બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / VTV વિશેષ / અન્ય જિલ્લા / અહીં પારણું બાંધો, તો તમારા ઘરે પણ બંધાય પારણું, ગુજરાતની ચમત્કારિક જગ્યા, જ્યાં વગર ચોમાસે વહે છે ઝરણું
Last Updated: 09:07 AM, 19 June 2026
જંગલ ક્યારેક માત્ર વૃક્ષોનો સમૂહ નથી હોતો. તેની નિરવતા પોતાની અંદર એવી અસંખ્ય કથાઓ સાચવી રાખે છે, જે સમયના દરેક પડાવ સાથે વધુ ગાઢ બનતી જાય છે. મહીસાગરના ખાનપુર તાલુકાના જંગલમાં પણ એક એવી જ કથા વર્ષોથી શ્વાસ લઈ રહી છે. આ કથા છે ઝરમેઈ માતાના પવિત્ર ધામની—એક એવું સ્થાન, જ્યાં આસ્થા, રહસ્ય અને લોકવાયિકાઓ એકબીજાનો હાથ પકડીને આજે પણ જીવંત છે.
ADVERTISEMENT
જંગલના રસ્તે આગળ વધતા જ વાતાવરણ ધીમે-ધીમે બદલાતું જાય છે. પવનમાં અજાણી શાંતિ ભળી જાય છે અને વૃક્ષોની વચ્ચેથી પસાર થતો રસ્તો જાણે કોઈ પ્રાચીન રહસ્ય તરફ લઈ જઈ રહ્યો હોય એવું અનુભવાય છે.
મંદિરના પરિસરમાં પ્રવેશતાં જ નજર સૌપ્રથમ વૃક્ષોની ડાળીઓ પર બંધાયેલા નાનકડા પારણાં પર અટકી જાય છે. ક્યાંક સફેદ, ક્યાંક રંગીન... દરેક પારણું કોઈ અધૂરી પ્રાર્થનાની શરૂઆત છે અથવા પૂર્ણ થયેલી મનોકામનાનો આભાર. વર્ષોથી લોકોમાં એવી શ્રદ્ધા જીવંત છે કે અહીં પારણું બાંધવાથી માતાના આશીર્વાદથી વંશવેલો આગળ વધે છે અને ખાલી ખોળો પણ ભરાઈ જાય છે. એટલા માટે જ અનેક શ્રદ્ધાળુઓએ માત્ર વૃક્ષો પર જ નહીં, પરંતુ જમીન પર પણ પારણાં બાંધી રાખ્યાં છે.
ADVERTISEMENT
આ ધામ સાથે જોડાયેલી સૌથી પ્રચલિત માન્યતા સતત વહેતા ઝરણાની છે
લોકો કહે છે કે કલેશ્વરી માતાએ આપેલા વચન મુજબ આજે પણ અહીં પાણીનું ઝરણું અવિરત વહે છે. એવી શ્રદ્ધા છે કે આ પાણી કલેશ્વરી માતાના ધામમાંથી અહીં સુધી પહોંચે છે. ભક્તો આ પાણીનું આચમન કરે છે અને તેને માતાના આશીર્વાદરૂપ દિવ્ય ચરણામૃત માને છે.
ADVERTISEMENT
સ્થાનિક માન્યતાઓ અનુસાર કલેશ્વરી માતા અને ઝરમેઈ માતા એક જ આત્માના બે રૂપ અથવા સહયોગી દેવીઓ તરીકે પૂજાય છે. બંને વચ્ચેનો સંબંધ માત્ર દંતકથાઓમાં જ નહીં, પરંતુ લોકોની શ્રદ્ધામાં પણ ઊંડે સુધી વણાયેલો છે. નિઃસંતાન દંપત્તિઓ માને છે કે કલેશ્વરી માતાના આશીર્વાદથી જ આ ઝરણું ઝરમેઈ માતાના ધામ સુધી પહોંચે છે. ઘણા લોકો માટે આ પાણી કલેશ્વરી માતાના અશ્રુઓનું પ્રતીક છે, તો ઘણા માટે તે તેમના વરદાનનું સ્વરૂપ છે.
મંદિરની બાજુમાં જ એક એવું વૃક્ષ ઊભું છે, જે પોતે પણ ઇતિહાસનો સાક્ષી છે
ADVERTISEMENT
'અર્જૂન સાદડ' તરીકે ઓળખાતું આ વિશાળ વૃક્ષ પાંચસો પચાસ વર્ષથી પણ વધુ જૂનું છે અને તેને હેરિટેજ વૃક્ષનો દરજ્જો મળેલો છે. આસપાસ અનેક વૃક્ષો હોવા છતાં તેની વિશાળતા તેને અલગ ઓળખ આપે છે. તેનું થડ એટલું પહોળું છે કે કોઈ વ્યક્તિ બંને હાથ ફેલાવીને પણ તેને સંપૂર્ણ રીતે પકડી શકતો નથી. વર્ષોથી અહીં આવતા લોકો આ પ્રયત્ન જરૂર કરે છે, પરંતુ દરેક વખતે વૃક્ષની વિશાળતા સામે પોતાનું નાનાપણું અનુભવે છે.
