બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / સાપુતારા કે ધરમપુર નહીં, સુરતથી માત્ર દોઢ કલાક દૂર આ જગ્યા ચોમાસામાં બની જાય છે સ્વર્ગ
Last Updated: 10:59 AM, 13 July 2025
ચોમાસાની ભરપૂર મજા માણવી હોય, પણ સાપુતારા, આબુ કે પોળો ફોરેસ્ટ જેવી જગ્યાએ ન જવું હોય, જ્યાં લોકોની ભીડ હોય, તો ચાલો હું તમને ભીડભાડથી દૂર, લોકોના શોરબકોરથી દૂર અને મોબાઈલનું નેટવર્ક પણ ન આવે એવી એક જગ્યા પર ફરવા લઈ જઉં. એમાં આવું છે કે મને પણ આ જગ્યા વિશે મારા મિત્ર મંડળ પાસેથી જ ખબર પડી. કઈ છે આ જગ્યા? ત્યાં શું છે? અને કેમ આ જગ્યાએ મજા આવશે? આ બધી જ વાતો હું ભટકતી આત્મા તમને વિગતવાર જણાવું.
ADVERTISEMENT
ADVERTISEMENT
મસ્ત ચોમાસું ચાલુ થઈ ગયું અને જોરદાર વરસાદ પડવા લાગ્યો, એટલે એક વિકેન્ડ પર હું મિત્રમંડળને મળવા સુરત પહોંચી ગઈ. એવું નક્કી થયું કે ચોમાસાની ભરપૂર મજા માણવી છે પણ સાથે જ ભીડથી પણ દૂર રહેવું છે એટલે આ વખતે સાપુતારા કે ડાંગને બદલે કોઈ જુદી જગ્યાએ જઈએ, જેના વિશે વધારે લોકોને ખબર ન હોય. ઘણી ચર્ચાઓ પછી સુરતથી નજીક જ 2 કલાકમાં પહોંચી જવાય એવી જગ્યા નક્કી થઈ. વહેલી સવારે વરસાદ અને ગાઢ વાદળાઓને લીધે રાત જેવું જ અંધારું લાગી રહ્યું હતું. આવા અંધારામાં અમે 12 લોકો 2 ગાડીઓ લઈને નીકળી પડ્યા આ દિલખુશ કરી નાખે, આંખોને ઠંડક આપે અને માનસિક શાંતિ મળે અને બધો જ થાક ઉતરી જાય એવી આ જગ્યાએ જવા.
લગભગ 2 કલાકમાં તો 12 લોકો સહિત આ ભટકતી આત્મા બારડોલીની નજીક માંડવી પાસે એક જંગલમાં પહોંચી ગઈ. આ જગ્યા એટલી મસ્ત હતી કે જોઇને વિશ્વાસ જ ન આવ્યો કે સુરતથી આટલી નજીક આવી સુંદર જગ્યા છે! હું ભટકતી આત્મા આવી ગઈ હતી કેવડી કેમ્પ સાઈટ. અહીં પહોંચવામાં બારડોલીના માંડવીથી માત્ર અડધો કલાક જ લાગે. માંડવીથી 20 કિલોમીટર પછી હાઈવેથી અંદર વળી જવું પડે છે. હાઈવેથી અંદરના રસ્તે માત્ર 4-5 કિલોમીટર જ જાઓ કે આ જગ્યા આવી જાય. મજાની વાત એ છે કે જેવી ગાડી હાઈવેથી કેવડી કેમ્પ સાઇટ તરફ આગળ વધી કે ફોનમાંથી નેટવર્ક જવા લાગ્યું. અને કેમ્પ સાઇટ પર પહોંચ્યા ત્યાં સુધીમાં તો ફોન ફોટો પાડવા અને વીડિયો બનાવવા સિવાય કોઈ કામનો જ ન રહ્યો. એટલે કે જે જોઈતું હતું એ મળી ગયું. ઓફિસના મેઇલ અને મેસેજ કે કોલ્સથી દૂર એક શાંત વિકેન્ડ.
ADVERTISEMENT
🌿 ગેટની અંદર એન્ટ્રી કરીને ચારે બાજુ નજર કરી તો જાણે મને કોઈએ વશમાં કરી લીધી હોય એવું લાગ્યું. ઝરમર વરસાદ, આછું-આછું અજવાળું, ચારે તરફ લીલાછમ ઝાડ, દૂર-દૂર સુધી જ્યાં નજર કરું ત્યાં લીલોતરી સિવાય કશું જ નહોતું દેખાતું. અહીં ગુજરાતની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની કેમ્પ સાઈટ છે. અહીં રહેવા-જમવાની સારી વ્યવસ્થા છે. અમે પણ અહીં બે દિવસ રોકાવા જ આવ્યા હતા. ને એમાં પણ અહીં પહોંચ્યા પછી એકવાતનો ભરપૂર સંતોષ હતો કે કોઈના ફોન નહીં વાગે. અહીં નેટવર્ક માટે હાઈવે પર જવું પડે. એટલે અહીંથી નીકળીએ નહીં ત્યાં સુધી શાંતિ. પાછું આ જગ્યા ઓછી જાણીતી છે એટલે અહીં લોકોની વધારે ભીડ પણ નથી હોતી.
ADVERTISEMENT
કેવડી કેમ્પ સાઈટમાં રહેવા માટે ઈગ્લૂ, ટેન્ટ, કોટેજ, ટ્રી હાઉસ જેવી વ્યવસ્થાઓ છે, અને દરેકના ભાડાં પણ જુદા-જુદા છે. એમ તો અમને ટ્રી હાઉસમાં રહેવાની ઇચ્છા થઈ આવી, પણ અહીં રજિસ્ટ્રેશન ઓફિસમાં બેસેલા અધિકારીએ કીધું કે ટ્રી હાઉસ પર મધપૂડો લાગ્યો છે. ત્યાં રહેવાનો આગ્રહ ન રાખશો તો સારું રહેશે. પણ રહેવું તો ત્યાં જ હતું એટલે 3 જણા ટ્રી હાઉસ જોવા પહોંચી ગયા. એટલું મસ્ત ટ્રી હાઉસ હતું, એના પર ચાંદમાં ડાઘની જેમ એવડો મોટો મધપૂડો લાગ્યો હતો કે વિચાર માંડી વાળ્યો. એમપણ જંગલમાં તમે બીજું શું ઇચ્છો છો કે તમને મળે! એટલે ટ્રી હાઉસને છોડીને અમે ડોમ અને કોટેજ બૂક કરાવ્યા. અહીં મેં શું કર્યું, એના વિશે પછી વાત કરું, પહેલા આ જગ્યા વિશે થોડું જાણી લો.
ADVERTISEMENT
કેવડી કેમ્પ સાઇટ પર એક ડેમ છે, જે ચોમાસામાં પાણીથી ભરાઈ જાય છે. જેના લીધે અહીં સુંદર પક્ષીઓ પણ જોવા મળે છે. અહીની આસપાસની જમીન ડુંગરાળ છે અને લીલાછમ ઊંચા-ઊંચા ઝાડ દેખાય છે. અહીં ઘણા પ્રકારના પક્ષીઓ, પતંગિયા, જંતુઓ, સાપ અને ક્યારેક કોઈ-કોઈ જંગલી પ્રાણીઓ પણ જોવા મળી જાય છે. હવે કેમ્પ સાઇટના વ્યૂ વિશે વાત કરું તો અંદર ઘૂસતાંની સાથે જ પહેલા એક નાનું મકાન આવે, જે રજિસ્ટ્રેશનની ઓફિસ છે. ત્યાંથી આગળ જવા માટે ફૂટપાથ બનાવેલો જ છે, એના રસ્તે આગળ વધો તો સૌથી પહેલા કેન્ટીન આવે. નાનો રૂમ અને બહાર પતરાં લગાવીને બનાવેલો શેડ એ જ કેન્ટીન છે. તેની સામેથી બે જુદી-જુદી દિશામાં ફૂટપાથ જાય છે - ડાબી બાજુએ કોટેજ અને ઈગ્લૂ આવે છે અને જમણી બાજુએ જઈએ તો પિરામિડ VVIP ટેન્ટ.

ADVERTISEMENT
અમારું ગ્રુપ ડીવાઈડ થઈ ગયું અને અડધા લોકો જમણી બાજુ ગયા અને અડધા લોકો ડાબી બાજુ ગયા. પોતપોતાના રૂમમાં ફ્રેશ થઈને પાછા કેન્ટીન પર બધા ભેગા થઈ ગયા. સરસ ઝરમર વરસાદ થઈ રહ્યો હતો, એટલે વરસાદનો નજારો માણતા-માણતા ગરમાગરમ આદુવાળી ચા પીવાની મજા આવી ગઈ. અહીં આવો તો અહીની ખાસ વાત એ છે કે તમને જે જમવું હોય, તેઓ વ્યવસ્થા કરી આપે છે. પણ શરત એટલી કે તમારે અગાઉથી જાણ કરી દેવાની. અમે પણ આવ્યા તરત જ કહી દીધું હતું કે નાસ્તામાં ચા સાથે બટાકા પૌવા કરી આપજો. એટલે અહીંના કિચન સ્ટાફે અમારા માટે નાસ્તો તૈયાર કરી દીધો હતો.
હવે જરા વિચારો કે મસ્ત ઝરમર વરસાદ પડતો હોય, આજુબાજુ ઝાડ અને ઘાસ પર વરસાદ પડતો દેખાઈ રહ્યો હોય, પતરાં સાથે વરસાદના છાંટાના ટકરાવાનો અવાજ આવતો હોય અને બેક્ગ્રાઉન્ડમાં તમરાં બોલતાં હોય, પૂરું અજવાળું ય નહીં અને પૂરું અંધારુંય નહીં... વાતાવરણમાં વરસાદને લીધે ઠંડક થઈ ગઈ હોય અને કન્ફયુઝનમાં હોવ કે સ્વેટર પહેરવું કે રેઇનકોટ...?! અને એવામાં જ કોઈ તમારા હાથમાં ગરમાગરમ ચાનો કપ આપી જાય! જીવનની આવી સુકુનની ક્ષણ મેં આ જગ્યાએ જીવી. નાસ્તો કરીને અમે છત્રી-રેઈનકોટથી સજ્જ થઈને નીકળી પડ્યા ટ્રેકિંગ કરવા.
કેવડીમાં દોઢ કિમી લાંબો ટ્રેકિંગ ટ્રેઇલ છે, જે જંગલમાં ઊંડે સુધી લઈ જાય છે. પણ જોજો કે ટ્રેકિંગનો જ રસ્તો છે ત્યાંથી આડાંઅવડા ન જતાં. જંગલમાં જંગલી પ્રાણીઓ હોય છે. અને અમને આ કેમ્પ સાઇટના મેનેજરે સાવચેત રહેવાનું પણ કહ્યું હતું. વળી ભૂલી ગયા હોવ તો યાદ કરાવી દઉં કે અહીં મોબાઈલ નથી ચાલતા એટલે કોઈએ વધારે સાહસ કરવાનું ન વિચાર્યું. બધા જ જંગલમાં પગદંડી જેવા બનેલા રસ્તે જ ચાલ્યા. રસ્તામાં ઊંચા-ઊંચા ખાખરાના ઝાડ, કોઈક-કોઈ બીજા ઝાડવાં પણ હતા, જેના નામ મને નથી ખબર. પણ આમ દૂર સુધી નજર કરો અને કીચડવાળી પગદંડી અને ઊંચા-ઊંચા ઝાડ. લગભગ બધું જ એક સરખું દેખાય કે જો ખોવાઈ ગયા તો પાછા આવવાનો રસ્તો ન જડે. રસ્તામાં કેસૂડાંના ઝાડ પણ જોયા, ત્યાં નીચે પડેલા કેટલાક કેસૂડાના ફૂલ પણ ભેગા કર્યા. ફૂલોની સુગંધ અને રંગથી મારું મન તાજું થઈ ગયું. બસ આમ જ બધા વાતો કરતા-કરતા અને ફૂલો વીણતાં-વીણતાં ચાલ્યે જતા હતા, ત્યાં આગળ જઈને એક જગ્યાએ પાણીમાં સાપ દેખાયો. પછી તો જે બધાની ફા*@# કે જેટલા આરામથી ટહેલતાં-ટહેલતાં આવ્યા હતા, એટલી જ સ્પીડે બધા પાછા ભાગ્યા.
કેમ્પ સાઇટના ગેટ પાસે પહોંચીને બધા અટક્યા અને પછી હાંફતા-હાંફતા એકબીજાની સામે જોઈને ખડખડાટ હસી પડ્યા. શ્વાસ નોર્મલ થયા એટલે બધા ધીમે-ધીમે પોતપોતાના રૂમમાં ગયા અને ફ્રેશ થઈ ગયા. જંગલમાંથી ભાગીને જે રીતે આવ્યા હતા કે બધાના પગ ઘૂંટણ સુધી કીચડ-કીચડ થઈ ગયા હતા. ફરી બધા ભેગા થયા કેન્ટીનમાં, બપોરનું જમવાનો સમય થઈ ગયો હતો અને અમારું સાદું-ગુજરાતી ભોજન તૈયાર હતું. ઘર જેવા સ્વાદવાળું ભોજન જંગલમાં મળ્યું તો અમે એ ખાઈને ધન્ય થઈ ગયા. બધાએ દબાઈને ખાધું. એનર્જી વાપરી હતીને! જમીને બધા કેટલીય વાર સુધી કેન્ટીનમાં બેસી રહ્યા.

📸 વ્યૂ પોઈન્ટ અને ગાર્ડન વોક
સારો એવો સમય બેસી રહ્યા પછી હું ઉભી થઈ. મારે આ જગ્યામાં શાંતિથી આંટા મારવા હતા. અહીં દરેક કોટેજ, દરેક રૂમ થોડા-થોડા અંતરે છે અને ત્યાં સુધી જવા માટે ફૂટપાથ બનાવ્યો છે. આ આખાયે ફૂટપાથ પર એટલા આરામથી હું ટહેલી કે જાણે મારા પપ્પાનો જ બચીગો હોય. ધીમો-ધીમો પવન વાતો હતો અને ઝરમર ઝરમર વરસાદ થઈ રહ્યો હતો. એ હળવા વરસાદમાં ભીના થવાની પણ એક મજા છે. આમ જ ક્યાય સુધી આવા વરસાદમાં ચાલતી-ચાલતી હું વ્યૂ પોઈન્ટ પહોંચી. અહીંથી કેવડી ડેમનો નજારો દેખાયો. વરસાદથી ડેમ આખો ભરાઈ ગયો હતો. ડેમની સામેની બાજુ ગાઢ લીલુછમ જંગલ દેખાતું હતું. પછી ત્યાં જ બેસીને લગભગ એકાદ કલાક કાઢ્યો, સામે દેખાતા આ વરસાદના દ્રશ્યને નિહાળ્યા કર્યું.
પછી હું ભટકતી-ભટકતી મારા રૂમ બાજુ ગઈ. હા, કહેવાનું ભૂલી ગઈ કે હું પિરામિડ VVIP ટેન્ટમાં રોકાઈ હતી. ત્યાં પહોંચી તો મને મસ્તી સુજી. વરસાદમાં ભીના થયેલા વાળથી ચહેરો ઢાંક્યો અને પછી ટોર્ચ લઈને હું ટેન્ટની બારીની બહારની બાજુએ જઈને ઉભી રહી ગઈ. ટેન્ટમાં બધા ગપ્પા મારવામાં વ્યસ્ત હતા, એટલે થોડી સેકન્ડો સુધી કોઈનું ધ્યાન ન ગયું પછી એકની નજર મારા પર પડીને એ ગભરાઈ ગયોને એને લીધે બીજા બધા પણ મને જોઇને ગભરાઈ ગયા. મિત્રો પર આ પ્રેંક કરવાની મને બહુ મજા આવી. પછી બધાએ મને કીધું કે અમે તારું નામ સાચું જ રાખ્યું છે - ભટકતી આત્મા. પણ તું સાવ આમ કરીને અમને ન ડરાવ. પછી હું બધાને લઈને ગઈ વ્યૂ પોઈન્ટ. આ જગ્યા જોઇને એ બધા પણ અભિભૂત થઈ ગયા. પછી તો અમે ગાર્ડન એરિયામાં મસ્તી કરી, વ્યૂ પોઈન્ટ પર બેસીને લાંબી વાતો કરી, વચ્ચે-વચ્ચે કોઈ વાતે ખખડીને હસી પણ પડ્યા. મેં આ ક્ષણ જીવી. ઘડિયાળનો કાંટો જોયા વિના.
પછી બધાને બાળપણ યાદ આવ્યુંને અમે થપ્પો પણ રમ્યા. આ વખતે મેં નહીં પણ એક બીજા મિત્રએ બધાને ડરાવી દીધા. બન્યું એવું કે છેલ્લા દાવ વખતે એ ઝાડ પર ચડીને સંતાઈ ગયો, ને એને થાકને લીધે ત્યાં ઊંઘ આવી ગઈ. અમે તો ટાઈમ થયો એટલે ભજીયા ખાવા માટે કેન્ટીન પહોંચી ગયા. કયાંય સુધી અમને ધ્યાન ન ગયું કે એક માણસ ઓછું છે. પણ જયારે ધ્યાન આવ્યું કે સુધન નથી દેખાતો ક્યારનો. તો એને શોધવા લાગ્યા. ટોર્ચ લઈને. કેટલીક બૂમો પાડી, ત્યારે જઈને એને અમારો અવાજ સાંભળ્યો અને અમને કીધું કે હું અહિયાં જ છું, ઉપર તો જુઓ. પછી તો એ નીચે ઉતર્યો એટલો બધાએ મળીને એને જે ગાળો આપી છે કે સા$#લા આમ ડરાવાય. આમ કરતા-કરતા દિવસ પૂરો થયો, જમીને કેન્ટીનમાં જ બેસીને થોડીવાર અંતાક્ષરી પણ રમી લીધી. પછી બધા ઊંઘવા જતા રહ્યા. આખો દિવસના તોફાન પછી તો ઊંઘ પણ ક્યારે આવી ગઈ, ખબર ન પડી.
બીજા દિવસે સવારે ઉઠ્યા ત્યારે પણ આવું જ વાતાવરણ હતું... વરસાદનું... એટલે પહેલા તો વરસાદમાં મન ભરીને પલળી લીધું. વરસાદમાં ભીના થઈને ઠરી ગયા તો એમને એમ જ ગયા આદુવાળી ચા પીવા કેન્ટીનમાં. ચા પીને શરીરમાં ગરમી આવી ગઈ. બપોર થવા આવી એવાકમાં કોઈએ એવા સમાચાર આપ્યા કે સુરતમાં પૂર આવે એવું થઈ ગયું છે. એટલે અમે બધાએ અહીંથી નીકળી જવાનું નક્કી કર્યું. અહીં પણ ભારે વરસાદ ચાલી જ રહ્યો હતો. ગાડીમાં બધા ગોઠવાયા, ગાડી ચાલુ તો કરી, વરસાદને લીધે આગળ કશું દેખાતું જ ન હતું. તોય જેમ-તેમ કરીને સુરત પહોંચ્યા. પણ બધા જ સુરતી-લહેરીલાલા અને મનમોજીલા એટલે ઘરે જતા પહેલા પહોંચી ગયા ડુમસ, ભજીયા ખાવા માટે. નેટવર્કમાં આવી ગયા હતા, એટલે હવે કોઈ ચિંતા પણ ન હતી.
ડુમસ ભજીયાની દુકાને ઉભા રહીને બધા ગાડીની બહાર આવ્યા અને ભજીયાનો ઓર્ડર આપ્યો. ભજીયા આવે એ પહેલા તો એવો વરસાદ આવ્યો કે દુકાનના પતરાના કાણાઓમાંથી પાણી પડવા લાગ્યું, સામે રસ્તા પર કશું જ દેખાતું ન હતું અને ભારે પવનને કારણે વરસાદની દિશા પણ સમજાતી ન હતી. અને અમે બધાય છાપરાં નીચે ઉભા હતા, અને તોયે આખેઆખા ભીના થઈ ગયા. અને તોયે ભજીયા ખાઈને જ ઘરે ગયા. પણ હા, આ બે દિવસ નેટવર્ક વિના અને કુદરતની વચ્ચે જે સમય કાઢ્યો, અને અમારી નાની-મોટી મસ્તીએ આ ટ્રીપને વધુ યાદગાર બનાવી દીધી.
✅ સાચું કહું તો જંગલમાં મોબાઈલ વિના વિતાવેલા આ બે દિવસ મારા માટે યાદગાર બની ગયા. કેવડી એક એવી જગ્યા છે કે જ્યાં તમને પોતાની જાતને મળવાની તક મળે છે. શહેરથી દૂર, મોબાઈલ વિના, નેટવર્ક વિના... અહીં તમારી અને કુદરતની વચ્ચે કોઈ નથી આવતું. એટલે જો તમે પણ કોઈ એવી જગ્યા શોધી રહ્યા હોવ કે જ્યાં મોબાઈલનો નહીં, મસ્તી અને ખડખડાટ હાસ્યનો અવાજ આવે, તો એકવાર કેવડી કેમ્પ સાઇટ જરૂર જાઓ.

🙋 મારી સલાહ અને કેટલાક સૂચનો પણ
જંગલની વચ્ચે, મોબાઈલ નેટવર્કથી દૂર વિકેન્ડ ગેટવે માટે આ જગ્યા બેસ્ટ છે. હા, કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખજો કે અહીં મોબાઈલ નેટવર્ક નહીં આવે, એટલે અહીં આવતા પહેલા જ બધી જાણકારી મેળવી લો. ઓનલાઇન બુકિંગ કરાવ્યા પછી ફોલોઅપ જરૂર લઈ લેજો. ટોર્ચ-બેટરી સાથે જ રાખવી, જંગલનો વિસ્તાર અને ચોમાસાનો સમય એટલે ક્યારેય પણ જરૂર પડી શકે. સાથે જ આ જગ્યા શહેરથી ઘણી દૂર છે એટલે જરૂરી ફર્સ્ટ એઇડ કીટની સાથે જનરલ દવાઓ પણ રાખવી. અને હા, છેલ્લે યાદ કરાવી દઉં કે છત્રી અને રેઇનકોટ લઈને જવાનું ભુલતાં નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
ભટકતી આત્મા is a passionate travel blogger and shares her exploration around India only on VTV Digital.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.