ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં નકલી નોટનું કૌભાંડ ઝડપાયું, ઘાટલોડિયા પોલીસે 2 આરોપીની કરી ધરપકડ
Last Updated: 08:14 PM, 20 November 2026
ADVERTISEMENT
અમદાવાદના ઘાટલોડિયા પોલીસ સ્ટેશનની ટીમે નકલી નોટો દ્વારા વેપારીઓ સાથે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે અમદાવાદમાં ₹500ના દરની કુલ 1,666 નકલી નોટો, જેની કિંમત ₹8.33 લાખ થાય છે, સાથે બે આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ ગેંગે અગાઉ ઊંઝાના એક વેપારીને ₹40 લાખની નકલી નોટો પધરાવી છેતરપિંડી કરી હતી. વેપારીએ પોલીસની મદદથી ફરી પેમેન્ટ મંગાવવાનું નાટક રચી ટ્રેપ ગોઠવી હતી, જેમાં બંને આરોપીઓ ઝડપાઈ ગયા હતા.
ADVERTISEMENT
ઊંઝાના વેપારીને ₹40 લાખની નકલી નોટો પધરાવી હતી
ઊંઝામાં બી.બી. ટ્રેડર્સ નામે જીરું અને વરિયાળીનો વેપાર કરતા રોહિતકુમાર પટેલે નાગપુરથી ₹40 લાખ મંગાવવા માટે ઓનલાઈન આંગડિયા પેઢીનો સંપર્ક કર્યો હતો. 17 નવેમ્બરના રોજ બે શખસો બેંકની પટ્ટી મારેલા નોટોના બંડલ ભરેલો થેલો લઈને ઊંઝા પહોંચ્યા હતા.
ADVERTISEMENT
બંડલની બહાર બેંકની પટ્ટી જોઈ વેપારીને નોટો અસલી હોવાની ખાતરી થઈ હતી. બીજી તરફ નાગપુરમાં ₹40 લાખનું પેમેન્ટ પણ ચૂકવી દેવામાં આવ્યું હતું. જોકે, થેલો ખોલતાં જ સમગ્ર છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. તમામ બંડલમાં 'ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા' લખેલી નકલી નોટો હતી. એકપણ અસલી નોટ ન મળતાં વેપારીએ પોલીસનો સંપર્ક કર્યો હતો.
ADVERTISEMENT
વેપારીએ પોલીસ સાથે મળીને ગેંગને પકડવા ટ્રેપ ગોઠવી
પ્રથમ વખત ઠગાઈ કર્યા બાદ આરોપીઓ ફરી આ જ રીતે પૈસા લેવા આવે છે કે નહીં તે જાણવા પોલીસે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન વેપારીએ પોતાના પિતા નરેન્દ્રભાઈ પટેલના નામે ફરી નાગપુરથી અમદાવાદમાં પેમેન્ટ મંગાવવાનું આયોજન કર્યું હતું. 19 નવેમ્બરના રોજ બપોરે આરોપીઓએ વોટ્સએપ કોલ કરીને પેમેન્ટ લઈને આવી ગયા હોવાની જાણ કરી હતી. આ માહિતી મળતાં જ વેપારીએ ઘાટલોડિયા પોલીસને જાણ કરી હતી.
ADVERTISEMENT
સોલા રોડ પર પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા
ઘાટલોડિયા પોલીસના PSI એચ.ડી. જોષી અને તેમની ટીમે સોલા રોડ પર પારસનગર પેટ્રોલ પંપ પાસેના ત્રણ રસ્તા પર વોચ ગોઠવી હતી. આરોપીઓ નોટોના બંડલ બતાવવા પહોંચ્યા ત્યારે પોલીસે તેમને ઘેરી લીધા હતા અને બંનેને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓની ઓળખ દિલ્હીના 23 વર્ષીય રાહુલસિંગ વિજયસિંગ ઠાકુર અને રાજસ્થાનના બિકાનેરના 30 વર્ષીય માલચંદ પ્રમેશ્વરલાલ શર્મા તરીકે થઈ છે.
ADVERTISEMENT
₹5 હજાર કમિશન અને રેલવે ભાડાની લાલચ આપીને બંડલ પહોંચાડતા
પોલીસની પૂછપરછમાં આ ગેંગના અન્ય સભ્યોની સંડોવણી પણ સામે આવી છે. તપાસમાં જાણવા મળ્યું કે નોઈડામાં રહેતા ગજાનંદ શર્માએ ધનરાજ નામના શખસ સાથે બંને આરોપીઓનો સંપર્ક કરાવ્યો હતો. ત્યારબાદ ધનરાજના કહેવાથી દિલ્હીના ખીચડીપુર સ્ટેશન પાસે વરુણ નામના શખસે બંનેને નકલી નોટોના બંડલ આપ્યા હતા. આ બંડલ અમદાવાદ પહોંચાડવા બદલ બંને આરોપીઓને ₹5-5 હજાર કમિશન ઉપરાંત રેલવેનું ભાડું આપવાની લાલચ આપવામાં આવી હતી.
ADVERTISEMENT
17 બંડલમાંથી 1,666 નકલી નોટો મળી
પોલીસે આરોપીઓ પાસેથી કબજે કરેલા 17 બંડલની તપાસ કરતાં દરેક બંડલમાંથી 98 નોટ મળી આવી હતી. આમ કુલ 1,666 નોટો મળી હતી, જે તમામ ₹500ના દરની નકલી હતી. આ નોટોની કુલ કિંમત ₹8.33 લાખ થાય છે. નકલી નોટોના બંડલને અસલી દેખાડવા માટે બહાર પીળા કાગળ પર ICICI બેંકનાં ખોટાં લેબલ લગાવવામાં આવ્યાં હતાં અને સિક્કા પણ મારવામાં આવ્યા હતા. જ્યારે અંદરની નોટો પર હિન્દીમાં 'ભારતીય મનોરંજન બેંક - પાંચ સો કુપન' લખેલું હતું.
આ પણ વાંચોઃ અમદાવાદના સરદારનગરમાં દારૂ પાર્ટી મામલે 4 લોકો સામે ગુનો દાખલ, ભાજપના ધારાસભ્યએ આપ્યો ખુલાસો
પાંચ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ
આ કેસમાં ઘાટલોડિયા પોલીસે રાહુલસિંગ ઠાકુર અને માલચંદ શર્મા ઉપરાંત નોઈડાના ગજાનંદ શર્મા, ધનરાજ અને વરુણ સામે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ગેંગે અગાઉ કેટલા વેપારીઓને આ જ મોડસ ઓપરેન્ડીથી નિશાન બનાવ્યા છે, નકલી નોટો ક્યાં તૈયાર કરવામાં આવતી હતી અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.