બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:30 AM, 27 July 2025
એ ત્રણ દિવસ મારા માટે ખૂબ જ ખાસ હતા. ત્રણ દિવસની રજાઓ હતી અને ફરવાનો શોખ જ એવો છે કે આ ભટકતી આત્મા ઘરમાં ટકી ન શકે. એટલે રજાના આગલા દિવસે જ બધી તૈયારીઓ કરી લીધી અને રજાના દિવસે વહેલી સવારે હું ઉપડી ગઈ અમદાવાદથી 200 કિલોમીટર દૂર આવેલી એવી જગ્યાએ જવા માટે કે જ્યાં માત્ર વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા જ નથી, પણ અહીં દેશનો ઇતિહાસ અને આત્મા સમાયેલો છે - સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર. થોડા દિવસથી વરસાદે વિરામ લીધો હતો, વાતાવરણ સાફ હતું. હું આરામથી સાડા ત્રણ-ચાર કલાકમાં અમદાવાદથી એકતા નગર પહોંચી ગઈ. અહીં મારી આ સોલો ટ્રાવેલની શરૂઆત થઈ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપીને. દૂરથી જ સરદારની પ્રતિમા દેખાવા લાગી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
એકતાનગર પહોંચીને કાર પાર્કિંગમાં પાર્ક કરી દીધી. અહીંથી આગળ પોતાના વાહનો લઈ જવાની પરવાનગી નથી. સ્ટેચ્યુ જોવા જવા માટે અહીં બસો ચાલે છે અને પિંક રીક્ષા પણ ચાલે છે. આ પિંક રીક્ષા મહિલાઓ ચલાવે છે. આ રીક્ષા ચાલક મહિલાઓ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. હું એક રીક્ષામાં બેસી ગઈ અને એની ચાલક મહિલા સાથે વાત કરવા લાગી. આ મહિલા રીક્ષા ચાલકે મને કહ્યું કે પહેલા એને સ્કૂટી ચલાવવામાં પણ ડર લાગતો હતો, અને હવે એ રીક્ષા ચલાવે છે અને સાથે ઘર પણ ચલાવે છે. જયારે તેઓ મને આવું કહી રહ્યા હતા, ત્યારે તેમની આંખોમાં એક અનોખી ચમક દેખાઈ રહી હતી, પગભર થવાનો ગર્વ દેખાઈ રહ્યો હતો. મેં એમની સાથે નંબરની આપલે કરી દીધી અને અહીં બીજે જ્યાં પણ ફરવાની જગ્યાઓ છે ત્યાં તેઓ મને લઈ જશે એવી ડીલ કરી લીધી.
ટિકિટ લઈને આખરે હું પહોંચી જ સ્ટેચ્યુની નજીક. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના પગ નજીક ઉભા રહીને ઉપર નજર કરી, તો ખબર પડી કે હું તો તેમના પગના અંગૂઠા જેવડી જ છું. હું 5 ફૂટની અને પ્રતિમા 182 મીટર ઉંચી... એમ પણ ભારતના લોખંડી પુરુષ આગળ મારું શું ગજું હોય. પણ આ પ્રતિમા જોઇને મારા મનમાં ગર્વ ચોક્કસ અનુભવાયો. જો સરદાર પટેલ ન હોત તો આજનું ભારત કેવું હોત એની કલ્પના કરતા એક ધ્રુજારી પણ આવી ગઈ. સ્ટેચ્યુની અંદર એન્ટ્રી કરી, મ્યુઝિયમ જોયું, વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનવાની પ્રક્રિયાનો એક શોર્ટ વીડિયો જોયો. પછી લિફ્ટ દ્વારા હું હૈ વ્યૂઇન્ગ ગેલેરીમાં, જે પ્રતિમાના ટોરસોના ભાગમાં છે. અહીંથી નીચે ડેમનો એટલો જબરદસ્ત નજારો જોયો કે નજરો આ દ્રશ્ય પરથી હટતી જ ન હતી. નીચે નર્મદા નદી, સામે સરદાર સરોવર ડેમ દેખાઈ રહ્યો હતો. ડેમ પરથી પાણી પડી રહ્યું હતું અને એક અદભૂત દ્રશ્ય રચી રહ્યું હતું. આજુબાજુ ડુંગરો, ચારે બાજુ ફેલાયેલી હરિયાળી અને ઉપર ભૂરું આકાશ... નર્મદા નદીનો આ નજારો જોઇને બધો જ સ્ટ્રેસ જતો રહ્યો.
ADVERTISEMENT
ADVERTISEMENT
એમ તો લોકો અહીં માત્ર પ્રતિમા જોવા માટે આવે છે, પરંતુ એકતા નગરમાં ફરવા અને જોવા માટે ઘણું બધું છે. મેં ત્યાં બે દિવસ વિતાવ્યા અને દરેક ક્ષણે કંઈક નવું અનુભવ્યું. પ્રતિમા જોયા પછી મારું પહેલું સ્ટોપ હતું એકતા નર્સરી. ભૂખ લાગી હતી એટલે હું અહીંના કેફેમાં બેસી ગઈ જમવા. અહીં મગની દાળ, મકાઈના થેપલા, બાજરીના રોટલા, શાક, છાશ અને પાપડ સાથે ગુજરાતી થાળીનો આનંદ માણ્યો. પેટ ભરાઈ ગયું પછી હું પહોંચી ગઈ ખલવાણી ઇકો ટુરિઝમની સાઈટ પર. અહીં નર્મદા નદીનો પ્રવાહ જોવા જેવો હતો. ચાલીને સામેની બાજુએ જવા માટે નદી પર એક નાનો કેબલ બ્રીજ બનાવેલો છે. આ બ્રીજ પર ચાલતી વખતે મને એવું જ લાગ્યું કે જાણે હું હિમાચલ પ્રદેશ પહોંચી ગઈ છું. લીલાછમ જંગલની વચ્ચેથી વહેતી નદી, નદી પર કેબલ બ્રીજ, જેને પીળો કલર કરવામાં આવ્યો હતો. અહીં રીવર રાફટિંગ થાય છે. એટલે જો કોઈને રાફટિંગ કરવાનો શોખ છે પણ હિમાચલ કે ઉત્તરાખંડ જવાનું બજેટ અને સમય ન હોય તો અહીં આવી શકાય. મેં પણ મનમાં આ વાતની નોંધ લઈ લીધી. અહીંનું વાતાવરણ મનને શાંત કરી રહ્યું હતું. મેં અહીં સારો એવો સમય પસાર કર્યો.
ADVERTISEMENT
મન શાંત થઈ ગયું એટલે હું પાછી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી ગઈ. મારે લાઈટ એન્ડ સાઉન્ડ શો જોવો હતો. જો તમારે પણ આ શો જોવો હોય તો પહેલાથી જ ઓનલાઇન ટિકિટ લઈ લેવી પડશે. સાંજે 23 મિનિટનો આ પ્રોજેક્શન મેપિંગ શો જોઇને આખા દિવસનો થાક ઉતરી ગયો. શો ખતમ થયો ત્યાં સુધીમાં તો ભારે જુસ્સાથી ભરાઈ ગઈ. આંખો પણ ગર્વથી ભીની થઈ ગઈ. થોડું ભારે મન લઈને ત્યાંથી બહાર આવી અને ભટકતાં-ભટકતાં પહોંચી ગઈ ગ્લો ગાર્ડન. અંધારું થઈ ગયા પછી ગ્લો ગાર્ડનની ચમકતી લાઈટો જોઇને એવું લાગ્યું કે હું સપનાની દુનિયામાં આવી ગઈ છું. ગ્લો ગાર્ડનમાં લાઈટો જોઇને હું અભિભૂત થઈ ગઈ. થયું કે આગલી વખતે અહીં એકલી નહીં આવું, મારા ફેમિલીને લઈને આવીશ. તેઓ પણ નથી આવ્યા હજુ અહીં. વર્ષો પહેલા જયારે માત્ર ડેમ જ બન્યો હતો, અને ડેમની ઊંચાઈ વધારવાનું કામ ચાલી રહ્યું હતું, એ વખતે પપ્પા અમને અહીં લાવ્યા હતા. એ સમય અને અત્યારમાં ઘણો ફરક છે, અહીં બધું જ બદલાઈ ગયું છે. એમ તો અહીં બટરફ્લાય ગાર્ડન, મેઝ ગાર્ડન જેવી બીજી ઘણી જગ્યાઓ છે, પણ મને જે જોવામાં રસ હતો એ મેં જોઈ લીધું. અહીં બાળકોથી લઈને યુવા અને વડીલોને પણ મજા આવી જશે.
ADVERTISEMENT
બીજા દિવસની શરૂઆત કરી મિયાવાકી ફોરેસ્ટથી. અહીં થોડીવાર વોક કર્યા પછી હું ગઈ જંગલ સફારી માટે. મેં કાંકરિયા ઝૂ જોયું છે, સુરતનું સરથાણા ઝૂ જોયું છે, પણ આ જગ્યા એકદમ અલગ છે. રંગબેરંગી પક્ષીઓ જોયા, જંગલી પ્રાણીઓ જોયા, સાપ અને મગર જોયા. મેં એક ચિત્તા અને દીપડાને એકબીજા સાથે મસ્તી કરતા જોયા. જોઇને એવું થઈ ગયું કે હું પણ મારા ભાઈ સાથે આવી રીતે જ મસ્તી કરું છું ને! પ્રાણીઓ વચ્ચેનો આ પ્રેમ જોઇને મન ખુશ ગયું. પછી આરોગ્ય વન જોયું, જે એક સામાન્ય પાર્ક નથી, અહીં શરીર અને આત્માના સ્વાસ્થ્યને સમજી શકાય છે. પછી સાંજે નર્મદા મેઈન કેનાલની બાજુના રસ્તા પર સાયકલિંગ કર્યું. મને સાયકલ ચલાવવાની આટલી મજા ક્યારેય નથી, જેટલી આ સાંજે આવી ગઈ. મારો દિવસ ખતમ થયો એક ખૂબ જ શાંત જગ્યા પર. સરદાર સરોવર ડેમના વ્યૂ પોઈન્ટ પર... અહીં પહોંચી ત્યાં તો વાતાવરણમાં પલટો આવી ગયો. અચાનક જ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું, જોરથી પવન ફૂંકાવા લાગ્યો. થોડીવાર રહીને ભારે વરસાદ ચાલુ થઈ ગયો, એટલે અહીંથી નીકળી ગઈ.
દિલથી કહું તો એકતા નગર ફક્ત એક સ્થળ નથી, આ ભારતની આત્માને અનુભવવાનું સ્થળ છે. અહીં એકતા, પરંપરા, ઇતિહાસ અને આધુનિકતા - બધું જ એકસાથે છે. જો તમે હજુ સુધી અહીં નથી આવ્યા, તો મારી વાત માનો, તમે ઘણું બધું મિસ કરી રહ્યા છો. એક તો વાર અહીં આવવું જ જોઈએ. આપણા દેશ અને ઇતિહાસને વધુ સારી રીતે જાણી શકાશે. પોતાની પણ વધુ નજીક અનુભવાશે. સાથે જ જોઈ અહીં આવતા હોવ તો નજીકમાં એક એવી જગ્યા છે કે જે ચોમાસામાં હિમાચલ પ્રદેશનો અનુભવ આપે છે. મને આ જગ્યા વિશે પેલા રીક્ષા ચાલક બહેને જણાવ્યું હતું એટલે સીધું ઘરે જવાને બદલે હું ત્રીજા દિવસે એકતા નગરથી નીકળીને અહીં જ પહોંચી ગઈ.
હું એવા રસ્તાઓ પરથી પસાર થઈ રહી હતી કે એવું લાગ્યું કે કાં તો હું સપનું જોઈ રહી છું, કાં તો મને કોઈ આલિયા ભટ્ટની હાઈવે પિક્ચરની જેમ કિડનેપ કરીને રાતોરાત હિમાચલના પહાડોની વચ્ચે લઈ આવ્યું છે. કારની બારી ખોલી નાખી, ખુલ્લા વાળમાંથી ઠંડી ઠંડી હવા પસાર થઈ રહી હતી. મને હું કોઈ ફિલ્મની હિરોઇન હોઉં એવું લાગ્યું. પહાડી રસ્તો, આજુબાજુ લીલાછમ જંગલો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંખોની સામેથી પસાર થઈ રહ્યા હતા. વાદળો વચ્ચેથી સૂરજદાદા સંતાકૂકડી રમી રહ્યા હતા. હજુ પણ આગલી રાતે પડેલા વરસાદની સુગંધ હવામાં હતી. રસ્તો થોડો-થોડો ભીનો હતો. વચ્ચે એક વળાંક પર એક મોટું ઝાડ દેખાયું કે જેના મૂળિયા અડધા માટીની અંદર હતા અને અડધા મૂળિયાંની નીચેથી માટી ધોવાઈ ગઈ હતી, જોઈને એવું લાગ્યું કે આ ઝાડ ગમે ત્યારે પડી જશે. રસ્તાની બંને બાજુ જંગલ જ દેખાઈ રહ્યું હતું.
ઝરવાણી ધોધ જોવા જવા માટે ચાલી જવાનું હોય છે. એક પોઈન્ટ પછી આગળ વાહનો જઈ શકતા નથી. મેં પણ કાર પાર્ક કરીને જંગલના રસ્તા પર ચાલવાનું ચાલુ કરી દીધું. જંગલની વચ્ચે નાની પગદંડી જેવો રસ્તો હતો. પગની નીચેની જમીન ભીની હતી, પણ લપસી પડાય એવી નહીં. વહેતા પાણીનો ધીમો-ધીમો અવાજ આવી રહ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે હું હિમાચલના કોઈ પહાડ પર જંગલમાં ટ્રેકિંગ કરી રહી હોઉં. થોડે જ આગળ ચાલી ત્યાં તો નદી આવી. નદી છીછરી અને સાંકડી હતી, પાણી ચોખ્ખું હતું એટલે પાણીની નીચેના પથ્થરો પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા.
મારે સામેની બાજુએ જવાનું હતું એટલે પગમાં પહેરેલા બૂટ કાઢીને હાથમાં પકડી લીધા. ધીમે રહીને નદીના પાણીમાં પગ મૂક્યા. પછી થોડી સેકન્ડો માટે આમ જ ઉભી રહી ગઈ. પગને પાણી ઠંડુ લાગવાનું બંધ થયું એટલે ઢીંચણ સુધીના ઊંડા પાણીમાં સાચવી-સાચવીને ચાલવા લાગી કે પથ્થરો પર લપસી ન પડું. સામેની બાજુએ જઈને ફરી નદીને કિનારે થોડું ચાલવું પડ્યું. હજુય એવું જ લાગતું હતું કે જાણે હું હિમાચલ પ્રદેશમાં જ છું. જરાક આગળ ચાલીને ફરી નદી પાર કરી. અહીં નદીમાં પાણી વધારે ઊંડું ન હતું. સામેની બાજુએ પહોંચીને ફરી થોડું ચાલવું પડ્યું અને અંતે મારી આંખોની સામે આવ્યો ધીર ખાડી ધોધ. કન્ફયુઝન તો નથી થયું ને કોઈ? ના-ના... ઝરવાણી ધોધ જોવા જવાના રસ્તા પર જ આ ધોધ પણ આવે છે એટલે મેં વિચાર્યું કે જોઈ જ લેવાનો હોય ને! એમ પણ હું તો ભટકતી આત્મા છું.
ધીર ખાડી ધોધ પર પાણી બહુ વધારે ઉંચાઈએથી પાણી નથી પડતું. પણ તોયે આ ધોધમાં ઉપરથી પડતું પાણી જે દ્રશ્ય રચી રહ્યું હતું... બંને બાજુ પથ્થરના પહાડો, મોટા ખડકો અને તેની વચ્ચેથી પાણી રૂપે પડતો ધોધ. પાણી પડવાને કારણે દૂર સુધી છાંટા ઉડી રહ્યા હતા. ધોધની પાછળ દૂર-દૂર સાતપુડાની પર્વતમાળાના ડુંગરો પણ દેખાયા. આ દ્રશ્યની સાથે ધોધનો અવાજ અને વચ્ચે વચ્ચે પક્ષીઓનો કલરવ, ફિલ્મના કોઈ સીન જેવો અનુભવ કરાવતો હતો. કિનારા પર એક જગ્યા પર બે બાળકો કિચડમાં રમી રહ્યા હતા. બાળકોએ મારી સામે જોયું, અને થોડી સેકન્ડો સુધી જોતા જ રહ્યા. એ લોકો જાણે મને કહી રહ્યા હતા ચિંતા ભૂલીને આજે બાળક બનીને મજા કરી લો. મારી પાસે ચોકલેટ્સ હતી જે મેં એ બાળકો સાથે શેર કરી. ખૂબ જ નિર્દોષતાથી આ બાળકો મને કંઈક કહીને પાછા રમવા જતા રહ્યા. અહીં હું પાણીમાં પગ બોળીને થોડી વાર સુધી બેસી રહી. થોડીવાર અહીં સમય પસાર કર્યા પછી હાથમાં બૂટ પકડીને નીકળી ગઈ ઝરવાણી ધોધ જોવા માટે.
ફરી નદી પાર કરીને આવા જ રસ્તા પરથી આગળ ચાલીને આવ્યો ઝરવાણી ધોધ. અહીં સ્પીકર પર ગીતો વાગતા હતા, લોકોનું એક ગ્રુપ ડાન્સ કરી રહ્યું હતું. એક વ્યક્તિ ગિટાર લઈને બેઠો હતો. જાણે કોઈ પ્રાઇવેટ પાર્ટી ચાલી રહી હોય! મેં એમના તરફ વધારે ધ્યાન ન આપ્યું અને ધોધની નજીક પહોંચી ગઈ. અહીં પ્રેમી પંખીડા પાણીમાં ઉભા રહીને રોમાન્સ કરી રહ્યા હતા, જોઈને બૂમ મારવાની ઇચ્છા થઈ આવી કે Guys, go and Get a Room. મારા વિચારો સાંભળી લીધા હોય એમ આ કપલ પાણીમાંથી બહાર આવી ગયું. આજુબાજુમાં પથ્થરો પર કોઈએ પોતાના પેન્ટ સૂકવવા માટે પહોળા કરી રાખ્યા હતા. ત્રણ મહિલાઓ પાણીમાં બેઠાં-બેઠાં પારકી પંચાત કરી રહી હતી. ધોધની નજીક જવાની મનાઈ હતી અને વચ્ચે દોરી બાંધીને બોર્ડર બનાવી દેવામાં આવી હતી કે પાણીમાં અહીંથી આગળ કોઈ ન જાય. અહીં લોકો વધારે હતા એટલે શોરબકોર પણ હતો, એટલે મને ઓછી મજા આવી, પણ આ એકવાર જોવા જેવી જગ્યા તો ખરી જ. જાણે હિમાચલમાં આવી ગયા હોય એવો અનુભવ થશે. બીજી થોડી મિનિટો અહીં પસાર કરીને પછી ભૂખ લાગવા લાગી એટલે કાર સુધી જવા નીકળી ગઈ.
ગાડીમાં બેસીને મેપ ચાલુ કરી દીધો. મેપમાં બતાવેલા રસ્તે વચ્ચે ગરુડેશ્વર બ્રીજ આવ્યો. જેના પરથી પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી દેખાઈ રહ્યું હતું. વચ્ચે શુલપાણેશ્વર મંદિર પણ આવ્યું. અહીં ભગવાનના દર્શન પણ કર્યા, પછી બાજુમાં રસ્તો બનાવેલો હતો, જે જતો હતો નર્મદા પર બનાવેલા ઘાટ સુધી. અહીંના સ્થાનિકને પૂછ્યું તો તેમણે કહ્યું કે અહીં રોજ સાંજે નર્મદા આરતી થાય છે. પણ હું આરતીના સમય સુધી રોકાઉં તો મને મોડું થઈ જાય એમ હતું, એટલે હું ત્યાંથી નીકળી ગઈ. અને પાછી ભૂખ પણ લાગી હતી. ફટાફટ કારમાં બેસીને નીકળી પડી અમદાવાદ આવવા. હાઈવે પર પહોંચીને સૌથી પહેલી જે હોટલ આવી ત્યાં બેસી ગઈ જમવા. આલૂ પરાઠા ખાઈને મોટો ઓડકાર મારીને હું ત્યાંથી નીકળી ગઈ મારા રોજીંદા જીવનની સફર માટે.
મારી માટે આ એક અદ્ભૂત અનુભવ રહ્યો. હું કહીશ કે એકવાર જીવનમાં આ જગ્યાએ ફરવા જવું જોઈએ. જો ઘરમાં-પરિવારમાં બાળકો હોય તો એમને પણ ચોક્કસ લઈ જવા જોઈએ. આ તેમના માટે એક એજ્યુકેશનલ ટ્રીપ થઈ જશે અને તેમને ફરવાની પણ મજા આવશે. મેં પણ નક્કી કર્યું છે કે રક્ષાબંધન પર જયારે બધા ભાઈ-બહેનો ભેગા થઈએ, ત્યારે એમની સાથે અહીં આવવું છે. તમે પણ તમારી આગામી ટ્રીપ માટે આ જગ્યાએ જઈ શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
ભટકતી આત્મા is a passionate travel blogger and shares her exploration around India only on VTV Digital.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.