ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આજે મોટેરાથી આટલા રસ્તાઓ રહેશે બંધ, દિલજીત દોસાંઝના કોન્સર્ટને લઈ ટ્રાફિક પોલીસનું ‘જાહેરનામું’
Last Updated: 07:53 AM, 21 November 2026
ADVERTISEMENT
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે દિલજીત દોસાંઝનો લાઈવ કોન્સર્ટ યોજાવાનો છે. આ કાર્યક્રમને પગલે મોટેરા અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે.કોન્સર્ટમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાની શક્યતા હોવાથી પોલીસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. વાહનોની ભીડને કાબૂમાં રાખવા માટે કેટલાક મુખ્ય રસ્તાઓ પર અવરજવર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ પ્રતિબંધ બપોરે 3 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી અમલી રહેશે. મોટેરા તરફ જતાં વાહનચાલકોએ આજે બહાર નીકળતાં પહેલાં વૈકલ્પિક રસ્તાની માહિતી જાણી લેવી જરૂરી છે. બીજી તરફ, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારમાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે.
ADVERTISEMENT
અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 21 નવેમ્બરે દિલજીત દોસાંઝનો કોન્સર્ટ યોજાશે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ બપોરે 3 વાગ્યાથી કોન્સર્ટ પૂર્ણ ન થાય ત્યાં સુધી કેટલાક રસ્તાઓ પર તમામ પ્રકારનાં વાહનોની અવરજવર બંધ રહેશે.જાહેરનામા પ્રમાણે જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટ થઈ કૃપા રેસિડેન્સી ટી અને મોટેરા ગામ ટી સુધીનો રસ્તો વાહનચાલકો માટે બંધ રહેશે. એટલે કે આ વિસ્તાર તરફ જતાં લોકોએ પોતાના વાહન માટે બીજા રસ્તાનો ઉપયોગ કરવો પડશે. ખાસ કરીને મોટેરા અને સ્ટેડિયમ આસપાસના વિસ્તારમાંથી પસાર થનારા વાહનચાલકોએ આ બાબતનું ધ્યાન રાખવું પડશે.
ADVERTISEMENT
ટ્રાફિક પ્રતિબંધને કારણે વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તપોવન સર્કલથી ONGC ચાર રસ્તા, ત્યારબાદ વિસત સર્કલ અને જનપથ ટી થઈને પાવર હાઉસ ચાર રસ્તા તરફ જઈ શકાશે.આ ઉપરાંત કૃપા રેસિડેન્સી ટીથી શરણ સ્ટેટસ ચાર રસ્તા અને ત્યાંથી ભાટ-કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ જઈ શકાશે. વાહનચાલકોએ સ્ટેડિયમ તરફ જવાના બદલે આ વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવો જોઈએ. જેથી ટ્રાફિકમાં ફસાવાની મુશ્કેલીથી બચી શકાય.
ADVERTISEMENT
ટ્રાફિક પોલીસના જાહેરનામામાં કેટલીક સેવાઓ અને વાહનોને ખાસ છૂટ આપવામાં આવી છે. કોન્સર્ટ સાથે સંકળાયેલા વાહનો ઉપરાંત સરકારી વાહનોને પણ અવરજવર કરવાની મંજૂરી રહેશે. ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવાઓનાં વાહનોને પણ આ પ્રતિબંધ લાગુ પડશે નહીં.આ ઉપરાંત મોટેરા વિસ્તારમાં રહેતા સ્થાનિક રહીશોને પણ અવરજવર માટે છૂટ આપવામાં આવી છે. જોકે જાહેરનામામાં નક્કી કરાયેલા નિયમોનું પાલન કરવું જરૂરી રહેશે. ટ્રાફિક પ્રતિબંધનો ભંગ કરનાર વાહનચાલકો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ પંજાબી સિંગર દિલજીત દોસાંઝે અમદાવાદમાં માણી ફાફડા-જલેબી-ખમણની જયાફત, જુઓ Photos
ADVERTISEMENT
દિલજીત દોસાંઝના કોન્સર્ટને લઈને અમદાવાદમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા આ કાર્યક્રમમાં અંદાજે 90 હજાર જેટલા લોકો હાજર રહેવાની શક્યતા છે. આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થવાના હોવાથી પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.આયોજિત વ્યવસ્થા પ્રમાણે લગભગ 85 હજાર દર્શકોની એન્ટ્રી માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેડિયમમાં પ્રવેશ અને બહાર નીકળતી વખતે ભીડને નિયંત્રિત કરવા માટે પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ADVERTISEMENT
કોન્સર્ટ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સુરક્ષા વધારવામાં આવી છે. સ્ટેડિયમમાં લગાવવામાં આવેલા CCTV કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવશે. આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ અને SOGની ટીમો પણ એલર્ટ રહેશે.સુરક્ષાને ધ્યાનમાં રાખીને 3 SRPની ટુકડીઓ તૈનાત કરવામાં આવશે. પોલીસકર્મીઓ યુનિફોર્મની સાથે સિવિલ ડ્રેસમાં પણ સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારમાં હાજર રહેશે. આ રીતે પોલીસ દ્વારા ભીડ પર નજર રાખવાની સાથે કોઈ મુશ્કેલી ઊભી થાય તો તાત્કાલિક કાર્યવાહી કરવાની તૈયારી પણ કરવામાં આવી છે.
આજે મોટેરા અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જવાના હોવ તો ઘરેથી નીકળતાં પહેલાં ટ્રાફિકના નવા નિયમો જાણી લેજો. ખાસ કરીને જનપથ ટી, મોટેરા સ્ટેડિયમ અને કૃપા રેસિડેન્સી તરફ જતાં લોકોએ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો. કોન્સર્ટના કારણે આ વિસ્તારમાં વાહનોની સંખ્યા વધવાની શક્યતા છે, તેથી મુસાફરી માટે થોડો વધારે સમય રાખવો હિતાવહ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
Sub Editor at VTV Gujarati | 8+ Years of Experience in Gujarati Journalism, News Writing & Digital Content Creation.