ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / "હજારો લોકોની હાજરી અનુભવાઈ પણ, આજુબાજુમાં કોઈ નહોતું" અમદાવાદના પેરાનોર્મલ એક્સપર્ટને થયો દિલ થડકાવી દેતો અનુભવ

ભય / "હજારો લોકોની હાજરી અનુભવાઈ પણ, આજુબાજુમાં કોઈ નહોતું" અમદાવાદના પેરાનોર્મલ એક્સપર્ટને થયો દિલ થડકાવી દેતો અનુભવ

Published By: Nidhi Panchal

Last Updated: 10:25 AM, 25 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

"અમે સવારે ત્યાં ગયા તો બધું જ નોર્મલ હતું. રાત્રે તપાસ કરવા ગયા, તો અંદર જવાની હિંમત જ ન થઈ. એવું લાગ્યું કે હજારો લોકો અમારી આસપાસ છે, પણ કોઈ જ દેખાતું નહોતું. બહુ જ વિચિત્ર અનુભવ હતો. શું થયું એ ખબર જ ન પડી." અમદાવાદના પેરાનોર્મલ ઈન્વેસ્ટિગેટર કુણાલ મહાવરની ટીમને અમદાવાદમાં જ આ અનુભવ થયો

ADVERTISEMENT

રાત્રે લગભગ 11 વાગ્યાનો સમય. વાહનોનો અવાજ ધીરે ધીરે શાંત થઈ રહ્યો છે. પ્લેનના ઉતરવાની-ચડવાની ઘરઘરાટી કહી રહી છે કે એરપોર્ટ નજીક છે. આસપાસ બહુ ઓછી વસ્તી છે, અને બે યુવાનો તેમની ટીમ સાથે એક અવાવરું મિલના કમ્પાઉન્ડમાં ઉભા છે. અજવાળાના નામે ચંદ્રના પ્રકાશ અને તેમની પાસે રહેલી મોબાઈલની ટોર્ચ સિવાય કશું જ નથી. અચાનક જ આ બંને યુવાનોને લાગે છે કે કોઈ તેમને જોઈ રહ્યું છે. એક કે બે નહીં હજારો આંખો તેમની તરફ તકાયેલી છે. અડધી રાતના અંધકારમાં તેમનું દિલ થોડું થડકે છે. કારણ કે, આસપાસ આ બંને મિત્રો અને તેમની ટીમ સિવાય કોઈ નથી. હજી તો સવારે અજવાળામાં આવ્યા ત્યારે આ જગ્યા સાવ નોર્મલ હતી. પરંતુ રાત્રે કંઈક અજુગતું લાગી રહ્યું છે. શું છે, એનો જવાબ શોધવા આવેલા આ બંને યુવાનો માટે વાતાવરણ ભારે અને અસ્વસ્થ કરનારું હતું. આખરે ટીમની સેફ્ટી માટે તેમણે અંદર તપાસ કરવાનો નિર્ણય મુલતવી રાખ્યો.

farm

ઘણા વર્ષોથી પેરાનોર્મલ ઈન્વેસ્ટીગેટર

કુણાલ મહાવર, છેલ્લા ઘણા વર્ષોથી પેરાનોર્મલ ઈન્વેસ્ટીગેટર તરીકે કામ કરે છે. તેમનું કહેવું છે કે નરોડા વિસ્તારમાં આવેલી આ મિલમાં થયેલો અનુભવ તેમની કરિયરમાં આવો પહેલો એક્સપીરિયન્સ હતો, જ્યાંથી પાછા આવવું પડ્યું હોય. કુણાલ મહાવર અને વિનીત વર્મા બંને મિત્રો મળીને પેરાનોર્મલ ઈન્વેસ્ટિગેટર તરીકે કામ કરે છે. આ બંને યુવાનો માત્ર વીડિયો બનાવવા માટે આ કામ નથી કરતા, પરંતુ લોકોમાં અવેરનેસ આવે તે માટે કરે છે. તેમનો મૂળ હેતું જે જગ્યાઓ પર ખોટી રીતે હોરર પ્લેસિસના ટેગ લાગ્યા છે, તે દૂર કરવાનો છે. એટલે જ વીડિયો બનાવતા પહેલા તેઓ જે તે જગ્યાએ જઈને પૂરતી તપાસ કરે છે. પછી જ વીડિયો બનાવીને પોતાનું મંતવ્ય કહે છે.

