ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / કીડીઓના ઝૂંડે 83 વર્ષની વૃદ્ધાને ઘેરી લીધી, 1,000થી વધુ બચકાં, કલાકો સુધી કોઈ મદદ ન મળી
Last Updated: 10:26 AM, 26 August 2026
ADVERTISEMENT
આપણી આજુબાજુ જો એક કીડી આવી જાય કે પછી અચાનક કીડીઓનું ઝૂંડ દેખાય તો આપણે તરત તેને હટાવી દેતા હોઈએ છીએ. ક્યારેક તો કીડી કરડે તો પણ આપણે ખાસ ધ્યાન આપતા નથી. પરંતુ વિચારો કે કોઈ વ્યક્તિ એવી સ્થિતિમાં હોય કે તે કીડીઓને હટાવી પણ ન શકે, મદદ માટે બૂમ પાડી પણ ન શકે અને પોતાની જગ્યાએથી ઊભી થઈને ભાગી પણ ન શકે... તો શું થાય?
ADVERTISEMENT

ADVERTISEMENT
આવું જ કંઈક અમેરિકામાં 83 વર્ષની એક વૃદ્ધ મહિલા સાથે થયું. રાતના અંધારામાં તે નર્સિંગ હોમની બહાર નીકળી ગયા અને ત્યારબાદ લાલ કીડીઓના ઝૂંડ વચ્ચે ફસાઈ ગયા. કલાકો સુધી તેઓ એ જ સ્થિતિમાં પડ્યા રહ્યા. સવારે જ્યારે તેમની હાલત સામે આવી ત્યારે ઘટનાની ભયાનકતા જોઈને સૌના રૂંવાડા ઊભા થઈ ગયા.
ADVERTISEMENT
વૃદ્ધ મહિલાના શરીર પર એક-બે નહીં પરંતુ 1,000થી વધુ જગ્યાએ કીડીઓએ કરડ્યું અને ડંખ માર્યો હોવાનો આરોપ છે. ગંભીર બીમારીના કારણે તેઓ ન તો પોતાની જાતને બચાવી શક્યા અને ન તો કોઈને મદદ માટે બોલાવી શક્યા. આખરે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં તેમનું મોત થયું.
ADVERTISEMENT
આ ચોંકાવનારી ઘટના અમેરિકાના સાઉથ કેરોલિનાના ચાર્લ્સ્ટનમાં બની છે. મૃતકની ઓળખ 83 વર્ષીય શેલ્બા કેટરટન તરીકે થઈ છે. શેલ્બા એડવાન્સ ડિમેન્શિયાથી પીડિત હતા અને સંપૂર્ણપણે બોલવામાં અસમર્થ હતા. ઘટના 23 જુલાઈની રાત્રે બની હતી. તેઓ ‘હાર્મની એટ વેસ્ટ એશ્લી’ નામના નર્સિંગ હોમમાં રહેતા હતા.
ADVERTISEMENT
રાત્રે લગભગ 10 વાગ્યા પછી નર્સિંગ હોમનો એક દરવાજો કર્મચારીની બેદરકારીને કારણે ખુલ્લો રહી ગયો હોવાનો આરોપ છે. શેલ્બા આ દરવાજામાંથી બહાર નીકળી ગયા હતા. બહાર ગયા બાદ તેઓ જમીન પર રહેલા કીડીઓના રાફડા પર પડી ગયા હતા. ત્યારબાદ લાલ કીડીઓના આખા ઝૂંડે તેમને ઘેરી લીધા હતા. શેલ્બા ઘણા કલાકો સુધી એ જ જગ્યાએ પડ્યા રહ્યા. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ, કીડીઓએ તેમના ચહેરા, આંખો, માથાની ચામડી, પીઠ, છાતી, હાથ અને પગ સહિત શરીરના અલગ-અલગ ભાગોમાં 1,000થી વધુ વખત કરડ્યું અને ડંખ માર્યો હતો.
ADVERTISEMENT
ગંભીર ડિમેન્શિયાના કારણે શેલ્બા ન તો પીડાથી બૂમ પાડી શકતા હતા અને ન તો પોતાના હાથથી કીડીઓને દૂર કરી શકતા હતા. ઘણા કલાકો બાદ એક કર્મચારીની નજર તેમના પર પડી ત્યારે તેમનું આખું શરીર કીડીઓથી ઢંકાયેલું હતું. ત્યારબાદ તરત જ 911 પર ફોન કરવામાં આવ્યો અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. હોસ્પિટલમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કીડીઓના કરડવા ઉપરાંત લાંબા સમય સુધી બહાર રહેવાના કારણે શેલ્બાને હાઇપોથર્મિયા અને ન્યુમોનિયા પણ થયો હતો. ડોક્ટરોએ તેમને ગરમી આપીને સારવાર શરૂ કરી અને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કર્યા. જોકે, તમામ પ્રયાસો છતાં શેલ્બાનું મોત થયું.
ઘટના બાદ પરિવાર તરફથી નર્સિંગ હોમ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પરિવારનો આરોપ છે કે ડિમેન્શિયાના દર્દીઓ માટે જરૂરી સુરક્ષા અને દેખરેખના નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું. પરિવારનો એવો પણ આરોપ છે કે ઘટના અંગે રિપોર્ટ કરવામાં સ્ટાફે 36 કલાકનો વિલંબ કર્યો હતો. ચાર્લ્સ્ટન પોલીસ પણ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં એક કર્મચારીની ભૂલના કારણે દરવાજો ખુલ્લો રહી ગયો હોવાની વાત સામે આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે લાલ કીડીઓના કરડવાથી સામાન્ય રીતે મોત થવું ખૂબ જ દુર્લભ છે. પરંતુ ખૂબ વૃદ્ધ વ્યક્તિ અથવા નાના બાળકને એકસાથે સેંકડો કે હજારો કીડીઓ કરડે તો સ્થિતિ ગંભીર બની શકે છે. શરીરમાં ઝેરનું પ્રમાણ વધવાથી શ્વાસ લેવામાં તકલીફ, ગંભીર એલર્જિક રિએક્શન અથવા એનાફિલેક્ટિક શોક જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો