ન્યૂઝ અપડેટ્સ
7 ફોટો ગેલેરી
Last Updated: 03:01 PM, 20 November 2026
1/7
દિલજીત દોસાંઝ આવતીકાલે અમદાવાદમાં લાઈવ કોન્સર્ટ કરવાના છે.21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં AURA ઈન્ડિયા ટૂરનો કાર્યક્રમ યોજાશે.કોન્સર્ટ પહેલાં દિલજીતે ગુજરાતી નાસ્તાની મજા માણી હતી.ફાફડા-જલેબી અને ખમણની થાળી સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.બીજી તરફ કોન્સર્ટને લઈને સ્ટેડિયમમાં સુરક્ષા અને ટ્રાફિકની ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.
2/7
પંજાબી ગીતો અને પોતાના આગવા અંદાજથી યુવાનોમાં લોકપ્રિય દિલજીત દોસાંઝ અત્યારે અમદાવાદમાં છે. આવતીકાલે એટલે કે 21 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેમનો AURA ઈન્ડિયા ટૂર અંતર્ગત લાઈવ કોન્સર્ટ યોજાવાનો છે. આ કાર્યક્રમ માટે દિલજીત 19 નવેમ્બરની રાત્રે જ અમદાવાદ પહોંચી ગયા હતા. અહીં ITC નર્મદા હોટેલમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદ પહોંચ્યા બાદ હવે દિલજીત ગુજરાતી ભોજનના રંગમાં રંગાયા છે. તેમણે ગુજરાતી વાનગીઓની જયાફત માણતો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
ADVERTISEMENT
3/7
20 નવેમ્બરની સવારે દિલજીતે ITC નર્મદા હોટેલમાં ગુજરાતી નાસ્તાની મજા માણી હતી. તેમણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં નાસ્તાની થાળીનો વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં દિલજીત ગુજરાતી અંદાજમાં કહેતા સંભળાય છે, 'અરે એ દેખો, યે દેખો હમારા બ્રેક ફાસ્ટ તો દેખો, ક્યા કેહ રહે હો યાર.. અમદાવાદ, કેમ છો, ફુલ મજામાં... કાલે મળીએ છીએ..'તેમની થાળીમાં ફાફડા-જલેબી, સેવ ખમણી, ખમણ, ઢોકળા અને હાંડવાના ટુકડા જોવા મળ્યા હતા. આ ઉપરાંત વઘારેલા પાત્રા, કઢી, ગાજરનું કચુંબર અને તળેલા મરચાં પણ પીરસવામાં આવ્યાં હતાં. થાળીમાં દાડમ અને કોથમીરથી સજાવેલી વાનગીઓ પણ હતી. સાથે એક ગ્લાસ લીલું જ્યુસ પણ જોવા મળ્યું હતું. પંજાબી સુપરસ્ટારને ગુજરાતી નાસ્તો પસંદ આવ્યો હોય તેવું તેમના વીડિયો પરથી જોવા મળી રહ્યું છે.
4/7
દિલજીત દોસાંઝને ગુજરાતી ભોજનનો સ્વાદ એટલો પસંદ આવ્યો છે કે અમદાવાદ પહોંચ્યા બાદ પણ તેમણે પંજાબી નહીં, પણ ગુજરાતી નાસ્તાને પસંદ કર્યો. ફાફડા-જલેબીથી લઈને ખમણ, ઢોકળાં અને પાત્રા જેવી વાનગીઓથી સજેલી થાળી જોઈને તેમના ચાહકો પણ ખુશ થઈ ગયા છે. સામાન્ય રીતે ગુજરાતીઓ માટે સવારનો નાસ્તો ગણાતી આ વાનગીઓ હવે પંજાબી સુપરસ્ટારના બ્રેકફાસ્ટનો ભાગ બની છે. ગીરની કાઠિયાવાડી થાળી હોય કે અમદાવાદના ફાફડા-જલેબી, દિલજીતની ગુજરાતી ફૂડ સફર સોશિયલ મીડિયા પર પણ લોકોનું ધ્યાન ખેંચી રહી છે.
ADVERTISEMENT
5/7
દિલજીત દોસાંઝનો કોન્સર્ટ 21 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાનો છે. આ કાર્યક્રમને લઈને મોટી સંખ્યામાં સંગીતપ્રેમીઓ અમદાવાદ પહોંચે તેવી શક્યતા છે. જેને ધ્યાનમાં રાખીને વાહન પાર્કિંગ માટે 16 પ્લોટની વ્યવસ્થા કરવામાં આવી છે. ટુ-વ્હીલર માટે 120 રૂપિયા અને ફોર-વ્હીલર માટે 500 રૂપિયા પાર્કિંગ ચાર્જ રાખવામાં આવ્યો છે. એટલે કોન્સર્ટમાં જવાનું આયોજન કરતા લોકોએ પાર્કિંગની વ્યવસ્થા અને તેના ચાર્જને ધ્યાનમાં રાખીને જ ઘરેથી નીકળવું પડશે.
6/7
કોન્સર્ટ દરમિયાન સ્ટેડિયમ આસપાસ ટ્રાફિકની ભીડ ન થાય તે માટે પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટ થઈ કૃપા રેસિડેન્સી ટી અને મોટેરા ટી સુધીના માર્ગ પર બંને તરફની અવરજવર માટે પ્રતિબંધ રહેશે.વાહનચાલકો તપોવન સર્કલથી ONGC ચાર રસ્તા, વિસત ટી, જનપથ ટી, પાવર ચાર રસ્તા થઈ પ્રબોધ રાવળ સર્કલ તરફ જઈ શકશે. જ્યારે કૃપા રેસિડેન્સી ટીથી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ-કોટેશ્વર રોડ અને અપોલો સર્કલ તરફ અવરજવર કરી શકાશે. આથી સ્ટેડિયમ તરફ જતા લોકોએ ટ્રાફિકના ફેરફારને ધ્યાનમાં રાખીને મુસાફરીનું આયોજન કરવું પડશે.
ADVERTISEMENT
7/7
કોન્સર્ટને લઈને સ્ટેડિયમમાં 1300થી વધુ પોલીસકર્મીઓનો બંદોબસ્ત ગોઠવવાની તૈયારી છે. અગાઉ કોન્સર્ટને લઈને બોમ્બની ધમકીઓ મળતાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. સ્ટેડિયમ, પાર્કિંગ વિસ્તાર અને પ્રવેશદ્વારો પર બોમ્બ સ્ક્વોડ તથા ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત સાયબર ક્રાઈમ સેલ દ્વારા ધમકીભર્યા ઈમેલ અને સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવશે. કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી સુરક્ષા તપાસ ચાલુ રહેશે.બીજી તરફ દિલજીતનો ગુજરાત સાથેનો આ ગુજરાતી ભોજનનો પ્રેમ નવો નથી. ત્રણ દિવસ પહેલાં તેઓ ગીરની મુલાકાતે પણ ગયા હતા. ત્યાં તેમણે કાઠિયાવાડી ભોજનની મજા માણી હતી અને સાસણમાં સિંહ દર્શન પણ કર્યા હતા. કાઠિયાવાડી થાળી ખાતી વખતે તેમણે ભોજનનાં વખાણ પણ કર્યા હતા. ભોજન પહેલાં મીઠાઈ પીરસવામાં આવતાં તેમણે મજાકમાં કહ્યું હતું કે, ભોજન પહેલાં જ મીઠાઈ આવી ગઈ, તો પહેલાં મીઠું ખાઈ લઈશું તો પછી ભોજન કેવી રીતે લઈશું? હવે અમદાવાદમાં ફાફડા-જલેબી અને ખમણની મજા માણતો તેમનો વીડિયો ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આવતીકાલે સ્ટેડિયમમાં દિલજીતના પર્ફોર્મન્સને જોવા માટે હજારો સંગીતપ્રેમીઓ આતુર છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