ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય! રણદીપ સૂરજેવાલાના પ્રવાસ બાદ પ્રદેશ કાર્યાલયે બેઠકનો દોર શરૂ
Last Updated: 02:33 PM, 20 November 2026
ADVERTISEMENT
ગુજરાત કોંગ્રેસ હવે ચૂંટણીની તૈયારીમાં એક્શન મોડમાં આવી ગઈ છે.પ્રભારીના ગુજરાત પ્રવાસ બાદ પ્રદેશ કાર્યાલયે બેઠકોનો દોર શરૂ થયો છે.શહેર અને જિલ્લા પ્રમુખો સાથે ચૂંટણીલક્ષી ચર્ચા કરવામાં આવી રહી છે.ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યોને પણ ખાસ જવાબદારી સોંપવાની તૈયારી છે.બૂથ સ્તરે સંગઠન મજબૂત કરવા માટે વોટ રક્ષક બનાવવાની યોજના ઘડાઈ છે.
ADVERTISEMENT
ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો અત્યારથી જ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી ભાજપ દ્વારા સંગઠન અને ચૂંટણીલક્ષી તૈયારીઓ પર ભાર મૂકવામાં આવી રહ્યો હતો, ત્યારે હવે કોંગ્રેસે પણ પોતાની રણનીતિ પર કામ શરૂ કરી દીધું છે. કોંગ્રેસના પ્રભારી રણદીપ સૂરજેવાલાના ગુજરાત પ્રવાસ બાદ પ્રદેશ કોંગ્રેસમાં બેઠકોનો દોર શરૂ થયો છે. પાર્ટી હવે માત્ર પ્રદેશ કક્ષાની બેઠકો પૂરતી નહીં, પરંતુ જિલ્લા, શહેર અને બૂથ સ્તર સુધી સંગઠનને સક્રિય કરવાની દિશામાં આગળ વધી રહી છે.
ADVERTISEMENT
ગઈકાલે અમદાવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં રાજ્યના તમામ શહેર પ્રમુખો અને જિલ્લા પ્રમુખો સાથે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં સંગઠનની વર્તમાન સ્થિતિ, આગામી સમયમાં યોજાનારા કાર્યક્રમો અને ચૂંટણીને ધ્યાનમાં રાખીને કઈ રીતે કામગીરી કરવી તે અંગે ચર્ચા થઈ હતી. શહેર અને જિલ્લા પ્રમુખોને તેમના વિસ્તારોમાં સંગઠન મજબૂત કરવાની જવાબદારી સોંપવાની દિશામાં પણ વિચારણા કરવામાં આવી હતી. આવનારા સમયમાં કયા કાર્યક્રમો યોજવા અને કાર્યકરોને કઈ રીતે સક્રિય કરવા તે મુદ્દે પણ ચર્ચા થઈ હતી.
ADVERTISEMENT
કોંગ્રેસ દ્વારા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે ચાલુ ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો સાથે પણ બેઠક યોજવામાં આવી હતી. કોંગ્રેસ પ્રભારી અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં યોજાયેલી આ બેઠકમાં આગામી વિધાનસભા ચૂંટણીની વ્યૂહરચના અને જવાબદારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. દરેક વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસની હાલની સ્થિતિ શું છે અને આગામી સમયમાં પાર્ટી કઈ રીતે પોતાની પકડ મજબૂત કરી શકે તે અંગે મંથન થયું હતું. સાથે જ દરેક વિસ્તારની રાજકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી આયોજન તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
બેઠકમાં દરેક વિધાનસભા વિસ્તારમાં આગામી 8 મહિનામાં કયા પ્રકારના કાર્યક્રમો યોજી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસ હવે ચૂંટણી આવે ત્યારે જ સક્રિય થવાને બદલે અત્યારથી જ લોકો વચ્ચે પહોંચવાની તૈયારી કરી રહી છે. સ્થાનિક પ્રશ્નો, લોકોની સમસ્યાઓ અને સરકાર સામેના મુદ્દાઓને લઈને અલગ-અલગ વિસ્તારોમાં કાર્યક્રમો યોજવાનું આયોજન થઈ શકે છે. આ માટે શહેર અને જિલ્લા પ્રમુખો ઉપરાંત સ્થાનિક નેતાઓને પણ જવાબદારી સોંપવામાં આવશે. સંગઠનના દરેક સ્તરે કામગીરી થાય અને તેનો યોગ્ય અહેવાલ મળે તે દિશામાં પણ પાર્ટી કામ કરી રહી છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ VIDEO : સંસ્કારી નગરી વડોદરામાં દારૂબંધીના ધજાગરા, મેયર ગીતા મકવાણાને બગીચામાં મળી દારુની બોટલ
ADVERTISEMENT
કોંગ્રેસની આ બેઠકમાં સૌથી વધુ ચર્ચા બૂથ સ્તરે સંગઠન મજબૂત કરવાની યોજનાને લઈને થઈ હતી. ચાલુ ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યોને પોતાની વિધાનસભા બેઠકના દરેક બૂથ પર વોટ રક્ષક બનાવવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત તેમને પોતાની બેઠકની સાથે આજુબાજુની કોઈ એક વિધાનસભા બેઠકની જવાબદારી પણ સોંપવામાં આવી શકે છે. નક્કી કરાયેલા સમયમાં કામગીરી પૂર્ણ થયા બાદ વોટ રક્ષકોનું સંમેલન યોજવાનું આયોજન છે. આ રીતે પાર્ટી ચૂંટણી પહેલાં જ બૂથ સ્તરે પોતાની ટીમ તૈયાર કરવા માગે છે.
ગુજરાતમાં ચૂંટણીને હજુ સમય હોવા છતાં રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપની સાથે કોંગ્રેસ પણ સંગઠનને સક્રિય કરવા માટે બેઠકો અને કાર્યક્રમો પર ભાર મૂકી રહી છે. પ્રદેશ નેતૃત્વથી લઈને શહેર, જિલ્લા અને બૂથ સ્તર સુધી જવાબદારીઓ નક્કી કરવાની દિશામાં કામગીરી થઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે બેઠકોમાં થયેલી ચર્ચા અને નક્કી કરાયેલી જવાબદારીઓનો અમલ કેટલો ઝડપથી થાય છે અને કોંગ્રેસ આ સંગઠનાત્મક તૈયારીઓને ચૂંટણીના પરિણામોમાં કેટલી અસરકારક રીતે ફેરવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Sub Editor at VTV Gujarati | 8+ Years of Experience in Gujarati Journalism, News Writing & Digital Content Creation.
વધુ વાંચો