ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / દ્વારકા, ડાકોર અને શામળાજીમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી
Last Updated: 01:01 AM, 5 September 2026
ADVERTISEMENT
આજે સમગ્ર ગુજરાત સહિત દેશ-વિદેશમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની ભક્તિમય ઉજવણી થઈ રહી છે. ભગવાન શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલા પવિત્ર ધામોમાં વહેલી સવારથી જ વિવિધ ધાર્મિક વિધિઓ શરૂ થઈ ગઈ હતી. દ્વારકા, ડાકોર, શામળાજી સહિતના મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતાં સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું છે.
ADVERTISEMENT
મંગળા આરતીથી દિવસની શરૂઆત, વિશેષ શૃંગારમાં સજ્જ થયા ઠાકોરજી
જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે વિવિધ મંદિરોમાં વહેલી સવારે મંગળા આરતી યોજાઈ હતી. ત્યાર બાદ ભગવાન શ્રીકૃષ્ણને પંચામૃત સ્નાન કરાવી વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. ઠાકોરજીના દિવ્ય સ્વરૂપના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.
ADVERTISEMENT
મંદિરોમાં સતત ‘જય શ્રીકૃષ્ણ’ના જયઘોષ સાથે ભક્તિગીતો અને ભજનોના સૂર ગૂંજી રહ્યા છે. અનેક ભક્તોએ પરિવાર સાથે મંદિરે પહોંચી ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ADVERTISEMENT
દ્વારકા સહિતના ધામોમાં ભક્તોની ભારે ભીડ
ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં જન્માષ્ટમીને લઈને વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. મંદિર પરિસર સહિત આસપાસના વિસ્તારોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.
ADVERTISEMENT
ડાકોર અને શામળાજી સહિતના ધાર્મિક સ્થળોએ પણ વહેલી સવારથી ભક્તો દર્શન માટે પહોંચ્યા હતા. મંદિર પરિસરોને આકર્ષક રીતે શણગારવામાં આવ્યા છે અને સુરક્ષા વ્યવસ્થાને પણ વધુ મજબૂત બનાવવામાં આવી છે.
ADVERTISEMENT
મધરાતના 12 વાગ્યાની ક્ષણ માટે ભક્તોમાં ભારે ઉત્સાહ
દિવસભર ચાલનારી ધાર્મિક વિધિઓ બાદ હવે ભક્તોની નજર મધરાતના 12 વાગ્યાની પવિત્ર ક્ષણ પર છે. માન્યતા મુજબ આ જ સમયે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો.
ADVERTISEMENT
મધરાતના ટકોરે ભગવાનના જન્મની સાથે જ મંદિરોમાં શંખનાદ, ઘંટનાદ અને જયઘોષથી વાતાવરણ ગૂંજી ઊઠશે. ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ના નાદ સાથે ભક્તો જન્મોત્સવની ઉજવણી કરશે.
ઠેર-ઠેર મટકી ફોડ અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
જન્માષ્ટમી નિમિત્તે રાજ્યભરમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક સ્થળોએ દહીંહાંડી અને મટકી ફોડના કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ મથુરા-પ્રયાગરાજથી નાગપુર સુધી, દેશભરમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી
બાળ ગોપાલના સ્વરૂપમાં સજ્જ થયેલા બાળકો પણ જન્માષ્ટમીની ઉજવણીમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ઘરોમાં પણ ભક્તોએ લાલાને પારણામાં ઝુલાવી જન્મોત્સવની તૈયારીઓ કરી છે.
ઇસ્કોન મંદિરમાં કૃષ્ણ જન્મોત્સની ઉજવણી
અમદાવાદ: શહેરના ઇસ્કોન મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન અને પૂજા માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિરે ઉમટી પડ્યા છે. સમગ્ર મંદિરને આકર્ષક રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યું છે, જેના કારણે મંદિર પરિસર ભક્તિમય અને મનમોહક વાતાવરણથી ગુંજી ઉઠ્યું છે. રાત્રે બાર વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ સમયે વિશેષ પૂજા-આરતી અને ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું છે. કૃષ્ણ જન્મોત્સવને લઈને મંદિર પરિસરમાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સુરત ઇસ્કોન મંદિરમાં કૃષ્ણ ભક્તોની ભારે ભીડ
સુરતમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ઇસ્કોન મંદિરમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તો ઉમટી પડ્યા છે. મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે ભક્તો કૃષ્ણ નામના જયઘોષ સાથે જન્મોત્સવની ઉજવણીમાં મગ્ન બન્યા છે. વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ભજન-કીર્તનથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે. ખાસ વાત એ છે કે અનેક ભક્તો કૃષ્ણ અને રાધાના વેશમાં સજ્જ થઈને ઉજવણીમાં જોડાયા છે, જેના કારણે ઇસ્કોન મંદિર ખાતે ઉત્સાહ અને ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે.
દ્વારકામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને લઈને ભક્તિમય માહોલ છવાયો છે. જન્માષ્ટમીની ઉજવણીમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો દ્વારકા ખાતે ઉમટી પડ્યા છે. કૃષ્ણ જન્મની આખરી ઘડીઓ નજીક આવતાં મંદિર પરિસર ભક્તોથી ઉભરાઈ ગયું છે. હાલ સુરક્ષાના કારણોસર ભક્તો માટે ભગવાનના દર્શન બંધ રાખવામાં આવ્યા છે. મધરાતે કૃષ્ણજન્મ બાદ મંદિરના કપાટ ભક્તો માટે ખોલવામાં આવશે અને ભક્તો ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી શકશે. દ્વારકાધીશના જન્મોત્સવને લઈને સમગ્ર દ્વારકામાં જય શ્રીકૃષ્ણના નાદ સાથે ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
શામળાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું
જન્માષ્ટમીના પાવન પર્વે શામળાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને વધાવવા માટે હજારોની સંખ્યામાં જનમેદની આતુરતાપૂર્વક ઉપસ્થિત રહી હતી. મંદિર પરિસરમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભજનની રમઝટે સમગ્ર વાતાવરણને દિવ્ય બનાવી દીધું હતું. આ અવસરે શામળાજી મંદિરને કરવામાં આવેલી ભવ્ય રોશનીમાં અદભૂત આકાશી નજારો રજૂ કરતા રાત્રીના ડ્રોન વીડિયો સામે આવ્યા છે. લાખો ભક્તોએ 'હાથીડા ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી' ના નાદ સાથે ભગવાનના દર્શનનો લહાવો લીધો હતો.
ડભોડાના રણછોડરાય મંદિરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા
જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડભોડા સ્થિત શ્રી રણછોડરાયજી મંદિરની મુલાકાત લઈ ભગવાન શ્રી રણછોડરાયજીના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીએ મંદિર ખાતે પૂજા-અર્ચના કરી આરતી ઉતારી અને રાજ્યની સુખ, શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. જન્માષ્ટમીના અવસરે મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ વચ્ચે ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. મુખ્યમંત્રીની ઉપસ્થિતિથી ભક્તોમાં પણ વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. ભગવાન શ્રી રણછોડરાયજીના આશીર્વાદ મેળવ્યા બાદ મુખ્યમંત્રી ડભોડા હનુમાનજી મંદિરના પણ દર્શન કરશે. જન્માષ્ટમી મહોત્સવ દરમિયાન મુખ્યમંત્રીની મુલાકાતને પગલે મંદિર પરિસરમાં ધાર્મિક માહોલ વધુ ભાવસભર બન્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.