બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / ગામડામાં રહે છે, પણ ખેતી કરે છે આફ્રિકામાં, સ્માર્ટફોનથી કરોડોનો પાક ઉગાડે છે ગુજરાતી ખેડૂતો

VTV Amazing / ગામડામાં રહે છે, પણ ખેતી કરે છે આફ્રિકામાં, સ્માર્ટફોનથી કરોડોનો પાક ઉગાડે છે ગુજરાતી ખેડૂતો

Nidhi Panchal

Last Updated: 09:20 AM, 17 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના કેટલાક ખેડૂતો હવે માત્ર ગામના ખેતર સુધી સીમિત રહ્યા નથી. તેઓ હજારો કિલોમીટર દૂર, આફ્રિકાના દેશોમાં 100, 500 નહીં પરંતુ 1000 એકરના મોટા મોટા ખેતરમાં ખેતી કરી રહ્યા છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે તેઓ ત્યાં કાયમ રહેતા પણ નથી. ડીલ કરે છે, આખું ફાર્મ ઊભું કરે છે અને પછી ગુજરાત પરત આવી જાય છે

"ખેડૂત એટલે ગરીબ..." ભારતમાં કદાચ સૌથી મોટો ભ્રમ આ જ છે. ખેડૂત શબ્દ કાને પડે કે, મનમાં એક જ દૃશ્ય આવે, માથે ફાળિયું, દુબળું પાતળું ખુલ્લુ શરીર, ખભે કોદાળી અને વરસાદ તરફ આશાભરી નજરે જોતો ગરીબડો વ્યક્તિ. આખું વર્ષ મહેનત કરે, છતાં પાકના ભાવ, વરસાદ અને દેવાની ચિંતા ક્યારેય તેનો પીછો છોડતી નથી. ફિલ્મોથી લઈને સમાચાર સુધી વર્ષો સુધી આપણને આવી જ તસવીર બતાવવામાં આવી છે. પણ હવે આ તસવીર બદલાઈ રહી છે.

farmer

ગુજરાતના કેટલાક ખેડૂતો હવે માત્ર ગામના ખેતર સુધી સીમિત રહ્યા નથી. તેઓ હજારો કિલોમીટર દૂર, આફ્રિકાના દેશોમાં 100, 500 નહીં પરંતુ 1000 એકર જેવા મોટા ખેતરોમાં ખેતી કરી રહ્યા છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે તેઓ ત્યાં કાયમ રહેતા પણ નથી. ડીલ કરે છે, આખું ફાર્મ ઊભું કરે છે અને પછી ગુજરાત પરત આવી જાય છે. આ સ્ટોરીની સૌથી અમેઝિંગ વાત એ છે કે હવે ખેડૂતો માત્ર ખેતી સુધી સીમિત રહ્યા નથી, પરંતુ ગ્લોબલ બિઝનેસ પણ કરી રહ્યા છે.

farmers

માત્ર મોબાઇલ ફોનથી, લેપટોપથી મેનેજ થાય

આખી ખેતી માત્ર મોબાઇલ ફોનથી, લેપટોપથી મેનેજ થાય છે. ખેડૂતોના સ્માર્ટફોનમાં CCTV ચાલુ હોય છે, ટ્રેક્ટર ક્યાં ચાલી રહ્યું છે તે દેખાય છે, પાક ક્યાં સુધી પહોંચ્યો તે ખબર પડે છે અને હજારો કિલોમીટર દૂર બેઠેલા મેનેજરોને વોટ્સએપ પર સૂચના આપી દેવામાં આવે છે. આ કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ નથી. આ વાત માત્ર ખેતીની નથી, પરંતુ ગુજરાતી ખેડૂતની બદલાતી વિચારસરણીની છે. આ ખેતીની આખી ઘટના સમજવા માટે અમે સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખ અને જાણીતા ઉદ્યોગપતિ જસુભાઈ પટેલ સાથે ખાસ વાતચીત કરી.

ભારત છોડીને આફ્રિકા કેમ?

