ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રેલવેમાં સરકારી નોકરી અપાવવાના નામે મોટો ખેલ, નકલી અધિકારી, નકલી પરીક્ષા અને બનાવટી ઓફર લેટર

ગુજરાત / રેલવેમાં સરકારી નોકરી અપાવવાના નામે મોટો ખેલ, નકલી અધિકારી, નકલી પરીક્ષા અને બનાવટી ઓફર લેટર

Published By: Nidhi Panchal

Last Updated: 01:56 PM, 26 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી નોકરી મેળવવાનું સપનું જોતા યુવક-યુવતીઓને ટાર્ગેટ બનાવી નકલી રેલવે નોકરીનું કૌભાંડ ચલાવતી બંટી-બબલીની જોડીને આણંદ સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડી છે. નકલી આઈકાર્ડથી લઈને પરીક્ષા, ટ્રેનિંગ અને ઓફર લેટર સુધીનો આખો ખેલ રચીને આરોપીઓએ લાખો રૂપિયા પડાવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ADVERTISEMENT

આણંદ જિલ્લામાં સરકારી નોકરી મેળવવા માટે મહેનત કરતા યુવક-યુવતીઓને લાલચ આપી છેતરવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નકલી દારૂ અને નકલી અધિકારી જેવા કિસ્સાઓ બાદ હવે નકલી રેલવે નોકરીનું કૌભાંડ સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. આ કેસમાં આણંદ સાયબર ક્રાઈમ પોલીસે તુષાર યોગેશભાઈ ચંદ્રશંકર પુરોહિત અને સુલોચનાબેન કમલેશભાઈ ઈશ્વર પટેલની ધરપકડ કરી છે. બંને પર રેલવે વિભાગમાં સરકારી નોકરી અપાવવાના નામે ખોટા દસ્તાવેજો બનાવી લોકોને પૈસા પડાવવાનો આરોપ છે.

nakli-railyway-2

નોકરીના સપનાથી શરૂ થયો આખો ખેલ

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના પણસોરા ગામના ધવલકુમાર પટેલ ખેતી કામ કરે છે. ડિસેમ્બર 2025માં તેમને એક મિત્ર મારફતે ખબર પડી કે અમદાવાદના તુષાર પુરોહિત અને ચકલાસીની સુલોચનાબેન રેલવે વિભાગમાં સરકારી નોકરી અપાવવાનું કામ કરે છે. પત્નીને રેલવેમાં ક્લાર્કની નોકરી અપાવવાની લાલચમાં ધવલકુમારે આરોપીઓનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ સામરખા ચોકડી નજીક તુષાર પુરોહિતે ધવલકુમાર સાથે મુલાકાત કરી હતી. અહીં તેણે પોતે રેલવેનો મોટો અધિકારી હોવાની ઓળખ આપી હતી. એટલું જ નહીં, વિશ્વાસ બેસાડવા માટે બનાવટી ID પણ બતાવ્યું હતું. ત્યારબાદ ફોર્મ ફીના નામે Google Payથી પ્રથમ 3,500 રૂપિયા લેવામાં આવ્યા હતા. 28 જાન્યુઆરી 2026ના રોજ સુલોચનાબેનના ઘરે લેખિત પરીક્ષા પણ લેવામાં આવી હતી. આ પરીક્ષાના નામે વધુ 5,000 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. અહીંથી શરૂ થયેલી વાત આગળ વધતી ગઈ અને અલગ-અલગ પ્રક્રિયાના નામે ધવલકુમાર પાસેથી પૈસા લેવામાં આવતા રહ્યા.

પરીક્ષા પણ નકલી અને લેટર પણ બનાવટી

આરોપીઓએ ફોર્મ, પરીક્ષા, તાલીમ અને અન્ય પ્રક્રિયાના નામે ધવલકુમાર પાસેથી અલગ-અલગ સમયે કુલ 55 હજાર રૂપિયા પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે. 12 ફેબ્રુઆરીએ ટપાલ મારફતે તાલીમ માટેનું ID પણ મોકલવામાં આવ્યું હતું. ત્યારબાદ જુલાઈ 2026માં નડિયાદ ખાતે પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયા એટલી રીતે કરવામાં આવી હતી કે સામેની વ્યક્તિને નોકરી ખરેખર મળવાની છે તેવો વિશ્વાસ થાય. પરંતુ આખરે જ્યારે 'પશ્ચિમ રેલવે ડિસ્ટ્રિક્ટ કોર્ટ અમદાવાદ'ના સિક્કાવાળું ઓફર લેટર સામે આવ્યું ત્યારે મામલો વધુ શંકાસ્પદ બન્યો. ધવલકુમારના મિત્ર હર્ષ પટેલે આઈકાર્ડ અને ઓફર લેટરની તપાસ કરી હતી. તપાસ દરમિયાન દસ્તાવેજોમાં શંકાસ્પદ બાબતો સામે આવી હતી. ત્યારબાદ જાણવા મળ્યું કે રેલવે નોકરીના નામે આપવામાં આવેલા ID, ઓફર લેટર અને અન્ય દસ્તાવેજો બોગસ હતા.

