બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / એક-બે નહીં, 40000 દર્દીઓની વ્હારે આવી ચૂક્યાં છે 'કેન્સર વોરિયર' ઉષાકાંત શાહ, કહાની એવી કે ગર્વ થશે
Last Updated: 08:15 AM, 4 February 2025
કહેવાય છે ને કે 'હિંમતે મર્દા તો મદદે ખુદા'. એટલે કે તમે જો મનથી જ નક્કી કરી લો તો દુનિયાની કોઇ પણ તાકાત તમને હરાવી ના શકે. આવી જ કહાની છે એક કેન્સર વોરિયરની. કેન્સર એટલે એક એવી બીમારી કે જેને સાંભળતા જ ભલભલાના પરસેવા છૂટી જાય. ત્યારે આજે જ એટલે કે 4 ફેબ્રુઆરીના રોજ દર વર્ષે 'વિશ્વ કેન્સર દિવસ'ની ઉજવણી થતી હોય છે. જે અંતર્ગત ઠેર-ઠેર કેન્સરની જાગૃતિ અંગેના કાર્યક્રમો થતા હોય છે. ત્યારે આજના દિવસે અહીં વાત કરીશું એવા એક વ્યક્તિની કે જે પોતે તો કેન્સર જેવી જીવલેણ બીમારીનો સામનો કરી ચૂક્યાં છે, પરંતુ બાદમાં એક એવું અભિયાન ઉપાડ્યું કે જેને જાણી તમને ગર્વ થશે.
ADVERTISEMENT
પરંતુ સૌ પ્રથમ તો કેન્સર (Cancer) એટલે શું? તે જાણવું ખૂબ જરૂરી છે. તો આપણું માનવશરીર કે જે અનેક કોષોનું બનેલું છે. આ કોષોના સપ્રમાણ વિભાજનથી તમામ અંગોનો વિકાસ થાય છે. પરંતુ કેટલીક આંતરિક સમસ્યા તેમજ બાહ્ય પરિબળોના કારણે કોષોની વૃદ્ધિ તેમજ વિભાજનની ક્રિયાનો લય તૂટી જાય છે. આથી કોષોની કાબૂ બહારની વૃદ્ધિ શરીરમાં એક ગાંઠ કે ચાંદા સ્વરૂપે દેખાય છે જેને 'કેન્સર' કહે છે.
ADVERTISEMENT
ત્યારે આવી જ ગંભીર બીમારી (Cancer) ને 59 વર્ષની ઉંમરે મ્હાત આપી બીજા અનેક દર્દીઓના જીવનમાં પ્રકાશ પાથરનાર ઉષાકાંત શાહ આજે લોકો માટે પ્રેરણારૂપ સાબિત થયા છે. ઉષાકાંત શાહ કે જેઓએ VTV સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે આખરે કઇ રીતે કેન્સર નામની ગંભીર બીમારીએ પોતાના જીવનમાં યુટર્ન લાવી દીધો. તેઓએ જણાવ્યું કે, '2003નું વર્ષ મારી માટે ખૂબ જ હતાશામય હતું. કારણ કે 2003માં હું મુંબઇમાં એક લગ્નમાં ગયો હતો અને એકાએક મારી તબિયત લથડવા લાગી. જેથી તરત ડૉક્ટર પાસે પહોંચી ગયા અને રિપોર્ટ કરાવ્યા તો રિપોર્ટમાં આવ્યું 'બ્લડ કેન્સર'. અને એમાંય પાછું લાસ્ટ સ્ટેજનું કેન્સર. એટલે પહેલા તો હું પોતે જ આ સાંભળતા જ સ્તબ્ધ થઇ ગયેલો. છતાંય હું હિંમત ના હાર્યો, અને મે હિંમત કરીને મારા ઘરના સભ્યોને આ વાત કરી. બાળકોને પણ કહી દીધું. ત્યારે પરિવારે પણ હિંમત હાર્યા વિના મને સહકાર આપ્યો અને અમદાવાદમાં જ કેન્સરની સારવાર શરૂ કરાઇ.'
વધુમાં તેમણે જણાવ્યું કે, ''કેન્સરની આ સારવાર પાછળ મારે અંદાજિત 17થી 18 લાખનો ખર્ચ પણ થઇ ગયો. મારી અડધી સારવાર તો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જ થઇ હતી. લગભગ દસેક મહિના સુધી મારી હોસ્પિટલમાં સારવાર ચાલી હતી. પરંતુ મારા પરિવારના સપોર્ટના કારણે હું આજે ભલે ડાયાલિસિસ પર છું, છતાંય હું મારું જીવન મોજથી પસાર કરું છું. કારણ કે કેન્સર એક એવી બીમારી છે કે જે પૂરેપૂરે નથી જતું રહેતું, તેનો થોડોક એવો અંશ તો શરીરમાં રહે જ છે. પરંતુ સારવારની વાત કરીએ તો મારી જ્યારે હોસ્પિટલમાં સારવાર શરૂ હતી, એ દરમ્યાન મારી પત્ની રિલેક્સ થવા હોસ્પિટલની બહાર આંટો મારવા જતી. દરમ્યાન અન્ય દર્દીઓના પરિવારજનો સાથેની વાતચીતમાં મારી પત્નીને જાણવા મળ્યું કે, કેટલાંય એવાં પરિવારો હોય છે કે જેઓને નાણાંકીય તકલીફના કારણે સારવાર કરાવવામાં મુશ્કેલી સર્જાતી. બસ આ જ વાતથી મારા જીવનનો એક નવો અધ્યાય શરૂ થઇ ગયો. એ દિવસથી મે નક્કી કરી લીધું કે હવે ગમે તે થાય, હું હિંમત નહીં હારું. આવાં અનેક નિ:સહાય પરિવારોની હું મદદ કરીશ. બસ પછી શું, અહીંથી જ જન્મ થયો 'કરુણાકેર ફાઉન્ડેશન'નો.''