ભારત ખેતીપ્રધાન દેશ છે. લાખો હૅક્ટર જમીન છે. તો પછી આપણા ખેડૂતોને છેક આફ્રિકા સુધી જવાની જરૂર કેમ પડી? આ સવાલનો જવાબ માત્ર એક શબ્દમાં સમાઈ જાય છે. જમીન. ભારતમાં સરેરાશ ખેડૂત પાસે 5થી 10 એકર જેટલી જમીન હોય છે. કુટુંબ વિભાજન થવાને કારણે પેઢી દર પેઢી જમીનના ભાગલા થતા ખેતરો નાના બનતા ગયા છે. નાના ખેતરમાં પરિવારનું ગુજરાન ચાલે છે. પણ મોટી આવક રળી આપતી આધુનિક ખેતી કરવી મુશ્કેલ બને છે. ટેક્નોલોજીનો ઉપયોગ કરવો મોંઘો પડે છે. જેમ કે, દવા છાંટવા ડ્રોન લેવું હોય, મોટું હાર્વેસ્ટર વસાવવું હોય, GPS ટ્રેક્ટર ચલાવવું હોય, અથવા સંપૂર્ણ ઓટોમેટેડ સિંચાઈ સિસ્ટમ ઉભી કરવી હોય, તો તેની કિંમત એટલી વધારે હોય છે કે પાંચ-દસ એકરના ખેડૂત માટે તે પોસાય નહીં.

khedut

આજે પણ દેશના ઘણા ગામોમાં એક જ ટ્રેક્ટર આખા ગામમાં ભાડે ફરે છે. કારણ કે, બધા પાસે પોતાનો ટ્રેક્ટર રાખવા જેટલી જમીન જ નથી. એટલે જ આપણા ખેડૂતોએ સાત સમુંદર પાર આફ્રિકા તરફ નજર દોડાવી. આફ્રિકાના ઘણા દેશોમાં ચિત્ર એકદમ અલગ છે. અહીં, જમીન પુષ્કળ છે, પણ ખેતી કરનાર ઓછા છે. અહીં હજારો નહીં, લાખો એકર જમીન વર્ષોથી પડતર પડી છે. સાથે જ અહીં સરકાર ઈચ્છે છે કે બહારથી રોકાણ આવે, ખેતી થાય, રોજગારી વધે અને અર્થતંત્ર મજબૂત બને.

Difference_Between_Farming

વળી, અહીં સૌથી મોટો ફાયદો છે, પાણી. ઘણા વિસ્તારોમાં મોટી નદીઓ છે. વરસાદ સારો પડે છે. પાણીની સ્થિતિ ભારત જેવી નથી. એટલે જ ગુજરાતના કેટલાક સાહસિક ખેડૂતોને અહીં એક નવી તક દેખાઈ. નાનું ખેતર છોડીને, સેંકડો એકર પર કોમર્શિયલ ફાર્મિંગ કરવાની તક. 100 નહીં, સીધા 500-1000 એકરની ડિલ. જસુભાઈ પટેલ જણાવે છે કે ભારતમાંથી આફ્રિકા જનારા ખેડૂતો સામાન્ય રીતે નાની જમીન માટે જતા જ નથી. ત્યાં 20-25 એકર ખેતી કરવાનો કોઈ અર્થ નથી. મોટાભાગના ખેડૂતો 100 એકરથી શરૂ કરે છે. ઘણા ખેડૂતો પાસે 300, 500 અને કેટલાક પાસે 1000 એકર સુધીની જમીન લીઝ પર છે. આટલી જમીન મળતાં જ આખું ગણિત બદલાઈ જાય છે. એક ટ્રેક્ટર નહીં, ટ્રેક્ટરની આખી ફલિટ કામ કરે છે. એક મજૂર નહીં, સેંકડો સ્થાનિક લોકો રોજગાર મેળવે છે. અને ખેતી વ્યવસાયમાં બદલાઈ જાય છે.

હવે સૌથી મોટો સવાલ

ગુજરાતના કોઈ ગામમાં રહેતો ખેડૂત છેક આફ્રિકા સુધી પહોંચે કેવી રીતે? શું કોઈ પણ વ્યક્તિ વિઝા લઈને ત્યાં જઈ શકે અને સરકાર પાસેથી 500 એકર જમીન લઈ શકે? જવાબ છે,

ના.

આ આખો બિઝનેસ વિશ્વાસ, નેટવર્ક અને સ્થાનિક કનેક્શન પર ચાલે છે. જસુભાઈ પટેલના કહેવા પ્રમાણ આફ્રિકામાં વર્ષોથી વસેલા ગુજરાતી અને પંજાબી વેપારીઓ આ આખી ચેઇનની સૌથી મહત્વની કડી છે. શરૂઆતમાં કોઈ એક ખેડૂત કે ઉદ્યોગપતિ તેમના સંપર્કથી આફ્રિકા પહોંચે છે. ત્યાંની જમીન, પાણી, હવામાન અને સરકારની નીતિઓને સમજે છે. એકવાર કોઈ વ્યક્તિ સફળ થાય, પછી એ જ બીજા ખેડૂતો માટે દરવાજો ખોલે છે. ધીમે-ધીમે એક આખું નેટવર્ક ઊભું થઈ જાય છે. આ કારણે આજે અનેક ગુજરાતી ખેડૂતો એકબીજાના રેફરન્સથી આફ્રિકાના અલગ-અલગ દેશોમાં ખેતી કરી રહ્યા છે. સરકાર ખુદ ખેડૂતોને આમંત્રણ આપે છે

khedut

ભારતમાં ખેતીની જમીન બચાવવા માટે કડક નિયમો છે, પરંતુ આફ્રિકાના ઘણા દેશોમાં સ્થિતિ ઉલટી છે. ત્યાં લાખો એકર જમીન વર્ષોથી પડતર પડી છે. સ્થાનિક સરકારો ઈચ્છે છે કે રોકાણ આવે, ખેતી થાય અને સ્થાનિક લોકોને રોજગારી મળે. જ્યારે ભારતીય ખેડૂતો આધુનિક ટેક્નોલોજી સાથે ખેતી કરવાની યોજના લઈને પહોંચે છે, ત્યારે સરકારો પણ રસ દાખવે છે. જસુભાઈ કહે છે કે પહેલાં જમીન મેળવવી ઘણી સરળ હતી. હવે નિયમો થોડા કડક બન્યા છે, પરંતુ યોગ્ય પ્રક્રિયા અને સ્થાનિક ભાગીદારો દ્વારા આજે પણ મોટી જમીન લીઝ પર મળી શકે છે. અહીં કોઈ આંતરરાષ્ટ્રીય ખેડૂત સંસ્થા કે વિશેષ લાયસન્સની જરૂર પડતી નથી. આ સંપૂર્ણપણે એક બિઝનેસ એગ્રીમેન્ટ છે. ગુજરાતથી ખેડૂત જાય માલિક બને અને સ્થાનિક લોકો ખેતરમાં ખેતી કરે.

Graphic_Insta_Nidhi

પણ વાતની અસલી મજા તો હવે આવે છે. ઘણા લોકોને લાગે છે કે ગુજરાતના ખેડૂતો પોતે આફ્રિકામાં ખેતરમાં ઊભા રહીને ખેતી કરતા હશે. પરંતુ હકીકત બિલકુલ અલગ છે. આપણા ગુજરાતી ખેડૂતો ત્યાં મજૂરી કરવા નથી જતા. તેઓ જાય છે, એક પ્રોજેક્ટ ઊભો કરવા. સૌ પ્રથમ જમીનની લેવલિંગ થાય છે, પછી રસ્તા બને છે. સિંચાઈની પાઈપલાઈન નાખવામાં આવે છે. મોટા ટ્રેક્ટર, હાર્વેસ્ટર અને અન્ય મશીનરી ખરીદવામાં આવે છે. ખેતરની આસપાસ સ્ટોરેજ, ઓફિસ અને સ્ટાફ માટે રહેવાની વ્યવસ્થા ઊભી થાય છે. અને પછી, સ્થાનિક આફ્રિકન લોકોને રોજગારી આપવામાં આવે છે. મજૂરથી લઈને સુપરવાઇઝર સુધી મોટાભાગનો સ્ટાફ સ્થાનિક હોય છે.

આખા પ્રોજેક્ટના મેનેજર બની જાય

ગુજરાતી ખેડૂતનું કામ ખેતરમાં કોદાળી ચલાવવાનું નથી. તેઓ તો આખા પ્રોજેક્ટના મેનેજર બની જાય છે અને પાછા ગુજરાત આવી જાય છે, અને ત્યાંથી શરૂ થાય છે અસલી રમત. આખી સિસ્ટમ ઊભી થઈ જાય પછી, ગુજરાતી ખેડૂત ફ્લાઇટ પકડીને પોતાના ઘરે પાછો આવી જાય છે. હા, ખેતી ચાલુ રહે છે, અને તેનો માલિક રાજકોટ, અમરેલી, જૂનાગઢ કે અમદાવાદમાં પોતાના પરિવાર સાથે રહે છે. આ સાંભળવામાં કદાચ અવિશ્વસનીય લાગે. પણ આજની ટેક્નોલોજી એ શક્ય બનાવી છે.

