બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / રાજકોટના સમાચાર / રીલ્સમાં ખોવાયેલી પેઢીને કુદરત સાથે ફરી પ્રેમ કરાવતો 70 વર્ષના 'ગ્રીન ગુરુ', બાળકોને ગમે છે મોબાઈલ લઈ લેતા આ દાદા!
Last Updated: 09:06 AM, 8 August 2026
એક સમય હતો...
ADVERTISEMENT

બાળકો સાંજ પડતાં જ ગલીમાં દોડી જતા. ક્યારેક ગીલ્લી-ડંડા રમતા, ક્યારેક સંતાકૂકડી, તો ક્યારેક ઝાડ પર ચડીને કેરી તોડવાની મજા લેતા. આજે એ જ બાળકોના હાથમાં માટી નથી... મોબાઇલ છે. આંખો સામે આકાશ નથી... સ્ક્રીન છે. રમવાના મેદાનની જગ્યાએ હવે 'રીલ્સ' છે.
ADVERTISEMENT
આજનો બાળક પક્ષીનું નામ કરતાં YouTuberનું નામ વધુ ઝડપથી બોલી શકે છે. તેને વરસાદ આવે ત્યારે માટીની સુગંધ કરતાં ફોનનું Wi-Fi વધુ યાદ આવે છે. પરંતુ, 70 વર્ષના આ ગુજરાતી બાળકોના હાથમાંથી મોબાઇલ છીનવતો નથી. તે તો ફક્ત તેમના હાથમાં એક નાનકડું બીજ મૂકી દે છે. અને પછી એ બીજ માત્ર ધરતીમાં જ નથી ઉગતું. બાળકના મનમાં પણ ઉગી જાય છે.
ADVERTISEMENT
વાત છે રાજકોટના પૂર્વ રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) વી.ડી. બાલાની કહાની. એક એવી સફર, જે આજે VTV Amazingsમાં હજારો માતા-પિતા અને શિક્ષકો માટે પ્રેરણા બની શકે છે.
ADVERTISEMENT
"બાળક પહેલા બીજ વાવે છે... પછી જવાબદારી શીખે છે"
વી.ડી. બાલા કહે છે. "બાળક જમીનમાં એક બીજ વાવે છે, પરંતુ એ પહેલાં એક બીજ તેના મનમાં વવાય છે. ત્યારથી તે કુદરત સાથે જીવતા શીખે છે." આ માત્ર શબ્દો નથી. આ તેમની આખી જિંદગીનું મિશન છે. તેમનું માનવું છે કે બાળક જો પોતાના હાથથી એક છોડ ઉછેરે, રોજ પાણી આપે, પહેલું ફૂલ ખીલે તેની રાહ જુએ, તો તે જીવનમાં ધીરજ, જવાબદારી અને પ્રેમ ત્રણેય શીખી જાય છે.
ADVERTISEMENT
રિટાયરમેન્ટ પછી મોટાભાગના લોકો આરામ પસંદ કરે છે. પરંતુ વી.ડી. બાલાએ ગામડાંનો રસ્તો પસંદ કર્યો. દર સોમવારે ગામડે જવું. શનિવારે પાછા આવવું. દરેક ગામમાં બાળકો સાથે કલાકો સુધી રમવું. કોઈ ફી નહીં. કોઈ સંસ્થા નહીં. કોઈ દેખાડો નહીં. માત્ર બાળકો. અને શેરી રમતોનો આનંદ ક્યારેક, સંતાકૂકડી, લંગડી, ગીલ્લી-ડંડા રમત રમતાં રમતાં બાળક તેમનો મિત્ર બની જાય અને પછી શરૂ થાય કુદરતનો સાચો પાઠ.
ADVERTISEMENT

"બાળકને સીધું ભાષણ આપો તો કદાચ કંટાળી જાય... પહેલા તેની સાથે રમો, પછી સમજાવો. એ આખી જિંદગી યાદ રાખે છે."
વી.ડી. બાલાના જણાવ્યા મુજબ અત્યાર સુધી તેઓ લગભગ 7થી 8 લાખ વિદ્યાર્થીઓ સુધી પહોંચી ચૂક્યા છે. દર વર્ષે વરસાદની સિઝનમાં તેઓ રોજ પાંચ જેટલી શાળાઓમાં જાય છે. પરંતુ પોતાની સથે ગિફ્ટ તરીકે ચોકલેટ નહીં, શાકભાજીના બીજ લઈ જાય છે. બાળકોને કહે છે, ઘરે જઈને દૂધી વાવો. રીંગણ વાવો. મરચાં વાવો. અને રોજ એને ઉછેરજો.

'ગ્રીન ટાઈમ'નું સૌથી સુંદર ગિફ્ટ... ચકલીનો માળો
2010માં તેમણે ચકલી માટે ખાસ માળાની ડિઝાઇન તૈયાર કરી. આજે સૌરાષ્ટ્રના હજારો ઘરોમાં ચકલીના માળા જોવા મળે છે. બાળકોને તેઓ માત્ર માળો આપતા નથી. સમજાવે છે પણ છે કે ક્યાં લગાવવો? ચકલી કેવી રીતે આવશે? ઈંડાં કેવી રીતે મૂકે? બચ્ચાં કેવી રીતે બહાર આવશે? અને પછી કહે છે, "મોબાઇલની સ્ક્રીનમાં એવો આનંદ નથી મળતો, જે ચકલીના બચ્ચાંને પહેલીવાર ઉડતાં જોઈને મળે."
વી. ડી. બાલા દ્વારા 14 જૂનથી 15 ઓગસ્ટ વચ્ચે નવરંગ નેચર ક્લબ દ્વારા રાજકોટ, ગોંડલ, જસદણ, મોરબી, પડધરી સહિત 102 ગામોમાં નિઃશુલ્ક રોપાનું વિતરણ કરવામાં આવ્યું. આ અભિયાનમાં લોકોને મળ્યા જામફળ, સીતાફળ, આંબળા, લીંબડો, પારિજાત, સરગવો, આસોપાલવ, વડ અને અનેક અન્ય રોપા.

દરેક ગામમાં એક વ્યક્તિને જવાબદારી આપવામાં આવે છે કે માત્ર છોડ વહેંચવાના નહીં તે જીવતા પણ રહે, તે જોવાની.
વી.ડી. બાલા વર્ષો સુધી ગુજરાત વન વિભાગમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર રહ્યા. હિંગોળગઢ સહિત અનેક જંગલોમાં સેવા આપી. તેઓ હસતાં કહે છે, "લોકો જંગલમાં ફરવા પૈસા ખર્ચે છે... મને તો જંગલમાં ફરવા માટે સરકાર પગાર આપતી હતી." પરંતુ નિવૃત્તિ પછી પણ તેમની સફર અટકી નહીં. સરકારી ફરજ પૂરી થઈ. પ્રકૃતિ પ્રત્યેની ફરજ શરૂ થઈ.
વી.ડી. બાલા ખેડૂતો માટે પણ સતત કાર્યરત છે. સૌરાષ્ટ્રમાં લગભગ 20 ખેડૂત હાટ શરૂ કરવામાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે. રાજકોટમાં દર રવિવારે યોજાતી ખેડૂત હાટમાં લગભગ 100 ખેડૂતો સીધા ગ્રાહકો સુધી પહોંચે છે. એક જ દિવસે અંદાજે 4થી 5 લાખ રૂપિયાનું વેચાણ થાય છે. તેઓ ખેડૂતોને કહે છે ગુંદા વેચો નહીં, અથાણું બનાવો. કોઠીમડાં વેચો નહીં, ચીરો બનાવી વેચો. મૂલ્યવૃદ્ધિ કરો.

આજની પેઢીને 'સ્માર્ટ વર્ક'નો મંત્ર આપવામાં આવે છે. પરંતુ વી.ડી. બાલા અલગ વાત કરે છે. તેઓ કહે છે, "મહેનત શીખો... સ્માર્ટ વર્ક તો આપોઆપ આવી જશે." તેઓ ભગવાન શ્રીકૃષ્ણના કર્મયોગનું ઉદાહરણ આપીને બાળકોને સમજાવે છે કે સફળતા માટે શોર્ટકટ નહીં ધીરજ જરૂરી છે.
વી.ડી. બાલા પોતાના સ્વાસ્થ્યનું રહસ્ય પણ કુદરતને જ માને છે. તેઓ કહે છે,"70 વર્ષ થયા... આજે પણ નખમાં કોઈ રોગ નથી. કારણ માત્ર એક છે—મહેનત, ખેતી અને કુદરત સાથેનું જીવન."
આજે જ્યારે માતા-પિતા બાળકોનો સ્ક્રીન ટાઈમ ઘટાડવાના રસ્તા શોધી રહ્યા છે, ત્યારે રાજકોટનો આ 70 વર્ષનો માણસ કોઈ એપ બનાવતો નથી. કોઈ કેમ્પેઇન ચલાવતો નથી. તે માત્ર બાળકોના હાથમાં એક નાનકડું બીજ મૂકે છે. કારણ કે, તે જાણે છે મોબાઇલ બાળકને થોડા સમય માટે વ્યસ્ત રાખી શકે છે, પરંતુ એક છોડ આખી જિંદગી માટે જવાબદાર બનાવી શકે છે. કદાચ એટલે જ વી.ડી. બાલાની આ સફર માત્ર વૃક્ષારોપણની નથી આવતી પેઢીને ફરીથી કુદરત સાથે મિત્રતા કરાવવાની છે. અને કદાચ આજના સમયમાં આ સૌથી મોટી સમાજસેવા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.