બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / 5 વર્ષે ગાયેલું ગીત થયું વાઈરલ, 12 વર્ષે લખ્યા 5 પુસ્તકો, કચ્છી બાળકીએ પોતાની ટેલેન્ટથી કરી કમાલ
Vishal Dave
Last Updated: 10:19 AM, 27 January 2025
14 ઓગસ્ટ 2015નો દિવસ, અંજારનો એક જાણીતો મ્યુઝિક સ્ટુડિયો, જ્યાં સ્વાતંત્ર્ય પર્વની તૈયારીઓ ચાલી રહી હતી. ભારતના રાષ્ટ્રગીત 'જણ ગન મન'નું રેકોર્ડિંગ ચાલી રહ્યુ હતું. કોરસમાં સિંગર્સની ટીમ આ ગીતનું રિહર્સલ કરી રહી હતી અને ત્યારે સ્ટુડિયોના એક ખૂણામાં પાંચેક વર્ષની એક સુંદર નાનકડી બાળકી તેની નિર્દોષ આંખોથી આ બધુ જોઇ રહી હતી, જે કંઇ થઇ રહ્યું હતું તેને સમજવા પ્રયાસ કરી રહી હતી. તેના ચહેરા પરથી ખ્યાલ આવી જતો હતો કે તે ખૂબ જ ઉત્સાહિત હતી, સિંગર્સની સાથે-સાથે તે પોતાની કાલીઘેલી ભાષામાં આ રાષ્ટ્રગીત ગણગણી રહી હતી.
ADVERTISEMENT
કેમેરામેને આ દ્રશ્યોને પોતાના કેમેરામાં કેદ કરી લીધા.ગીતનું રેકોર્ડિંગ અને એડિટિંગ પૂરુ થયા પછી આ ગીતને યૂ-ટ્યૂબ પર મુકવામાં આવ્યું, અને સૌના આશ્ચર્ય વચ્ચે આ ગીતમાં જે પણ કોમેન્ટ્સ આવી તેમાં મોટાભાગના લોકોએ તે નાનકડી બાળકી વિશે જાણવા ખૂબ જ ઉત્સુકતા દર્શાવી. સૌનું કહેવું હતું કે આ બાળકીના ચહેરા પર જબરજસ્ત તેજ છે. જો કે કોઇને એ વાતનો અંદાજ સરખો પણ નહોતો કે આ બાળકી આગળ જઇને એટલી સિદ્ધિઓ મેળવશે કે એવોર્ડ્સનો અંબાર ખડકી દેશે અને ભારતની ધરતીની દિવ્ય સનાતન સંસ્કૃતિનું ગૌરવ બનશે.
ADVERTISEMENT
સંસ્કૃતિથી વિમુખ થઇ રહેલી આજની પેઢી
આજકાલના બાળકોમાં કેટલીક વાતો સાવ કોમન છે, જેમ કે મોટા ભાગના બાળકો મોબાઈલમાં વ્યસ્ત રહે છે, નાની નાની વાતોએ ચીડાઈ જાય છે. આવી અનેક બાબતો નવી પેઢીમાં જોવા મળે છે. કેટલાક કિસ્સાઓમાં તો એવું લાગે કે શું આ ખરેખર આ જ સનાતન સંસ્કૃતિ ધરાવતા ભારતની નવી પેઢી છે? જના સમયમાં કેટલા બાળકો એવા હશે જેમના જીવનમાં સનાતન ધર્મના સંસ્કારો ઉતારવામાં આવ્યા હોય? કેટલા બાળકો એવા હશે જેમણે ભગવદ્ ગીતાનો એક અધ્યાય પણ ક્યારેય વાંચ્યો હોય કે પછી કેટલા બાળકો એવા હશે જેમની અંદર રાષ્ટ્રભક્તિ અને દેશ પ્રત્યેની જવાબદારીના ગુણો નાનપણથી જ વિકસાવવામાં આવ્યા હોય?
પણ આગળ અમે જે બાળકીની વાત કરી, તેને વિશે જાણીને તમને લાગશે કે આ બાળક દિવ્ય છે, તેણે સનાતન સંસ્કૃતિની દિવ્યતાને પોતાની અંદર ઉતારી છે, જેણે ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણના મોઢેથી કહેવાયેલા શબ્દોને અર્જુનની જેમ ગ્રહણ કર્યા છે. અને જે પોતાની કળાથી વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિ, ભારતીય પરંપરાઓ અને ભારતની ગૌરવ ગાથાઓની સુવાસ વિશ્વભરમાં ફેલાવી રહી છે. તેની અંદર પ્રભુ ભક્તિ અને રાષ્ટ્રભક્તિનો સમન્વય છે. આ નામ છે વાચા ઠક્કર.
વાચાની સિંગર તરીકેની સફરની શરૂઆત
વાચાના પિતા ડૉ. કૃપેશ ઠક્કર ભગવદ ગીતાના ઉપાસક, સનાતન સંસ્કૃતિના પ્રચારક હોવા ઉપરાંત મ્યુઝિક કમ્પોઝર, મ્યુઝિક ડિરેક્ટર અને ગીતકાર પણ છે. 14 ઓગસ્ટ 2015ની એ ઘટના બાદ કૃપેશભાઇ પાંચ વર્ષની વાચાને નિયમિત સિંગિગની પ્રેક્ટિસ કરાવવા લાગ્યા. વાચા જ્યાં ભૂલ કરે ત્યાં તેના પિતા તેના ઉચ્ચારણને સ્પષ્ટ કરાવતા ગયા. આ ક્રમ લગભગ 2 વર્ષ સુધી ચાલ્યો. બે વર્ષની સખત તાલીમ અને પ્રેક્ટિસ પછી 10 ઓગસ્ટ 2017ના રોજ વાચાના સોલો અવાજમાં રાષ્ટ્રગીત યુ-ટયૂબ પર મુકવામાં આવ્યું અને આ ગીતને યુ-ટ્યૂબ પર મિલિયન્સમાં વ્યૂઝ મળ્યા. આ લખાય છે ત્યાં સુધીમાં આ ગીતને યુ-ટ્યૂબ પર 14 મિલિયન એટલે કે 1 કરોડ 40 લાખ જેટલા વ્યૂઝ મળી ચૂક્યા છે. આ આંકડો જ બતાવે છે કે લોકોએ વાચાના અવાજમાં આ રાષ્ટ્રગીતને કેટલું પસંદ કર્યુ છે.
વાચાના અવાજમાં ગવાયેલું સોંગ પ્રથમ નંબરે
જીઓ સાવને તેના આલબમ બોલીવૂડ ડિકેડ 2020sમાં 2011 થી 2020 સુધીના જે 20 ગીતો સિલેક્ટ કર્યા, તેમાં વાચાના અવાજમાં ગવાયેલું 'જણ ગણ મન' પ્રથમ નંબરે છે, બીજા નંબરે 'દેશ મેરા રંગીલા' અને ત્રીજા નંબરે 'નમો નમો જી શંકરા' સોંગ છે. વાચાના ત્યારબાદ એક પછી એક આલ્બમ રીલીઝ થવા લાગ્યા. 2019ની 14 ફેબ્રુઆરીએ પુલવામા અટેક થયો જેના પર વાચાના અવાજમાં 'હે નમન શહીદો કો' ગીત તૈયાર થયું જેનું શૂટિંગ કચ્છના ભુજીયા ડુંગર પર થયું હતું. યુ-ટ્યુબ પર આ ગીતને પણ 1 મિલિયન વ્યૂઝ મળ્યા.