સ્માર્ટફોનમાં દેખાય છે આખું ફાર્મ

આજે મોટાભાગના મોટા ફાર્મમાં CCTV કેમેરા, GPS આધારિત ટ્રેક્ટર, ડિજિટલ સિંચાઈ સિસ્ટમ અને ઓનલાઇન મોનિટરિંગ હોય છે. ગુજરાતમાં બેઠેલો ખેડૂત મોબાઇલમાં જોઈ શકે છે કે કયા ખેતરમાં ટ્રેક્ટર ચાલી રહ્યું છે. કયા પ્લોટમાં સિંચાઈ થઈ રહી છે? કેટલો પાક તૈયાર થયો? કયા મેનેજરે શું કામ કર્યું? જો ક્યાંય કોઈ સમસ્યા હોય તો વીડિયો કોલ, વોટ્સએપ, અથવા ઓનલાઈન મીટિંગ દ્વારા ઉકેલ આવી જાય છે. ગુજરાતી ખેડૂતો તો માત્ર વર્ષમાં માત્ર એક-બે વખત, મોટી ડીલ અથવા લણણી વખતે જ તેઓ ફરી આફ્રિકા જાય છે. બાકી આખું વર્ષ બિઝનેસ ગુજરાતમાંથી જ ચાલે છે.

તો આખરે કયા પાકમાં છે સૌથી વધુ કમાણી?

ગુજરાતી ખેડૂતો મુખ્યત્વે એવા પાક પસંદ કરે છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં સતત માંગ રહે. જેમાં સૌથી મોખરે છે, શેરડી, ચા અને કપાસ. કેટલાક વિસ્તારોમાં મકાઈ, સોયાબીન અને અન્ય રોકડિયા પાક પણ લેવામાં આવે છે. જસુભાઈ કહે છે કે પાણીની સારી ઉપલબ્ધતા અને વિશાળ જમીનને કારણે શેરડી અને ચા સૌથી વધુ નફાકારક સાબિત થાય છે. મોટા પાયે ઉત્પાદન થતું હોવાથી સીધા પ્રોસેસિંગ પ્લાન્ટ અથવા આંતરરાષ્ટ્રીય ખરીદદારો સાથે કરાર થઈ જાય છે. ભારતની જેમ નાના વેપારીઓ પર આધાર રાખવાની જરૂર પડતી નથી.

કરોડોનો પાક ભારત નહીં, દુનિયાના બજારમાં વેચાય છે!

એક સામાન્ય સવાલ થાય આફ્રિકામાં ઉગાડેલો પાક આખરે જાય ક્યાં? શું આ ખેડૂતો હજારો ટન શેરડી કે કપાસ ભારત મોકલે છે? જવાબ ફરી એકવાર આશ્ચર્યજનક છે.

ના.

આખો બિઝનેસ લોકલ અને ઇન્ટરનેશનલ માર્કેટ માટે જ હોય છે. જસુભાઈ પટેલ જણાવે છે કે આફ્રિકામાં ઉગાડવામાં આવતો પાક મોટાભાગે ત્યાંની સ્થાનિક સુગર મિલો, ટેક્સટાઇલ કંપનીઓ અથવા આંતરરાષ્ટ્રીય ખરીદદારોને સીધો વેચી દેવામાં આવે છે. ઘણા દેશોમાં મોટી ફૂડ અને એગ્રી કંપનીઓ પહેલેથી જ ખેડૂતો સાથે કરાર (કોન્ટ્રાક્ટ ફાર્મિંગ) કરીને બેઠી હોય છે. પાક તૈયાર થતાં જ ટ્રકો ખેતર સુધી પહોંચે છે અને સીધી ખરીદી થઈ જાય છે. એટલે ટ્રાન્સપોર્ટનો વધારાનો ખર્ચ નથી. નિકાસની લાંબી પ્રક્રિયા નથી. અને પાક વેચવા માટે બજારમાં ભાવની રાહ પણ જોવી પડતી નથી.

ખર્ચ ઘટે, નફો વધે

ખેતીમાં કમાણી માત્ર પાક પર આધારિત નથી હોતી. મોટાભાગે કમાણી ખર્ચ પર નિર્ભર હોય છે. ભારતમાં પાંચ એકરના ખેડૂત માટે ટ્રેક્ટર, ડ્રિપ સિંચાઈ, મજૂરી અને ખાતરનો ખર્ચ ઘણો ભારે પડે છે. પરંતુ જ્યારે જમીન 500 કે 1000 એકરની હોય, ત્યારે આખું ગણિત બદલાઈ જાય છે. એક જ ટ્રેક્ટર આખો દિવસ સતત કામ કરે છે. મશીનરીનો ઉપયોગ અનેકગણો વધી જાય છે. પ્રતિ એકર ખર્ચ ઘટે છે. ટ્રાન્સપોર્ટેશન બલ્કમાં થતું હોવાથી ખર્ચ ઓછો આવે છે. અને સૌથી મોટો ફાયદો, ઉત્પાદનનું પ્રમાણ એટલું વધારે હોય છે કે ખરીદદારો પોતે ખેડૂતો સુધી પહોંચી જાય છે.

