બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સંસદમાં ફરી હોબાળો: લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત, રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર
Last Updated: 12:55 PM, 21 July 2026
Parilament Monsoon Session : સંસદના ચોમાસુ સત્રના બીજા દિવસે પણ વિપક્ષના હોબાળાને કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી ખોરવાઈ ગઈ છે. NEET પેપર લીક સહિતના મુદ્દે વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર કરી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. હોબાળા વચ્ચે લોકસભાની કાર્યવાહી પહેલા બપોરે 12 વાગ્યા સુધી અને ત્યારબાદ ફરી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. રાજ્યસભામાં પણ વિપક્ષના હોબાળા બાદ કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી.
ADVERTISEMENT
સંસદમાં ચાલી રહેલા હોબાળા વચ્ચે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે આ દેશના વિદ્યાર્થીઓ અને યુવાનોના ભવિષ્યનો સવાલ છે. ગઈકાલે બનેલી ઘટનાને લઈને વડાપ્રધાને હજુ સુધી માફી માંગી નથી. રાહુલ ગાંધીએ કહ્યું, "PM ચૂપ કેમ છે? તેમણે માફી માંગવી જોઈએ."
ADVERTISEMENT
કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે વિપક્ષની માગ છે કે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે અને દેશની શિક્ષણ તથા પરીક્ષા વ્યવસ્થા અંગે સંસદમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવે. તેમણે આરોપ લગાવ્યો કે દિલ્હી પોલીસે યુવાનોનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે સિવિલ ડ્રેસમાં કોઈને લાઠીચાર્જ કરવાની મંજૂરી આપી શકાય નહીં. જો રસ્તા પર આ પ્રકારનો વિરોધ થઈ રહ્યો હોય તો સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવવો જરૂરી છે.
ADVERTISEMENT
કોંગ્રેસ સાંસદ કે.સી. વેણુગોપાલે લોકસભામાં દેશની રાષ્ટ્રીય પરીક્ષા વ્યવસ્થામાં ચાલી રહેલા ગંભીર સંકટ અંગે ચર્ચા કરવા માટે સ્થગન પ્રસ્તાવની નોટિસ આપી છે. બીજી તરફ, કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ નવા પક્ષપલટા વિરોધી કાયદાની જરૂરિયાત અંગે ચર્ચા કરવા માટે સ્થગન પ્રસ્તાવની નોટિસ આપી છે.
ADVERTISEMENT
ચોમાસુ સત્ર શરૂ થાય તે પહેલાં NDAની બેઠક યોજાઈ હતી. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ NEET પેપર લીક મુદ્દે કહ્યું હતું કે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને દોષિતોને સજા મળશે. PM મોદીએ કહ્યું કે આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ અને વિદ્યાર્થીઓનું હિત સરકાર માટે સર્વોપરી છે. ખેડૂતોના મુદ્દે પણ વડાપ્રધાને કહ્યું કે કોઈપણ ટ્રેડ ડીલથી ખેડૂતોના હિતને નુકસાન થવા દેવામાં આવશે નહીં. સરકાર ખેડૂતોના હિતોનું સંપૂર્ણ ધ્યાન રાખશે.
ADVERTISEMENT
NEET પેપર લીક પર PM મોદીનું મોટું નિવેદન
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 21, 2026
PM મોદીએ NEET પેપર લીકને 'ઘોર પાપ' ગણાવ્યું, PM મોદીએ કહ્યું, જવાબદાર
લોકો સામે સરકારે તાત્કાલિક કાર્યવાહી કરી અને કોઈને છોડવામાં આવ્યા નથી
પેપર લીક બાદ ફરી પરીક્ષા યોજી વિદ્યાર્થીઓના હિતનું રક્ષણ કરવામાં આવ્યું
ભવિષ્યમાં આવી ઘટનાઓ… pic.twitter.com/WghZUTLPHb
ADVERTISEMENT
ચોમાસુ સત્રના પહેલા દિવસે પણ NEET પેપર લીક, રામ મંદિરના ચઢાવાની ચોરી સહિતના મુદ્દાઓને લઈને વિપક્ષે સરકારને ઘેરી હતી. હોબાળાના કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવી પડી હતી. વિપક્ષનો આરોપ છે કે સરકાર દેશના મહત્વના મુદ્દાઓ પર જવાબ આપવાથી બચી રહી છે. વિપક્ષની માગ છે કે તાત્કાલિક ચર્ચા કરવામાં આવે અને સરકાર જવાબ આપે. જ્યારે સરકારનું કહેવું છે કે તેને કોઈપણ મુદ્દે ચર્ચા સામે વાંધો નથી, પરંતુ સંસદની કાર્યવાહી નિયમો અનુસાર જ ચલાવવામાં આવવી જોઈએ.
આ પણ વાંચો : NEET પેપર લીક મુદ્દે PM મોદીનો કડક સંદેશ, 'બાળકોને ઉશ્કેરશો નહીં, સાચો રસ્તો બતાવો',
સત્રની શરૂઆત પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં સાર્થક ચર્ચાની આશા વ્યક્ત કરી હતી. આ દરમિયાન તેમણે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું હતું કે કેટલાક લોકોની રાજનીતિ માત્ર વિરોધ સુધી સીમિત રહી ગઈ છે, જ્યારે દેશ વિકાસની નવી ઊંચાઈઓ તરફ આગળ વધી રહ્યો છે. સંસદના બીજા દિવસે પણ હોબાળાના કારણે કાર્યવાહી ખોરવાતા સરકાર અને વિપક્ષ વચ્ચેનો ટકરાવ વધુ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે. NEET વિવાદ, પરીક્ષા વ્યવસ્થા અને વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા મુદ્દાઓ પર વિપક્ષ ચર્ચાની માગ પર અડગ છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.