ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / ટ્રમ્પ-નેતન્યાહૂએ ભારતીય પાઇલટ સ્મિત માછરને ગણાવ્યા ‘સાચા હીરો’, જીવ બચાવનારી બહાદુરીને સલામ
Last Updated: 06:56 AM, 1 October 2026
ADVERTISEMENT
ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં કોકપીટની અંદર બનેલી એક ગંભીર ઘટનાએ 170થી વધુ મુસાફરોના જીવ જોખમમાં મૂકી દીધા હતા. બોઇંગ 737 મેક્સ 8 વિમાનમાં કેપ્ટન અને કો-પાઇલટ વચ્ચે હિંસક ઝઘડો થયો હતો. આ દરમિયાન કો-પાઇલોટે કેપ્ટનને છરી મારી હોવાનો ઇઝરાયલી અધિકારીઓનો દાવો છે. કેપ્ટન ગંભીર રીતે ઘાયલ થયા બાદ પણ તેમણે હિંમત ન હારી અને હુમલાખોરનો સામનો કર્યો. આ સમગ્ર ઘટનામાં ભારતીય મૂળના કેપ્ટન સ્મિત માછરની બહાદુરીને કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઘટના સમયે વિમાન અચાનક ઊંચાઈ ગુમાવવા લાગ્યું હતું. ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા અનુસાર, વિમાન 30 સેકન્ડથી પણ ઓછા સમયમાં લગભગ 14,000 ફૂટ નીચે આવી ગયું હતું. મુસાફરોને કોકપીટમાંથી ચીસો સંભળાઈ હતી. સ્થિતિ કેટલી ગંભીર હતી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મુસાફરો અને ક્રૂ મેમ્બર કોકપીટ તરફ દોડી ગયા હતા. ઇઝરાયલી અધિકારીના જણાવ્યા અનુસાર, કો-પાઇલટ ઓમાની નાગરિક હતો અને તેણે વિમાનનું નિયંત્રણ પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. મુસાફરો કોકપીટમાં પહોંચ્યા ત્યારે શંકાસ્પદ વ્યક્તિ વિમાનની સિસ્ટમમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનું જણાવાયું હતું.
ADVERTISEMENT
ઇઝરાયલ પરત ફર્યા બાદ મુસાફર યાનિવે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને ઘટનાની જાણકારી આપી હતી. તેના જણાવ્યા મુજબ, છરાના ઘાથી ઘાયલ થયેલા ભારતીય પાઇલટ સ્મિત માછર કોકપીટનો દરવાજો ખોલવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ તેઓ ત્યાં જ તૂટી પડ્યા હતા. દરવાજો ખુલતા મુસાફરો અને ક્રૂ કોકપીટમાં પ્રવેશી શક્યા અને હુમલાખોર પર કાબુ મેળવવામાં મદદ કરી શક્યા હતા.
ADVERTISEMENT
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પાઇલટ સ્મિત માછરની અસાધારણ બહાદુરીને સલામ કરી છે. તેમણે જણાવ્યું કે ગંભીર રીતે ઘાયલ થયા હોવા છતાં ભારતીય પાઇલટ લડતા રહ્યા, પ્રતિકાર કર્યો અને કોકપીટનો દરવાજો ખોલ્યો. આ કારણે મુસાફરો અને ક્રૂ હુમલાખોર પર કાબુ મેળવી શક્યા અને હવામાં મોટી દુર્ઘટના ટળી. નેતન્યાહૂના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં 174 લોકોના જીવ બચાવાયા, જેમાં ઇઝરાયલી નાગરિકો ઉપરાંત અન્ય દેશોના લોકો પણ સામેલ હતા. તેમણે પાઇલટ સ્મિત માછરને ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે.
My salute to the Indian pilot Captain Smit Machchhar for his extraordinary bravery.
— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) September 30, 2026
Despite being stabbed and seriously injured, he fought back, resisted, opened the cockpit door, and enabled passengers and crew to overpower the attacker — preventing a catastrophic mid-air…
ADVERTISEMENT
પાઇલટની બહાદુરીની ભારતમાં ઇઝરાયલી રાજદૂત દ્વારા પણ પ્રશંસા કરવામાં આવી છે. તેમણે પાઇલટને અનુભવી અને સક્ષમ હીરો ગણાવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, ભારતીય પાઇલટ, ઇઝરાયલી અને અમીરાતના મુસાફરો તથા ક્રૂની હિંમતથી આશરે 180 લોકોના જીવ બચ્યા હતા. ઇઝરાયલી વિદેશ મંત્રાલયે પણ તેમને હીરો ગણાવતા કહ્યું હતું કે અલગ-અલગ દેશોના લોકો હતા, પરંતુ તેમની હિંમત એક હતી.
ADVERTISEMENT
ભારત સરકારે પણ પાઇલટ સ્મિત માછરની બહાદુરીને સલામ કરી છે અને કહ્યું છે કે ગંભીર ઇજાઓ હોવા છતાં તેમણે હુમલાખોરને કાબુમાં લેવામાં મદદ કરી અને 174 લોકોના જીવ બચાવ્યા.
ઇઝરાયલ એરલાઇન પાઇલટ્સ એસોસિએશને ફ્લાયદુબઈના કેપ્ટન સ્મિત માછર તેમજ બચાવ ફ્લાઇટના સમગ્ર ક્રૂનો આભાર માન્યો છે. વિમાનમાં મુસાફરોને મદદ કરવા બદલ તેમની બહાદુરીની પ્રશંસા કરવામાં આવી છે.
The State of Israel’s hero of the day is the Indian pilot, Capt. Smit Machchhar, whose remarkable resourcefulness enabled him to unlock the cockpit door and allow the Israeli lions to sink their teeth into the cowardly hyena who nearly killed 200 innocent people!
— אלמוג כהן Almog cohen (@almog_cohen08) September 30, 2026
Captain… pic.twitter.com/yLYKvDJKIZ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ફ્લાયદુબઈના પાઇલટની બહાદુરીની પ્રશંસા કરી છે. બેન્જામિન નેતન્યાહૂ સાથેની વાતચીતને યાદ કરતાં ટ્રમ્પે કહ્યું કે પાઇલટ ખૂબ જ ખરાબ સ્થિતિમાં હતો અને હજુ પણ તેની સ્થિતિ ગંભીર હોવાનું તેમને લાગે છે. તેમ છતાં તેણે તાત્કાલિક નિર્ણય લેવાની હિંમત બતાવી અને એક રીતે તે હીરો હતો. ટ્રમ્પના જણાવ્યા મુજબ, પાઇલટે કોકપીટનો દરવાજો ખોલ્યો, ત્યારબાદ પાછળ પડી ગયો અને મદદ માટે બૂમો પાડી. કો-પાઇલોટ અંગે ટ્રમ્પે કહ્યું કે તે કદાચ આતંકવાદી અથવા કોઈ પાગલ વ્યક્તિ હોઈ શકે છે અને તેણે પાઇલટને છરી મારી હતી.
A salute to Indian pilot Captain Smit Machchhar for his extraordinary bravery.
— MyGovIndia (@mygovindia) September 30, 2026
Despite being stabbed and seriously injured, he fought back, opened the cockpit door and helped passengers and crew overpower the attacker, preventing a catastrophic mid-air disaster and saving 174… https://t.co/RJc2vuthSv
કેપ્ટન સ્મિત માછર ગુજરાતી મૂળના ભારતીય છે અને તેમને કોમર્શિયલ એવિએશનમાં દસ વર્ષથી વધુનો અનુભવ છે. તેઓ જૂન 2022માં ફ્લાયદુબઈમાં સીધા એન્ટ્રી કેપ્ટન તરીકે જોડાયા હતા. તે પહેલાં તેમણે જૂન 2011થી 2022 સુધી લગભગ 11 વર્ષ સ્પાઇસજેટ સાથે કામ કર્યું હતું. તેઓ બોઇંગ 737 વિમાનના નિષ્ણાત ગણાય છે. સલામતી અને નિયમોનું તેઓ ખાસ ધ્યાન રાખે છે. તેમણે અન્ય પાઇલટ્સને પણ માર્ગદર્શન આપ્યું છે. કેપ્ટન સ્મિત માછરે વેલિંગકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી મેળવી છે.
ઘટના બાદ કેપ્ટન સ્મિત માછરને સાઉદી અરેબિયાના તાબુકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. રિયાધમાં ભારતીય દૂતાવાસ અને જેદ્દાહમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે. ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે કેપ્ટનની સ્થિતિ સ્થિર છે, જોકે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. દૂતાવાસ તેમના પરિવાર સાથે સતત સંપર્કમાં છે અને સાઉદી અરેબિયાના અધિકારીઓ સાથે પણ સંકલન કરી રહ્યું છે. કેપ્ટનની સ્થિતિ અંગે ભારતીય અધિકારીઓ તરફથી આ પહેલી સત્તાવાર માહિતી સામે આવી હતી.
કોકપીટમાં હુમલાખોર પર કાબુ મેળવ્યા બાદ અન્ય પાઇલટ્સે વિમાનનું નિયંત્રણ સંભાળ્યું હતું. તેમણે વિમાનને ફરી સ્થિર કર્યું અને સાઉદી અરેબિયાના તાબુકમાં સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું. વિમાનમાં 170થી વધુ લોકો હતા અને આ ઘટના મોટી દુર્ઘટનામાં ફેરવાઈ શકે તેવી સ્થિતિ હતી.
આ પણ વાંચો : ‘મુસાફરોના જીવ જોખમમાં મૂકનારાને છોડાશે નહીં’, ફ્લાયદુબઈ કૉકપિટ વિવાદ બાદ ઇઝરાયલ લાલઘૂમ
ઘટનાને પગલે ફ્લાયદુબઈએ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઇઝરાયલ જતી અને ઇઝરાયલથી આવતી પોતાની ફ્લાઇટ્સ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ જણાવ્યું છે કે તે સરકારી અધિકારીઓ, નિયમનકારો અને એરપોર્ટના હિસ્સેદારો સાથે સતત સંપર્કમાં છે. વધુ માહિતી ઉપલબ્ધ થયા બાદ ફ્લાઇટ સસ્પેન્શન અંગે ફરી સમીક્ષા કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો