બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગુજરાતભરમાં ખેડૂતોનું આંદોલન તેજ બન્યું, ખેડૂતો મોટી સંખ્યામાં ટ્રેક્ટર લઈને ગાંધીનગર તરફ રવાના
Last Updated: 09:41 PM, 14 June 2026
ગુજરાતભરમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને હવે આંદોલન વધુ તેજ બનતું જોવા મળી રહ્યું છે. વર્ષોથી પડતર રહેલા પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે ખેડૂતો હવે ટ્રેક્ટર રેલી મારફતે ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા માટે એકજૂથ થઈ રહ્યા છે. વીજ લાઈનો માટે ખેતરોમાં ઉભા કરવામાં આવતા હેવી વીજ પોલનું યોગ્ય વળતર, જમીન ભાડું, પાકના પોષણક્ષમ ભાવ, MSPની ગેરંટી તેમજ વધતા ખેતી ખર્ચ જેવા મુદ્દાઓને લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ રાજ્યવ્યાપી ટ્રેક્ટર કૂચના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના ડીસામાંથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર જવા માટે રવાના થયા છે. મળતી માહિતી મુજબ અંદાજે 40 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતો ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે લાંબા સમયથી તેમની સમસ્યાઓ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી સંતોષકારક ઉકેલ મળ્યો નથી. તેથી હવે સીધા ગાંધીનગર પહોંચી પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ખેડૂતોનો મુખ્ય આક્ષેપ એ છે કે તેમના ખેતરોમાં મંજૂરી વગર હેવી વીજ પોલ ઉભા કરવામાં આવે છે. વીજ લાઈનોના કામ દરમિયાન ખેતીની જમીનને નુકસાન થાય છે અને ખેતી કરવામાં પણ મુશ્કેલીઓ સર્જાય છે. તેમ છતાં ખેડૂતોને યોગ્ય વળતર કે જમીન ભાડું મળતું નથી. ખેડૂતોનું માનવું છે કે તેમની જમીનનો ઉપયોગ કરવામાં આવે છે તો તેના બદલામાં યોગ્ય વળતર મળવું જોઈએ.

ADVERTISEMENT
આ ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષોમાં ખેતીનો ખર્ચ સતત વધી રહ્યો છે. ખાતર, બિયારણ, દવાઓ અને ડીઝલના ભાવમાં સતત વધારો થતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી રહી છે. બીજી તરફ ખેડૂતોને તેમના પાકના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળતા નથી. જેના કારણે ખેતીનો નફો ઘટી રહ્યો છે અને આર્થિક રીતે ખેડૂતો પર ભાર વધી રહ્યો છે.
ADVERTISEMENT
ખેડૂતો દ્વારા MSP એટલે કે લઘુત્તમ ટેકાના ભાવની કાનૂની ગેરંટીની માંગ પણ ઉઠાવવામાં આવી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે પાકના ભાવ અંગે નિશ્ચિતતા મળે તો તેમને આર્થિક સુરક્ષા મળી શકે. ઉપરાંત પાકના પોષણક્ષમ ભાવ નક્કી કરવા માટે પણ સરકાર અસરકારક પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ડીસામાંથી નીકળેલી આ ટ્રેક્ટર કૂચ હવે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે. ખેડૂતોનું માનવું છે કે તેમની માંગણીઓ ન્યાયસંગત છે અને સરકાર દ્વારા તેના પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. હવે આ ટ્રેક્ટર કૂચ બાદ સરકાર ખેડૂતોની માંગણીઓ અંગે શું નિર્ણય લે છે અને તેમના પ્રશ્નોના ઉકેલ માટે શું પગલાં ભરે છે તેના પર રાજ્યભરના ખેડૂતો અને લોકોની નજર મંડાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.