બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / ચોમાસામાં સાઉથ જેવી મજા આપશે અમદાવાદ નજીકની આ જગ્યા, એન્જોય કરજો પણ આવું કામ તો ન જ કરતા!
Last Updated: 11:00 AM, 20 July 2025
Woooow… It’s Beautiful…
ADVERTISEMENT
પહેલીવાર દૂરથી જ્યારે આ જગ્યા જોઈ તો મોઢામાંથી આવા જ ઉદગારો નીકળ્યા હતા. કારણ કે, જગ્યા જ એટલી સુંદર હતી. અમદાવાદ જેવા ધમધમતા શહેર, જ્યાં સવારથી સાંજ ટ્રાફિકનો બખારો હોય, હોર્નના અવાજ હોય, ભીડ આમથી તેમ જતી હોય, એવા શહેરની નજીક આટલી સરસ કુદરતી શાંતિ આપતી જગ્યા છે, એ જ એક મોટું આશ્ચર્ય હતું. અને બીજું આશ્ચર્ય હતું, અહીંની સુંદરતા.
મારી સાથે આવેલા છોકરાઓ તો આ ધોધ જોઈને રામ તેરી ગંગા મૈલીની મંદાકિનીને જ ઈમેજીન કરવા મંડ્યા હતા. એક તો ઘનઘોર કાળા વાદળથી છવાયેલું આકાશ, ઝરમર વરસતો વરસાદ, વરસાદમાં ધોવાયેલા લીલા પાંદડા, ભીની માટીની માદક સુગંધ, થોડી ઉંચાઈએથી પડતો ધોધ અને નીચે સફેદ સાડીમાં… મેં મારા બે મિત્રોને ધક્કો મારીને કહ્યું ચલો હવે આપણે જગ્યાનીય મજા લેવાની છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ભટકતી આત્મા આ રવિવારે એક દિવસની રજામાં પહોંચી ગઈ હતી, એક એવી જગ્યાએ જેના વિશે લોકોની વચ્ચે જાતભાતની માન્યતાઓ પ્રચલિત છે. કોઈ કહે છે, વન ડે પિકનિક કરવા અહીં જવાય જ જવાય, કોઈ કહે છે આ જગ્યા ભોગ લે છે! તો વિચાર્યું, જાતે જ જઈને જોઈ લઈએ, એમેંય હું સિંગલ આ વરસાદમાં ઘરમાં બેસીને એકલી એકલી કરીશેય શું!
હું મારી ઓફિસની ટીમ સાથે પહોંચી ગઈ હતી ઝાંઝરી વોટરફોલ. એવું વિચાર્યું હતું કે દિવસ જોરદાર જવાનો છે, ને એવું જ થયું. આ દિવસ આખી જિંદગી યાદ રહી જશે. એવા-એવા અનુભવો થયા કે મારી અંદરનો સાહસિક આત્મા પણ થોડીક વાર માટે તો ડરી જ ગયો હતો. જાણે કોઈ ફિલ્મની વાર્તા હોય એવો આ દિવસ પસાર થયો. ને છેલ્લે તો બધાને કહી જ દીધું કે 'જિંદગી ના મિલેગી દોબારા' ફિલ્મ છે ને આ આપણું જીવન છે. આટલા જોખમ ન લેવાય. આ દિવસની ચર્ચા તો ઓફિસમાં પણ કેટલાક દિવસો સુધી ચાલી. ચાલો માંડીને વાત કહું, એ એક દિવસની કે જયારે હું ઝાંઝરી વોટરફોલ જોવા ગઈ હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
મારી ઓફિસમાંથી વનડે પિકનિક જવાનું નક્કી થયું. રાત્રે 8 વાગ્યાની ન્યૂઝ ચેનલની ઉગ્ર ચર્ચાઓની જેમ ચર્ચા પછી ઝાંઝરી વોટર ફોલ જવાનું નક્કી થયું. એમ તો રવિવારે ઉઠવાનું જોર આવે, પણ ફરવા જવાના ઉત્સાહમાં વહેલી સવારે બધાય ઓફિસ નીચે ભેગા થઈ ગયા. સરસ મજાની ટેમ્પો ટ્રાવેલર આવી. પહેલા તો ઓફિસવાળા આટલી સરસ બસ લાવે, પૈસા ખર્ચે એ માન્યામાં જ ન આવે. પણ પછી ખબર પડી કે ભઈ આપણા માટે જ છે, તો ગોઠવાઈ ગયા. બહાર ઝરમર વરસાદ ચાલુ થયો. પણ અમે અમદાવાદની બહાર નીકળીએ એ પહેલા તો બધા જ ઊંઘી ગયા. વહેલા ઉઠ્યા હતા અને પછી આખો દિવસ મોજ-મસ્તીમાં કાઢવાનો હતો. એટલે એનર્જી પણ બચાવવાની હતી. હુંય ઊંઘી ગઈ.
એકાદ કલાક જેવો સમય પસાર થયો હશે ત્યાં મારી ઊંઘ ખુલી ગઈ. હજુ તો દેહગામ જ પહોંચ્યા હતા. અમારી બસ દહેગામથી બાયડના રસ્તે ચડી. રસ્તાની બંને બાજુએ લીલછમ ઝાડ અને ખેતરો દેખાયા. બહાર વરસાદ અને અંદર એસી, બારી પર ફોગ જામી ગયો, ફોગને લૂછીને બહારનું દ્રશ્ય ઝાંખું-ઝાંખું જોયું. વિચારીને જ એક્સાઈટમેન્ટ થઈ ગયું કે આજે ફરી એકવાર આ ભટકતી આત્માને રખડવા મળશે. કાળો ડામરનો રોડ, એના પર ગાડીની હેડલાઈટનો પ્રકાશ અને એમાં દેખાતાં વરસાદના છાંટા. બસ હવે આ દ્રશ્યમાં માત્ર એક જ કમી હતી કે મારા હાથમાં ગરમાગરમ કોફીનો કપ નહોતો. પણ એની વધારે રાહ ન જોવી પડી. રસ્તા પર એક જગ્યાએ નાના ઢાબા જેવી જગ્યાએ બસ ઉભી રહી અને બધા ચા પીવા માટે નીચે ઉતર્યા. આગળ હવે 10-15 મિનિટનો જ રસ્તો બાકી હતો. બસ પછી તો આવી ગયું ઝાંઝરી!!
ADVERTISEMENT
ત્યાં સુધીમાં તો અજવાળું પણ થઈ ગયું. બસમાંથી ઉતરીને સૌથી પહેલા ધ્યાન ખેંચ્યું ત્યાં ફરતા મોરે. પછી જોયું તો એક નહીં ઘણા મોર અહીં પાર્કિંગમાં ફરી રહ્યા હતા. શહેરોમાં આપણા ઘરની આસપાસ જેમ કબૂતર દેખાય એમ અહીં મોર દેખાયા. એવું લાગ્યું કે જાણે અમારા સ્વાગતમાં માટે કુદરતે પોતાના દૂત મોકલ્યા હોય! અહીંથી ઝાંઝરી વોટરફોલ જોવા માટે 3 કિલોમીટર ચાલવું પડ્યું. અહીં ઊંટની સવારી કરીને ધોધ સુધી પહોંચી શકાય પણ બધાએ ચાલીને જ જવાનું નક્કી કર્યું. કાચો રસ્તો, માટીવાળો... વરસાદને લીધે કીચડ પણ થઈ ગયું હતું, રસ્તામાં એક-બે જગ્યાએ હું લપસતાં-લપસતાં બચી.
તોયે મસ્તી તો ચાલુ જ હતી. ને એમ જ મસ્તીમજા કરતા અમે ધોધની નજીક પહોંચી ગયા. આખા રસ્તે મોરના અવાજે અમને કંપની આપી. આજે અમે બધા જ કામને ભૂલીને અહીં માત્ર અને માત્ર મજા કરવા આવ્યા હતા. નદી નજીક પહોંચ્યા એટલે ખુલ્લી જગ્યા આવી, દૂર ધોધનો અવાજ સંભળાયો... નદીનો પટ, મોટા-મોટા ખડકો, અને સામેથી વહેતી વાત્રક નદી. મનમાં થઈ ગયું, વાહ! What an Untouched Beauty of Nature! એટલામાં તો કોઈએ પાછળથી આવીને ટપલી મારીને કીધું કે હજુ ધોધ તો આગળ છે. પણ હું થોડી ચંચળ એટલે નદી પાસે જઈને પાણીમાં પગ બોળી લીધા. ત્યાંથી જરાક જ આગળ ચાલ્યા ત્યાં ઝાંઝરી ધોધ આવી ગયો. વાત્રક નદી અહીં ધોધ બની જાય છે.
અહીં બે જગ્યાએ ધોધ હતા, એક સાંકડો અને ઊંડો, બીજો પહોળો અને બધા સાથે સમય વિતાવાય એવો... પાણી એકદમ સાફ અને ઠંડુ હતું. બધાય વારાફરતી પાણીમાં ન્હાવા પડ્યા. એકબીજા પર પાણી ઉડાડ્યું, કોઈને પકડીને પાણીમાં નાખ્યા... આમને આમ જે લોકો સાથે કામ સિવાયની વાત ક્યારેય થતી જ નથી, એ બધાની જ જોડે ભરપૂર મસ્તી થઈ ગઈ. હું થોડીવાર પાણીમાં રમીને પછી કિનારે બેસી ગઈ, પાણીમાં પગ બોળીને. હવે ભૂખ લાગવા લાગી હતી.
અહીં મેગી અને મકાઈના સ્ટોલ પણ ખુલી ગયા હતા. તાડપતરી બાંધીને બનાવેલા આ સ્ટોલ અહીંના સ્થાનિકો ચલાવે છે. બધા જ પાણીમાં રમતા હતા, કોઈનો ઈરાદો હજુ પાણીમાંથી બહાર આવવાનો લાગતો ન હતો, એટલે મેં મારા માટે એક પ્લેટ મેગીનો ઓર્ડર આપ્યો. હું મસ્ત શાંતિથી બેઠી-બેઠી મેગી ખાતી હતી ને બે લોકો આવીને મને ખેંચીને પાણીમાં લઈ ગયા. એમની જોડે થોડીવાર પાણીમાં મસ્તી કરી. સાહસિક પ્રકૃતિના બે જણા પેલા સાંકડા અને ઊંડા ધોધ પાસે ગયા અને તેમને થયું કે અહીંથી નીચે પાણીમાં જંપ કરીએ, મોટું ક્લીફ જમ્પિંગ નહીં તો નાનું ક્લીફ જમ્પિંગ તો કરીએ. એમને એય ખબર ન હતી કે નીચે પાણી કેટલું ઊંડું છે. પણ તોયે સાહસ કરીને કૂદકો માર્યો ને એમ કરવામાં એકનું તો માથું ફૂટતા બચ્યું.
ખતરો કે ખિલાડી બનવું પડ્યું ભારે
એ લોકો પાણીમાંથી બહાર આવ્યા ન આવ્યા, ત્યાં તો વરસાદ ચાલુ થઈ ગયો... ધોધમાર વરસાદ... એટલે તરત જ બધા ભૂલી ગયા કે હમણાં જ કોઈ માંડ-માંડ બચ્યું છે. બધા પાણીમાં મોજ મસ્તી કરવા લાગી ગયા. ને એમાં કોઈ ધ્યાન રહ્યું નહીં અને નદીમાં પાણી વધી ગયું. હવે ધોધનું પાણી અમને ખેંચવા લાગ્યું હતું, એટલે બધા પાણીમાંથી બહાર આવી ગયા. પણ હવે બીજો ખેલ થયો... પેલા સાહસિક ઓછા હતા તો બીજા 3 જણાને પણ સાહસનો કીડો કરડ્યો હતો તે સામેની બાજુએ જતા રહ્યા. પણ પાણીનું સ્તર વધ્યું ત્યારે તેમને આ બાજુ આવવું અઘરું પડવા લાગ્યું. પાછું પથ્થરો પણ લપસણા હતા. બીક લાગવા લાગી પણ હવે પાણી વધે એ પહેલા આ લોકોને બહાર કાઢવાના હતા, એટલે સ્થાનિક લોકોની મદદ લઈને પેલી બાજુ રહેલા ત્રણેય લોકોનું રેસ્ક્યુ કરી લીધું. કમર સમાણી પાણી ભારે કરંટ સાથે વહેતું હતું, ને એ પાણીમાંથી આ લોકોને બહાર કાઢ્યા પછી બધાએ રાહતનો શ્વાસ લીધો. અને પછી બધાએ કાન પકડ્યા કે હવે ખતરો કે ખિલાડી નથી બનવું અને આવું સાહસ તો જરાય ન નથી કરવું.
મેગી-મકાઈ અને ચા...
મસ્ત વરસાદ હોય ત્યારે તો મકાઈ ખાવા માટે સ્પેશિયલ બહાર નીકળતા હોય ને હવે જયારે મકાઈ સામે જ હોય તો ખાવી તો પડે જ. એમાય એકને પહાડોવાળી મેગી યાદ આવી, એટલે પછી મેગીનો પણ વારો ચઢી ગયો. ચાલુ વરસાદમાં ચાના સ્ટોલની નીચે ઉભા રહીને ચાની મજા પણ માણી. લગભગ સાંજ પડવા આવી હતી, પણ આવા વાતાવરણમાં ને મોજ-મસ્તીમાં કોઈને અહેસાસ પણ ન થયો. હવે વરસાદ પણ થોડો ધીમો પડી ગયો હતો. આ સંકેત હતો, અહીંથી નીકળવાનો. ફરીથી બધા આવ્યા એ જ રસ્તે પાછા ચાલવા લાગ્યા, સવારે આવ્યા ત્યારે ભરપૂર એનર્જી હતી અને અત્યારે પાછા જવાના સમયે બધા થાકેલા હતા. જે લોકો પર આજે જીવનું જોખમ આવી પડેલું, એ લોકોની તો હાલત ખરાબ હતી, એ વિચારીને કે ખબર નહીં શું થઈ જતે. આખો એક કલાક લાગ્યો પાછા પાર્કિંગ સુધી જતાં.
પાછા બધા ટેમ્પોમાં ગોઠવાઈ ગયા. ટેમ્પો ચાલ્યો પાછો અમદાવાદના રસ્તે. રસ્તામાં એક નાના ઢાબા પર બેસીને સાદું ગુજરાતી ભોજન પણ કર્યું. ને પછી તો બધા જ થાકીને ઠુસ થઈ ગયા અને ઊંઘી ગયા. કોઈને પણ ખબર ન પડી કે અમદાવાદ આવી ગયું. ડ્રાઇવરે ઉઠાડ્યા ત્યારે ખબર પડી કે ઓફિસ પહોંચી ગયા છીએ. બધાય ટેમ્પોમાંથી ઉતરીને એકબીજાને બાય કહીને પોતપોતાના ઘરે જવા નીકળી ગયા. હું પણ મારા ઘરે પહોંચી ગઈ. ફ્રેશ થઈને પથારીમાં પડી ત્યારે આખો દિવસ ફિલ્મના સીનની જેમ આંખો સામે ફરવા લાગ્યો. સરસ મજાનું નાનું ઝરણું, વહેતી નદી... મોરલા... વરસાદ... મેગી... ચા... પછી આવ્યો એ સીન કે જ્યાં બે વાર લોકોના જીવ જોખમાયા. આખું જીવન આ પિકનિક યાદ રહી જશે.
ઝાંઝરી ધોધ મારા માટે માત્ર એક પિકનિક નહોતી પણ પ્રકૃતિ સાથે જોડાવાની તક હતી. હરિયાળી, શાંત વાતાવરણ અને આખા દિવસમાં થયેલા એ અનુભવોએ તેને ખાસ બનાવી દીધી. જો તમે પણ પ્રકૃતિ પ્રેમી છો અને અમદાવાદ નજીક ફરવા માટે કોઈ નવી જગ્યા શોધી રહ્યા હોવ, તો ઝાંઝરી વોટરફોલ જવું જોઈએ. હું ભટકતી આત્મા આ જગ્યાને ચોમાસામાં એકવાર એક્સ્પ્લોર કરવા માટે ફૂલ પોઈન્ટ્સ આપીશ, પણ સાથે જ મારી સલાહ યાદ રાખવી કે મોજમજા કરવાના ચક્કરમાં જીવને જોખમમાં ન મૂકતા. અહીં લપસી જવાય એવી જગ્યાઓ પણ છે એટલે ધ્યાન રાખવું. ઊંડા ધોધમાં ન્હાવા ન પડવું. અહીંના સ્થાનિકો પણ ઊંડા ધોધમાં જવાની ના પાડે છે. આ એવી જગ્યા છે કે જ્યાં પરિવાર સાથે, મિત્રો સાથે કે ઓફિસની ટીમ સાથે પિકનિક કરવા જઈ શકાય. ઘરેથી ખાવાનું લઈ જઈને પણ અહીં બેસીને ખાવાની મજા આવી જશે. નાના બાળકોને લઈને જાઓ, તો એમનું ખાસ ધ્યાન રાખવું અને વડીલોને જેમને ચાલવામાં તકલીફ પડતી હોય એમને આ જગ્યાએ ન લઈ જવા. અહીંની એક ખાસ વાત એ છે કે જો બાઇકથી અહીં આવવું હોય તો વધારે ચાલવું નહીં પડે. એક શોર્ટકટ છે જે ઝરણાની ખૂબ જ નજીક સુધી લઈ જાય છે. એ શોર્ટકટ ઘણા લોકોને ખબર નથી એટલે સ્થાનિકોને પૂછી લેવાનો.
સંકળાયેલા મુદ્દાઓ
ભટકતી આત્મા is a passionate travel blogger and shares her exploration around India only on VTV Digital.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.