જંગલની શાંતિ વચ્ચે સૌથી વધુ આશ્ચર્ય પમાડે છે મંદિર પાસે આવેલું કુદરતી ઝરણું
ADVERTISEMENT
ગૌમુખમાંથી નીકળતી પાણીની ધાર ઋતુ બદલાય છતાં અટકતી નથી. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું—આ ઝરણું ચોવીસ કલાક અવિરત વહેતું રહે છે. દુષ્કાળ પણ તેને ક્યારેય સુકવી શક્યો નથી. આ પાણીને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. કેટલાક લોકો તો એવું પણ કહે છે કે પાણીમાં ક્યારેક અજાણી ચમક અથવા સોનેરી કણો જોવા મળે છે.
આ પણ વાંચો- તમારી ઇસ્ત્રી એકદમ કાળી થઇ ગઇ છે? તો રસોડાની 3 વસ્તુઓની મદદ ડાઘ ગાયબ થઈ જશે
ADVERTISEMENT
વર્ષોથી અહીં દર્શન કરવા આવતા એક શ્રદ્ધાળુ કહે છે,
"હું જ્યારથી જાણું છું ત્યારથી ઝરમાઈ માતાના દર્શને આવું છું. એવી દંતકથા છે કે ઝરમાઈ માતાને કોઈ સંતાન ન હોવાથી તેઓ કલેશ્વરી માતા પાસે એક સંતાન માંગવા ગયાં. કલેશ્વરી માતાએ સંતાન તો ન આપ્યું, પરંતુ એવા આશીર્વાદ આપ્યાં કે ચોવીસ કલાક એક ઝરણું વહેતું રહેશે, જ્યાં દર્શન કરીને ચરણામૃત લેવાથી શ્રદ્ધાળુઓને માતાના આશીર્વાદ પ્રાપ્ત થશે. આજે પણ આશીર્વાદરૂપ આ પાણીનું ઝરણું સતત વહી રહ્યું છે."
આ ઝરણાં સાથે બીજી એક ગાઢ શ્રદ્ધા પણ જોડાયેલી છે.
લોકો માને છે કે જે દંપતી અહીં ઘોડિયું બાંધે છે અને આ પવિત્ર પાણીથી તેને ધોવે છે, તેમને એક વર્ષની અંદર સંતાનપ્રાપ્તિ થાય છે. એવી પણ માન્યતા છે કે માતાએ વચન આપ્યું છે—જ્યાં સુધી લોકો સંતાન માટે આશા રાખશે, ત્યાં સુધી આ પાણી ક્યારેય બંધ નહીં થાય. કદાચ એટલા માટે જ આ ઝરણું આજે પણ સતત વહેતું રહે છે.
મંદિરે આવેલી અન્ય એક મહિલાએ પોતાની શ્રદ્ધા વ્યક્ત કરતાં કહ્યું,
"જે સ્ત્રીઓને સંતાન ન થતું હોય તેઓ ઝરમાઈ માતાની માનતા માને છે અને સંતાન થયા પછી અહીં મંદિરે પારણું બાંધવા આવે છે."
પરંતુ દરેક રહસ્યની બીજી બાજુ પણ હોય છે.
કેટલાક લોકો આ ઘટનાને વૈજ્ઞાનિક રીતે સમજાવવાનો પ્રયાસ કરે છે. તેમનું માનવું છે કે ડુંગરો પર પડતું વરસાદી પાણી ખડકોમાં શોષાઈ જાય છે અને અંદર જ સંગ્રહિત રહે છે. ત્યારબાદ ઢોળાવવાળા વિસ્તારમાંથી તે પાણી બહાર નીકળે છે. ગૌમુખ પણ આવા જ ઢોળાવના નીચેના ભાગે આવેલું હોવાથી ખડકોમાં સંગ્રહાયેલું પાણી અહીં સતત બહાર આવતું રહે છે અને દર ચોમાસે ફરી વરસાદથી રિચાર્જ થતું હશે.
જોકે આજ સુધી આ બાબતે કોઈ સત્તાવાર સંશોધન સામે આવ્યું નથી. એટલે આ માત્ર એક વૈજ્ઞાનિક અનુમાન છે, નિષ્કર્ષ નહીં.
રહસ્યને વધુ ગાઢ બનાવતી એક વાત એ પણ છે કે જ્યાંથી આ પાણીની ધારા સતત વહે છે, તેની ઉપરનો વિસ્તાર સંપૂર્ણ વેરાન દેખાય છે. જમીન ઉપર વૃક્ષો પાણીના અભાવે સુકાઈ ગયેલા જોવા મળે છે, છતાં એ જ જમીનની અંદરથી એક એવો અવિરત જળપ્રવાહ આજે પણ ઝરમેઈ માતાના ધામ સુધી પહોંચી રહ્યો છે.
કદાચ આ જ કારણ છે કે ઝરમેઈ માતાનું આ ધામ માત્ર એક મંદિર બનીને નથી રહ્યું.
કોઈ માટે તે શ્રદ્ધાનું કેન્દ્ર છે, કોઈ માટે લોકવાયિકાઓનો જીવંત ઇતિહાસ, કોઈ માટે કુદરતનું અણઉકેલ રહસ્ય અને કોઈ માટે આશાનું અંતિમ દ્વાર.
જંગલ આજે પણ એટલો જ શાંત છે...
પણ તેની શાંતિની અંદર એક ઝરણું સતત વહી રહ્યું છે—શ્રદ્ધા અને રહસ્યને સાથે લઈને.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.