ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / VTV વિશેષ / ગુજરાત પોલીસમાં આવશે મોટી બદલીઓ, ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કલહ, જેન ઝી જ બનશે ભાજપની તારણહાર?
Last Updated: 09:00 AM, 20 September 2026
ADVERTISEMENT
કેબિનેટ કરતા કાર્યક્રમો વધારે 'મહત્વના'!
ADVERTISEMENT
ગયા અઠવાડિયે સરકારની કેબિનેટ બેઠક પણ ન મળી, કારણ કે ભાજપના કાર્યક્રમોને લીધે મંત્રીઓ જુદી જુદી જગ્યાએ વ્યસ્ત હતા. તહેવારોની રજાઓ પૂરી થયા બાદ સત્તા પક્ષના ઢગલાબંધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં મંત્રીઓને જિલ્લાઓની જવાબદારી સોંપાઈ છે, જેને કારણે મંત્રીઓ જુદા જુદા જિલ્લાના પ્રવાસે હતા. એટલે કેબિનેટ બેઠક તો ન યોજાઈ, સચિવાલયમાં પણ હલચલ ઘટી અને વેકેશનની જેમ બધું સૂનું સૂનું લાગતું હતું.
શ્વાને કર્યું સ્વાગત!
ADVERTISEMENT
Swag સે કરેંગે સબકા સ્વાગત! સલમાન ખાનના આ ગીતને ગાંધીનગરમાં એક શ્વાને સિરીયસલી લઈ લીધું અને સચિવાલયમાં એક વિદેશી ડેલિગેશન પહોંચ્યું કે આ શ્વાન એમનું સ્વાગત કરવા પહોંચી ગયું. એટલું જ નહીં, આ શ્વાન પાછું ડેલિગેશનના એક જ સભ્યની આજુબાજું ફરતું હતું. આવી રીતે મુખ્ય સરકારી કચેરીમાં રખડતા શ્વાનને જોઈને વિદેશી ડેલિગેશન પણ આશ્ચર્યમાં મૂકાયું હતું. હવે, એમણે આમાંથી શું ઓબ્ઝર્વ કર્યું, એ તો એ જ લોકો જાણે!
કોંગ્રેસમાં કમઠાણ!
ADVERTISEMENT
વિરોધ પક્ષ તરીકે ભલે કોંગ્રેસ ક્યાંય દેખાતો ન હોય, પરંતુ જેવો ચૂંટણીનો માહોલ બને કે તરત જ કોંગ્રેસમાં અંદર અંદર ગોઠવણો ચાલવા લાગે છે. બનાસકાંઠા જિલ્લામાં નિમણૂકોને લઈને જિલ્લા પ્રમુખ અને પ્રદેશ પ્રમુખ સામસામે દેખાયા. ચૂંટણીમાં પક્ષે એક થઈને કામ કરવાનું હોય, તેના બદલે કોંગ્રેસમાં અંદર અંદરના ડખા જ પૂરા નથી થતા, પાછું આ બધીય બાબતો મીડિયા સુધી ય પહોંચી જાય છે. લાગે છે, કોંગ્રેસમાં ઠેર ઠેર વિભીષણ બેઠા છે. આ પહેલા પણ પાટણમાં પણ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશ મેવાણી તથા સિનિયર ધારાસભ્ય ડૉ.કિરીટ પટેલ સામસામે આવી ગયા હતા. એક બાજુ રણદીપ સુરજેવાલાએ પ્રભારી તરીકેની જવાબદારી સંભાળી જ છે, ત્યાં જ એમના માટે કપરાં ચઢાણ દેખાઈ રહ્યા છે.
જેન ઝીના સહારે ભાજપ
ADVERTISEMENT
જ્યારથી જંતર મંતર પર કોંક્રોચ જનતા પાર્ટીનું આંદોલન થયું, ત્યારથી ભાજપની ટાર્ગેટ ઓડિયન્સ જ બદલાઈ ગઈ છે. અચાનક પક્ષના નેતાઓ ઈન્સ્ટાગ્રામ પર સુપર એક્ટિવ થયા છે, તો રિયલ લાઈફમાં પણ યુવા પેઢી સાથે કમ્યુનિકેશનની તક છોડતા નથી. સ્વતંત્રતા દિવસ હોય કે પીએમ મોદીનો જન્મદિવસ હર્ષ સંઘવી, રીવાબા જાડેજા જેવા યુવા નેતાઓ હવે યુવા પેઢી વચ્ચે જ જોવા મળે છે. લાગે છે, યુવાઓના 'અચ્છે દિન' આવી ગયા છે!
સમાજમાં રાજકારણ કે રાજકારણમાં સમાજ!
ADVERTISEMENT
ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિ સમીકરણ હંમેશા અગત્યનું રહ્યું છે. એટલે ચૂંટણી આવે એ પહેલા જુદા જુદા સમાજના સંગઠનો પણ એક્ટિવ થઈ જતા હોય છે. પણ સામાજિક સંસ્થાઓનો રાજકીય પક્ષના કાર્યક્રમ માટે ઉપયોગ થાય, ત્યારે હવે સોશિયલ મીડિયાની બટકબોલી જનતા તરત આક્રોશ વ્યક્ત કરે છે. અમદાવાદ નજીક આવેલી પાટીદાર સમાજની એક સંસ્થાના તાજેતરના રાજકીય કાર્યક્રમથી વિવાદ ઉભો થયો છે. એટલે સુધી કે આ સંસ્થાના બહિષ્કાર માટે પણ અભિયાન સૌરાષ્ટ્રમાં ચાલી રહ્યું છે. જે સમાજના કલ્યાણ માટે સંસ્થા છે, એ જ સમાજ પોતાની જ સંસ્થાને ત્યજવા તૈયાર છે. યે પબ્લિક હૈ સબ જાનતી હૈ બાબુ! કે સમાજના નામે કોના રોટલા શેકાય છે!
થોડા દિવસ બધું ચોખ્ખું ચણાક થઈ જશે!
ADVERTISEMENT
સરકારી ઓફિસોની હાલત કેવી હોય છે એ તો તમને ખબર જ છે! પણ છેલ્લા થોડા દિવસથી જિલ્લા સરકારી હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો તમને ચોખ્ખા જોવા મળ્યા હશે. દવાખાના તો સાફ જ હોવા જોઈએ. એના માટે અભિયાનની શું જરૂર! પણ, તોય અભિયાન ચાલ્યું અને હવે દરેક જિલ્લા હોસ્પિટલો એકબીજા સાથે કોમ્પિટિશન કરી રહી છે કે કોની હોસ્પિટલ વધારે ચોખ્ખી છે. છેક ગાંધીનગર સુધી સ્વચ્છતા સાબિત કરતી ફાઈલો પહોંચી છે, કેટલીક હોસ્પિટલના અધિકારીઓ તો સીધા આરોગ્ય મંત્રીને વિગતો મોકલી રહ્યા છે. જાણએ સ્કૂલમાં નાના બાળકો કહેતા હોય.. સર.. આ મેં કર્યું.. સર આ મેં કર્યું! અરે, ભાઈ સ્વચ્છતા તો સૌથી બેઝિક જરૂરિયાત છે ને, એ તો તમારે રાખવાની જ હોય.
આ પણ વાંચોઃ કોંગ્રેસ-ભાજપ બંનેના કાર્યકર્તાઓ કહે છે,"કંઈક તો બદલાવાનું છે!" ગુજરાતના રાજકારણની ન જાણેલી વાતો!
પોલીસમાં મોટી બદલી આવશે!
હાલમાં ગુજરાતી પોલીસમાં નાના પાયે છૂટી છવાઈ બદલીઓ થઈ રહી છે. પણ મોટી બદલીનો ગંજીબો ગમે ત્યારે ચીપાવાનો છે. PIના DySP તરીકે પ્રમોશન અને DySPની તેમજ IPS અધિકારીઓ બદલી માટે રાહ જોઈ રહ્યા છે. પણ સામે પક્ષે સરકાર પણ ચૂંટણીની રાહ જોઈને બેઠી છે. ચૂંટણી પહેલા અધિકારીઓના સોગઠાં ગમે ત્યારે ગોઠવાશે અને બદલીઓ થશે. કેટલાક કિસ્સાઓમાં થોડા સમય પહેલા DySPને ઈન્ચાર્જ તરીકે બદલી કરવામાં આવી હતી. જો કે, આ બદલી બાદ કાયમી તરીકે નિમણૂંક અપાઈ નથી. જેને કારણએ અધિકારીઓમાં પણ અકળામણ જોવા મળી રહી છે અને બદલીઓ ક્યારે આવશે તેની જ રાહ જોવાઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો