બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / ચોમાસામાં આ રીતે કરો મહારાષ્ટ્રની રાઉન્ડ ટ્રીપ, વરસાદની સાથે લીલોતરીનો આનંદ અને બજેટ પણ ઓછું
ભટકતી આત્મા
Last Updated: 11:19 AM, 6 July 2025
સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો એટલે થોડી સાવચેતી રાખીને ડ્રાઈવ કર્યું. એક તો આખો રસ્તો પહાડી, ક્યાંક ક્યાંક રસ્તાની એક બાજુ ખીણ અને એક બાજુ પહાડ આવે, ક્યાંક બંને બાજુ પહાડ હોય, ઢોળાવવાળો સર્પાકાર રસ્તો… બંને બાજુ વરસાદને લીધે લીલાછમ ઝાડ અને ગાઢ જંગલો… અને વચ્ચે ક્યાંક-ક્યાંક વરસાદને લીધે સક્રિય થઈ ગયેલા ઝરણાઓ… નાના-મોટા નજીક-દૂર એમ કેટલાય ઝરણાઓ આવ્યા રસ્તામાં. સાથે જ વરસાદ તો ખરો જ. આંખોની સામે કાળા ડામરના રોડ પર પડતો વરસાદ, સતત ચાલી રહેલા વરસાદને લીધે સતત ચાલતું ગાડીનું વાઇપર, ગાડીના પતરાં પર વરસાદના છાંટા અથડાતા આવતો અવાજ, દિવસે પણ સાંજ જેવું અંધારું, ઘેરાયેલા કાળા ભમ્મર વાદળો અને રસ્તાની બંને બાજુ માત્ર અને માત્ર લીલોતરી… વચ્ચે-વચ્ચે ઉભા રહી જવાનું ભારે મન થતું હતું. પણ એમ કંઈ રસ્તાની વચ્ચે થોડી ઉભું રહી જવાય. તોય જ્યાં ઉભા રહેવાય એવું હતું, ત્યાં ઉભા રહીને ગાડીમાંથી ઉતરીને ધોધ અને વરસાદની મજા જરૂર માણી.
ADVERTISEMENT
આ વાંચીને તમને પણ આવા રસ્તા પર ડ્રાઈવ કરવા જવાની ઇચ્છા થઈ ગઈ ને! તો જો જાણવું હોય કે આવો રસ્તો ક્યાં છે, તો છેલ્લે સુધી વાંચજો. જવાબ મળી જશે.
ADVERTISEMENT
આ વખતે હું ભટકતી આત્મા ગાડી લઈને નીકળી પડી હતી, મહારાષ્ટ્ર ફરવા માટે. માથેરાન ફરીને આવી ત્યારથી જ ઇચ્છા હતી કે મહારાષ્ટ્રની બીજી જગ્યાઓ પણ જોવી જ છે. એટલે જ આ વખતે સાત દિવસનો સમય લઈને મહારાષ્ટ્ર ફરવા નીકળી પડી. અને મારી ટ્રીપના છેલ્લા દિવસોમાં મને જે દ્રશ્યો જોવા મળ્યા કે મારી આ ટ્રીપ સફળ થઈ ગઈ. અમદાવાદથી નીકળીને સૌથી પહેલા નાસિક જવાનું નક્કી કર્યું. ગાડી વહેલી સવારે ઉપડી ગઈ હતી એટલે સૂરજદાદા આથમે એ પહેલા તો નાસિક પહોંચી ગઈ. ત્યાં રિસોર્ટમાં રોકાઈ. રૂમમાં જઈને ફ્રેશ થઈને જમીને થોડીવાર બેઠા ત્યારે પછી રિસોર્ટવાળા સાથે થોડી વાતો કરી. એ ભાઈએ નાસિકના ઇતિહાસ વિશે અને રામાયણ સાથેના કનેક્શન વિશે થોડું જણાવ્યું. પછી તો બધા પોતપોતાના રૂમમાં જઈને ઊંઘી ગયા.
ADVERTISEMENT
ADVERTISEMENT
બીજા દિવસે સવારે વહેલા ઉઠીને હું પહોંચી ગઈ, રામકુંડ. રામકુંડને વારાણસીના ગંગા ઘાટ જેટલું જ પવિત્ર માનવામાં આવે છે. અહીં ઘણા લોકો સ્નાન કરતા દેખાયા. અમે પણ રામકુંડમાં પગ બોળી લીધા અને માથે પાણી ચઢાવી લીધું. ત્યારે જ નજર પડી એક 70-75 વર્ષના વડીલ કપલ પર, જેઓ ઘાટ પાસે બેસીને કરતાલ લઈને ભજન કરતાં હતા, એટલે અમે પણ તેમની સાથે ભજન કરવા બેસી ગયા. પછી અમે ઉભા થઈને ગરબા રમવા લાગ્યા, તો એમાં લોકો જોડાઈ ગયા. એટલે ગુજરાતી હોવાનો ગર્વ થયો કે આપણે કોઈને પણ ગરબા રમાડી શકીએ. ત્યાંથી નીકળીને પહોંચી ગયા કાલારામ મંદિર.
ADVERTISEMENT
રામ નગરી તરીકે જાણીતા નાસિકની યાત્રા કાલારામ મંદિરના દર્શન વિના અધૂરી છે. અહીં ભગવાન રામની મૂર્તિ કાળી છે એટલે પણ આ મંદિરને કાલારામ મંદિર કહેવાય છે. ભગવાન રામના આશીર્વાદ લઈને પછી ગયા પંચવટી અને પછી સીતા ગુફા. આ એ જ જગ્યા છે કે જ્યાંથી રાવણે સીતાનું અપહરણ કર્યું હતું. સીતાગુફા ખૂબ જ સાંકળી અને નાની છે, એટલે જરા ગભરામણ જેવું થયું, પણ ફટાફટ અંદર જઈને બહાર આવી ગઈ. એટલે મારી સલાહ છે કે જો નાની જગ્યામાં ગભરામણ થતી હોય તો સીતાગુફામાં અંદર ન જતા.
ADVERTISEMENT
ત્યાંથી નીકળીને નાસ્તો કરીને ગયા સરાફ બજાર. આ એક જૂનું ઝવેરાત બજાર છે, જ્યાં લાકડાના બનેલા જૂના ઘરો છે, સાંકડી ગલીઓ છે. જોઇને જૂનું અમદાવાદ અને ત્યાંની પોળો યાદ આવી ગઈ. એક સુંદર મજાના ઘરને જોતી હતી, ત્યાં તો સાયકલ પર જતા એક દાદાએ મારું ધ્યાન ખેંચ્યું, તેમણે પરંપરાગત મહારાષ્ટ્રીય ટોપી અને ધોતી અને કાળો કોટ પહેરી હતી, સાયકલ પર રેડિયો લટકાવેલો હતો, જેમાં કોઈ મરાઠી ગીત વાગતું હતું. આ ગલીઓમાં આગળ નીકળીને સરકારવાડા ગયા. આપણા ઇતિહાસની અને દેશની આઝાદી માટેના સંઘર્ષની ઝલક જોવા મળી. અંગેજોએ 1818 અહીં ખોદકામ કર્યું ત્યારે આ વાડામાંથી 38 લાખના કિંમતના ઘરેણાં મળી આવ્યા હતા. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આ વાડો અનંત કાન્હેરે જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓને કેદ કરવા માટે જેલ પણ બની ગયો હતો.
નાસિકમાં ભારતની 50% વાઇન બને છે. અહીં 300 થી વધુ વાઇનરી છે અને તેને ગ્રેપ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં વાઇન પ્રોડક્શન પ્રોસેસ અને વાઇન ટેસ્ટિંગ માટે વાઇનરી જઈ શકાય છે. જો તમારે પણ જવું હોય તો સુલા વાઇનયાર્ડ્સ ઘણી જાણીતી જગ્યા છે. મારે બીજી જગ્યાઓ જોવી હતી એટલે હું ત્યાં ન ગઈ.
પછી અમે પહોંચી ગયા ગંગાપુર ડેમના બેકવોટરમાં આવેલા MTDC બોટ ક્લબમાં. અહીં અમે અમારા દિવસનો અંત સુંદર સૂર્યાસ્ત જોઈને કર્યો. એક બાંકડા પર બેસીને સામે શાંત પાણી જોયું, આથમતો સૂર્ય જોયો અને ડિનર કર્યું. જો તમને શાંત જગ્યાઓ ગમતી હોય તો અહીં ચોક્કસ જવું જોઈએ. અહીં ચોમાસાને લીધે બોટિંગ બંધ હતું, પણ બાજુમાં બેસેલા એક યુવાન કપલનો નાનકડો દીકરો પાણીમાં જવાની જિદ્દ કરી રહ્યો હતો. મેં એને બોલાવ્યો અને ચોકલેટ આપીને સમજાવવાની કોશિશ કરી, તો માની પણ ગયો.
બીજા દિવસે અમે વહેલી સવારે અંધારે ઉઠીને પહોંચી ગયા ત્રંબકેશ્વર જ્યોતિર્લીંગના દર્શન માટે. એમ તો અહીં દર્શન કરવા માટે લાંબી લાઈન લાગે છે પણ વરસાદ ચાલુ હતો એટલે લાઇન ઓછી હતી અને અમે અજવાળું થાય એ પહેલા તો દર્શન કરી લીધા. આ પછી ગ્રેપ એમ્બેસીમાં દ્રાક્ષના વેલા નીચે બેસીને મિસળ ખાધું.
મહારાષ્ટ્ર આવો અને મિસળ ન ખાઓ તો કેમ ચાલે. જો નાસિક જાઓ તો અંબિકા રેસ્ટોરન્ટ, ગ્રેપ એમ્બસી જેવી જગ્યાઓનું મિસળ જરૂર ટ્રાય કરજો. આ સિવાય જૂના શહેરમાં સમર્થ જ્યુસ સેન્ટરનું નાસિકનું ફેમસ ડ્રિંક પાઈનેપલ શરબત, ભદ્રકાળીમાં આવેલી મીઠાઈની દુકાનમાં જલેબી રબડી પણ જરૂર ટ્રાય કરવી જોઈએ.
ત્યાંથી એક કલાકની ડ્રાઈવ જેટલે દૂર સિન્નરમાં ગોંડેશ્વર મહાદેવનું મંદિર છે. ત્યાં મંદિરના દર્શન કર્યા. અહીં પહોંચ્યા તો એવું લાગ્યું કે જાણે કોઈ હિસ્ટ્રી બુકના પાના જીવી રહ્યા હોઈએ. આ પ્રાચીન શિવ મંદિર 1000 વર્ષથી વધુ જૂનું છે, જે યાદવ કાળ દરમિયાન પંચાયતન શૈલીમાં બંધાયું હતું. ગોંડેશ્વર મંદિરથી નીકળીને થોડો સમય વિન્ડમિલ જોવા રોકાઈ ગયા. ધીમો-ધીમો વરસાદ ચાલુ હતો, રસ્તાની આસપાસ ઊંચા નીચા મેદાનો, આ મેદાનો પર લગાવેલી પવન ચક્કી. જાણે કોઈ પિક્ચરની સીન હોય એવું દ્રશ્ય આંખોની સામે દેખાઈ રહ્યું હતું.
આ સુંદર દ્રશ્યને મન ભરીને માણ્યા પછી નીકળી ગયા ભીમાશંકર જવા. 6 કલાકના ડ્રાઇવ પછી પહોંચ્યા ભીમાશંકર, ત્યાં સુધીમાં અંધારું થઈ ગયું હતું. અહીં ફક્ત એક જ રાત રોકાવાનું હતું એટલે રોડની બાજુમાં એક ફેન્સિંગવાળી જગ્યા શોધીને ટેન્ટ લગાવી દીધા. બાજુમાં જ એક ખાલી ઝુંપડા જેવી જગ્યા હતી, તેની નીચે તાપણું કર્યું અને મેગી બનાવી લીધી. મેગી ખાઈને ઊંઘી ગયા. વહેલી સવારે ઉઠીને અંધારામાં જ ભીમાશંકર મંદિર પહોંચી ગયા, દર્શન પણ થઈ ગયા. લગભગ 325 પગથિયાં ઉતરીને દર્શન માટે પહોંચ્યા. અહીં પણ વહેલી સવારે જ દર્શન થઈ ગયા. અહીંથી ગયા ગુપ્ત ભીમાશંકર. અઢી કિલોમીટરનો જંગલનો રસ્તો. ટ્રેકિંગ કરીને પહોંચ્યા ગુપ્ત ભીમા નદીના ઉદ્ગમ સ્થાન પર. અહીં નાનું ઝરણું છે, નાનું શિવલિંગ છે. ગુપ્ત ભીમા નદીમાં સ્નાન કર્યું, આ વખતે તો ઝરણા નીચે ઉભા રહીને મંદાકિની બની જ ગઈ. પાણીમાં ભરપૂર મજા કરી એટલે ભૂખ લાગી ગઈ. મને સવારે નાસ્તા જોડે કોફી જોઈએ, એટલે અમે ચા-કોફી નાસ્તો કરવા એક નાના ભોજનાલય પહોંચ્યા. પણ કોફી ન મળી. પછી તો આખા ભીમાશંકરમાં શોધ્યું પણ કોફી ન મળી. પછી થોડું મગજ દોડાવીને એક મિત્રએ બેગમાંથી કોફીનું નાનું પાઉચ કાઢ્યું અને ગરમ દૂધ મંગાવીને કોફી કરી.
નાસ્તો કરીને ગયા જંગલમાં મંગલ કરવા. ભીમાશંકરમાં બર્ડ સેન્ચ્યુરી છે. હવે કલ્પના કરો એવા દ્રશ્યની કે સવારનો સમય હોય, વાતાવરણમાં પણ વરસાદ પડ્યા પછીની ઠંડક હોય, અને રસ્તા વચ્ચે ઉભા હોવ અને શાંત વાતાવરણમાં વચ્ચે-વચ્ચે કોઈ પક્ષીનો અવાજ આવતો હોય. બસ આવું જ દ્રશ્ય મને આંખો સામે દેખાયું. પક્ષીનો અવાજ તો આવતો હતો પણ જંગલમાં ચારે બાજુ નજર કર્યા પછી પણ પક્ષીઓ ન દેખાયા. એવું લાગ્યું કે જાણે આ પક્ષીઓ મને ચીઢવી રહ્યા હતા. પછી ગયા નજીકમાં આવેલા બોમ્બે પોઈન્ટ. અહીં મસ્ત વાદળછાયું વાતાવરણ હતું, ત્યાં મૂકેલા બાંકડા પર બેસીને સામે સહ્યાદ્રી પર્વતમાળા જોઈ. પહાડો, ખીણ, વાદળોની આ તસવીર મનમાં છાપી લીધી. અહીં સારો એવો સમય પસાર કરીને અમે નીકળી પડ્યા અમારી આગામી મંજિલ પર જવા માટે.
ભીમાશંકરથી પુને પહોંચતા લગભગ ચાર કલાક લાગી ગયા. અહીં છેક કાતરજ એટલે પુણેના છેડે જઈને રોકાયા. અહીં રાત પસાર કરીને સવારે ઉઠીને બુધવાર પેઠમાં સ્થિત દગડુશેઠ હલવાઈ મંદિરમાં ગણપતિ બાપ્પાના દર્શન કરીને દિવસની શરૂઆત કરી. વહેલી સવારે ગયા હતા, એટલે દર્શન પણ ફટાફટ થઈ ગયા. એક સિક્રેટ વાત કહું! કોઈ પણ મંદિરના દર્શન કરવા હોય તો વહેલી સવારે પહોંચી જવાનું, દર્શન કરવામાં વધારે વાર નહીં લાગે, લાંબી લાઈનો નહીં મળે.
દગડુશેઠ હલવાઈ મંદિરનો ઇતિહાસ લગભગ બધાને જ ખબર હશે, પણ શું તમને એ ખબર છે કે આ પહેલી એવી મૂર્તિ છે કે જેનો 1 કરોડ રૂપિયાનો ઇન્શ્યોરન્સ છે! ગણપતિ બાપ્પાના દર્શન કરીને શનિવાર વાડા ગયા, ચાલીને અહીં પહોંચવામાં ફક્ત 5 મિનિટ લાગે છે. બહાર મોટો ભવ્ય ગેટ, કિલ્લાની અંદર સરસ મજાનો બગીચો જોઈને બાજીરાવ મસ્તાની ફિલ્મ યાદ આવી ગઈ. આ ઐતિહાસિક સ્થળ આપણા દેશના ઇતિહાસનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ પ્રકરણ છે, જ્યાંથી પેશ્વાઓએ અફઘાનિસ્તાનથી લગભગ સમગ્ર ભારત સુધી મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. એવું કહેવાય છે કે શનિવારવાડાનું કામ જે દિવસે પૂરું થયું એ દિવસે શનિવાર હતો અને જે દિવસે વાસ્તુ શાંતિ હવન કરાવ્યો એ દિવસે પણ શનિવાર હતો, એટલે આ જગ્યાનું નામ શનિવારવાડા રાખવામાં આવ્યું.
શનિવારવાડા જોઇને બહાર નીકળ્યા ત્યાં તો બપોર ચઢી ગઈ હતી અને મને કકડીને ભૂખ લાગી હતી. અમે સીધા જ પહોંચી ગયા પુણેના વૈશાલી રેસ્ટોરન્ટમાં. આ રેસ્ટોરન્ટ સાઉથ ઇન્ડિયન ફૂડ માટે ખૂબ પ્રખ્યાત છે. જમીને ચિતલે બંધુ મીઠાઈવાલાથી ભાખરવડી લીધી. હા, આ એ જ ભાખરવડીની વાત કરું છું કે આખા દેશમાં ફેમસ છે.
પછી અમે થોડો આરામ કરીને પાર્વતી હિલ્સ ગયા, જ્યાંથી આખા પુણે શહેરનો 360 ડિગ્રી નજારો જોવા મળે છે, લગભગ 100 પગથિયાં ચઢીને અહીં પહોંચ્યા પછી ટેકરી પરથી સુંદર સૂર્યાસ્ત જોયો. શહેરના શોરબકોરથી દૂર બેસીને શહેરને જોયું. સુર્યાસ્ત થયો અને શહેરમાં લાઈટો ઝળહળી ઉઠી. દૂર બેઠા-બેઠા તો જાણે એવું જ લાગ્યું કે શહેરમાં દિવાળીની રોશની કરી હોય. બધા જ શાંતિથી બેઠા હતા, કોઈ કશું જ બોલતું ન હતું, અહીંથી કોઈને જવાનું મન જ નહોતું થતું. બધા જ આ દ્રશ્ય જોવામાં મશગૂલ હતા, ત્યાં તો વરસાદના છાંટા પડવા લાગ્યા. એટલે બધા જ ફટાફટ દોડીને નીચે ઉતરી ગયા. ગાડીમાં બેસીને મેપમાં નાખ્યું કટકીર મિસળ. અહીં મિસળ ખાઈને હોટલ જઈને ઊંઘી ગયા.
બીજા દિવસની શરૂઆત કરી 1935માં શરૂ થયેલા પુણેના ઈરાની કાફે - કાફે ગુડલકથી. અહીં નાસ્તો કરીને ખબર પડી કે કેમ આ રાજેશ ખન્ના, દેવાનંદ, ડેવિડ ધવન જેવા સેલિબ્રિટીનું ફેવરિટ કેફે છે. નાસ્તો કર્યા પછી કેમ્પ એરિયામાં આવેલી કયાની બેકરીથી નાનખટાઈ ખરીદી. આ વિસ્તારમાં આસપાસ ઘણી જૂની બિલ્ડિંગ જોવા મળી, જેનું આર્કિટેક્ચર જોઈને એવું લાગ્યું કે કોઈ બીજા જ દેશમાં પહોંચી ગઈ છું.
આના પછી અમારા લિસ્ટમાં હતું આગા ખાન પેલેસ. જયારે પણ પુણેમાં હોવ ત્યારે આ જગ્યાની મુલાકાત લેવી જ જોઈએ. આ જગ્યાનો ઇતિહાસ આપણા દેશની આઝાદી સાથે જોડાયેલો છે. ‘ભારત છોડો આંદોલન’ દરમિયાન ગાંધીજી, કસ્તુરબા, સરોજીની નાયડુ જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓને કેદ કરવામાં આવ્યા હતા. આગા ખાન પેલેસનું આર્કિટેક્ચર ઇન્ડો-સેરેનિક સ્ટાઈલમાં છે. બહાર મોટું ગાર્ડન અને વચ્ચે ફુવારો છે. જાણે કોઈ જૂના પિકચરનો સેટ હોય. ત્યાંથી બહાર નીકળીને નજીક જ એક ગાર્ડન વડા પાવ નામનું એક ખૂબ જ પ્રખ્યાત વડા પાવ જોઈન્ટ છે જ્યાં અમે ગરમ ગરમ સ્વાદિષ્ટ વડા પાવ ખાધા.
અમારું પુણે યાત્રાનું છેલ્લું સ્થાન મહાદજી શિંદે છત્રી હતું જે મરાઠા સેનાના સુપ્રસિદ્ધ સેનાપતિને શ્રદ્ધાંજલિ આપવા માટે બનાવવામાં આવ્યું છે. અહીં એન્ટ્રી ફી 10 રૂપિયા છે. આ સ્થળો ઉપરાંત નાના વાડા, વિશ્રામબાગ વાડા, ભીડે વાડા જોઈ શકો છો અને સુજાતા મસ્તાની, શબરી થાળી, બેડેકર મિસળ, બિપિન સાબુદાણા ખીચડી જેવી જગ્યાએ જઈને નવી નવી વાનગી ટ્રાય કરી શકો છો. અમારો દિવસ પૂરો કરીને અમે નવા દિવસની રાહ જોવા લાગ્યા. પુણેમાં અમને એટલો વરસાદ ન મળ્યો, એટલી મજાથી ફરી લીધું.
બીજા દિવસે સવારે ઉઠીને નીકળી પડ્યા પુણેથી લોનાવાલા જવા. પુણેથી લોનાવાલા જો તામ્હીની ઘાટના રસ્તે જાઓ તો મજા આવી જાય. હા, બીજા રસ્તેથી પણ લોનાવાલા જઈ શકાય, પણ અમારે તામ્હીની ઘાટ પર ચોમાસામાં સક્રિય થઈ ગયેલા ધોધ જોવા હતા એટલા માટે લાંબો રસ્તો લીધો. આ જ રસ્તા વિશે મેં શરૂઆતમાં વાત કરી.
ભારે વરસાદ અને વાદળોને લીધે વિઝિબિલીટી ઓછી હતી. તો પણ અમે લોનાવાલા પહોંચી તો ગયા જ. બપોર સુધીમાં લોનાવાલા પહોંચ્યા પણ અહીં પણ વાતાવરણ તો એવું જ હતું કે જાણે સાંજ પડી ગઈ હોય. જો વરસાદમાં બાઈક પર આ રસ્તે નીકળો તો એલર્ટ રહેજો, રસ્તા પર ઓછું દેખાશે એટલે સાવચેતીથી બાઈક ચલાવજો. આવા વરસાદી વાતાવરણમાં કાર ચલાવવી રિસ્કી પણ રિસ્કી છે, તો ગાડી સ્પીડમાં ના ભગાવતા.
લોનાવાલા પહોંચીને અમે સીધા ગયા ટાઈગર પોઈન્ટ પર, અહીં પણ વરસાદ તો ચાલુ હતો, સામે વાદળો જ વાદળો દેખાય… એમ તો અહીંથી પણ પર્વતોનો નજારો જોરદાર દેખાય, પણ વાદળોને લીધે કશું દેખાયું નહીં, પણ તોય મજા તો આવી જ ગઈ. વાદળ અને ધુમ્મસ ન હોય ત્યારે મસ્ત પહાડો અને લીલાછમ જંગલો જોવા મળે. ટાઈગર પોઈન્ટ પર ચાલુ વરસાદમાં બાફેલી મક્કાઈ ખાવાનીયે મજા આવી. પહાડી ઢોળાવો પર મસ્ત સર્પાકાર વળાંકોવાળા રસ્તા પર ડ્રાઈવ કરવાની પણ મજા આવી. ટાઈગર પોઈન્ટથી નીચે આવતા રસ્તામાં એક નાની દુકાન દેખાઈ, ત્યાં બેસીને ગરમાગરમ મેગી ખાધીને ચા પીધી.
લોનાવાલા લેક સુધી પહોંચતા વચ્ચે એક નાનો વોટર ફોલ પણ જોવા મળ્યો. લોનાવાલા પાવના લેક પર કેમ્પિંગ કર્યું અને રાત અહીં જ રોકાઈ ગયા. રાતે વરસાદ બંધ થઈ ગયો હતો ત્યારે કેમ્પ ફાયર પણ કર્યું. મોડી રાત સુધી કેમ્પ ફાયરની સામે બેસી રહ્યા અને ગેમ્સ રમી. પછી બધા પોતપોતાના ટેન્ટમાં ઘૂસીને ઊંઘી ગયા. એમ તો રોજ સવારે ઊઠવામાં બહુ જોર આવે. પણ એ સવારે મારી આંખો આપમેળે જ ખૂલી ગઈ. ટેન્ટની ઝિપ ખોલીને બહાર આવીને તો આખું જીવન યાદ રહી જાય, એવું દ્રશ્ય મારી રાહ જોતું હતું. આંખ ખોલતાની સાથે જ સામે તળાવ દેખાયું, તળાવની પેલે પાર ડુંગરાઓ અને આ ડુંગરાઓની વચ્ચેથી ધીમેધીમે બહાર આવતા સુરજદાદા. સવાર-સવારમાં આટલું સુંદર દ્રશ્ય જોવા મળે, તો આખો દિવસ કેટલો મસ્ત જાય! થોડીવારમાં તો આખો સૂરજ બહાર આવી ગયો, પણ ચોમાસાના વાદળાઓ હતા, એટલે સુરજદાદા થોડી-થોડીવારે સંતાકૂકડી રમતા હતા.
ઘડી વાર તો આ દ્રશ્યને મન ભરીને જોયા જ કર્યું, પછી જેમ શાંત તળાવમાં કોઈ પથ્થર નાખે ને વમળો ઉઠે એમ મારા વિચારો ચાલુ થયા, કે જો રોજ આવી જ સવાર પડે તો! રોજ સવારે આંખો ઉઘાડું ને આવું જ કોઈ દ્રશ્ય આંખો સામે આવે તો!! મન તો આવા વિચારોમાં જ ખોવાયેલું હતું કે બાજુના ટેન્ટમાંથી બહાર આવીને એક મિત્રએ કહ્યું કે પેકિંગ કરવાનો ટાઈમ થઈ રહ્યો છે, તૈયાર થઈ જા. ત્યારે હું વિચારોમાંથી રિયાલીટીમાં આવી કે વેકેશન ખતમ અને ફરીથી નોકરી ચાલુ. પણ હું મારી આ લોનાવાલામાં પડેલી સુંદર સવાર ક્યારેય નહીં ભૂલું…
આ પણ વાંચો: ચોમાસામાં ચાલો કેરળ, 7 દિવસમાં ફરી લેવાશે સ્વર્ગ જેવી જગ્યાઓ, પણ ધ્યાન રાખજો!
આ અમારો છેલ્લો દિવસ હતો, ચોમાસાના મીની વેકેશનનો. બીજા દિવસે નોકરી પર જવાનું છે, ફરીથી રાબેતા જીવન શરૂ થઈ જશે. એવો વિચાર આવ્યો કે હંમેશા ફરતા જ રહીએ તો કેવું? રોજ નવી જગ્યાએ સવારે પડે તો કેવી મજા આવે? બપોર સુધીમાં બધા જ ગાડીમાં ગોઠવાઈ ગયા અને બધાના જ ચહેરા પર અમારી ટ્રીપ પૂરી થવાનો અફસોસ અને દુઃખ દેખાઈ રહ્યું હતું. પણ બધાને થોડા ચીયર કરીને ઘરે પહોંચવા માટેનો રસ્તો કાપવા લાગ્યા. એક સરસ મજાનું પિક્ચર ખતમ થઈ ગયું હોય ત્યારે જેવો અનુભવ થાય, એવી જ કોઈ ભાવનાઓ અમારા મનમાં પણ ચાલી રહી હતી. પણ ફિલ્મના શોખીન હોવાને લીધે, ‘પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત’ કરતા-કરતા, આગામી ટ્રીપનો પ્લાન કરતા-કરતા, છેલ્લા 6 દિવસોમાં બનાવેલી નવી યાદોને વાગોળતાં-વાગોળતાં અડધી રાત સુધીમાં ઘરે પાછા પહોંચી ગયા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.