આજે 40000 કેન્સર દર્દીઓના પરિવારની વ્હારે આવી લોકોના જીવનમાં અજવાળું ફેલાવવાનું કાર્ય કરી રહ્યાં છે ઉષાકાંત શાહ. જેમાં પરિવારને કાઉન્સેલિંગ દ્વારા હિંમત આપવી, જરૂરિયાતમંદ લોકોને મેડિકલ સપોર્ટ આપવો. એટલું જ નહીં, દર્દીના ઘરે પણ દેખરેખ રાખવાની ઉમદા કામગીરી પોતે તેમજ ફાઉન્ડેશનના સ્વયંસેવકો કરી રહ્યાં છે. કોવિડ મહામારી દરમ્યાન પણ તેમણે જરૂરિયાતમંદ દર્દીઓને મદદ પહોંચાડી હતી.
આવાં જ એકાદ-બે દર્દીઓ સાથે જ્યારે VTVની ટીમે વાત કરી ત્યારે સંગીતા પંચાલ નામક એક મહિલાએ જણાવ્યું કે, '2013માં હું બ્લડ કેન્સરનો શિકાર થયેલી. આથી કેન્સર નામ સાંભળતા જ મારા હોશ ઉડી ગયેલા. એક સમય એવો આવી ગયેલો કે મારે બેંકની નોકરી પણ છોડી દેવી પડેલી. આવી પરિસ્થિતિ વચ્ચે મને 'કરુણાકેર' ફાઉન્ડેશન' વિશેની માહિતી મળી. આથી હું ઉષાકાંત સરને મળી. તેમને મળતા જ મને એવો અહેસાસ થયો કે જાણે મારી તમામ તકલીફો દૂર થઇ ગઇ. મારી ઉત્તમમાં ઉત્તમ સારવાર કરી, મને તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડી. થોડા જ મહિનાની સારવાર બાદ હું સંપૂર્ણ રીતે સ્વસ્થ થઇ ગઈ અને આજે હું પોતે જ છેલ્લાં 9 વર્ષથી તેમના ફાઉન્ડેશનમાં કામ કરી રહી છું."
વધુમાં ઉષાકાંત શાહે જ એક બહેન વિશે વાત કરતાં જણાવ્યું કે, ''એક એવાં પણ બહેન છે કે જેમને બ્રેસ્ટ કેન્સર છે. તેમની સારવારનો સંપૂર્ણ ખર્ચ અમારી સંસ્થા જ ભોગવી રહી છે. તેમની દવાથી લઈને ખોરાક સુધીની સંપૂર્ણ સુવિધા સંસ્થા પૂરી પાડી રહી છે. એટલું જ નહીં, અમારા સ્વયંસેવકો તેમના ઘરે જઇને તેમની દેખરેખ રાખી રહ્યાં છે.''
ત્યારે એક સમયે ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો મોટા પાયે ધંધો કરનારા ઉષાકાંત શાહે આજે પોતાનું સંપૂર્ણ જીવન કેન્સર પીડિત દર્દીઓની સેવામાં સમર્પિત કરી દીધું છે. કારણ કે તેમના કહેવા અનુસાર, ડૉક્ટરોએ તો તેમને 5 વર્ષનું જ આયુષ્ય કહ્યું હતું, પરંતુ જીવનના વધુ વર્ષ પસાર કરી દેતા તેઓ આજે હર્ષોલ્લાસ સાથે પોતાનું જીવન લોકોની સેવામાં પસાર કરી રહ્યાં છે. જે ખરેખર લોકો માટે પ્રેરણાદાયક છે. ત્યારે આજની આ 21મી સદીમાં જે લોકો કેન્સર જેવી જીવલેણ બીમારીથી હારીને હતાશ થઇને આત્મહત્યા કરવાનું પગલું ભરતા હોય છે તે તમામ લોકોએ આ પ્રેરણાદાયક કહાની પરથી એક બાબત ખાસ શીખવાની જરૂર છે કે જો માણસ ધારે તો શું ન કરી શકે? માણસ ધારે તો ગમે તેવી નિષ્ફળતામાંથી પણ ઉભો થઇ શકે છે. ત્યારે લોકોના જીવનમાં પ્રકાશ પાથરનાર, જીવનથી હતાશ થઇ ગયેલા દર્દીઓને નવી દિશા આપનાર 'કેન્સર વોરિયર' ઉષાકાંત શાહને VTVના સલામ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.