ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:03 AM, 22 June 2025
ADVERTISEMENT
સવાર-સવારમાં કોઈએ મારા રૂમના ઇન્ટરકોમ પર કૉલ કર્યો અને મને ન સમજાય એવી ભાષામાં કંઈક કહ્યું. પછી મને યાદ આવ્યું કે મેં રાતે ઊંઘતા પહેલા સવારે 7 વાગે ઉઠાડવા માટે 'Wake up Call' ની રિક્વેસ્ટ નાખી હતી. એટલે ફટાફટ રેડી થઈને નીચે આવીને જોયું કે મારા માટે ફિલ્ટર કૉફી તૈયાર હતી, દરવાજા પર ગાડી અને ડ્રાઇવર પણ તૈયાર હતા. એટલે કૉફી પીને ગાડીમાં બેસીને નીકળી ગયા અથિરાપલ્લી વોટરફોલ જોવા માટે.
ADVERTISEMENT

યસસસ… આ વખતે હું પહોંચી ગઈ હતી કેરળ… જેને કહેવાય છે God's own Country. જેણે પણ કેરળને આ ટાઈટલ આપ્યું છે, એ વ્યક્તિને શત્ શત્ નમન, કારણ કે ચોમાસામાં કેરળ ખરેખર સ્વર્ગ બની જાય છે. ભટકતી ભટકતી હું કેરળ પહોંચી અને જોયા સુંદર દરિયાકિનારા, લીલાછમ પર્વતો અને હાથીથી છલકાતા જંગલો. ભગવાને ભરી ભરીને કુદરતી સુંદરતા આ રાજ્યને આપી છે અને અહીં એટલી બધી હરિયાળી છે કે એવું લાગે કે જાણે સ્વર્ગમાં આવી ગયા હોઈએ. અહીં મલયાલમ ભાષા બોલાય છે. પરંતુ અહીંના લોકો શિક્ષિત છે, તેઓ અંગ્રેજી પણ બોલે છે. મેં કેરળમાં વિતાવેલા 7 દિવસ કેવા રહ્યા એ વિશે જો ટૂંકમાં જણાવું તો એક પ્રવાસી તરીકે જ નહીં પણ એક પ્રકૃતિ પ્રેમી તરીકે મને જે મજા આવી છે, એ શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે. છતાં આજે હું ટ્રાય કરીશ કે તમને પણ મારી નજરે કેરળ બતાવું, એ રસ્તાઓ, એ વરસાદ, જંગલો અને શાંતિ... હજુ પણ મારી યાદોમાં કોતરાયેલું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
🌿 કોચીમાં જીવતું નાનકડું ગુજરાત
બપોરના સમયે ટ્રેન એર્નાકુલમ જંકશન પહોંચી, જ્યાં ટેક્સી મારી રાહ જોતી હતી. ટેક્સી મને લઇ ગઈ મેં બૂક કરાવેલા હોમ સ્ટે પર. જો કેરળ ફરવા આવો તો રહેવા માટે હોમ સ્ટેમાં બુકિંગ કરાવો. અહીંના લોકો ઘણા ફ્રેન્ડલી છે અને તેમની સાથે તેમના ઘરમાં રહેવાની મજા આવશે. પાછું મારી સાથે તો જે મજાની ઘટના બની કે જેવી હું હોમ સ્ટે પહોંચ્યા કે સામે એક આધેડ ઉંમરનું કપલ ઉભું હતું, જેમણે મારું સ્વાગત ગુજરાતી ભાષામાં કર્યું. મને થોડું આશ્ચર્ય થયું એટલે મેં એમને પૂછી જ લીધું કે તમે આટલું સારું ગુજરાતી કેવી રીતે બોલી શકો છો? ત્યારે ખબર પડી કે આ કેરળનું કપલ અહીં હોમ સ્ટે ચલાવે છે, પણ પહેલા તેઓ વડોદરામાં રહેતા હતા અને તેમના હોમટાઉન આવી ગયા. એટલે જ તેઓ આટલું સારું ગુજરાતી બોલી શકે છે. તેમણે મને મારો રૂમ બતાવ્યા અને કહ્યું કે લંચ તૈયાર જ છે, ફ્રેશ થઈને જમી લો.
ADVERTISEMENT

ફ્રેશ થઈને મેં અહીંની સ્પેશિયલ વેજ થાળી ખાધી, જેમાં પાપડ, અથાણું, તળેલા ભીંડા, સંભાર, ભાત, રસમ, અને બે પ્રકારના શાક હતા. જમીને થોડો આરામ કરીને પછી ગઈ ફોર્ટ કોચી બીચ. અહીં દેખાઈ સોના જેવી ચમકતી રેતી, અરબી સમુદ્રનું શાંત પાણી, અને ચાઇનીઝ ફિશિંગ નેટ... એકવાર આ સીન જોયા પછી એવું થયું કે બસ અહીં જ બેસી રહું. સાંજ પડી ત્યાં સુધી અહીં જ એક્સ્પ્લોર કર્યું. પછી હોમ સ્ટે ગઈ, જ્યાં પેલું ગુજરાતી બોલતું કપલ મારી રાહ જ જોતું હતું.
ADVERTISEMENT

જીયો રે બાહુબલી… ધોધ
ADVERTISEMENT
બીજા દિવસે કોચીથી, મારી ગાડી સીધી અથિરાપલ્લી ધોધ તરફ ગઈ. અહીં ચોમાસું પૂરજોશમાં હતું. ચારે બાજુ હરિયાળી હતી, વાદળો હતા અને હવામાં માટીની સુગંધ હતી. લગભગ બે કલાકની મુસાફરી પછી જ્યારે હું ત્યાં પહોંચી, ત્યારે મારી સામે એક વિશાળ ધોધ ગર્જના કરી રહ્યો હતો - અથિરાપલ્લી ધોધ, જેને ભારતનો નાયગ્રા કહેવામાં આવે છે. અહીં રેઈનફોરેસ્ટ રિસોર્ટ છે, જે ધોધની સામે જ આવેલો છે. હા, તમે જે રીલ્સમાં જુઓ છો ને, એવી જ બાલ્કની, સામેથી વહેતી નદી, લીલાછમ જંગલો, ભીના ભીના પથરા અને ધોધનો રૌદ્ર અવાજ. આ રીલ્સના દ્રશ્યો હું જીવીને આવી છું. વરસાદમાં આ સ્થળની સુંદરતા અનેકગણી વધી જાય છે. રિસોર્ટથી એક જંગલનો રસ્તો મને ધોધ સુધી લઈ ગયો. હળવો વરસાદ, ગાઢ વૃક્ષો અને ધોધનો અવાજ - આ અનુભવ હૃદયને સ્પર્શી ગયો. આ એ જ વોટરફોલ છે કે જ્યાં બાહુબલી ફિલ્મનું શૂટિંગ થયું છે. આ વોટરફોલ રસ્તા પરથી પણ દેખાય છે અને નજીકથી જોવો હોય તો લગભગ 1 કિલોમીટર ચાલવું પડે છે. જો અહીં વડીલો સાથે આવો, તો મારી સલાહ છે કે રસ્તા પરથી જ ફોલ જોઈ લેવો, વડીલો જો વધારે ચાલી શકે એમ હોય તો જ નજીકથી વોટરફોલ જોવા જવું. કેમ કે લગભગ 1 કિલોમીટર જેવો જંગલનો રસ્તો છે ધોધ જોવા માટેનો. અહીંથી અમે નીકળી ગયા મુન્નાર જવા માટે.

🍃 વાદળોથી ઘેરાયેલા પહાડો પર ચાના બગીચાઓ
અથિરાપલ્લીનું શાંત વાતાવરણને છોડીને, 5200 ફૂટની ઊંચાઈ પર આવેલું સાઉથનું કાશ્મીર જવા નીકળી ગઈ. ચાના બગીચા માટે પ્રખ્યાત, પહાડી ટાઉન મુન્નાર પહોંચતા રસ્તામાં, વરસાદ સતત મારી સાથે હતો, જેના કારણે આખો રસ્તો હરિયાળો બની ગયો. એમ તો ગૂગલ મેપ્સે મને 4 કલાક બતાવ્યા હતા, પણ મેપનો ભરોસો ન કરતા. ડુંગરાળ રસ્તાઓ અને વરસાદને કારણે મને લગભગ 6 કલાક લાગી ગયા. મુન્નારમાં હું વિન્ડરમેર એસ્ટેટમાં રોકાઈ. અહીંના કોટેજ લાકડાના બનેલા જૂના જમાનાના હતા, અને અહીં હરિયાળી, ચાના બગીચા અને વાદળો સિવાય બીજું કંઈ નહોતું.

મુન્નાર પહોંચીને પહેલા હું ગઈ એરાવિકુલમ નેશનલ પાર્ક - જે ચાના બગીચાઓમાં આવેલી લુપ્તપ્રાય નીલગિરિ બકરીની સેન્ચુરી છે. એરાવિકુલમ નેશનલ પાર્ક ટેક્સી કે પોતાની કારથી નહીં, પણ બસથી જવાનું હોય છે. એના ગેટ પરથી ટીકીટ લઈને બસમાં બેસી ગઈ. રસ્તામાં ચાના સુંદર બગીચાઓ જોવા મળ્યા. બસે એક પોઈન્ટ પર ડ્રોપ કરી. ત્યાંથી ચાલતા-ચાલતા આ પાર્કને એક્સ્પ્લોર કર્યો. વચ્ચે એક નીલગિરિ બકરી પણ દેખાઈ. આ બકરીઓ ફ્રેન્ડલી હોય છે. એટલે ડરવાની જરૂર નથી. પાર્કમાં એક કેફે પણ છે, જ્યાં મેં કેક-કોફીની મજા લીધી. આ નેશનલ પાર્કમાં સ્લોથ બેર, વાઘ, ચિત્તા જેવા પ્રાણીઓ પણ છે, જે ગાઢ જંગલોના વિસ્તારમાં જોવા મળશે. મને ખબર પણ ન પડી કે 2 કલાક ક્યાં નીકળી ગયા. જો તમે પણ મારી જેમ પ્રકૃતિ પ્રેમી છો તો આ પાર્કમાં ફરવાની મજા આવી જશે. પછી એરાવિકુલમ નેશનલ પાર્કથી નીકળીને વિન્ડરમેર એસ્ટેટ ગઈ, જ્યાં રસ્તા પર બધે જ ચાના બગીચા જોવા મળ્યા. મારા ડ્રાઇવરે કહ્યું કે આ બધા જ ટાટાના બગીચા છે. મારા ડ્રાઈવરે મને મલયાલમ ભાષામાં વેલકમ પણ કહ્યું - keralathilekku swagatham. ડ્રાઇવરે મારી સાથે કરલ વિશે ઘણી વાતો પણ શૅર કરી.
બીજા દિવસે ટી ગાર્ડન અને ટી મ્યુઝિયમ જોવા ગઈ. અહીં ચાના બગીચામાં ઘણું ફરી, ટી મ્યુઝિયમ પણ મસ્ત છે, અહીં ચાની હિસ્ટ્રી અને ચા વિશેની ઘણી અન્ય જાણકારી મેળવી. આ બધું એક્સ્પ્લોર કરીને થાકી એટલે મેં નારિયેળ પાણી પીધું. મિત્રો, મારી એક વાત માનજો કે જયારે પણ કેરળ આવો ત્યારે નારિયેળ પાણી જરૂર પીવું, ફ્રેશ થઈ જવાશે. નાળિયેર પાણી પીધા પછી, ફોટો પોઈન્ટ પર ગઈ. અહીં પણ ચાના બગીચાઓ છે. અહીં આસપાસ ચાના ઘણા સ્ટોલ છે, એટલે અહીં ચા પીતા-પીતા કોઈ ફિલ્મના સીન જેવા સુંદર દેખાતા દ્રશ્યોની મજા લીધી.

ફોટો પોઈન્ટ પછી ત્યાંથી 5-6 કિમી દૂર આવેલા માટ્ટુપેટ્ટી ડેમ પહોંચી. અહીં લીલાછમ પર્વતો જોઈને દંગ થઈ ગઈ. અપેક્ષા કરતા પણ વધુ સુંદર કેરળ જોવા મળ્યું. સામે નદી, લીલાછમ પર્વતો અને વાદળી આકાશ... અહીં પુલ પર વોકિંગ કરો કે ડેમમાં બોટિંગ કરો - હું બંને વસ્તુને ફૂલ પોઈન્ટ આપીશ. હું એટલું જ કહીશ કે મુન્નાર આવો તો આ જગ્યા તો જોવી જ જોઈએ. પછી પહોંચી ગઈ ટોપ સ્ટેશન. ટોપ સ્ટેશન પર પહોંચ્યા પછી, એવું લાગ્યું કે હું વાદળોની ઉપર ઉભી છું. ‘આજ મેં ઉપર,આસમા નીચે…’ ગીત યાદ આવી ગયું. નીચે ખીણમાં તરતા વાદળો, ચારે બાજુ હરિયાળી અને ઉપરૂથી વરસાદના છાંટા - એક એવું દૃશ્ય હતું જે કદાચ જીવનમાં ફરી ક્યારેય જોવા નહીં મળે. રસ્તામાં મને એક જંગલી હાથી પણ દેખાયો! હા, મુન્નારના જંગલોમાં હાથીઓ સામાન્ય છે, પણ આટલી નજીકથી હાથી જોવાનું ખૂબ જ રોમાંચક હતું.

પછી મુન્નાર મેઈન સિટીમાં ચોકલેટ ફેક્ટરીમાં ગઈ. અહીં ચોકલેટનું પ્રોડક્શન જોવાનું ઇન્ટ્રસ્ટીંગ લાગ્યું. અહીં ઘણા પ્રકારની ચોકલેટ મળે છે. મેં પણ અહીંથી એક કિલો જુદી-જુદી ચોકલેટ ખરીદી જ લીધી. મજાની વાત તો એ હતી કે અહીં ચોકલેટ ટેસ્ટ કરીને ખરીદી શકો. એકવાર તો અહીં વિઝિટ કરી જ લેવી.

🌊 પહાડોથી શાંત બેકવોટર સુધીની સફર
મુન્નારમાં 2 રાત વિતાવ્યા પછી હવે આગળ જવાનો સમય આવી ગયો હતો, એટલે વહેલી સવારે ઉઠીને નીકળી ગઈ, કેરળનો બીજો ચહેરો જોવા. પહેલા જોયા પહાડો, ચાના બગીચાઓ અને ભરપૂર હરિયાળી. હવે સમય હતો બેકવોટર એક્સ્પ્લોર કરવાનો. મુન્નારથી, હું કુમારાકોમ જવા નીકળી. કુમારાકોમ આવી તો એવું લાગ્યું કે કોઈ જગ્યાએ રોડથી પહોંચવા કરતા તો બોટથી વહેલા પહોંચાશે. અહીં હું કોકોનટ લગૂનમાં રોકાઈ હતી. રૂમની બહાર નીકળો તો સામે જ પાણી દેખાય. અહીં દરરોજ સાંજે, એક વૃદ્ધ સ્થાનિક મહિલા હોડીમાં ફિલ્ટર કોફી અને નાસ્તો લઈને આવે છે. જાણે ચા-નાસ્તાની પાણીમાં તરતી દુકાન સામે ચાલીને તમારી પાસે આવે. સાંજે મેં સનસેટના સમયે બોટ રાઈડ કરી. નારિયેળના ઝાડ, શાંત પાણી અને રંગ બદલતું આકાશ... એવું લાગ્યું કે સમય થંભી ગયો છે. આ એક એવી સાંજ હતી, જે મને હંમેશા યાદ રહેશે.

🚤 કેરળના વેનિસમાં બેકવોટર બોટિંગ
બીજા દિવસે સવારે નીકળી એલેપ્પી અથવા અલાપ્પુઝા માટે - જેને 'પૂર્વનું વેનિસ' પણ કહેવામાં આવે છે. અહીં હું જે હોટેલમાં રોકાઈ હતી, તેની બાલ્કનીમાંથી બેકવોટર દેખાતું હતું. ભારે વરસાદને કારણે, મેં હાઉસબોટને બદલે હોટલમાં રહેવાનું નક્કી કર્યું. પણ બેકવોટરમાં એક અદ્ભુત હાઉસબોટ રાઈડ જરૂર કરી. ચારે બાજુ પાણી જ પાણી... કિનારા પર ગામડાઓ અને હોડીઓમાં રહેતા લોકો... આ અનુભવ અનોખો હતો. 4 કલાકની બોટ રાઈડ ઘણી સ્થાનિક વાર્તાઓ અને જીવનશૈલી વિશે જાણ્યું - જે કોઈ બુકમાં જાણવા નહીં મળે.

🌴 કેરળનું સિક્રેટ હેવન
મારી આ સફરનો સૌથી સુંદર દિવસ વીત્યો વરકલામાં. વરકલા એક એવી જગ્યા છે કે જ્યાં શાંતિ, પ્રકૃતિ અને રોમાંસ - ત્રણેય એક સાથે મળે છે. એલેપ્પીથી વરકલા પણ એક સરસ રોડ ટ્રીપ થઈ. વરકલા જતા રસ્તામાં એક તરફ બીચ અને બીજી તરફ બેકવોટર જોવા મળ્યું. આ ખૂબ જ મનોહર દ્રશ્ય હતું. વરકલામાં બીચની નજીકની હોટલમાં રોકાઈ, જ્યાંની બાલ્કનીમાંથી જ બીચ દેખાતો હતો. અહીં એક લોકલ રેસ્ટોરન્ટમાં ઈડલી-ઢોસા ખાઈને પછી નીકળી જટાયુ અર્થ સેન્ટર જોવા. આ વિશ્વની સૌથી મોટી પક્ષીની પ્રતિમા છે, અને રામાયણના જટાયુને સમર્પિત છે. આ ધાર્મિક રીતે જ નહીં, પણ સાંસ્કૃતિક રીતે પણ પ્રેરણાદાયક સ્થળ છે. ટોપ પર જવા માટે કેબલ કાર લીધી. ત્યાંથી પાછી આવી ત્યાં સુધીમાં તો સાંજ પડવા આવી હતી. એટલે બીચ પર જઈને પાણીમાં ભરપૂર મજા કરી. અહીં જ બેસીને સુંદર સનસેટ જોયો, જેને જોઇને બધો જ થાક ઉતરી ગયો. આ જગ્યા બીચ અને નાઇટ લાઇફ માટે પ્રખ્યાત છે, અહીં ઘણા બજારો છે. જ્યાંથી મેં વિન્ડો શોપિંગ કરી. આ જ ખાસિયતોને કારણે વરકલાને સાઉથનું ગોવા પણ કહેવામાં આવે છે. અહીં ખાવાના ઘણા સ્ટોલ્સ હતા, પણ બધા જ નોનવેજ, એટલે સ્ટ્રીટ ફૂડને બાજુ પર મૂકીને એક લોકલ રેસ્ટોરન્ટમાં કેરળની થાળી ખાઈ લીધી. આખા દિવસની થાકેલી હતી એટલે હોટલ પહોંચીને ફ્રેશ થઈ, એવામાં તો ઊંઘ આવી ગઈ.

બીજા દિવસે સવારે ઉઠી, ત્યારે તો યાદ આવ્યું કે આજે છેલ્લો દિવસ છે. સાડી પહેરીને તૈયાર થઈ ગઈ, બેગ પેક કરી લીધી, નાસ્તો કરીને નીકળી ગઈ ભગવાન વિષ્ણુનું વિશ્વ પ્રસિદ્ધ અને દિવ્ય મંદિર પદ્મનાથ સ્વામી મંદિરના દર્શન કરવા માટે. જો ક્યારેય આ મંદિરના દર્શન માટે આવો, તો યાદ રાખજો કે આ મંદિરમાં પરંપરાગત વસ્ત્રો પહેરીને જ પ્રવેશ મળશે. આ મંદિરમાં દર્શન કરવા માટે પુરુષોએ સફેદ લૂંગી પહેરવી પડે છે અને સ્ત્રીઓએ સાડી પહેરવી પડે છે. મંદિરના દર્શન કરીને પહોંચી ગઈ પ્રખ્યાત કોવલમ બીચ.
સાડી પહેરીને બીચ પર ફરતી હતી, ત્યારે મને કોઈ ફિલ્મની હિરોઇન જેવું ફિલ થતું હતું. આ બીચ પર પણ સમય પસાર કરવાની અને દરિયામાં નહાવાની મજા આવી જશે. પણ મારે ફ્લાઈટ પકડવાની હતી, એટલે ટાઈમ થયો, ત્યારે હું નીકળી ગઈ ત્રિવેન્દ્રમ એરપોર્ટથી ઘરે જવા. ફ્લાઈટમાં બેઠા-બેઠા યાદ આવ્યું કે મેં જે લંચ કર્યું હતું, એ આખી જિંદગી યાદ રહેશે. મારું માનજો, કેરળ જઈને કોઈ પણ રેસ્ટોરન્ટમાં જઈને મસાલા છાશ ન મંગાવતા હો. મેં મંગાવી અને પછી જે પસ્તાવો થયો છે… લીલી મરચું પીસીને નાખેલી છાશ આવી. પહેલા જ ઘૂંટમાં મોઢું બળવા લાગ્યું. વાટકી ભરીને ખાંડ ખાધી તોય બળતરા શાંત ન થઈ. હવે આ યાદ કરીને હસવું આવે છે.

એકંદરે કહું તો ધોધના અવાજથી લઈને ચાના બગીચાની સુગંધ, બેકવોટર્સની શાંતિ, સમુદ્રના મોજા અને વરસાદનું દરેક ટીપું. આ બધી એવી વસ્તુઓ હતી કે જેને મારી આ સફરને આજીવન માટે યાદગાર બનાવી દીધી. એમ તો બારેમાસ કેરળ સુંદર હોય છે, પણ ચોમાસામાં આ રાજ્ય વધુ જીવંત થઈ જાય છે. અહીંથી પાછી આવી ત્યારે મને પોતાની જાતમાં બદલાવ દેખાયો - અંદરથી અને બહારથી પણ. સુંદર પ્રકૃતિ વચ્ચે વિતાવેલા આ દિવસો ક્યારેય નહીં ભૂલાય.

આ પણ વાંચો: માથેરાનમાં ચોમાસાની ટ્રીપ, જતા પહેલા જાણી લેજો, ક્યાં ખાશો, શું સાથે રાખશો? તકલીફ નહીં પડે
આ વાતો ચોક્કસ યાદ રાખજો
ચોમાસામાં કેરળ ફરવાની મજા આવશે, પણ હવામાન ચેક કરીને જ જવું. અતિ ભારે વરસાદના દિવસોમાં ન જતા. સાથે રેઈનકોટ, વોટરપ્રૂફ શૂઝ, અને છત્રી લઈને જવાનું ભૂલતા નહીં. પહાડી વિસ્તારોમાં સ્થાનિક ડ્રાઇવરને જ ભાડે રાખવો સમજદારીભર્યું રહેશે. પહાડી રસ્તાઓ પર મુસાફરી દરમિયાન ઉલટીની દવા પહેલાથી જ લઈ લેવી, જેથી સફરની મજા ન બગડે. જો બેકવોટર્સમાં હાઉસબોટમાં રહેવું હોય તો ભારે વરસાદ સિવાયનો સમય પસંદ કરજો. જો તમારા પ્લાનમાં ત્રિવેન્દ્રમ મંદિર હોય તો એક જોડી ટ્રેડીશનલ કપડાં સાથે જ રાખવા, નહીં તો મંદિરના દર્શન કરવા માટે ત્યાંથી ખરીદી કરવી પડશે. મારી 7 દિવસની કાર ટ્રીપનો ખર્ચ મને લગભગ ₹19,000 (સેડાન કાર) થયો. હોટલના ભાવ દરેક જગ્યાએ જુદા-જુદા હતા, તમને પણ તમારા બજેટ પ્રમાણે અહીં રહેવા માટે હોટલ કે હોમ સ્ટે મળી જશે. આ 7 દિવસમાં, મેં કેરળ માત્ર જોયું જ નથી, પણ અનુભવ્યું છે.
(Photo Credit: Kerala Tourism)
સંકળાયેલા મુદ્દાઓ
ભટકતી આત્મા is a passionate travel blogger and shares her exploration around India only on VTV Digital.