ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ખેડૂતો-જમીનધારકોને મોટી રાહત, ટુકડા ધારા બિલ પાસ, વર્ષો જૂના કેસોનો આવશે અંત
Last Updated: 07:06 PM, 11 September 2026
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં ખેડૂતો અને જમીનધારકો માટે મહત્વપૂર્ણ એવો ‘ગુજરાત ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને એકત્રીકરણ કરવા બાબતનો (સુધારા) વિધેયક, 2026’ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગ વતી મંત્રી ઋષિકેશ પટેલે રજૂ કરેલા આ સુધારા વિધેયકથી રાજ્યના લાખો ખેડૂતો, જમીનધારકો અને જમીન ખરીદનારાઓને મોટી રાહત મળવાની શક્યતા છે.
ADVERTISEMENT
સુધારા વિધેયકની સૌથી મહત્વપૂર્ણ જોગવાઈ મુજબ 1948માં મૂળ કાયદો અમલમાં આવ્યા બાદથી 31 માર્ચ, 2026 સુધી થયેલા ટુકડા ધારા ભંગના કેસોને કોઈપણ પ્રકારનો દંડ કે પ્રિમિયમ વસૂલ્યા વગર નિયમિત કરવામાં આવશે. આ નિર્ણયથી વર્ષોથી પેન્ડિંગ જમીન સંબંધિત કેસોનો નિકાલ કરવામાં મદદ મળશે.
ADVERTISEMENT
અત્યાર સુધી ટુકડા ધારા હેઠળના ભંગ માટે જંત્રીના 10 ટકા જેટલી પેનલ્ટી ભર્યા બાદ પણ જમીનના વ્યવહારો કાયદેસર ગણાતા નહોતા અને ‘ફોક’ ગણાતા હતા. હવે નવા સુધારાથી આવા જૂના ભંગને નિયમિત કરવાનો માર્ગ ખુલશે. પરિણામે અનેક બોનાફાઇડ જમીન ખરીદદારોના જમીન ટાઇટલ ક્લિયર થઈ શકશે.
ADVERTISEMENT
ટુકડા ધારામાં અત્યાર સુધી અલગ-અલગ વિસ્તારોમાં પિયત, બિનપિયત, બાગાયત અને જીરાયત જમીન માટે અલગ માપદંડો હતા. તેના કારણે ખેડૂતો અને જમીનધારકોમાં મૂંઝવણ રહેતી હતી.
નવા સુધારા મુજબ રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારો માટે 10 ગુંઠા એટલે કે 1,012 ચોરસ મીટરનો લઘુત્તમ માનક વિસ્તાર નક્કી કર્યો છે. હવે 10 ગુંઠાથી નાનો ખેતીલાયક ટુકડો પાડી શકાશે નહીં. સરકારના જણાવ્યા મુજબ, આથી ખેતીની વાયબિલિટી જાળવવામાં મદદ મળશે અને જમીનના નાના-નાના ટુકડા પડવાની પ્રક્રિયા અટકશે.
ADVERTISEMENT
વિધેયકમાં ઉમેરવામાં આવેલી નવી કલમ 5(4) હેઠળ રાજ્ય સરકારને સમયાંતરે રાજપત્રમાં જાહેરનામું બહાર પાડીને કોઈ સ્થાનિક વિસ્તારમાં જમીનની કોઈપણ કેટેગરી માટે સ્ટાન્ડર્ડ એરિયા નક્કી કરવાની સત્તા આપવામાં આવી છે.
ADVERTISEMENT
આ જોગવાઈ હેઠળ 12 ઓગસ્ટ, 2026ના જાહેરનામાથી સ્ટાન્ડર્ડ એરિયા 10 ગુંઠા નક્કી કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
સુધારાનો બીજો મહત્વનો ભાગ શહેરી વિસ્તારો સાથે જોડાયેલો છે. મહાનગરપાલિકા, નગરપાલિકા, કોર્પોરેશન અને અર્બન/ડેવલપમેન્ટ ઓથોરિટીના વિસ્તારોને ટુકડા ધારાની જોગવાઈમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો- ગુજરાતમાં ધંધો કરવો બનશે વધુ સરળ, વિધાનસભામાં ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ બિલ-2026’ પાસ
સરકારના જણાવ્યા મુજબ આ નિર્ણયથી શહેરી વિસ્તારોમાં જમીનના લે-વેચના વ્યવહારો, બિનખેતી (NA) પ્રક્રિયા અને બાંધકામ સંબંધિત કામગીરી વધુ ઝડપી અને પારદર્શક બનશે.
મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ટુકડા ધારા સંબંધિત વર્ષોથી ચાલતા રેવન્યુ કોર્ટના કેસોનો કાયમી નિકાલ થાય અને જમીનના ટાઇટલ ક્લિયર થાય તે માટે આ સુધારો કરવામાં આવ્યો છે. અગાઉ સરકાર દ્વારા આ પ્રજાલક્ષી નિર્ણયના અમલ માટે વટહુકમ લાવવામાં આવ્યો હતો, જેને હવે વિધાનસભામાં વિધેયક પસાર કરીને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવ્યું છે.
સરકારના મતે આ સુધારો માત્ર કાયદાકીય ફેરફાર નથી, પરંતુ ‘Ease of Doing Business’ અને ‘Ease of Living’ તરફનું મહત્વપૂર્ણ પગલું છે. આથી જમીન વ્યવહારોમાં રહેલી સ્થાનિક ગૂંચવણો દૂર થશે, વહીવટી પ્રક્રિયા સરળ બનશે અને પારદર્શિતા વધશે.
મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર ‘વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત’ના સંકલ્પ સાથે આગળ વધી રહી છે.
વિધાનસભામાં આ સુધારા વિધેયકને સર્વાનુમતે મંજૂરી મળતા હવે ગુજરાતમાં ટુકડા ધારા સંબંધિત જૂના ભંગને નિયમિત કરવા અને જમીન વ્યવહારોને સરળ બનાવવાનો માર્ગ મોકળો થયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT