ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:33 AM, 21 November 2026
ADVERTISEMENT
આવનારું વર્ષ વિશ્વના રાજકારણ માટે સામાન્ય નહીં રહે તેવી ચર્ચા છે. અમેરિકા અને ચીન વચ્ચેની ખેંચતાણથી લઈને રશિયા-યુક્રેન યુદ્ધ સુધીની ઘટનાઓ પર દુનિયાની નજર રહેશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અંતરિક્ષ ક્ષેત્રમાં પણ નવા ફેરફારો જોવા મળી શકે છે. વૈશ્વિક અર્થતંત્રમાં ઊભા થતા પડકારો દેશોની નીતિઓને અસર કરી શકે છે. ત્યારે જાણીએ 2027માં કઈ 10 મોટી ઘટનાઓ દુનિયાની દિશા બદલી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
2027માં અમેરિકાના રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળનો અંતિમ તબક્કો શરૂ થઈ રહ્યો હોવાથી હવે અમેરિકામાં તેમના અનુગામી કોણ હશે તેની ચર્ચા પણ તેજ બનશે. મધ્યસત્રની ચૂંટણી બાદ જો ડેમોક્રેટ્સને સંસદના બંને ગૃહોમાં બહુમતી મળે તો ટ્રમ્પ માટે પોતાના નિર્ણયો લાગુ કરવાનું મુશ્કેલ બની શકે છે.આવી સ્થિતિમાં ટ્રમ્પ શાંતિથી સત્તામાંથી દૂર થાય તેવી શક્યતા ઓછી છે. પોતાની રાજકીય પકડ જાળવી રાખવા માટે તેઓ નવા સરકારી આદેશો આપી શકે છે. કાનૂની લડાઈ, મોટા સરકારી પ્રોજેક્ટ અને વિદેશ નીતિમાં આક્રમક નિર્ણયો પણ જોવા મળી શકે છે. અમેરિકામાં ટ્રમ્પ પછીના રાજકીય યુગની શરૂઆત કેવી હશે તેના પર આખી દુનિયાની નજર રહેશે.

ADVERTISEMENT
ઈરાન સાથેના યુદ્ધની અસર માત્ર મધ્યપૂર્વ પૂરતી સીમિત રહેવાની નથી. તેના કારણે આંતરરાષ્ટ્રીય સંબંધો, તેલ અને ગેસનો વેપાર તથા દુનિયાના દેશોની સુરક્ષા નીતિમાં ફેરફાર થઈ શકે છે. અમેરિકાના સાથી દેશો અને વિરોધી દેશો વચ્ચેના સંબંધો પણ નવેસરથી ગોઠવાઈ શકે છે. યુદ્ધની અસરને કારણે વૈશ્વિક ઊર્જા સપ્લાયમાં પણ મુશ્કેલીઓ ઊભી થવાની શક્યતા છે.આની સૌથી મોટી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી શકે છે. ખાતર બનાવવામાં વપરાતા કાચા માલની સપ્લાય ખોરવાય તો તેની અસર ખેતી પર થશે. ખાતરની અછતને કારણે ખેતીનો ખર્ચ વધી શકે છે અને ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો થઈ શકે છે. આમ, યુદ્ધની અસર ખેતરથી લઈને સામાન્ય પરિવારના રસોડા સુધી પહોંચી શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
2027માં પણ દુનિયાને આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે. અનેક વિસ્તારોમાં તાપમાન નવા રેકોર્ડ બનાવી શકે છે. ગરમીની સાથે દુષ્કાળ, જંગલોમાં આગ અને હીટવેવ જેવી ઘટનાઓનું જોખમ પણ વધી શકે છે. આવી પરિસ્થિતિની સીધી અસર ખેતી, પાણીની ઉપલબ્ધતા અને લોકોના સ્વાસ્થ્ય પર પડી શકે છે.આવા સંજોગોમાં સોલર અને વિન્ડ એનર્જી જેવા ઊર્જાના વિકલ્પોનું મહત્ત્વ વધી શકે છે. ખાસ કરીને પેટ્રોલિયમ અને ગેસના આંતરરાષ્ટ્રીય ભાવમાં વારંવાર થતા ફેરફારથી બચવા દેશો સ્વચ્છ ઊર્જા તરફ આગળ વધી શકે છે. એટલે કે, પર્યાવરણની ચિંતા સાથે હવે ઊર્જાની સુરક્ષા પણ રિન્યુએબલ એનર્જી અપનાવવાનું મોટું કારણ બની શકે છે.
ADVERTISEMENT
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIનું ચલણ 2027માં વધુ વધવાની શક્યતા છે. હાલમાં અનેક કંપનીઓ પોતાના કામકાજમાં AIનો ઉપયોગ કરી રહી છે. મશીનો અને રોબોટ્સ માણસોની જેમ કામ કરી શકે તેવી ટેક્નોલોજી ઝડપથી આગળ વધી રહી છે. જોકે આ પ્રગતિની સાથે નવા જોખમો પણ સામે આવી શકે છે.AI કંપનીઓમાં અબજો રૂપિયાનું રોકાણ થઈ રહ્યું છે. કેટલીક કંપનીઓ આ ક્ષેત્રમાં આગળ વધવા માટે મોટું દેવું પણ લઈ રહી છે. જો કમાણીની સરખામણીએ રોકાણ વધારે થઈ જાય તો AI ક્ષેત્રમાં શેરબજાર જેવો મોટો ઘટાડો આવી શકે છે. આ ઉપરાંત AIનો ઉપયોગ રાજકીય પ્રચાર, સાયબર હુમલા અને ખોટી માહિતી ફેલાવવા માટે થવાની ચિંતા પણ વધી શકે છે. બીજી તરફ નોકરીઓ છીનવાઈ જવાની અને પર્યાવરણ પર તેની અસર થવાની ચર્ચા પણ ચાલુ રહેશે.

2027માં ફ્રાન્સમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી માત્ર ફ્રાન્સ માટે જ નહીં, પરંતુ સમગ્ર યુરોપ માટે મહત્ત્વની બની શકે છે. જમણેરી વિચારધારા ધરાવતા નેતા મરીન લે પેનની જીતની શક્યતા યુરોપિયન યુનિયન માટે મોટો પડકાર બની શકે છે. જો આવું થાય તો ફ્રાન્સ અને જર્મની વચ્ચેના રાજકીય સંબંધો પર પણ અસર પડી શકે છે.ફ્રાન્સ અને જર્મનીને યુરોપિયન યુનિયનના સૌથી મહત્ત્વના દેશો માનવામાં આવે છે. બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ વધે તો યુરોપના અન્ય દેશોની નીતિઓ પર પણ તેની અસર પડી શકે છે. આ ઉપરાંત ફ્રાન્સની આર્થિક સ્થિતિ અને વધતા સરકારી દેવાને કારણે રોકાણકારોમાં ચિંતા વધી શકે છે. તેથી 2027ની ફ્રાન્સની ચૂંટણી દુનિયાના રાજકીય અને આર્થિક બજારો માટે મહત્ત્વની રહેશે.
દુનિયાના અનેક વિકસિત દેશો પોતાની આવક કરતાં વધારે ખર્ચ કરી રહ્યા છે. સરકારો પર દેવાનો બોજ વધી રહ્યો છે અને તેની અસર બોન્ડ માર્કેટ પર જોવા મળી શકે છે. જ્યારે સરકારો વધુ દેવું લે છે ત્યારે તેમને તેના પર વધારે વ્યાજ ચૂકવવું પડે છે. બોન્ડ પર મળતું વળતર વધે તો સરકારો માટે નાણાં એકત્ર કરવા વધુ મોંઘા બની શકે છે.આની અસર માત્ર સરકારો પૂરતી નહીં રહે. બેન્કો, કંપનીઓ અને સામાન્ય લોકો માટે પણ લોન મોંઘી થવાની શક્યતા રહે છે. શેરબજારમાં રોકાણ કરતા લોકો પણ તેની અસર અનુભવી શકે છે. ખાસ કરીને ફ્રાન્સ જેવા દેશોની નબળી આર્થિક સ્થિતિને કારણે યુરોપના નાણાકીય બજારોમાં દબાણ વધી શકે છે. 2027માં કોઈ એક મોટા દેશની આર્થિક મુશ્કેલી વૈશ્વિક બજારોને પણ હચમચાવી શકે છે.
2027માં દુનિયાની સૌથી વધુ નજર ચીન અને તાઇવાન વચ્ચેના સંબંધો પર રહેશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતાની સેનાને 2027 સુધીમાં તાઇવાન પર કાર્યવાહી કરવા સક્ષમ બનવાનું લક્ષ્ય આપ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ કારણે તાઇવાનની સુરક્ષાને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી છે. જોકે 2027 સુધીમાં હુમલો થશે જ તેવી કોઈ ખાતરી નથી. સૈન્યને તૈયાર કરવાનો સમય અને હુમલાનો નિર્ણય બંને અલગ બાબતો છે.છેલ્લાં કેટલાંક વર્ષોમાં યુદ્ધ લડવાની પદ્ધતિમાં મોટો ફેરફાર આવ્યો છે. યુક્રેન અને ઈરાન સાથે જોડાયેલા સંઘર્ષોમાં જોવા મળ્યું છે કે આધુનિક ડ્રોન, મિસાઈલ અને સસ્તી ટેક્નોલોજીની મદદથી નાની સૈન્ય શક્તિ ધરાવતા દેશો પણ મોટી સેનાને પડકાર આપી શકે છે. તાઇવાન પણ પોતાની સંરક્ષણ ક્ષમતા વધારવા પર ધ્યાન આપી રહ્યું છે. જો ચીન અને તાઇવાન વચ્ચે તણાવ વધે તો તેની અસર અમેરિકા સહિત અનેક દેશો પર પડી શકે છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પ, પુતિન અને જિનપિંગ એકસાથે, દુનિયાને ચોંકાવનારી બેઠક પાછળ છુપાયેલો છે મોટો ખેલ
2027માં વજન ઘટાડવા માટે વપરાતી દવાઓનો પ્રભાવ માત્ર મેડિકલ ક્ષેત્ર સુધી સીમિત નહીં રહે. ઓઝેમ્પિક જેવી દવાઓના વધતા ઉપયોગથી લોકોની જીવનશૈલી અને ખરીદી કરવાની રીતમાં પણ ફેરફાર આવી શકે છે. વજન ઘટાડ્યા પછી લોકો કપડાં, સૌંદર્ય પ્રસાધનો અને ફિટનેસ સંબંધિત વસ્તુઓ પર વધારે ખર્ચ કરી શકે છે.આ દવાઓને કારણે ફાર્મા કંપનીઓ માટે પણ નવા વ્યવસાયની તકો ઊભી થઈ શકે છે. ખાસ કરીને વજન ઘટાડવાની સાથે વધતી ઉંમરની અસર ઓછી કરવા અને લાંબું સ્વસ્થ જીવન જીવવા માટેની સારવારમાં રસ વધી શકે છે. એટલે કે, આવનારા સમયમાં આ દવાઓની અસર દવા બજારની સાથે ફેશન, બ્યુટી અને ફિટનેસ ઉદ્યોગ પર પણ જોવા મળી શકે છે.
અંતરિક્ષ ક્ષેત્રમાં 2027 નવું પરિવર્તન લાવી શકે છે. અત્યાર સુધી અંતરિક્ષમાં સેટેલાઇટ મોકલવાનો ખર્ચ ઘણો વધારે હતો, પરંતુ નવી ટેક્નોલોજીથી આ ખર્ચ ઓછો થવાની શક્યતા છે. સ્પેસએક્સનું સ્ટારશિપ રોકેટ નિયમિત રીતે સેટેલાઇટ લોન્ચ કરવાનું શરૂ કરી શકે છે. ખાનગી કંપનીઓ દ્વારા અંતરિક્ષમાં સ્પેસ સ્ટેશન બનાવવાની દિશામાં પણ પ્રગતિ થઈ શકે છે.સૌથી રસપ્રદ બાબત એ છે કે અંતરિક્ષમાં જ ડેટા સેન્ટર બનાવવાનો વિચાર પણ ગંભીરતાથી ચર્ચામાં આવી શકે છે. હાલ ડેટા સેન્ટર બનાવવા માટે જમીન, વીજળી અને ઠંડકની મોટી વ્યવસ્થા કરવી પડે છે. ભવિષ્યમાં અંતરિક્ષમાં આવી સુવિધા ઊભી કરવાની ટેક્નોલોજી વિકસે તો ડિજિટલ દુનિયામાં મોટો ફેરફાર આવી શકે છે. જોકે આ વિચારને વાસ્તવિક બનાવવામાં ટેક્નિકલ અને આર્થિક પડકારો રહેશે.
2027માં મનોરંજનની દુનિયામાં પણ મોટો ફેરફાર જોવા મળી શકે છે. હોલિવૂડની મોટી ફિલ્મો અને જાણીતી ફિલ્મ સીરીઝ સામે હવે દર્શકોની પસંદગી જાળવી રાખવાનો પડકાર છે. જૂની ફિલ્મોના નવા ભાગ બનાવવાની પરંપરા ચાલુ છે, પરંતુ દર્શકોને વારંવાર એક જ પ્રકારની વાર્તા જોવામાં રસ ઓછો થઈ શકે છે.બીજી તરફ યુટ્યુબર્સ અને સ્વતંત્ર ફિલ્મ નિર્માતાઓ ઓછા બજેટમાં નવા પ્રકારની ફિલ્મો બનાવી રહ્યા છે. આવી ફિલ્મોને દર્શકોનો સારો પ્રતિસાદ મળે તો મોટા ફિલ્મ સ્ટુડિયો માટે પણ પોતાની ફિલ્મ બનાવવાની રીત બદલવી જરૂરી બની શકે છે. સ્ટાર વોર્સ જેવી જાણીતી ફિલ્મ સીરીઝ પણ નવા દર્શકો સુધી પહોંચવા માટે નવા પ્રયોગો કરી શકે છે. એટલે 2027માં મનોરંજન ઉદ્યોગમાં જૂની સફળતાની ફોર્મ્યુલા કરતાં નવી વાર્તાઓ અને નવા વિચારોનું મહત્ત્વ વધી શકે છે.
આગાહી પ્રમાણે 2027માં રાજકારણ, યુદ્ધ, અર્થતંત્ર, ટેક્નોલોજી અને મનોરંજન એમ અનેક ક્ષેત્રોમાં મોટા ફેરફાર થઈ શકે છે. ખાસ કરીને અમેરિકા, ચીન, તાઇવાન અને યુરોપના રાજકીય નિર્ણયો દુનિયાની દિશા નક્કી કરવામાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. બીજી તરફ AI, અંતરિક્ષ ટેક્નોલોજી અને વજન ઘટાડવાની દવાઓ સામાન્ય લોકોની જીવનશૈલીને પણ બદલી શકે છે.જોકે આ તમામ બાબતો સંભવિત ઘટનાઓ અને વર્તમાન પરિસ્થિતિના આધારે કરવામાં આવેલી આગાહીઓ છે. તે ભવિષ્યમાં ચોક્કસ બનશે જ એવું કહી શકાય નહીં. તેમ છતાં 2027 દુનિયા માટે કેવું રહેશે તે સમજવા માટે આ 10 મુદ્દાઓ પર નજર રાખવી જરૂરી રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
Sub Editor at VTV Gujarati | 8+ Years of Experience in Gujarati Journalism, News Writing & Digital Content Creation.
વધુ વાંચો