ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઉનાળામાં મળતી બરડાની કેસર કેરી ઓક્ટોબરમાં જ બજારમાં આવી, 10 કિલોના બોક્સનો ભાવ ₹4,000 સુધી પહોંચ્યો
Last Updated: 10:47 AM, 18 November 2026
ADVERTISEMENT
સામાન્ય રીતે કેસર કેરીની સિઝન ઉનાળામાં શરૂ થતી હોય છે અને કેરીના શોખીનો આખું વર્ષ તેની રાહ જોતા હોય છે. પરંતુ આ વખતે વાતાવરણમાં આવેલા પરિવર્તનના કારણે કુદરતે જાણે ઋતુનું ચક્ર જ બદલી નાખ્યું હોય તેવું લાગી રહ્યું છે. હજુ ઉનાળાને ઘણો સમય બાકી છે, ત્યાં દિવાળીના તહેવારો દરમિયાન જ પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં બરડાની પ્રખ્યાત કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. વર્ષના 10મા મહિનામાં કેસર કેરી બજારમાં પહોંચતાં સ્થાનિક લોકો અને કેરીના રસિયાઓમાં ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે. પોરબંદરના સુદામા ફ્રૂટ કંપની ખાતે ગઈકાલે કેસર કેરીના 21 બોક્સની આવક નોંધાઈ હતી. અત્યાર સુધીમાં માર્કેટિંગ યાર્ડમાં અંદાજે 150થી 160 બોક્સ કેસર કેરી આવી ચૂકી છે.
ADVERTISEMENT

પોરબંદરના બરડા ડુંગરની કેસર કેરી પોતાની ગુણવત્તા અને સ્વાદ માટે જાણીતી છે. આ વખતે વહેલી આવક થવાનું મુખ્ય કારણ વાતાવરણમાં થયેલું પરિવર્તન હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. બરડા ડુંગર વિસ્તારમાં આ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે. તેના કારણે કેરીનાં ઝાડને ગરમ હવા મળવાની સાથે ગરમીનું પ્રમાણ પણ વધારે રહ્યું હતું. પરિણામે કેરી સામાન્ય સમય કરતાં વહેલી તૈયાર થઈ છે. સામાન્ય રીતે પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં દર વર્ષે 25થી 27 ડિસેમ્બરની આસપાસ કેસર કેરીનું ઓપનિંગ થતું હોય છે, પરંતુ આ વખતે 10મા મહિનામાં જ કેરી બજારમાં આવી જતાં વેપારીઓ પણ આશ્ચર્યમાં છે. વેપારીઓના જણાવ્યા મુજબ શરૂઆતમાં 17 બોક્સની આવક થઈ હતી અને તે સમયે કેરીના બોક્સના ભાવ રૂ.10,000થી રૂ.14,500 સુધી પહોંચ્યા હતા. એક સમયે રૂ.14,000, રૂ.14,250 અને રૂ.14,500ના ભાવ બોલાયા હતા, જ્યારે બીજા નંબરની કેરીનો ભાવ રૂ.10,000 રહ્યો હતો.
ADVERTISEMENT
ઉનાળા પહેલાં જ પોરબંદરમાં કેસર કેરીની આવક! પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના 21 બોક્સની આવક અત્યાર સુધીમાં 150થી 160 બોક્સ કેરી આવી પ્રથમ ગુણવત્તાની કેરીનો ભાવ ₹300થી ₹400 પ્રતિ કિલો બરડાની કેસર કેરીની યુકે અને રાજકોટમાં પણ માંગ #Porbandar #KesarMango #MangoSeason #MarketingYard #VTVDigital
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 18, 2026
ADVERTISEMENT
હાલમાં કેરીની ગુણવત્તા પ્રમાણે ભાવમાં તફાવત જોવા મળી રહ્યો છે. પ્રથમ નંબરની ઉત્તમ ગુણવત્તાવાળી કેસર કેરીનો ભાવ પ્રતિ કિલો રૂ.300થી રૂ.400 સુધી રહ્યો છે. એટલે કે 10 કિલોના એક બોક્સના રૂ.3,000થી રૂ.4,000 સુધીના ભાવ બોલાયા છે. જ્યારે બીજા નંબરની ગુણવત્તાવાળી કેરી પ્રતિ કિલો રૂ.150થી રૂ.200ના ભાવે વેચાઈ રહી છે. તેના 10 કિલોના બોક્સના ભાવ રૂ.1,500થી રૂ.2,000 સુધી રહ્યા છે. સિઝન શરૂ થવાના ઘણા મહિના પહેલાં જ કેરી બજારમાં આવી હોવા છતાં લોકો તેને ખરીદવા માટે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. રોજેરોજ 10થી 15 બોક્સની આવક થતી હોય છે, જ્યારે ક્યારેક એકાદ દિવસ આવક બંધ પણ રહે છે. જોકે, ગઈકાલે 21 બોક્સની આવક નોંધાઈ હતી અને આટલી વહેલી કેરીની આવક પોરબંદર માટે ખાસ બની છે.
ADVERTISEMENT
પોરબંદરના સુદામા ફ્રૂટ કંપનીના કેરીના વેપારી નીતિન દાસાણીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે અમારી પેઢીમાં દર વર્ષે 25થી 27 ડિસેમ્બરની આસપાસ કેસર કેરીનું ઓપનિંગ થાય છે. પરંતુ આ વખતે વાતાવરણની અસરને કારણે કેરી 10મા મહિનામાં જ બજારમાં આવી છે. બરડા ડુંગરમાં ઓછા વરસાદ અને વધારે ગરમીના કારણે કેરી સાતથી આઠ મહિનામાં જ તૈયાર થઈ ગઈ છે.

ADVERTISEMENT
શરૂઆતમાં 17 બોક્સની આવક થઈ હતી અને ત્યારે એક નંબરની કેરીના ભાવ રૂ.14,000થી રૂ.14,500 સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ અત્યાર સુધીમાં કુલ 150થી 160 બોક્સની આવક થઈ છે. ગઈકાલે 21 બોક્સ આવ્યા હતા, જેમાં પ્રથમ નંબરની કેરી રૂ.3,000થી રૂ.4,000 અને બીજા નંબરની કેરી રૂ.1,500થી રૂ.2,000ના બોક્સદીઠ ભાવે વેચાઈ હતી. તેમણે આટલી વહેલી કેરીની આવકને વાતાવરણની અસર કે ચમત્કાર સમાન ગણાવી હતી.
ADVERTISEMENT
બીજી તરફ કેરીના શોખીનો માટે પણ આ સમાચાર ખુશી લઈને આવ્યા છે. ગ્રાહક રાકેશ હરેશ મોનાણીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ઉનાળામાં કેસર કેરીની આવક થતી હોય છે, પરંતુ આ વખતે શિયાળાની શરૂઆતમાં જ કેરી બજારમાં આવી છે. 21 બોક્સની આવકમાંથી અંદાજે 10થી 12 બોક્સ પ્રથમ નંબરની ગુણવત્તાવાળી કેરીના હતા.

આ કેરી પ્રતિ કિલો રૂ.350થી રૂ.400ના ભાવે વેચાઈ હતી, જ્યારે બીજા નંબરની કેરી રૂ.150થી રૂ.200 પ્રતિ કિલોના ભાવે મળી હતી. કેરી ખાવાના ખૂબ શોખીન હોવાથી તેમણે ત્રણથી ચાર બોક્સની ખરીદી કરી છે. તેમના જણાવ્યા મુજબ આ વહેલી કેરીમાંથી કેટલીક રાજકોટ અને કેટલીક યુકે પણ મોકલવામાં આવી છે. તેઓ દર વખતે જ્યારે પણ વહેલી કેરી બજારમાં આવે છે ત્યારે તેની ખરીદી કરી લે છે.
આમ, વાતાવરણમાં આવેલા ફેરફારના કારણે પોરબંદરના બરડા ડુંગરની પ્રખ્યાત કેસર કેરી આ વખતે ઉનાળાની રાહ જોયા વગર જ બજારમાં પહોંચી ગઈ છે. સામાન્ય રીતે ડિસેમ્બરના અંતમાં શરૂ થતી આવક ઓક્ટોબર મહિનામાં જ શરૂ થતાં કેરીના વેપારીઓથી લઈને ગ્રાહકો સુધી સૌ કોઈ આશ્ચર્યમાં છે. પોરબંદરમાં આવેલી આ કેરી રાજકોટ અને યુકે સુધી પહોંચી રહી છે. હવે આગામી દિવસોમાં કેસર કેરીની આવક કેટલી વધે છે અને તેના ભાવમાં કેવો ફેરફાર થાય છે તેના પર વેપારીઓ તથા કેરીના શોખીનોની નજર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.