બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / માથેરાનમાં ચોમાસાની ટ્રીપ, જતા પહેલા જાણી લેજો, ક્યાં ખાશો, શું સાથે રાખશો? તકલીફ નહીં પડે
Last Updated: 10:30 AM, 15 June 2025
લોંગ વીકએન્ડ આવતા જ અમે માથેરાન જવાનું નક્કી કર્યું હતું. આખી ગેંગ તૈયાર જ હતી અને અમે માથેરાન જવા નીકળી પડ્યા. બધું બુકિંગ પહેલેથી થઈ ગયું હતું, એટલે અમદાવાદથી રાતની ગરીબ રથ ટ્રેનમાં નીકળી સવારે 7 વાગ્યે મુંબઈ પહોંચ્યા. ત્યાંથી ફટાફટ નેરલ જવા માટેની ટિકિટ લઈને મુંબઈની લાઈફલાઈન એવી લોકલ ટ્રેનનો એક્સપીરિયન્સ લીધો. બે કલાકમાં તો નેરલ. હજી ઉપર જવા માટે એક ટ્રેનની સફર કરવાની છે, પણ આ ટ્રેન મજાની છે. ‘કસ્તો મજા હૈ, લે લઈ મા…’ આ સોંગ યાદ છે ને. એમાં તો શિમલાની ટ્રેન છે, પણ નેરળથી માથેરાન ઉપર જવા માટે મસ્ત લીલાછમ પહાડોની વચ્ચે નાનકડી ટ્રેન ધીરે ધીરે પસાર થાય છે. જાણે શહેરો ઘોંઘાટ, ટ્રાફિક જામ, બોસની ચીકચીક બધાને ધીરે ધીરે પાછળ છોડતી હોય!
ADVERTISEMENT
ADVERTISEMENT
આ ચોમાસામાં માથેરાન જવાની ઈચ્છા થઈ ગઈ ને! જો તમને પણ પોલ્યુશનથી દૂર કશે ફરવા જવું હોય તો, માથેરાન સૌથી બેસ્ટ જગ્યા છે. કેમ કે અહીં, પ્લાસ્ટિક નથી વપરાતું, આ હિલ સ્ટેશન 'નો વ્હિકલ ઝોન' છે, એટલે કે આ જગ્યા પર વાહનોને પ્રવેશ નથી કરવા દેવામાં આવતા.

ADVERTISEMENT
… પણ ટોય ટ્રેન તો બંધ હતી!
એમ તો માથેરાન જાઓ અને ટોય ટ્રેનમાં મુસાફરી ન કરો, તો તમારી સફર અધૂરી છે, પણ ચોમાસામાં ટોય ટ્રેન બંધ કરી દેવામાં આવે છે. એટલે ચોમાસામાં માથેરાન જવું હોય તો બીજા ઓપ્શન જ કામ લાગશે. મુંબઈથી જ કેબ બૂક કરીને માથેરાન પહોંચી શકો છો. એના માટે સવારી ટેક્સી (Savaari Taxi) સૌથી શ્રેષ્ઠ ઓપ્શન છે, જે આરામદાયક મુસાફરી પૂરી પાડે છે. પર્સનલ કાર લઈને જવું હોય તો પણ દસ્તુરી નાકા સુધી કાર જશે, દસ્તુરી નાકા પર તમારી કાર પાર્ક કરી શકો છો. પછી ત્યાંથી ચાલીને અથવા તો ઘોડા પર સવારી કરીને માથેરાન હિલ સ્ટેશન સુધી પહોંચી શકો છો. દસ્તુરી નાકા માથેરાનનો એન્ટ્રી પોઈન્ટ છે. દસ્તુરી નાકાથી 2-3 કિલોમીટર ચાલો એટલે માથેરાન હિલ સ્ટેશન આવી જાય. એવું લાગે કે જાણે તમે એક સરળ ટ્રેક પૂરો કરી લીધો છે.
ADVERTISEMENT
યે હંસી વાદિયાં, યે ખુલા આસમા…
લકીલી હું ગઈ ત્યારે હજી ચોમાસું જામ્યું નહોતું, એટલે ટોય ટ્રેનમાંથી જંગલનો જે નજારો જોવા મળ્યો અને તેમાં કરેલી મુસાફરી "વન્સ ઇન અ લાઇફ ટાઈમ" જેવો અનુભવ હતો. (જો તમારે મારી ટોય ટ્રેનની સફરનો અનુભવ જાણવો હોય તો આ વાક્ય પર ક્લિક કરી નાખો ફટાફટ.) પણ માથેરાન પહોંચ્યા પછી એટલે એવું લાગે કે આ એક નવી જ દુનિયા છે, અને નજર સામે જે દેખાય છે એ બસ જોયા જ કરું. ચારેય બાજુ દેખાતા લીલાછમ ઝાડ અને પ્રદૂષણ વગરની ચોખ્ખી હવા! આવું આપણા શહેરોમાં તો ક્યારેય જોવા ન મળે. મંત્રમુગ્ધ કરનારો આ નજારો મનભરીને જોયા પછી ટ્રાન્સમાંથી બહાર આવ્યા, તો રસ્તાની બાજુમાં એક આધેડ ઉંમરની મહિલા બેઠી હતી, જે ખટુંમડા અને કેરી વેચી રહી હતી, જે જોઇને મોમાં પાણી આવી ગયું. એટલે તેની પાસેથી કાચી કેરી લઈ જ લીધી. આ તમારી ભટકતી આત્માને આવું બધુ તો બહુ ભાવે હોં. એકવાર હોટેલનો સવારનો નાસ્તો ન કરીએ તો ચાલે, પણ ઠેલા પરથી નાસ્તો તો કરવો જ પડે!
ADVERTISEMENT
ADVERTISEMENT
રખડવાનો આનંદ
ત્યાંથી થોડું જ આગળ ચાલીને આવી અમે જે હેરીટેજ હોટલ બૂક કરી હતી એ. એમ તો માથેરાનમાં રહેવા માટે ઘણા ઓપ્શન્સ મળી જશે, જેમ કે કોટેજ, હેરિટેજ હોટલ્સ, રિસોર્ટસ... કેટલાક વર્ષો પહેલા જયારે માથેરાન ગયા હતા, ત્યારે જે હોટલમાં રોકાયા હતા, એ પણ બેસ્ટ હતી, ગાર્ડન હતું, ઇન્ડોર રમી શકાય એવી ગેમ્સ હતી, જે ગોઠવી તો આઉટડોર જ હતી. એટલે બાળકો સાથે હોય તો તેમને પણ મજા આવે એવા રહેવાના ઓપ્શન્સ તો મળી જ જાય છે. અમે હોટલ પહોંચીને ચેક-ઇન કર્યું, પછી ફ્રેશ થઈને બપોરનું ભોજન લીધું, પછી બહાર રખડવા નીકળી પડ્યા. જો તમે પણ માથેરાન આવો તો હોટલમાં પડ્યા રહેવાને બદલે બહાર રખડો, જુદા જુદા પોઈન્ટ્સ ફરો.. શારીરિક થાક લાગશે, પણ માનસિક થાક બધો જ ઉતરી જશે.
ઘરથી દૂર, ઘરનું ફૂડ
માથેરાનમાં ખાવા માટે પણ વિકલ્પો મળી જશે. માથેરાનમાં મહારાષ્ટ્રીયન અને ગુજરાતી ફૂડ સરળતાથી મળી જશે. નાસ્તા માટે અશોક વડાપાવ કે કદમના વડાપાવ જેવી જગ્યાઓ ઘણી ફેમસ છે. લોકલ ટેસ્ટ માટે દિવાકર અને દુર્વાન્કુર ડાઇનિંગ હોલ જઈ શકાય, જ્યાં વેજ ભોજન માટે ઘણા વિકલ્પો મળી જશે અને તેમની થાળી પણ પ્રખ્યાત છે. ગાર્ડન વ્યૂ રેસ્ટોરન્ટમાં એક નોર્મલ થાળી ખાવા મળી જશે, રસના રેસ્ટોરન્ટમાં તંદૂરી રોટલી અને શાક મળી જશે. બિરયાનીના શોખીનોને પણ માથેરાન નિરાશ નહીં કરે, અહીં શબ્બીરભાઈની બિરયાની કે SP's બિરયાની હાઉસની બિરયાની અને મુઘલાઈ ભોજન ખૂબ જ ફેમસ છે. અહીં ઘણી હોટલ એવી છે કે જે તેમના ગેસ્ટની ડિમાંડ પ્રમાણે તેમના માટે ભોજનની વ્યવસ્થા કરી આપે છે.
જમ્યા પછી ગળ્યું ખાવું હોય તો અહીં ચોકલેટ ફજ અને લોનાવાલાની ફેમસ ચીક્કી મળી જશે. બાળકોને આઇસ્ક્રીમ, મિલ્કશેક, કુલ્ફી જેવી વસ્તુઓ ખાવી હોય તો સક્વીલ રિફ્રેશમેન્ટ લઈ જજો. બાળકોને જ નહીં, તમને પણ મજા આવી જશે. આ સિવાય અહીં ઘણા અન્ય રેસ્ટોરન્ટ પણ મળી જશે, જેમ કે ગુરુકૃપા રેસ્ટોરન્ટ, હોટલ પનોરામા, શ્રી બાબા રામદેવ ઢાબા કે હોટલ સ્વરાજ ફેમિલી રેસ્ટોરન્ટ જેવી જગ્યાએ ઘણી વાનગીઓ મળી જશે, જે તેમના ભોજનમાં માથેરાનનો લોકલ સ્વાદ પીરસશે.
વાહ, ક્યા સીન હૈ!
પેટનો ખાડો પૂર્યા પછી પછી અમે તો નીકળી પડ્યા અહીંના ફરવાના પોઈન્ટ્સને એક્સ્પ્લોર કરવા માટે. સૌથી પહેલા અમે ઇકો પોઈન્ટ અને પછી શાર્લોટ લેક જોયું. ઇકો પોઇન્ટ પર થોડી બૂમાબૂમ કરીને મજા કરી, પછી શાર્લોટ લેક ગયા. આ માથેરાનના રહેવાસીઓ માટે તાજા પીવાના પાણીનો સ્ત્રોત છે. ચોમાસું હતું એટલે લેક પાણીથી છલકાઈ ગયું હતું અને એક સુંદર ધોધનું દ્રશ્ય જોવા મળ્યું. આ ધોધમાં કેટલાક નાના બાળકો મસ્તી કરતા હતા, ન્હાતા હતા, તેમને જોઇને મને પણ મન થઈ ગયું કે આ ધોધમાં ન્હાઈ લઉં, પણ એમ કરું તો પછી મારે ભીનાં કપડે જ બાકીનો દિવસ કાઢવો પડતો, એમાંય મેં પહેર્યો તો સફેદ શર્ટ! બસ બસ… મારે કંઈ મંદાકિની નહોતું બનવું અને જો તમે અહીં જાઓ તો મારા જેવી ભૂલ ન કરતા, એક જોડી કપડાં સાથે જ રાખજો. ધોધ જોયા પછી અમે પિશરનાથ મહાદેવ મંદિરમાં દર્શન કર્યા. ત્યાં સુધીમાં તો સાંજ થઈ ગઈ એટલે અમે સન સેટ પોઈન્ટ પર પહોંચી ગયા અને અહીંથી અમે અમારા જીવનનો સૌથી સુંદર સનસેટ જોયો. ધીમે-ધીમે સૂરજદાદા પહાડોની પાછળ છુપાઈ રહ્યા હતા, અને જતા-જતા જાણે હિપ્નોટાઇઝ કરતાં હોય એવું લાગી રહ્યું હતું. થોડીવારમાં તો અંધારું થઈ ગયું, ધીમો-ધીમો વરસાદ ચાલુ થઈ ગયો. અહીં ફરી મારી એક સલાહ યાદ રાખજો કે અંધારું થાય પછી પણ બહાર ફરતા હોવ તો ટોર્ચ સાથે રાખજો. ચોમાસામાં વાતાવરણ પ્રમાણે અહીં વીજળી આવતી-જતી રહે છે. અહીં એમ તો જનરેટરની વ્યવસ્થા પણ હોય છે, છતાં પોતાની માટે ટોર્ચ સાથે જ રાખવી.
લુચ્ચો વરસાદ
હોટલ પાછા પહોંચ્યા, ત્યાં સુધીમાં તો વરસાદ તો બંધ થઈ ગયો હતો એટલે જમીને પછી અમે રાત્રે હોટલના પોર્ચમાં બેઠા. આકાશમાં નજર કરી, તો વરસાદ પડ્યા પછી જે સ્વચ્છ આકાશ દેખાય, એવો જ નજારો દેખાયો. હવે શહેરોમાં તારાઓ નથી દેખાતા, પણ અહીં તો જાણે ઈશ્વરે તારાઓનું ઝુમ્મર જ લટકાવ્યું હોય એટલા તારાઓ હતા. જેને જોતા-જોતા જ ઊંઘ આવવા લાગી. બીજા દિવસે પાછું વહેલાય ઉઠવાનું હતું, કારણ કે ચોમાસામાં અહીં ફરવા જવું હોય ને દિવસ ચડે તો દરેક પોઈન્ટ પર ભીડ વધતી જાય. જો કે માંડ માંડ વહેલા ઉઠઈને અમે પેનોરમા પોઈન્ટ પર પહોંચી ગયા. અહીં પહોંચવા માટે થોડું ચાલવું પડ્યું, પણ એકવાર અહીં પહોંચ્યા એટલે અહીંથી જે દ્રશ્ય જોવા મળ્યું તેને જોઈને ચાલવાનો બધો થાક તરત જ ઉતરી ગયો. આ કદાચ માથેરાનનું સૌથી મનોરમ્ય દ્રશ્ય હશે, જેને શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે.

આમ તે કંઈ હસાતું હશે?
સામે દેખાતા લીલાછમ પહાડો, નજરે ય ન પહોંચે એવી ખીણ, ચોમાસાના કાળા ભમ્મર વાદળો, સવારનું ધુમ્મસ... સામે જે દ્રશ્ય દેખાઈ રહ્યું હતું કે આંખનો પલકારો પણ મારવાની ઈચ્છા થતી ન હતી, ત્યાં તો કોઈનો ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. અમને તો એમ જ કે આટલી વહેલી સવારે અહીં તો અમે જ છીએ, તો આ અવાજ આવ્યો ક્યાંથી? પહેલા તો ડર લાગ્યો, પણ પછી આજબાજુ નજર કરીને જોયું, તો કેટલાક મીટર દૂર એક ઝાડની નીચે એક યુવાન કપલ બેઠું હતું, જોઇને લાગી રહ્યું હતું કે લવ મેરેજ થયા હશે અને નવપરિણીત છે. બંને એકબીજામાં ખોવાયેલા હતા, અને મસ્તી કરતા હતા.
થોડી જ વારમાં વરસાદ ચાલુ થઈ ગયો. પેલું કપલ પોતાને વરસાદથી બચાવવા માટે ત્યાંથી હાથ પકડીને દોડી ગયું. ચાલુ વરસાદે સામે જે દ્રશ્ય દેખાયું, એવું લાગ્યું કે બોલિવૂડના કોઈ પિક્ચરનો સીન હોય! ફરી સામેના પહાડો પર નજર કરી, જોતજોતામાં તો એવું દ્રશ્ય બની ગયું કે જાણે વાદળાઓ ધરતી પર આવી ગયા હોય! વાદળાઓને કારણે સામેના પહાડો દેખાતા બંધ થઈ ગયા, અહીં થોડીવાર સુધી આ દ્રશ્યો જોઈને, મગજમાં તેમને છાપી લીધા, પછી અહીંથી નીકળી ગયા. અમારું નસીબ જરા ખરાબ કે અહીંથી નીચે પશ્ચિમ ઘાટમાંથી પસાર થતી ટોય ટ્રેન ન જોવા મળી.
માથેરાનમાં કેમ્પિંગ માટેના પણ ઘણા વિકલ્પો છે, જાણો માથેરાનમાં કેમ્પિંગ કરવાનો મારો અનુભવ કેવો રહ્યો
એડવેન્ચર તો કરવું જ પડે
પછી હોટલ જઈને સવારનો નાસ્તો કર્યો, કોફી પીધી અને પછી અમે નેચર ટ્રેલ્સની મજા લેતા-લેતા એલેક્ઝાન્ડર પોઈન્ટ પહોંચી ગયા, જે ટ્રેકિંગ માટે લોકપ્રિય બીજું સ્થળ છે. આ જગ્યા માથેરાન રેલ્વે સ્ટેશનથી લગભગ 2 કિલોમીટર દૂર આવેલી છે. શાંતિથી ચાલતા ચાલતા સુંદર મનોહર દૃશ્યોનો આનંદ માણતા-માણતા અમે અહીંથી નીકળ્યા. રસ્તાની બંને બાજુ ઘટાદાર ઝાડ હતા, ગાઢ જંગલ દેખાતું હતું. જો તમે ચાલવા માટે શાંત અને એકદમ સુંદર રસ્તો શોધી રહ્યા હોવ, તો આ શ્રેષ્ઠ વિકલ્પ છે. પહેલા ક્યારેય ન જોઈ હોય તેવી પ્રદૂષણ વિનાની પ્રાકૃતિક સુંદરતાનો આનંદ માણવા માટે એલેક્ઝાન્ડર પોઈન્ટ પર જાઓ. અહીંથી નીકળીને સીધા ધોધાણી ધોધ પહોંચી ગયા રેપલિંગ કરવા માટે. અહીં એક અનોખો અનુભવ લીધો, જે જીવનભર યાદ રહેશે! એક છોકરી તો એવી હતી કે જેને રેપલિંગ કરતી જોઈને થોડી હસવું પણ આવી ગયું, પછી મારીય થોડીક તો ફાટી, પણ મેં રેપલિંગ કરવાની હિંમત કરી લીધી. પેલી છોકરી સાથે જે થયું એના પરથી શીખ લઈને મેં ઊંધું ફરીને નીચે ન જોયું અને ડર ઓછો લાગ્યો. નહીં તો પહાડ પર મોટા ખડક પરથી નીચે ઊતરવાનું ને એ પણ રસ્સીના ભરોસે! કોને ડર ન લાગે! આવું એડવેન્ચર કર્યા પછી થાક પણ લાગ્યો હતો.
શોપિંગ કર્યા વગર કંઈ પાછા અવાય!
પછી એક ડાઇનિંગ હોલમાં જઈને જમ્યા, પછી લુઈસા પોઈન્ટ, વન ટ્રી હિલ, લોર્ડ પોઈન્ટ જેવા બીજા થાય એટલા પોઈન્ટ્સ કવર કર્યા. થોડો ટાઇમ માર્કેટમાં પણ ફર્યા. એમ તો કોઈ પણ પોઈન્ટ પર જતા વચ્ચે દુકાનો આવતી જ હતી, પણ તોય ખાસ સમય કાઢીને બજારમાં ગયા, જેથી અમે અહીં મળતી લેધરની વસ્તુઓ શાંતિથી જોઈ શકીએ અને ગમે તો ખરીદી શકીએ. અહીં બેકપેક્સથી લઈને સ્લિંગ બેગ, વોલેટ, જેકેટ, કાર્ડ હોલ્ડર જેવી ઘણી લેધરની વસ્તુઓ મળી જાય છે. આ સિવાય લેધરના ફૂટવેર પણ મળે છે. અંધારું થાય ત્યાં સુધી માર્કેટમાં રખડ્યા અને એક-બે વસ્તુઓ ખરીદી પછી રસ્તામાં આવતા એક રેસ્ટોરાંમાં પાઉંભાજી ખાઈને હોટલ પાછા પહોંચ્યા.
પછી હોટલ પર જઈને પોર્ચમાં બેઠા-બેઠા થોડો સમય પસાર કર્યો, થોડી વાર UNO રમ્યા. મોડી રાત્રે ઊંઘ્યા. ત્રીજા દિવસે સવારે અજવાળું થયું એટલે ઘરે આવવા માટે નીકળી ગયા. હોટલમાંથી ચેકઆઉટ કર્યું, ચાલતા-ચાલતા દસ્તુરી નાકા ગયા અને ત્યાંથી ટેક્સી કરીને સીધા જ મુંબઈ જતા રહ્યા અને ત્યાંથી અમદાવાદ પહોંચવા માટે જે ટ્રેનમાં બુકિંગ કર્યું હતું તેની રાહ જોવા લાગ્યા. ટ્રેન આવી, અમે ટ્રેનમાં બેઠા, બધું સેટલ કર્યું.

પછી ધીમે-ધીમે બધા જ માથેરાનની જે યાદો લઈને આવ્યા હતા, તેને વાગોળતા-વાગોળતા ઊંઘી ગયા. મેં પણ મનમાં નક્કી કરી લીધું કે ફરીથી અહીં આવવું પડશે... હજુ તો ઘણું માથેરાન એક્સ્પ્લોર કરવાનું રહી ગયું છે... એક દિવસ તો એવો આવશે કે જ્યારે હું ફરી આ જગ્યાએ આવીશ, આખું અઠવાડિયું અહીં રોકાઈશ, ને રોજ સવારે ઊઠીને સનરાઈઝ જોવા જઈશ, શાંતિથી ટહેલવા નીકળીશ, બપોરે આરામ કરીશ, રૂમની બાલ્કનીમાં કે હોટલના ગાર્ડનમાં બેસીને બુક વાંચીશ, ફરી સાંજે સનસેટ જોવા જઈશ. રાત્રે તારાઓ નિહાળીશ... શહેરી જીવનની ભાગદોડ અને થકાવી દેનાર દિનચર્યાઓમાંથી છૂટકારો લેવા માટે અહીં ચોક્કસ આવીશ. માથેરાન આવવાનું જેટલું એકસાઇટમેન્ટ હતું, એટલું જ દુઃખ અહીંથી જતા સમયે થયું હતું.
આ પણ વાંચો: ચોમાસામાં ફરવા જવાનો પ્લાન બનાવો છો? ફોલો કરો આ 5 ટિપ્સ, ટ્રિપ બની જશે યાદગાર!
ભટકતી આત્માનું કહ્યું માનજો પાછા
માથેરાન ફરવા જનારાઓને એક ખાસ સલાહ એ આપવાની કે માથેરાન જાઓ ત્યારે તમારા બેગમાં સફેદ કપડાં ન ભરવા. અહીંની માટી લાલ છે અને સફેદ કપડા જો માટીવાળા થઈ ગયા તો સમજો કે વાર્તા પૂરી. સાથે જ અહીં વાંદરાઓ પણ વધારે છે એટલે સાચવીને રહેવું, જોઇએ તો હાથમાં લાકડી રાખવી. અને કોઈ પણ ખાવાની વસ્તુ હાથમાં લઈને ફરતા હોય ત્યારે તો ખાસ ધ્યાન રાખવું. હા, એક સલાહ ખાસ આપીશ કે ચોમાસામાં અહીં ફરવા આવો તો છત્રી કે રેઇનકોટ સાથે જરૂર રાખજો. ભલે વરસાદમાં ભીના થવાનો શોખ હોય, પણ ચોમાસામાં કપડાં જલ્દી સુકાતાં નથી, એટલે ભીના ન થશો તો વધારે સારું. સાથે જ બેઝિક મેડિસિન તો સાથે જ રાખવી. તાવ-ઉલટી વગેરેની દવાઓ સાથે રાખશો તો જરૂર પડ્યે કામ ચોક્કસ લાગશે. ટોર્ચ પણ સાથે જ રાખવી અને બહાર નીકળો ત્યારે જે બેગ સાથે લીધું હોય, એમાં જ રાખવી એટલે જરૂર પડ્યે કામ લાગે.
સંકળાયેલા મુદ્દાઓ
ભટકતી આત્મા is a passionate travel blogger and shares her exploration around India only on VTV Digital.
વધુ વાંચો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ભલે આજે ઉત્તરાયણ છે, પરંતુ ગુજરાતના આ નગરમાં પતંગ નહીં ચગે, ઉજવાશે આ દિવસે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.