બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:34 AM, 24 December 2024
સમગ્ર ભારતમાં ગ્રાહકોના અધિકારો અને જરૂરિયાતો અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે ૨૪ ડિસેમ્બરના રોજ “રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર” દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે વિવિધ જગ્યાએ ગ્રાહક જાગૃતિ અંગેનાં સેમિનાર યોજીને ગ્રાહકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવે છે. આ વર્ષે "Virtual Hearing & Digital Access to Consumer Justice"ની થીમ સાથે સમગ્ર ભારતમાં ઉજવાશે. હાલનાં આધુનિક અને ટેકનોલોજીનાં યુગમાં દરેક તબક્કે નવીન ટેકનોલોજી અપનાવવી આવશ્યક બની છે. ત્યારે આ વર્ષની થીમ પણ ગ્રાહકોને યોગ્ય ન્યાય અપાવવા માટે ડીજીટલ માધ્યમોનો ઉપયોગ કરવા સૂચિત કરે છે.
ADVERTISEMENT

માણસ જન્મતા સાથે જ એક ગ્રાહક બની જાય છે. રોજ સવાર પડતાની સાથે આપણે આપણા ઉપયોગ માટેની વસ્તુઓની ખરીદી કરીએ છીએ, ત્યારે કેટલીક વખતે છેતરપિંડીનો ભોગ પણ બનીએ છીએ. આથી વિકસિત બજારોના નિર્માણમાં એક જાગૃત ગ્રાહકની ભૂમિકા ઘણી અગત્યની છે. ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ "જાગો ગ્રાહક જાગો" પણ શરૂ કરવામાં આવ્યો છે. આ પહેલના ભાગરૂપે સરકારે ગ્રાહકલક્ષી માહિતી અને શિક્ષણ માટે પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક મીડિયામાં જાહેરાતો, ઑડિયો ઝુંબેશ અને વિડિયો ઝુંબેશ દ્વારા ગ્રાહક જાગૃતિ લાવવાના પ્રયાસો પણ હાથ ધર્યા છે.
ADVERTISEMENT
૨૪ ડિસેમ્બર,૧૯૮૬ના રોજ "ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ૧૯૮૬" (Consumer Protection Act, 1986) બિલ પસાર થયું હતું. જેમાં વર્ષ ૧૯૮૭, વર્ષ ૧૯૯૧ અને વર્ષ ૧૯૯૩મા સુધારા બાદ ૧૫ માર્ચ, ૨૦૦૩ થી લાગુ કરવામાં આવ્યો. આ પછી ૦૫ માર્ચ, ૨૦૦૪ થી તેને સંપૂર્ણ રીતે સૂચિત કરવામાં આવ્યો હતો. સૌપ્રથમ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ વર્ષ ૨૦૦૦ માં મનાવવામાં આવ્યો હતો.
ગ્રાહક સુરક્ષા અધિનિયમનો ઉદ્દેશ ગ્રાહકોને વિવિધ પ્રકારના શોષણ જેવા કે ખામીયુક્ત માલ, સેવાઓમાં ઉણપ અને અયોગ્ય વેપાર વ્યવહાર સામે અસરકારક રીતે રક્ષણ પૂરું પાડવાનો છે. ગ્રાહક સુરક્ષા કાયદો ગ્રાહકોને તેમના અધિકારો આપવા માટે લાગુ કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ હવે કોઈપણ ગ્રાહક અયોગ્ય વ્યાપારની ફરિયાદ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે પહેલાના સમયમાં વ્યાપારી લેવડ-દેવડમાં હેરાફેરી વધારે થતી હતી, જેને ધ્યાનમાં રાખીને આ કાયદો બનાવવામાં આવ્યો હતો. જરૂર પડ્યે ગ્રાહકો તેમને મળેલા આ અધિકારોનો લાભ ઉઠાવી શકે છે. ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ગ્રાહકોને સંરક્ષણનો અધિકાર, માહિતીનો અધિકાર, પસંદ કરવાનો અધિકાર, નિવારણનો અધિકાર, ગ્રાહક શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે. આ અધિકારોનો ઉપયોગ કરીને ગ્રાહકો કોઈપણ સમસ્યાનું સમાધાન મેળવી શકે છે.
