ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો અંતિમ દિવસ, આજે 3 મહત્વના બિલ રજૂ થશે
Last Updated: 06:50 AM, 11 September 2026
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે. સત્રના અંતિમ દિવસે સરકાર દ્વારા મહત્વના ગણાતા 3 બિલ રજૂ કરવામાં આવશે. જેમાં ગુજરાત ભાડા વિધેયક, ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ વિધેયક અને ગુજરાતની ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને તેનું એકત્રીકરણ કરવા માટેનો સુધારા વિધેયક સામેલ છે. આ ઉપરાંત આજે પ્રશ્નોતરી કાળ દરમિયાન ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલા વિવિધ પ્રશ્નો પર પણ ચર્ચા કરવામાં આવશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ બિલમાં દુકાનો અને વેપાર માટે મહત્વની જોગવાઈ કરવામાં આવી છે. અત્યાર સુધી મહાનગર પાલિકાઓ, હોસ્પિટલો, નેશનલ હાઇવે પરના એકમો, રેલવે સ્ટેશનો, પેટ્રોલપંપ અને બસ સ્ટેશન વિસ્તારોમાં જ 24 કલાક દુકાન ચાલુ રાખવાની છૂટ હતી. જ્યારે નગરપાલિકા અને રાજ્ય ધોરીમાર્ગના એકમોમાં રાત્રે 2 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અને અન્ય વિસ્તારોમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી દુકાન બંધ રાખવાની જોગવાઈ હતી.
ADVERTISEMENT
હવે આ બંધ રાખવાની સમય મર્યાદામાંથી સંપૂર્ણ મુક્તિ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. એટલે બિલ પસાર થયા બાદ દુકાનોને 24 કલાક ખુલ્લી રાખવાનો રસ્તો સાફ થશે. જોકે દુકાનમાં કામ કરતા કામદારોની રજા સહિતના હકો અને તેમની સુરક્ષા સાથે જોડાયેલી જોગવાઈઓ યથાવત્ રહેશે. આ ઉપરાંત ગુમાસ્તા ધારામાં નોંધણી માટે સેલ્ફ ડિક્લેરેશન અને સેલ્ફ સર્ટિફાઇડ દસ્તાવેજોના આધારે અરજી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. નોંધણીની અરજીમાં ઇન્સ્પેક્ટરની ભૂમિકા પણ દૂર કરવામાં આવી છે.
ADVERTISEMENT
સરકાર ‘ટુકડા જમીન ધારા-1947’માં પણ મહત્વનો સુધારો કરવા જઈ રહી છે. અગાઉ શહેરી વિસ્તારોમાં જમીનો વારસદારો વચ્ચે વહેંચાતા જમીનના ટુકડા પડતા હતા. આવા ટુકડાઓમાં બિનખેતી એટલે કે NA પ્રક્રિયા કરવામાં મુશ્કેલી પડતી હતી. આ સમસ્યા વટહુકમ દ્વારા દૂર કરવામાં આવી હતી, પરંતુ હવે તેને કાયદાનું કાયમી સ્વરૂપ આપવામાં આવશે.
ADVERTISEMENT
નવા સુધારા મુજબ 29 જાન્યુઆરી 1948થી 31 માર્ચ 2026 સુધી કાયદાની વિરુદ્ધ થયેલા જમીનના વિભાજન અથવા ટ્રાન્સફરના વ્યવહારોને હવે કોઈપણ દંડ કે પ્રીમિયમ લીધા વગર આપોઆપ નિયમિત ગણવામાં આવશે. શહેરીકરણ અને ઝોનિંગને કારણે બિનખેતી (NA) મંજૂરી અટકી હોય તેવા લાખો ખાતેદારોને આ નિર્ણયથી મોટી રાહત મળશે. આ ઉપરાંત આવા મામલે અદાલતો અથવા અધિકારીઓ સમક્ષ ચાલી રહેલા કેસો પણ રદ થશે. સરકારને સ્થાનિક સ્તરે ‘માનક વિસ્તાર’ એટલે કે Standard Area નક્કી કરવાની નવી સત્તા પણ આપવામાં આવશે.
ADVERTISEMENT
જમીનના રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજના આધારે મ્યુટેશન એન્ટ્રી એટલે કે જમીનના રેકોર્ડમાં નામ ચઢાવવાની પ્રક્રિયામાં પણ મોટો ફેરફાર કરવામાં આવશે. ચોક્કસ શરતો પૂરી થતી હોય તેવા રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજના આધારે મ્યુટેશન એન્ટ્રી એ જ દિવસે નોંધાવીને પ્રમાણિત કરી શકાશે. અત્યાર સુધી હિત ધરાવતા લોકોને નોટિસ આપીને વાંધા રજૂ કરવાની તક આપવાની પ્રક્રિયાના કારણે ઘણી વખત નામ ચઢાવવાની કામગીરીમાં વિલંબ થતો હતો. હવે અગાઉ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા વટહુકમને કાયમી કાયદાકીય સ્વરૂપ આપવા માટે સરકાર વિધેયક લાવશે.
આ નવી જોગવાઈનો લાભ લેવા માટે 3 શરતો ફરજિયાત રહેશે. પ્રથમ શરત એ છે કે વેચાણ દસ્તાવેજની તારીખ પહેલાં ઓછામાં ઓછા 1 વર્ષથી રેકોર્ડ ઓફ રાઇટ્સમાં કોઈ ફેરફાર થયેલો ન હોવો જોઈએ. બીજી શરત મુજબ રેકોર્ડ ઓફ રાઇટ્સમાં સામેલ તમામ વ્યક્તિઓના નામે વેચાણ દસ્તાવેજ થયેલો હોવો જોઈએ. ત્રીજી શરત મુજબ વેચાણની તારીખે જમીન અંગે સક્ષમ સત્તા, કોર્ટ અથવા ટ્રિબ્યુનલ સમક્ષ કોઈ વિવાદ, કાર્યવાહી કે લિટિગેશન પેન્ડિંગ ન હોવું જોઈએ. આ ઉપરાંત સક્ષમ સત્તા, કોર્ટ અથવા ટ્રિબ્યુનલના હુકમ કે ડિક્રીના આધારે થતી મ્યુટેશન એન્ટ્રી પણ નોંધાવીને પ્રમાણિત કરી શકાશે. આમ, સત્રના અંતિમ દિવસે રજૂ થનારા આ ત્રણેય મહત્વના બિલથી દુકાનો, જમીનના વ્યવહારો અને મ્યુટેશન એન્ટ્રીની પ્રક્રિયામાં મહત્વના ફેરફાર થવાના છે.
સંકળાયેલા મુદ્દાઓ