ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વટવામાં પોસ્ટ ઓફિસ શરૂ કરવામાં કાયદાકીય મંજૂરી બની અવરોધ! નવું મકાન તૈયાર છતાં કલેક્ટરની મંજૂરીના અભાવે સ્થળાંતર અટ
Last Updated: 04:04 PM, 20 November 2026
ADVERTISEMENT
ગુજરાતના એક ગામમાં સ્વતંત્રતા પહેલાંના સમયના જર્જરિત મકાનમાંથી પોસ્ટ ઓફિસને અન્ય સ્થળે ખસેડવાનો નિર્ણય સરકારી કાયદાકીય પ્રક્રિયાના કારણે અટવાઈ ગયો છે. મિલકતોના હસ્તાંતરણને નિયંત્રિત કરતા સંવેદનશીલ વિસ્તારના કાયદા હેઠળ જિલ્લા કલેક્ટરની મંજૂરી જરૂરી હોવાથી પોસ્ટ ઓફિસના સ્થળાંતરમાં વિલંબ થઈ રહ્યો છે. પોસ્ટ ઓફિસના મોટા ભાગના ગ્રાહકો વરિષ્ઠ નાગરિકો છે, જેઓ હવે સત્તાધીશોને પોસ્ટ ઓફિસ ફરી શરૂ કરવામાં વિલંબ કરવા બદલ જવાબદાર ઠેરવી રહ્યા છે.
ADVERTISEMENT
અમદાવાદના વટવા ગામની પોસ્ટ ઓફિસ ફરી શરૂ કરવા માટે સત્તાધીશો દ્વારા થઈ રહેલા વિલંબથી સ્થાનિક લોકોમાં નારાજગી છે. ટપાલ વિભાગે હાલ પોસ્ટ ઓફિસને વટવા જીઆઈડીસીમાં આવેલી સરકારી ઔદ્યોગિક વસાહતમાં ખસેડી છે, પરંતુ ગામના રહેવાસીઓના જણાવ્યા અનુસાર આ સ્થળ તેમના માટે ઘણું દૂર છે.
લોકોના દબાણ બાદ ટપાલ વિભાગે ગામમાં જ એક મકાન ભાડે લીધું છે, જે જૂની પોસ્ટ ઓફિસથી આશરે ૨૦૦ મીટર દૂર છે, જોકે આ મકાન પણ ‘સંવેદનશીલ વિસ્તાર’ના કાયદા હેઠળ આવતું હોવાથી તેનો ઉપયોગ શરૂ કરવા માટે જિલ્લા કલેક્ટરની મંજૂરી લેવી જરૂરી છે.
ADVERTISEMENT
જર્જરિત મકાનના કારણે પોસ્ટ ઓફિસ બંધ, ગ્રામજનોની હાલાકી વધી
વટવા ગામની પોસ્ટ ઓફિસ લગભગ એક વર્ષથી બંધ છે. વર્ષોથી મકાનની હાલત કથળતી ગઈ હતી. ચોમાસામાં છતમાંથી પાણી ટપકતું હતું અને પોસ્ટ ઓફિસના કર્મચારીઓ કે ગ્રાહકો માટે બેસવાની કોઈ યોગ્ય વ્યવસ્થા નહોતી.
ADVERTISEMENT
વટવા ગામના નિવૃત્ત સબ પોસ્ટમાસ્ટર ૭૪ વર્ષીય ગોવિંદભાઈ પ્રજાપતિએ જણાવ્યું છે કે હાલની હંગામી પોસ્ટ ઓફિસ તેમના માટે ખૂબ દૂર છે. હવે ટપાલ સેવાઓ મેળવવા માટે મારે લગભગ પાંચ કિલોમીટર દૂર જીઆઈડીસી સુધી જવું પડે છે. મારા પેન્શન ખાતા, નિયમિત લેવડદેવડ, બાળકોનાં ખાતાં અને અન્ય નાણાકીય સેવાઓ માટે મહિનામાં ઓછામાં ઓછા પાંચ વખત પોસ્ટ ઓફિસની મુલાકાત લેવી પડે છે.
તેમના જણાવ્યા અનુસાર ૨૦૨૩થી પોસ્ટ ઓફિસ એવાં ગામોમાં પણ ગ્રાહકોને બેન્કિંગ સેવાઓ પૂરી પાડી રહી છે કે જ્યાં બેન્ક નથી, સાથે વિવિધ સરકારી યોજનાઓ અને ડિજિટલ સેવાઓનો લાભ પણ લોકોને મળે છે. ઈન્ડિયા પોસ્ટની વેબસાઈટ મુજબ દરેક પોસ્ટ ઓફિસ સરેરાશ ૧૯.૯૨ ચોરસ કિલોમીટરના વિસ્તારના લોકોને સેવા આપવાના હેતુથી કાર્યરત છે.
ADVERTISEMENT
ગયા વર્ષે ઓગસ્ટમાં કેન્દ્ર સરકારે ‘ડાક સેવા’ અને ‘ડાક મિત્ર’ સુવિધાઓ શરૂ કરી હતી, જેના હેઠળ મોબાઈલ ફોન દ્વારા અને ઘેરબેઠાં ટેક્નોલોજીની મદદથી કાગળવિહોણી ટપાલ સેવાઓ પૂરી પાડવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, બીજી તરફ દેશભરમાં પોસ્ટ ઓફિસોના નવીનીકરણની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.
વરિષ્ઠ નાગરિકો માટે પોસ્ટ ઓફિસ સુધી પહોંચવું મુશ્કેલ
ADVERTISEMENT
વટવા ગામના રહેવાસી અને વરિષ્ઠ નાગરિક ગોપાલ દાણીનું કહેવું છે કે પોસ્ટ ઓફિસને નવા મકાનમાં ખસેડવામાં થઈ રહેલા વિલંબથી તેમના જેવા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. પોસ્ટ ઓફિસના મોટા ભાગના ગ્રાહકો આસપાસનાં ગામોમાંથી આવતા હોવાથી તેમને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. અધિકારીઓ વટવા ગામમાં પોસ્ટ ઓફિસ ફરી શરૂ કરવામાં બિનજરૂરી વિલંબ કરી રહ્યા છે. ગામમાં ‘ગોલ્ડન નાઈન’ નામનું યોગ્ય મકાન ઉપલબ્ધ છે. અમારે માત્ર સંવેદનશીલ વિસ્તારના કાયદા હેઠળ પ્રમાણપત્ર મેળવવાની જરૂર છે.
વટવા ગામના ટપાલ એજન્ટ ૫૪ વર્ષીય ખુરશીદ અબ્બાસ ભુકારીના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા છ મહિનાથી દરરોજ પાંચ કિલોમીટરથી વધુ મુસાફરી કરીને અગાઉ તેમના પાડોશમાં આવેલી પોસ્ટ ઓફિસ સુધી પહોંચે છે. વરિષ્ઠ નાગરિકોને જીઆઈડીસીમાં આવેલી પોસ્ટ ઓફિસ સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે, કારણ કે તે ગામથી પાંચ કિલોમીટરથી વધુ દૂર છે એમ ૭૨ વર્ષીય યુસુફ શેખે જણાવ્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ હવે માત્ર 2 મહિના! ખર્ચમાં ₹56.10 લાખનો ઘટાડો, હવે ₹26.40 લાખમાં યોજાશે ફેસ્ટિવલ
કાયદો શું કહે છે?
ગુજરાત પ્રોહિબિશન ઓફ ટ્રાન્સફર ઓફ ઈમુવેબલ પ્રોપર્ટી એન્ડ પ્રોવિઝન ફોર પ્રોટેક્શન ઓફ ટેનન્ટ્સ ફ્રોમ ઈવિક્શન ફ્રોમ પ્રિમાઈસીસ ઈન ડિસ્ટર્બ્ડ એરિયાઝ એક્ટ હેઠળ કોમી તણાવથી અસરગ્રસ્ત વિસ્તારોમાં મિલકતના હસ્તાંતરણ માટે જિલ્લા કલેક્ટરની મંજૂરી જરૂરી છે. વટવા ૨૦૨૦માં આ કાયદા હેઠળ આવતા વિસ્તારમાં સામેલ થયું હતું એટલે અહીં મિલકતની માલિકી બદલાય ત્યારે કલેક્ટરની કચેરીની મંજૂરી લેવી પડે છે. આ કાયદાનો હેતુ કોમી ધ્રુવીકરણને નિયંત્રિત કરવાનો અને મિલકતોના દબાણ હેઠળ થતાં વેચાણને અટકાવવાનો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.