ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / રાયણીના ઝાડ નીચે શિવલિંગ સ્વરૂપે સ્વયંભૂ બિરાજે ભોળાનાથ, મંદિરમાં એક સાથે બાર જ્યોતિર્લિંગના દર્શન
Last Updated: 07:16 AM, 2 October 2025
ADVERTISEMENT
હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓની પૂજા અર્ચના કરવામાં આવે છે. જેમાં ભગવાન શિવજીને દેવોના દેવ મહાદેવ તરીકે પૂજવામાં આવે છે. દેશભરમાં ભગવાન ભગવાન ભોળાનાથના ઘણા મંદિરો આવેલા છે. તમામ મંદિરો કોઈક લોકવાયકાઓ સાથે પ્રચલિત હોય છે. રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના સોમનાથ વિસ્તારમાં આવેલા સોમનાથ મહાદેવ મંદિરનો પણ અનેરો ઇતિહાસ છે. આજે દેવદર્શનમાં મહાદેવના આ પૌરાણિક મંદિરમાં બિરાજમાન સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય થઈશું.
ADVERTISEMENT
દમણના દાભેલ વિસ્તારમાં સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. સોમનાથ મહાદેવનું આ મંદિર દમણ વાસીઓની આસ્થાનું કેન્દ્ર છે. દમણની મધ્યમાં દમણ વાસીઓની રક્ષા કરતા સોમનાથ મહાદેવ દાદા પર લોકોની ભારે આસ્થા જોડાયેલી છે. એક પ્રચલિત લોકવાયકા પ્રમાણે અત્યારે ભગવાન સોમનાથ મહાદેવ બિરાજે છે તે જગ્યા પર 14 રાયણીના ઝાડ હતા. આ રાયણીના ઝાડોની નીચે શિવલિંગ સ્વરૂપે મહાદેવજી સ્વયંભૂ બિરાજયા હતા. અહિં લોકોની શ્રદ્ધા વધતા નાનું મંદિર બનાવવામાં આવ્યું હતું. અને વર્ષો બાદ રાયણના ઝાડ કાપી મોટા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વર્તમાનમાં સોમનાથ દાદાનું આ મંદિર માત્ર સંઘપ્રદેશ દમણ જ નહિં પણ સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકોની આસ્થાનું કેન્દ્ર છે.
નાનકડા પ્રદેશ દમણમાં બિરાજતા સોમનાથ મહાદેવ દાદાના પ્રદેશ પર આશીર્વાદ વરસે છે. અહીં રાયણીના ઝાડોની નીચે બિરાજતા દાદાના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે . મહત્વપૂર્ણ છે કે દમણ પર્યટન સ્થળ છે. દેશભરમાંથી દમણ આવતા પર્યટકો સોમનાથ દાદાનો મહિમા જાણી અહીં દર્શન કરવા આવે છે. અને દાદાના દર્શન કરી ધન્ય થાય છે. હાલ દર્શનીય ભવ્ય મંદિર 50 વર્ષ પહેલા નાનું મંદિર હતું. દર્શનાર્થીઓની સંખ્યમાં વધારો થયો એટલે 50 વર્ષ પહેલા આ મંદિરનો જીર્ણોદ્ધાર કરી મોટા ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિરની અન્ય એક વિશેષતા છે કે તે કાચના મંદિર તરીકે પણ પ્રચલિત છે. મંદિરમાં ગર્ભગૃહની સાથે આખું મંદિર રંગબેરંગી કાચના ટુકડાઓથી શણગારવામાં આવેલું છે. મહાદેવજીના આ મંદિરમાં બાર જ્યોતિર્લિંગના પણ દર્શન થાય છે. અને અનેક દેવી-દેવતાઓ નાના રંગબેરંગી કાચથી બનાવવામાં આવેલા છે. અહીં આવતા ભક્તો તમામ દેવી દેવતાઓના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
ADVERTISEMENT
દમણના દાભેલ વિસ્તારમાં આવેલા મહાદેવજીના આ ભવ્ય મંદિરના જીર્ણોદ્વારમાં સ્થાનિક લોકો અને આ વિસ્તારના ઉદ્યોગપતિઓએ યોગદાન આપ્યું છે. દેવોના દેવ મહાદેવ પાસે આવતા તમામ શ્રદ્ધાળુઓની તમામ ઉપાધિ અને મુસીબતો સોમનાથ દાદા પળવારમાં હરી લે છે. શ્રદ્ધાળુઓ દાદાને બીલીપત્ર, દૂધ, દહીં, મધ અર્પણ કરે છે. આ મંદિરમાં સ્થાનિક લોકોની સાથે પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં ઉંમટે છે. રંગબેરંગી કાચના આ ભવ્ય મંદિરમાં દર્શન કરી પ્રવાસીઓનું મન મોહિત થઈ જાય છે. ગુજરાતના સોમનાથ ખાતે આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ અતિશય પૂજનીય છે. જે ભક્તો ગુજરાતના સોમનાથના જ્યોતિર્લિંગના દર્શન કરવા જઈ શકતા નથી તે દમણના સોમનાથ દાદાના દર્શન કરી સોમનાથના સોમનાથદાદાના દર્શન કર્યાની લાગણીનો અહેસાસ કરે છે. દમણમાં રહેતા ભોળેબાબાના ઘણા એવા ભક્તો છે જે પોતાના દિવસની શરૂઆત સોમનાથ દાદાના દર્શન કરીને જ કરે છે અને કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે સહ પરિવાર દાદાની સેવા અને દર્શનનો લાભ લેવા અચૂક મંદિરે પહોંચી જાય છે.

ADVERTISEMENT
મીની ભારત તરીકે ઓળખાતા દમણમાં, દેશભરના રાજ્યોમાંથી આવીને વસેલા તમામ લોકો માટે સોમનાથદાદાનું આ મંદિર આસ્થાનું કેન્દ્ર છે. જ્યાં દાદાના દર્શન કરી તમામ લોકો ધન્યતા અનુભવે છે. અનેક લોકોની દિવસની દિનચર્યા પણ દાદાના દર્શન કરીને જ શરૂ થાય છે. દમણ વાસીઓ પોતાના ઘરમાં કોઈપણ શુભ પ્રસંગ હોય તો પ્રથમ કંકોત્રી સોમનાથ દાદાને અર્પણ કરે છે આમ સોમનાથ દાદા તમામ લોકોના જીવનના તાંતણે બંધાઈ ગયેલા છે. વર્ષ દરમિયાન શિવરાત્રી અને અન્ય વાર તહેવારે અહીં મેળાનો માહોલ સર્જાય છે. આખો શ્રાવણ મહિનો દાદાના આ મંદિરનું પરિસર ભક્તોથી ઉભરાતું રહે છે. અને દાદાના દર્શન કરવા ભક્તોની લાંબી કતારો લાગે છે. કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને પણ ભક્તો દાદાના દર્શન કરી નવી શક્તિના સંચાર સાથે ઘરે જાય છે.
વધુમાં વાંચો: સુખ-શાંતિ જોઇએ છે? તો દશેરાએ અવશ્ય કરો આ કાર્ય, થશે લક્ષ્મીનો વરસાદ
ADVERTISEMENT
હિન્દુ ધર્મમાં તમામ દેવી-દેવતાઓનું વિશેષ મહત્વ હોય છે. લોકો તમામ દેવી દેવતાઓની શ્રદ્ધા ભાવપૂર્વક પૂજા અર્ચના કરે છે. ત્યારે આ સોમનાથ મહાદેવ મંદિરમાં પણ શ્રદ્ધાળુઓ દાદા ને દૂધ પાણી બીલીપત્ર અને ફુલહાર સહિતની પૂજા સામગ્રીઓથી પૂજા અર્ચના કરે છે. આ મંદિરમાં અસંખ્ય લોકો પોતાના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે તેના માટે દાદાના આશીર્વાદ મેળવવા ભોળેબાબાના શરણે પહોંચે છે. અને તમામ ભાવિક ભક્તોની મનોકામના અચૂક પૂર્ણ થાય છે. ગુજરાતના સૌરાષ્ટ્ર દરિયા કિનારે બિરાજતા દેવોના દેવ સોમનાથ મહાદેવના મંદિરનો અનેરો ઈતિહાસ છે. અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે નાનકડા સંઘપ્રદેશ દમણમાં બિરાજતા સોમનાથ મહાદેવ મંદિરનો પણ વિશેષ મહિમા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો