ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે રાજકોટ મનપામાં જોવા મળ્યું પતિરાજ!
Last Updated: 04:52 PM, 20 November 2026
ADVERTISEMENT
રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા પૂર્વે અને સભા દરમિયાન જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચને લઈને ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળી હતી. ડિમોલિશનના સાડા ચાર મહિના બાદ પણ ખર્ચનો તપાસ રિપોર્ટ જાહેર ન થતાં કોંગ્રેસે સત્તાધીશો સામે સવાલો ઉઠાવ્યા હતા. આ મુદ્દે બંને પક્ષના નગરસેવકો વચ્ચે આશરે 30 મિનિટ સુધી ઉગ્ર ચર્ચા અને આક્ષેપ-પ્રતિઆક્ષેપ થયા હતા. બીજી તરફ, સભા દરમિયાન મહિલા કોર્પોરેટરને તેમના પતિ ફોન પર માર્ગદર્શન આપતા હોવાની ઘટનાએ પણ ચર્ચા જગાવી હતી.
ADVERTISEMENT
વિપક્ષ નેતા દીપ્તિબેન સોલંકીએ જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચનો રિપોર્ટ હજુ સુધી જાહેર ન કરાયો હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ડિમોલિશનને સાડા ચાર મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં ખર્ચની વિગતો આપવામાં વિલંબ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
રિપોર્ટ રજૂ થવાના સમયે મ્યુનિસિપલ કમિશનર રજા પર ઉતરી જતાં જવાબદાર અધિકારીઓને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની આશંકા પણ તેમણે વ્યક્ત કરી હતી. કોંગ્રેસે સમગ્ર ડિમોલિશન પ્રક્રિયાના ખર્ચની વિગતો અને તપાસ રિપોર્ટ વહેલી તકે જાહેર કરવાની માગ કરી હતી.
ADVERTISEMENT
જનરલ બોર્ડમાં વિપક્ષ નેતા દીપ્તિબેન સોલંકી દ્વારા ડિમોલિશન અંગે પ્રશ્ન ઉઠાવવામાં આવતાં રાજકીય માહોલ ગરમાયો હતો. પૂર્વ મેયર અને વોર્ડ નંબર 12ના કોર્પોરેટર ડો. પ્રદીપ ડવે જંગલેશ્વર વિસ્તારમાં ગુનાખોરીનું પ્રમાણ ઊંચું હોવાનું જણાવી ડિમોલિશન કાર્યવાહીનો બચાવ કર્યો હતો.
ADVERTISEMENT
કોંગ્રેસના સભ્યોએ ભાજપના ઈશારે ડિમોલિશન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરતાં બંને પક્ષના કોર્પોરેટરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
ડો. પ્રદીપ ડવે સ્પષ્ટતા કરી હતી કે ટીપી રોડ અને આજી નદીનો પટ ખુલ્લો કરવા માટે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમના જણાવ્યા અનુસાર, નદીના પટમાં બંગલા અને ઓરડીઓ બનાવી ભાડે આપવામાં આવતાં હતાં. કાર્યવાહી બાદ વિસ્તારમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટ્યું હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.
ADVERTISEMENT

મહિલા કોર્પોરેટરને પતિ ફોન પર સૂચના આપતા હોવાની ચર્ચા
ADVERTISEMENT
જનરલ બોર્ડ દરમિયાન વોર્ડ નંબર 12નાં મહિલા કોર્પોરેટર જયશ્રીબા જાડેજા ટાઉન પ્લાનિંગ સંબંધિત પ્રશ્ન રજૂ કરી રહ્યાં હતાં. આ દરમિયાન તેમના પતિ દશરથસિંહ જાડેજા મીડિયા ગેલેરીમાં બેસીને ફોન પર તેમને માર્ગદર્શન અને સૂચનાઓ આપતા જોવા મળ્યા હતા.
આ ઘટનાને લઈને સભામાં ચર્ચા શરૂ થઈ હતી. જોકે, દશરથસિંહ જાડેજાએ બચાવ કરતાં જણાવ્યું હતું કે જયશ્રીબા પ્રથમ વખત કોર્પોરેટર તરીકે ચૂંટાયાં હોવાથી તેમને વિષયની પૂરતી માહિતી ન હોવાને કારણે તેઓ મદદ કરી રહ્યા હતા. આ મામલે મેયર ડો. નેહલ શુક્લે તપાસ કર્યા બાદ જરૂરી સૂચનાઓ આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

ડિમોલિશનના અસરગ્રસ્તો માટે 30 હજાર આવાસ બનાવવાનું લક્ષ્ય
જનરલ બોર્ડ પૂર્ણ થયા બાદ મેયર ડો. નેહલ શુક્લે જંગલેશ્વર ડિમોલિશન અંગે સરકાર અને મહાનગરપાલિકાનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાના માધ્યમથી જંગલેશ્વરમાં કરવામાં આવેલી ડિમોલિશનની કાર્યવાહી યોગ્ય હતી.
સાથે જ અસરગ્રસ્ત પરિવારોને આવાસની સુવિધા પૂરી પાડવા માટે તંત્ર પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી આગામી દિવસોમાં રાજકોટ શહેરમાં 30,000 આવાસ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ આવાસ યોજનામાં ડિમોલિશનથી અસરગ્રસ્ત પરિવારો ઉપરાંત અન્ય જરૂરિયાતમંદ પરિવારોને પણ સમાવી લેવાનું આયોજન છે.
જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચનો રિપોર્ટ જાહેર કરવાની કોંગ્રેસની માગ, ભાજપ દ્વારા કાર્યવાહીનો બચાવ અને મહિલા કોર્પોરેટરને પતિ દ્વારા અપાતા માર્ગદર્શનની ઘટનાને કારણે રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. હવે ડિમોલિશનના ખર્ચનો રિપોર્ટ ક્યારે જાહેર થાય છે અને 30 હજાર આવાસ બનાવવાની યોજના ક્યારે સાકાર થાય છે તેના પર સૌની નજર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.