બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / સિલ્વર મેડલિસ્ટ એન્જિનિયરે કોર્પોરેટ લાઈફ છોડી, એક જ ટેક્સીથી શરૂ કર્યો બિઝનેસ, આજે 19 રાજ્યોમાં ફેલાયેલી છે કેબ કંપની
Last Updated: 09:04 AM, 19 July 2026
સારી નોકરી, હાથમાં દર મહિને ₹40 હજારનો પગાર, નિરમા યુનિવર્સિટીનો સિલ્વર મેડલ અને ઉજ્જવળ કોર્પોરેટ કારકિર્દી.
ADVERTISEMENT

સામાન્ય માણસ માટે આ એક સારી કંડીશન છે, સફળ પરિસ્થિતિ છે. પરંતુ અમદાવાદના ધ્રુવમ ઠાકરે એક દિવસ નક્કી કર્યું કે માત્ર પગાર માટે નહીં, પરંતુ પોતાના સિદ્ધાંતો પર ચાલતી કંપની ઊભી કરવી છે. કોઈ મોટા રોકાણકાર વગર માત્ર એક જ ટેક્સીથી શરૂ થયેલી સફર આજે 19 રાજ્યો, 42 શહેરો અને 9 હજારથી વધુ ગાડીઓના નેટવર્ક સુધી પહોંચી છે. સૌથી રસપ્રદ વાત એ છે કે ધ્રુવમે ટેક્સી બિઝનેસમાં ભાવ નહીં, પરંતુ 'એરલાઈન જેવી હોસ્પિટાલિટી' વેચવાનો નિર્ણય લીધો, અને એ જ નિર્ણય તેમની સૌથી મોટી સફળતા બની ગયો.
ADVERTISEMENT
કોઈ પણ સફળ સ્ટાર્ટઅપ પાછળ એક એવી ઘટના હોય છે જે આખી જિંદગી બદલી નાખે. ધ્રુવમ ઠાકર માટે પણ એવી જ એક ક્ષણ હતી. મિકેનિકલ એન્જિનિયરિંગમાં નિરમા યુનિવર્સિટીમાંથી સિલ્વર મેડલ મેળવ્યા પછી તેમણે લગભગ 8 વર્ષ વિવિધ કોર્પોરેટ કંપનીઓમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે કામ કર્યું. નોકરી સારી હતી, પગાર પણ સારો હતો અને ભવિષ્ય પણ સુરક્ષિત હતું. પરંતુ અંદરથી ધ્રુવમને ક્યારેય મજા નહોતી આવતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
કંપનીના કામથી ધ્રુવમને સતત ફરવાનું થતું, ક્યારેક અમદાવાદથી બેંગલોર, ક્યારેક મુંબઈથી દિલ્હી... દર વખતે અલગ-અલગ કેબ સર્વિસમાં ટ્રાવેલ કરવાનું થાય. લગભગ દરેક રાઈડ પછી ધ્રુવમને લાગતું કે, ક્યાંક ડ્રાઇવર છેલ્લી ઘડીએ રાઈડ કેન્સલ કરીદે છે, ક્યાંક ગાડી ગંદી હોય, ક્યાંક ગ્રાહક સાથે વર્તન યોગ્ય ન હોય. આ બધું સોલ્વ થવું જોઈએ. બીજી તરફ તે સમય દરમિયાન Ola અને Uber જેવી કંપનીઓ બજારમાં ભારે ડિસ્કાઉન્ટ આપીને ગ્રાહકો ખેંચવામાં વ્યસ્ત હતી. ધ્રુવમને લાગ્યું કે આખું માર્કેટ ભાડામાં સ્પર્ધા કરી રહ્યું છે, પરંતુ કોઈ સર્વિસની ગુણવત્તા વિશે વિચારી રહ્યું નથી.
બસ, આ જ સમસ્યામાંથી અત્યારના સામ્રાજ્યનો પહેલો વિચાર ઝબક્યો.
ADVERTISEMENT
"રસ્તા પર દોડતી ટેક્સી પણ એરલાઈન જેવી હોસ્પિટાલિટી કેમ ન આપી શકે?"
આ એક પ્રશ્ન જ તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની ગયો.
ADVERTISEMENT

જો કે, વિચાર આવવો સરળ છે, પરંતુ દર મહિને નક્કી પગાર આપતી નોકરી છોડવી સહેલી નથી. ખાસ કરીને જ્યારે તમે મિડલ ક્લાસ પરિવારમાંથી આવતા હો. ધ્રુવમ કહે છે, "મને લાગતું હતું કે હું જે મૂલ્યોમાં માનું છું એ પ્રમાણે કોર્પોરેટમાં લાંબા સમય સુધી કામ કરી શકીશ નહીં. સમાધાન કરવું મને સ્વીકાર્ય નહોતું. એટલે એક દિવસ નક્કી કરી લીધું કે હવે પોતાની કંપની જ બનાવવી."
આ નિર્ણય એટલો મોટો હતો કે શરૂઆતમાં તેમણે પરિવારને પણ કહ્યું નહોતું. તેમને ખબર હતી કે સિલ્વર મેડલિસ્ટ દીકરો ટેક્સીનો ધંધો શરૂ કરવાની વાત કરશે તો ઘરવાળા કદાચ મંજૂરી નહીં આપે. 2015-16માં તેમની ટેક હોમ સેલરી માત્ર ₹40 હજાર જેટલી હતી. ઘરના ખર્ચ પછી ખાસ બચત નહોતી. કોઈ ઇન્વેસ્ટર નહોતો. બેંકમાંથી મોટું લોન લેવાની સ્થિતિ નહોતી. મિત્રો અને પરિવારના થોડાક સહયોગથી એક જ ગાડીનું ડાઉન પેમેન્ટ ભેગું થયું... અને ત્યાંથી જન્મ થયો The Smart Taxiનો.
અપના હાથ, જગન્નાથ
સ્ટાર્ટઅપના શરૂઆતના દિવસો ફિલ્મો જેવા ગ્લેમરસ નહોતા.
ધ્રુવમ જ ફોન ઉઠાવતા.
ધ્રુવમ જ ગ્રાહક શોધતા.
ધ્રુવમ જ ડ્રાઇવર સાથે વાત કરતા.
ધ્રુવમ જ બિલ બનાવતા.
ધ્રુવમ જ એકાઉન્ટ્સ સંભાળતા.
અને જરૂર પડે તો ગાડી ચલાવવાની જવાબદારી પણ તેમની જ.
લગભગ ચાર વર્ષ સુધી કંપનીમાં તેઓ જ એકમાત્ર કર્મચારી હતા.

ધ્રુવમે શરૂઆતથી જ નક્કી કર્યું કે તેઓ ભાવની સ્પર્ધામાં ઉતરશે નહીં. તેમણે સર્વિસને જ બ્રાન્ડ બનાવી. તેમની દરેક કેબમાં મુસાફરો માટે મફત પાણીની બોટલ, બિસ્કિટ, વેફર્સ જેવી સુવિધા શરૂ કરવામાં આવી. જરૂર હોય તો ન્યૂઝપેપર, મેગેઝિન કે બુકે સુધીની વ્યવસ્થા. સૌથી મોટું કમિટમેન્ટ હતું Zero Cancellation. એકવાર બુકિંગ થઈ ગયું એટલે છેલ્લી ઘડીએ ડ્રાઇવર રાઈડ કેન્સલ નહીં કરે. આજે પણ કંપનીનો દાવો છે કે લગભગ 97 ટકા રાઈડ્સ કોઈ ફરિયાદ વગર પાંચ સ્ટાર રેટિંગ સાથે પૂર્ણ થાય છે.
The Smart Taxi સામાન્ય એપ આધારિત કેબ સર્વિસ નથી. કંપની પોઈન્ટ-ટુ-પોઈન્ટ ₹200-₹300ની નાની રાઈડ્સ કરતી નથી. તેમનું ફોકસ કોર્પોરેટ ક્લાયન્ટ્સ, એરપોર્ટ ટ્રાન્સફર, આઉટસ્ટેશન, આખા દિવસની સર્વિસ અને પ્રીમિયમ ગ્રાહકો પર છે. કંપનીમાં મોટાભાગના બુકિંગ 15થી 18 કલાક અગાઉ થાય છે. એટલે ઓપરેશન પણ વધુ સુવ્યવસ્થિત રહે છે.

જે સફર એક જ ગાડીથી શરૂ થઈ હતી તે આજે દેશભરમાં ફેલાઈ ગઈ છે. કંપની પાસે પોતાના અને એસોસિએટ મોડેલ મળીને આશરે 9 હજારથી વધુ વાહનોનું નેટવર્ક છે. આજે કંપની 19 રાજ્યો અને 42 શહેરોમાં કાર્યરત છે. આશ્ચર્યની વાત એ છે કે આટલું મોટું ઓપરેશન અમદાવાદથી માત્ર 9 લોકોની કોર ટીમ સંભાળે છે. કંપની પોતે દરેક શહેરમાં ગાડીઓ ખરીદતી નથી. સ્થાનિક કેબ ઓપરેટર્સ સાથે વેન્ડર મોડેલ પર કામ કરીને એસેટ-લાઇટ બિઝનેસ ઊભો કર્યો છે.
આજે The Smart Taxi માત્ર કેબ કંપની રહી નહીં. મહિલા મુસાફરો, કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સ અને પરિવાર સાથે પ્રવાસ કરતા લોકો માટે તે વિશ્વાસનો પર્યાય બની ગઈ છે. રાત્રે એરપોર્ટ જવાનું હોય કે લાંબુ ટ્રાવેલ કરવાનું હોય, ઘણા ગ્રાહકો માટે સૌથી મોટું કારણ ઓછું ભાડું નહીં, પરંતુ વિશ્વાસ છે.

ધ્રુવમ ઠાકર આજે પણ માને છે કે બિઝનેસમાં સૌથી મોટું રોકાણ ટેક્નોલોજી નહીં, પરંતુ વિશ્વાસ છે. "દરેક કંપની ડિસ્કાઉન્ટ આપી શકે, પરંતુ દરેક કંપની વિશ્વાસ અને અનુભવ આપી શકતી નથી. અમે ક્યારેય સૌથી સસ્તા બનવાનો પ્રયાસ કર્યો નથી, અમે સૌથી વિશ્વાસપાત્ર બનવાનો પ્રયાસ કર્યો છે."
ધ્રુવમ ઠાકરની સફર માત્ર એક સ્ટાર્ટઅપની સફળતા નથી. આ એ વાતનો પુરાવો છે કે સફળતા માટે હંમેશા કરોડો રૂપિયાનું રોકાણ જરૂરી નથી. ક્યારેક માત્ર એક સારો વિચાર, પોતાના સિદ્ધાંતો પર અડગ રહેવાની હિંમત અને ગ્રાહકને કેન્દ્રમાં રાખવાની દ્રષ્ટિ પણ એક સામાન્ય એન્જિનિયરને દેશભરમાં ઓળખ અપાવી શકે છે. એક જ ટેક્સીથી શરૂ થયેલી સફર આજે હજારો ગાડીઓ સુધી પહોંચી છે, પરંતુ ધ્રુવમ માટે હજુ પણ સૌથી મોટી સિદ્ધિ કંપનીનું કદ નહીં, ગ્રાહકનો વિશ્વાસ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.