nakli-railyway-3

ઘરમાંથી મળ્યા 8 જેટલા બનાવટી સિક્કા

ફરિયાદ બાદ આણંદ સાયબર ક્રાઈમ પોલીસે તપાસ શરૂ કરી હતી. મળેલી બાતમીના આધારે બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. બંનેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે પાંચ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ તપાસમાં તુષાર પુરોહિતના ઘરેથી 8 જેટલા બનાવટી સિક્કા મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. તેમાં ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રી વિભાગ, જિલ્લા ન્યાયાલય સંકુલ અમદાવાદ, વેસ્ટર્ન રેલવે ડિસ્ટ્રિક્ટ કોર્ટ સહિત અલગ-અલગ કચેરીઓના બનાવટી સિક્કા હોવાનું પોલીસનું કહેવું છે. આ ઉપરાંત બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર અને નકલી આઈકાર્ડ સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. સુલોચનાબેનના ઘરે લોકોને ટ્રેનિંગ આપવામાં આવતી અને પરીક્ષા લેવામાં આવતી હોવાની માહિતી પણ તપાસમાં સામે આવી છે. એટલે માત્ર નકલી દસ્તાવેજો બનાવવામાં આવતા નહોતા, પરંતુ નોકરી માટેની પરીક્ષા અને ટ્રેનિંગનો આખો માહોલ ઉભો કરવામાં આવતો હતો.

6 લોકો પાસેથી 5.07 લાખ, 16 લોકો સુધી પહોંચ્યો મામલો

પોલીસ પૂછપરછમાં અત્યાર સુધીમાં બંને આરોપીઓએ પશ્ચિમ રેલવે વિભાગમાં નોકરી અપાવવાના બહાને આશરે 6 અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી કુલ 5 લાખ 7 હજાર રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ લોકોને નકલી એપોઇન્ટમેન્ટ લેટર આપતા, નડિયાદ અને ચકલાસી ખાતે નકલી ટ્રેનિંગ કરાવતા અને ત્યારબાદ અમદાવાદ લઈ જઈને એપોઇન્ટમેન્ટ આપવામાં આવશે તેમ કહેતા હતા. આ ઉપરાંત અત્યાર સુધીમાં આશરે 16 લોકો સાથે છેતરપિંડી થઈ હોવાની માહિતી પોલીસને મળી છે. તેથી આ માત્ર એક ફરિયાદ પૂરતો મામલો છે કે પછી નકલી રેલવે નોકરીનું મોટું નેટવર્ક ચાલી રહ્યું હતું, તે અંગે પોલીસ હવે વધુ તપાસ કરી રહી છે.

આરોપીનો જૂનો ગુનાહિત ઈતિહાસ પણ સામે આવ્યો

આ કેસમાં ઝડપાયેલો તુષાર પુરોહિત અગાઉ પણ આવા પ્રકારના કેસોમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. નડિયાદ રેલવે પોલીસ સ્ટેશનમાં વર્ષ 2014માં ખોટા TTE બનવા બાબતનો ગુનો તેની સામે નોંધાયો હતો. આ ઉપરાંત વડોદરા શહેરના ગોત્રી અને જવાહરનગર પોલીસ સ્ટેશનમાં પણ ખોટા દસ્તાવેજો અને નોકરી અપાવવાના નામે છેતરપિંડીના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. હાલ બંને આરોપીઓ પોલીસ રિમાન્ડ પર છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ નકલી નોકરીનો ખેલ કેટલા સમયથી ચાલી રહ્યો હતો અને આ કૌભાંડમાં હજુ કેટલા લોકો જોડાયેલા છે.

આ પણ વાંચો : કેનેડા જવાની તૈયારીમાં હતી નિધિ, પરિવારે કહ્યું- 'અંતિમ સંસ્કાર નહી કરીએ'

સરકારી નોકરીનું સપનું જોતા લોકો માટે આ કેસ એક ચેતવણી સમાન છે. નકલી અધિકારી, બનાવટી આઈકાર્ડ, નકલી પરીક્ષા, ટ્રેનિંગ અને ઓફર લેટર બનાવીને લોકોનો વિશ્વાસ જીતવામાં આવ્યો અને પછી પૈસા પડાવવામાં આવ્યા. હવે પોલીસ તપાસ આગળ વધતા આ સમગ્ર કૌભાંડની વધુ કડીઓ બહાર આવે છે કે કેમ તેના પર સૌની નજર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Anand Cyber Crime Fake Railway Job Scam Fake Appointment Letter

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