વાચાને આ ગીત માટે અનેક એવોર્ડ પણ મળ્યા. 2019માં રામનવમી પર અવધી ભાષામાં તેનું 'મંગલ ભવન અમંગલ હારી' ગીત યુ-ટ્યૂબ પર લોંચ થયું, જેને 20 લાખથી વધુ વ્યૂઝ મળ્યા. 2020માં રજુ થયેલા ઓમ નમઃ શિવાય ગીતને પણ 10 લાખ વ્યૂઝ મળ્યા. તે જ વર્ષે એપ્રિલ માસમાં વાચાના અવાજમાં સ્વામીનારાયણ ધૂન લોંચ થઇ જે એટલી લોકપ્રિય થઇ કે કેનેડા અને યૂએસના સ્વામિનારાયણ મંદિરના ઇન્સ્ટા એકાઉન્ટમાં તેની રીલ્સ જોવા મળે છે. અત્યાર સુધીમાં તેના અનેક ગીતો અને આલબમ રજુ થઇ ચૂક્યા છે. પપ્પા મારા સુપરમેન, ઢીંગલી, ડિવોશનલ હિટ્સ ઓફ વાચા ઠક્કર વગેરેએ વાચાને નાની ઉંમરે લોકપ્રિય બનાવી દીધી છે.
મુખ્યમંત્રી તરફથી પ્રશસ્તિ પત્ર
નાનકડી વાચાની 5 વર્ષની ઉંમરથી શરૂ થયેલી કરિયર માત્ર સિંગિંગ પૂરતી મર્યાદિત નથી તેની કળાઓનો વ્યાપ ઉત્તરોત્તર વિકસતો રહ્યો છે. તે એક સારી લેખિકા પણ છે. વાચાએ અત્યાર સુધીમાં 10 જેટલા પુસ્તકો લખ્યા છે. તેણે લખેલી સનાતન વર્ડ સર્ચ બૂકને અતુલ્ય વારસો એવોર્ડ, બાળ શિરોમણી એવોર્ડ અને બાળ સરસ્વતી એવોર્ડ મળ્યો છે. ગીતા વર્ડ સર્ચ નામની તેણે લખેલી બુક માટે તેણે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા પ્રશસ્તિ પત્ર મેળવ્યું છે.
યંગેસ્ટ મલ્ટી લિંગ્વલ ઓથર (ફિમેલ)નો વર્લ્ડ રેકોર્ડ
વાચાએ સનાતન વર્ડ સર્ચ અંગ્રેજીમાં, ગીતા વર્ડ સર્ચ સંસ્કૃતમાં, કચ્છી કિલકિલાટ કચ્છી ભાષામાં, સનાતન સંસ્કાર સિંચન ગુજરાતીમાં અને સનાતન શબ્દ શોધ હિન્દીમાં એમ પાંચ અલગ-અલગ ભાષાઓમાં બુક લખી છે જે માટે તેણે ગ્લોબલ બુક્સ ઓફ રેકોર્ડઝ તરફથી યંગેસ્ટ મલ્ટી લિંગ્વલ ઓથર (ફિમેલ)નો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે.
વાચાના અવાજમાં સંસ્કૃત ભાષામાં ભગવદ ગીતાનું ભક્તિ યોગનું આલ્બમ આ નાનકડી દીકરીની પ્રતિભાને ઉજાગર કરે છે. સંગીતક્ષેત્રે ત હાલ વાચા મ્યુઝિક કંપોઝિંગમાં કાઠું કાઢી રહી છે. આવનારી ફિલ્મ મેં ભી અર્જુન-પર્વમાં તે મ્યુઝિક કમ્પોઝર છે.
આજના સમયમાં જ્યારે અનેક બાળકો મોબાઇલ પર રીલ્સ જોવામાં અને ગેમ રમવામાં જ પોતાનો સમય વ્યતીત કરી રહ્યા છે, ત્યારે વાચા એક-પછી એક ક્ષેત્રોમાં આગળ વધીને, સનાતન સંસ્કૃતિના મૂલ્યોનું જતન કરવાની સાથે માનવજીવનના ઉચ્ચત્તમ સ્તર તરફ આગળ વધી રહી છે.
આ પણ વાંચોઃ ગીત,ગીતા અને ગિટાર / ગીતા પરની આસ્થાએ જન્મજાત ખામી ધરાવતા પર્વને દોડતો કર્યો, હવે ગિટાર સાથે ગીતાનો ગૂંજારવ કરાવે છે માત્ર 7 વર્ષનો પર્વ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.