paranormal-activit

પહેલું નામ આવશે સિગ્નેચર ફાર્મ

જેમ કે, અમદાવાદના હોરર પ્લેસિસ તમે ગૂગલ પર સર્ચ કરશો, તો પહેલું નામ આવશે સિગ્નેચર ફાર્મનું. વિનિત અને કુણાલે પણ અહીં તપાસ કરી છે, રિસર્ચ કર્યું છે. ગૂગલ પર ઉપલબ્ધ હોરર ટેગ અને લોકોમાં ચર્ચાતી હોરર ઘટનાઓની સચ્ચાઈ શોધવા આ બંને મિત્રો પોતાની ટીમ અને પોતાના અત્યાધુનિક સાધનો સાથે વારંવાર સિગ્નેચર ફાર્મ ગયા છે. દિવસ અને રાતે બંને સમયે ગયા છે. પરંતુ તેમના કહેવા પ્રમાણે અહીં કોઈ પણ પેરાનોર્મલ એક્ટિવિટી જોવા નથી મળી. હા, અવાવરું જગ્યા છે, ખંડેર જેવું સ્ટ્રક્ચર છે, થોડો જંગલ જેવો માહોલ છે, એટલે આપોઆપ ડરી જવાય એવી પરિસ્થિતિ સર્જાય છે. પરંતુ ઘણા લોકો અહીં ફરવા આવે છે. કુણાલ અને વિનિતની ટીમને અહીં કોઈ એવો એક્સપીરિયન્સ નથી થયો, જેથી સિગ્નેચર ફાર્મને હોરર કહી શકાય.

કુણાલનું શું કહેવું છે

કુણાલનું કહેવું છે કે,"કોઈપણ સ્થળને હોરર કે હોન્ટેડ જાહેર કરતા પહેલા તેઓ તેની લાંબા સમય સુધી તપાસ કરે છે. તેઓ દિવસ અને રાત્રિ બંને સમયે સ્થળની મુલાકાત લે છે અને ત્યાંના વાતાવરણને નજીકથી સમજવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ જ તેઓ પોતાના વીડિયો તૈયાર કરે છે. તેમણે જણાવ્યું કે જ્યારે તેઓએ પ્રથમ વખત સિગ્નેચર ફાર્મ વિશે ઓનલાઈન સર્ચ કર્યું ત્યારે લગભગ દરેક જગ્યાએ આ સ્થળનું નામ હોરર લોકેશન તરીકે જોવા મળ્યું હતું. આ કારણે તેમણે પોતાની પ્રથમ તપાસ માટે સિગ્નેચર ફાર્મની પસંદગી કરી."
signature-farm-2

દરેક સ્થળનો માહોલ અલગ હોય

સાથે જ બંને મિત્રોનું કહેવું છે કે,"દરેક સ્થળનો માહોલ અલગ હોય છે. કેટલાક સ્થળોએ પહોંચ્યા બાદ એક અલગ પ્રકારની લાગણી અનુભવાય છે." કુણાલે પોતાના એક અનુભવ વિશે વાત કરતા જણાવ્યું કે,"એક વખત તેઓ આબુ રોડ નજીકના એવા રસ્તાઓ પર ગયા હતા જ્યાં સાંજ પછી સામાન્ય રીતે લોકો જવાનું ટાળે છે. મધરાતના સમયે જ્યારે આસપાસ કોઈ નહોતું ત્યારે તેમને એવું લાગ્યું કે જાણે કોઈ તેમની સાથે ચાલી રહ્યું હોય. જોકે આ અનુભવને તેઓ સીધો પેરાનોર્મલ કહી શકતા નથી. પેરાનોર્મલ તપાસ દરમિયાન ટીમ EMF મીટર જેવા સાધનોનો ઉપયોગ કરે છે. જો કોઈ વિસ્તારમાં અસામાન્ય ઊર્જા જોવા મળે અથવા લાઇટમાં અસામાન્ય ફેરફાર થાય તો તેની નોંધ લેવામાં આવે છે. જોકે આવા રીડિંગ્સનો અર્થ હંમેશા પેરાનોર્મલ પ્રવૃત્તિ જ હોય એવું જરૂરી નથી.

આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટ પર મોટી બેદરકારી ! બે વિમાન સામસામે આવતા ટળી દુર્ઘટના

સૌથી સક્રિય પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેશન ટીમોમાંની એક ગણાય

હાલ તેમની ટીમ અમદાવાદની સૌથી સક્રિય પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેશન ટીમોમાંની એક ગણાય છે. આગામી સમયમાં તેઓ રાજસ્થાનના પ્રખ્યાત કુલધારા ગામ સહિત અન્ય અનેક ચર્ચિત હોરર લોકેશનોની મુલાકાત લેવાની યોજના બનાવી રહ્યા છે. તેમનું માનવું છે કે દરેક રહસ્ય પાછળ કોઈને કોઈ તર્કસંગત કારણ હોય છે અને સત્ય શોધવા માટે માત્ર ડર નહીં પરંતુ સંશોધન અને સમજણ પણ જરૂરી છે. તેમની તપાસ એક જ વાત કહે છે કે ઈન્ટરનેટ પર દેખાતી દરેક વાત હકીકત હોતી નથી. કેટલીકવાર રહસ્ય કરતાં લોકોની કલ્પનાઓ વધુ મોટી હોય છે, અને કદાચ સિગ્નેચર ફાર્મનું સત્ય પણ કંઈક આવું જ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Haunted Place Paranormal Investigation Signature Farm

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