્રેગ્નન્સી ટેસ્ટ કીટ ઉપલબ્ધ છે, પરંતુ ગાય અને ભેંસ માટે એવી સરળ અને ઝડપથી પરિણામ આપતી વ્યવસ્થા કેમ ન હોઈ શકે? આ જ વિચારથી તેમની ટીમે સંશોધન શરૂ કર્યું. લાંબા સમય સુધી વિવિધ પ્રકારના બાયોમાર્કર્સ, એન્ટિબોડી આધારિત ટેક્નોલોજી અને ફિલ્ડ ટ્રાયલ પર કામ કર્યા બાદ એક એવી બ્લડ-બેઝ્ડ કીટ તૈયાર કરવામાં આવી, જે કંપનીના જણાવ્યા મુજબ પશુના લોહીમાં ગર્ભાવસ્થા સાથે સંબંધિત ચોક્કસ પ્રોટીન ઓળખીને પરિણામ આપે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
નવી ટેક્નોલોજીનું નામ સાંભળીને કોઈને પણ એમ લાગે કે કદાચ તેનો ઉપયોગ ખૂબ જ અઘરો હશે. પરંતુ આ કીટની સૌથી મોટી ખાસિયત એ છે કે તેનો ઉપયોગ સામાન્ય પશુપાલક પણ સરળતાથી કરી શકે છે. કોઈ મોટી લેબોરેટરી નહીં. કોઈ મોંઘા મશીન નહીં. કોઈ લાંબી પ્રક્રિયા નહીં. માત્ર લોહીનું એક ડ્રોપ, કીટમાં આપવામાં આવેલા સોલ્યુશનના થોડા ટીપાં અને પાંચ મિનિટની રાહ. પછી કીટ પર દેખાતી લાઇનોના આધારે પરિણામ જાણી શકાય છે. આ સમગ્ર પ્રક્રિયા ઘરેલુ પ્રેગ્નન્સી ટેસ્ટ કીટ જેટલી જ સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ શોધની સૌથી મોટી અસર કદાચ માત્ર ગર્ભની વહેલી જાણકારી નથી. વાસ્તવમાં તે પશુપાલનની સમગ્ર વિચારસરણી બદલવાનો પ્રયાસ છે. અત્યાર સુધી પશુપાલકો અંદાજ અને અનુભવના આધારે નિર્ણયો લેતા હતા. હવે નિર્ણય પાછળ વૈજ્ઞાનિક માહિતી હશે. જો પશુ ગર્ભવતી હોય તો સમયસર ખાસ પોષણ શરૂ કરી શકાય. જો ગર્ભ ન હોય તો ફરીથી વહેલી તકે કૃત્રિમ ગર્ભાધાન કરાવી શકાય. એટલે સમય પણ બચે અને ખર્ચ પણ. આ જ કારણ છે કે પશુપાલન ક્ષેત્રના ઘણા લોકો આ ટેક્નોલોજીને માત્ર એક કીટ નહીં, પરંતુ ડેરી વ્યવસાયને વધુ વૈજ્ઞાનિક અને નફાકારક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માની રહ્યા છે.

આ કીટની ડિઝાઇન એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે સામાન્ય પશુપાલક પણ તેને સરળતાથી વાપરી શકે. કોઈ મોંઘું મશીન, લેબ કે જટિલ પ્રક્રિયાની જરૂર નથી. બિલકુલ ઘરેલુ પ્રેગ્નન્સી ટેસ્ટ કીટની જેમ જ આ કીટ પણ થોડા સરળ સ્ટેપમાં પરિણામ આપે છે.
Step-1: પશુમાંથી એક ટીપું લોહી લેવામાં આવે
સૌપ્રથમ પશુની પૂંછડીની નજીકની નસમાંથી માત્ર એક ટીપું લોહી લેવામાં આવે છે. આ પ્રક્રિયા ખૂબ સરળ છે અને પશુને ખાસ તકલીફ પડતી નથી.
Step-2: ખાસ રીએજન્ટ ઉમેરવામાં આવે
કીટમાં આપવામાં આવેલા નિર્ધારિત સ્લોટમાં લોહી મૂક્યા પછી તેમાં બે ટીપાં ખાસ કેમિકલ (રીએજન્ટ) ઉમેરવામાં આવે છે.
Step-3: પાંચ મિનિટ રાહ જોવી
ત્યારબાદ લગભગ પાંચ મિનિટ સુધી રાહ જોવામાં આવે છે. આ દરમિયાન કીટમાં રહેલા એન્ટિબોડી લોહીમાં હાજર ગર્ભાવસ્થા સાથે જોડાયેલા ખાસ પ્રોટીનને ઓળખે છે અને તેની સાથે રાસાયણિક પ્રક્રિયા શરૂ થાય છે.