ADVERTISEMENT

દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ તળે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં દિશા-નિર્દેશ હેઠળ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતનાં વિભાગનાં મંત્રી કુંવરજી બાવળીયાનાં માર્ગદર્શન સાથે ગ્રાહક જાગૃતિ અન્વયે કટિબદ્ધ રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ સચોટ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ - ૨૦૧૯ લોકહિત માટેનો સામાજીક કાયદો છે. તે ગ્રાહકોના હકનિયત કરે છે અને ગ્રાહકોના હકનાં રક્ષણ માટે પ્રોત્સાહન પૂરૂં પાડે છે. ગ્રાહકોની તકરારનું ઝડપી અને બિનખર્ચાળ નિવારણ પૂરૂં પાડવા દરેક જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ અર્ધ-ન્યાયિક તંત્ર રચવામાં આવ્યાં છે. ગ્રાહકોના તકરારના ઝડપી નિર્ણય માટે તે રાષ્ટ્રીય કમિશન, રાજ્ય કમિશન અને જિલ્લા કમિશનની ત્રિસ્તરીય રચના પુરી પાડે છે. આ અધિનિયમ હેઠળ ૧૯૮૯ માં ગ્રાહક તકરાર નિવારણ કમિશન, ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી અને ત્યારબાદ જિલ્લા કમિશનોની રચના થઈ. હાલ ગુજરાત રાજ્યમાં ૩૮ જિલ્લા કમિશન કાર્યરત છે.
ADVERTISEMENT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં દિશા – નિર્દેશ હેઠળ ગુજરાત સરકાર ગ્રાહકોના અધિકારોની જાળવણી માટે પ્રતિબદ્ધ છે ત્યારે ગ્રાહકોના પડતર કેસોના નિરાકરણ માટે ખાસ ઝુંબેશના ભાગરૂપે ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા લોક અદાલતોનું પણ આયોજન કરવામાં આવે છે. સરકારનો હેતુ રાજ્ય અને જિલ્લા ગ્રાહક અદાલતોમાં લોક અદાલતને સંસ્થાકીય બનાવી ગ્રાહકના કેસોનો ઝડપી નિકાલ લાવવાનો છે. ગ્રાહક કમિશન દ્વારા પેન્ડીંગ કેસોની યાદી તૈયાર કરી લોક અદાલતમાં મોકલવામાં આવે છે. આ પહેલને અસરકારક બનાવવા માટે પેન્ડિંગ કેસની નોંધણી ઓનલાઈન પણ કરી શકે છે. ગ્રાહક તરીકે આપણી પણ ફરજ છે કે, દરેક ચીજ વસ્તુઓ ખરીદતી વખતે હંમેશા પાકું બિલ લેવાનો આગ્રહ રાખીએ. ગ્રાહકો કાયદા જાણે અને પોતાના અધિકારોથી વાકેફ બને, તે આવશ્યક છે. કારણ કે ગ્રાહકો જાગૃત્ત હશે તો જ તેઓ પોતાના રક્ષણ અર્થે આગળ આવી ફરિયાદ કરી શકશે સાથેસાથે 'જાગો ગ્રાહક જાગો'નું સૂત્ર સંપૂર્ણપણે સાર્થક બનશે. ગ્રાહકો ગુજરાત રાજ્ય ગ્રાહક હેલ્પલાઇનનો ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૦૨૨૨ નો પણ જરૂર જણાયે ઉપયોગ કરી શકે છે.
વધું વાંચો:ક્રિસમસ પર શાળામાં બાળકોને સાંતાક્લોઝ નહીં બનાવી શકાય, આ રાજ્યમાં લેવાયો નિર્ણય
ADVERTISEMENT
જાણો, ગ્રાહક ફરિયાદ કયાં અને કેવી રીતે નોંધાવી શકે?
જો કોઈ વસ્તુ અથવા તેનું મૂલ્ય અને માંગવામાં આવેલ વળતર ૫૦ લાખ રૂપિયા કરતા ઓછું હોય તો ફરિયાદ જિલ્લા કમિશનમાં નોંધાવી શકાય તેમજ જ્યાં કામગીરી પૂરી અથવા આંશિક રીતે થઈ હોય અથવા જ્યાં પ્રતિવાદી રહેતો હોય અથવા જ્યાં વેપાર કરતો હોય કે તેની કોઈ શાખા હોય કે ગ્રાહક જ્યાં રહેતો હોય અથવા વ્યક્તિગત રીતે લાભ માટે કાર્ય કરતો હોય તે સંબંધિત જિલ્લા કમિશનમાં ફરિયાદ નોંધાવી શકાય.
ADVERTISEMENT
જો કોઈ વસ્તુ અથવા તેનું મૂલ્ય અને માંગવામાં આવેલ વળતર ૫૦ લાખ રૂપિયાથી વધુ અને ૨ કરોડ રૂપિયા સુધી હોય તો રાજ્ય કમિશનમાં ફરિયાદ નોંધાવી શકાય.
જો કોઈ વસ્તુ અથવા તેનું મૂલ્ય અને માંગવામાં આવેલ વળતર ૨ કરોડ રૂપિયાથી વધુ હોય તો રાષ્ટ્રીય કમિશનમાં ફરિયાદ નોંધાવી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.