Quote_Box_J.K.Patel_Instagram_3

જસુભાઈના અંદાજ પ્રમાણે, આ મોડેલમાં પરંપરાગત ખેતી કરતાં સરેરાશ 5થી 10 ટકા સુધી વધુ ચોખ્ખો નફો મળી શકે છે. જોકે આ પાક, દેશ અને આંતરરાષ્ટ્રીય બજારના ભાવ પર પણ આધાર રાખે છે. આખા ભારતમાં આવા ખેડૂતો કેટલા હશે? આ મોડેલ વિશે સાંભળીને એવું લાગે કે કદાચ હજારો ભારતીય ખેડૂતો આજે આફ્રિકામાં ખેતી કરતા હશે. પરંતુ વાસ્તવિકતા અલગ છે. આ આંકડો હજુ બહુ નાનો છે. જસુભાઈ પટેલના જણાવ્યા મુજબ, હાલમાં ભારતમાંથી આશરે 50 જેટલા મોટા ખેડૂતો અને રોકાણકારો આ રીતે આફ્રિકામાં કોમર્શિયલ ફાર્મિંગ સાથે જોડાયેલા છે. તેમાં સૌથી વધુ ગુજરાત અને પંજાબના ખેડૂતો છે. કારણ કે, આ બંને રાજ્યોના ખેડૂતો નવા પ્રયોગો અને મોટા જોખમ લેવા માટે જાણીતા રહ્યા છે.

આ પણ વાંચો : દુનિયાના સૌથી મોટા મુસ્લિમ દેશનું એવું મંદિર, જ્યાં કોતરાયેલું છે રામાયણ, PM મોદી પહોંચ્યા પ્રમ્બાનન

શું આ મોડેલ દરેક ખેડૂત માટે છે?

ના.

આ કોઈ 'ઝટપટ કરોડપતિ' બનાવતો રસ્તો નથી. આ મોડેલ માટે મોટા મૂડીરોકાણની જરૂર પડે છે. આંતરરાષ્ટ્રીય કાયદાની સમજ હોવી જોઈએ. વિશ્વસનીય સ્થાનિક પાર્ટનર જરૂરી છે. અને સૌથી મહત્વની વાત, લાંબા ગાળાની દ્રષ્ટિ હોવી જોઈએ. આથી જ આજે પણ આ મોડેલ બહુ મર્યાદિત લોકો સુધી સીમિત છે. આફ્રિકા જઈ રહેલા ખેડૂતોની સંખ્યા ભલે ઓછી હોય, પરંતુ તેમણે એક વાત સાબિત કરી છે કે ખેતી હવે માત્ર હળ અને બળદ સુધી સીમિત રહી નથી. આજે ખેતીમાં પણ કોર્પોરેટ પ્લાનિંગ, ડ્રોન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, GPS, CCTV, ડિજિટલ મોનિટરિંગ અને વૈશ્વિક માર્કેટિંગનો યુગ શરૂ થઈ ગયો છે.

આ પણ વાંચો : Wimbldonમાં વપરાતા ટોવેલ ગુજરાતમાં બને છે! ક્રેઝ એવો કે ખેલાડીઓ ઘેર લઈ જાય છે, ફેન્સ પણ છે ટોવેલના દીવાના

ગુજરાતમાં પણ બદલાઈ રહી છે ખેતીની વિચારસરણી

જસુભાઈ પટેલ માને છે કે આફ્રિકાનો અનુભવ માત્ર વિદેશ પૂરતો મર્યાદિત નહીં રહે. તેની અસર ગુજરાતમાં પણ દેખાઈ રહી છે. નાના ખેડૂતો હવે જૂથ બનાવીને ખેતી કરી રહ્યા છે. મળીને મશીનરી ખરીદી રહ્યા છે. એક જ પાકનું આયોજનબદ્ધ વાવેતર કરી રહ્યા છે.ટેક્નોલોજી અપનાવી રહ્યા છે. તેમનું માનવું છે કે જો ગામડાઓમાં પાણી, વીજળી અને આધુનિક સુવિધાઓ સતત ઉપલબ્ધ રહે તો ભારતીય ખેડૂતોને સફળ થવા માટે વિદેશ જવાની જરૂર પણ નહીં પડે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Saurashtra Plastic Association Jasubhai Khimjibhai Patel Gujarati farmers in Africa
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