Step-4: નરી આંખે પરિણામ
માત્ર પાંચ મિનિટ બાદ કીટ પર દેખાતી રંગીન લાઈનોના આધારે તરત જાણી શકાય છે કે પશુ ગર્ભવતી છે કે નહીં. કંપનીનો દાવો છે કે આ ટેસ્ટની સચોટતા લગભગ 99 ટકા સુધી છે.
કોમલ કલંત્રી જણાવે છે કે ગર્ભાધાન થયા બાદ પશુના શરીરમાં કેટલાક વિશિષ્ટ પ્રોટીન (Pregnancy Associated Glycoproteins - PAGs) બનવાનું શરૂ થાય છે. આ પ્રોટીન સામાન્ય સ્થિતિમાં જોવા મળતા નથી. કીટમાં રહેલા એન્ટિબોડી ખાસ આ જ પ્રોટીનને ઓળખે છે. જો લોહીમાં આ પ્રોટીન હાજર હોય તો કીટ પોઝિટિવ પરિણામ દર્શાવે છે. એટલે કે કીટ અંદાજ નહીં, પરંતુ બાયોલોજિકલ માર્કરને આધારે પરિણામ આપે છે.

પરંપરાગત પદ્ધતિમાં પશુ ગર્ભવતી છે કે નહીં તે જાણવા માટે લગભગ ત્રણ મહિના રાહ જોવી પડતી હતી. નવી કીટથી આ સમય સીધો 28 દિવસ પર આવી ગયો છે. આનો સૌથી મોટો ફાયદો એ થાય છે કે જો પશુ ગર્ભવતી ન હોય તો ત્રણ મહિના બગાડવાને બદલે તરત જ ફરી આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન (AI) અથવા મેટિંગ કરાવી શકાય. એટલે કે આખી બ્રીડિંગ સાયકલ ઝડપી બને છે.
પશુપાલન ક્ષેત્રના નિષ્ણાતો જણાવે છે કે ગર્ભ ન રહેલા પશુને ત્રણ મહિના સુધી ચારો, ખોરાક, દવાઓ અને દેખરેખ આપવાથી મોટો ખર્ચ થાય છે. જો 28મા દિવસે જ ખબર પડી જાય કે પશુ ગર્ભવતી નથી, તો આ બિનજરૂરી ખર્ચ બચાવી શકાય છે. કંપનીના અંદાજ પ્રમાણે એક પશુ પાછળ સરેરાશ ₹9,000થી ₹14,000 સુધીની સીધી બચત શક્ય બને છે.
આ કીટનો બીજો મોટો ફાયદો પશુના આરોગ્ય સાથે જોડાયેલો છે. હાલની રેક્ટલ પદ્ધતિમાં પશુચિકિત્સક હાથ વડે ગર્ભ તપાસે છે, જે પ્રક્રિયા પશુ માટે આફત બની શકે છે. નવી બ્લડ-બેઝ્ડ કીટમાં માત્ર એક ટીપું લોહી લેવામાં આવતું હોવાથી આખી પ્રક્રિયા વધુ સરળ અને ઓછી પીડાદાયક બને છે.
કંપનીના જણાવ્યા પ્રમાણે આ કીટનું સફળ પરીક્ષણ વિવિધ ભારતીય નસ્લો પર કરવામાં આવ્યું છે. તેમાં ગીર, કાંકરેજ જેવી દેશી ગાયો ઉપરાંત જાફરાબાદી અને અન્ય ભેંસની જાતોનો પણ સમાવેશ થાય છે. કંપની અત્યાર સુધીમાં 25 હજારથી વધુ પશુઓ પર ફિલ્ડ ટેસ્ટિંગ કરી ચૂકી છે અને તેમાં ઉચ્ચ સ્તરની સચોટતા મળી હોવાનું જણાવે છે.

ગર્ભાવસ્થાની વહેલી જાણકારીનો ફાયદો માત્ર પૈસા બચાવવા પૂરતો નથી. જો પશુ ગર્ભવતી હોવાનું વહેલું જાણી શકાય તો તેના માટે ખાસ પોષણયુક્ત આહાર સમયસર શરૂ કરી શકાય છે. તેના કારણે માતા અને જન્મનાર બચ્ચું બંનેનું આરોગ્ય વધુ સારું રહે છે. બીજી તરફ જો પશુ ગર્ભવતી ન હોય તો બિનજરૂરી મોંઘા પોષક આહારનો ખર્ચ પણ અટકાવી શકાય છે.
સામાન્ય રીતે પશુમાં ગર્ભ તપાસ કરાવવા માટે પશુચિકિત્સકને બોલાવવામાં આવે તો તેની મુલાકાત, તપાસ અને અન્ય ખર્ચ મળીને સરેરાશ ₹200થી ₹250 જેટલો ખર્ચ થઈ જાય છે. કોમલ કલંત્રી જણાવે છે કે આ જ બાબત ધ્યાનમાં રાખીને કીટની કિંમત પણ લગભગ ₹250ની આસપાસ રાખવામાં આવી છે, જેથી પશુપાલક પર કોઈ વધારાનો આર્થિક બોજ ન આવે. એટલે કે જે ખર્ચ પહેલેથી થતો હતો, એ જ ખર્ચમાં હવે ત્રણ મહિના રાહ જોવાને બદલે માત્ર 28 દિવસમાં જવાબ મળી શકે છે.
આ ટેક્નોલોજી હવે માત્ર સ્ટાર્ટઅપની લેબોરેટરી સુધી સીમિત રહી નથી. કંપનીના જણાવ્યા પ્રમાણે દેશના અનેક સરકારી પશુચિકિત્સકો, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન (AI) ટેક્નિશિયન અને મોટી ડેરી સંસ્થાઓ આ કીટનો ઉપયોગ કરી રહી છે. અમૂલ, સુમુલ જેવી જાણીતી ડેરી સંસ્થાઓ પણ આ કીટના ઓર્ડર આપી રહી છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં કંપની 25 હજારથી વધુ પશુઓ પર સફળ ફિલ્ડ ટેસ્ટિંગ કરી ચૂકી છે.
ગામડામાં રહેતા પશુપાલકો સુધી આ ટેક્નોલોજી સરળતાથી પહોંચે તે માટે કંપનીએ કીટને ઓનલાઈન પણ ઉપલબ્ધ બનાવી છે. હવે પશુપાલકો ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી ઘરે બેઠાં કીટ મંગાવી શકે છે. માત્ર એટલું જ નહીં, કંપનીએ માર્ગદર્શન માટે ખાસ કસ્ટમર સપોર્ટ અને કોલ સેન્ટરની પણ વ્યવસ્થા કરી છે, જ્યાં કીટનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માહિતી આપવામાં આવે છે. ગુજરાતની દીકરીનું સ્ટાર્ટઅપ હવે વિશ્વ તરફ નજર રાખી રહ્યું છે. કોમલ કલંત્રી અને તેમની ટીમ માત્ર ગાય-ભેંસ પૂરતી મર્યાદિત રહેવા માંગતી નથી. હાલમાં કંપની ઘેટાં અને બકરાં માટે પણ વહેલી ગર્ભ તપાસ કરી શકે તેવી કીટ વિકસાવી રહી છે. આ ઉપરાંત પશુપાલન ક્ષેત્રના અનેક ગંભીર રોગોના ઝડપી નિદાન માટે પણ નવી ટેક્નોલોજી પર સંશોધન ચાલી રહ્યું છે.
કંપની હાલમાં પશુઓમાં થતા અનેક મહત્વના ચેપી અને આર્થિક નુકસાન કરાવતા રોગો માટે પણ ઝડપી ટેસ્ટ કીટ તૈયાર કરી રહી છે.
જેવા રોગોનો સમાવેશ થાય છે. જો આ કીટ સફળ થશે તો પશુપાલકોને શરૂઆતના તબક્કામાં જ રોગની જાણ થઈ શકશે અને સારવાર સમયસર શરૂ કરી શકાશે.આ શોધનો સૌથી મોટો ફાયદો કદાચ પૈસા બચાવવા કરતાં પણ વધુ મહત્વનો છે. વર્ષો સુધી પશુપાલનમાં નિર્ણય અનુભવ, અંદાજ અને પરંપરાગત રીતો પર લેવાતા હતા. હવે એ જ નિર્ણયો વૈજ્ઞાનિક માહિતીના આધારે લેવામાં આવી રહ્યા છે. કયું પશુ ગર્ભવતી છે? કયું નથી? કયારે ફરી AI કરાવવું? કયા પશુને વિશેષ પોષણ આપવું? આ તમામ નિર્ણયો હવે અંદાજ નહીં, પરંતુ ટેસ્ટના પરિણામના આધારે લઈ શકાય છે.
ભારત આજે વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. દેશના લાખો નાના અને મધ્યમ પશુપાલકો માટે દરેક ગાય અને દરેક ભેંસ માત્ર પશુ નથી, પરંતુ પરિવારની આવકનું સૌથી મોટું સાધન છે. જો એક પશુ પાછળ હજારો રૂપિયાની બચત થાય, જો ગર્ભ વહેલો જાણી શકાય, જો દૂધ ઉત્પાદનનો સમય બગડે નહીં, તો તેની સીધી અસર પશુપાલકની આવક પર પડે છે. એટલે આ કીટ માત્ર એક નવી પ્રોડક્ટ નથી, પરંતુ સમગ્ર ડેરી ઇકોસિસ્ટમને વધુ વૈજ્ઞાનિક અને કાર્યક્ષમ બનાવવાનો પ્રયાસ છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.