ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / AI પર અબજોનો ખર્ચ છતાં નફો ક્યાં? વધતા ખર્ચ, નોકરીની ચિંતા વચ્ચે AI અંગે નવા સવાલો ઊભા થયા

જાણવા જેવું / AI પર અબજોનો ખર્ચ છતાં નફો ક્યાં? વધતા ખર્ચ, નોકરીની ચિંતા વચ્ચે AI અંગે નવા સવાલો ઊભા થયા

Published By: Nidhi Panchal

Last Updated: 03:35 PM, 1 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ભવિષ્યની સૌથી મોટી ટેકનોલોજી માનવામાં આવી રહી હતી, પરંતુ હવે તેની વધતી કિંમત અને મર્યાદિત ફાયદાઓને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે. વિશ્વની મોટી ટેક કંપનીઓ હવે AIની શક્તિ સાથે તેના ખર્ચ અને વાસ્તવિક લાભોની પણ ખુલ્લેઆમ ચર્ચા કરવા લાગી છે.

ADVERTISEMENT

છેલ્લા બે વર્ષથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સમગ્ર વિશ્વમાં ચર્ચાનો કેન્દ્ર બની રહ્યું છે. ઇન્ટરનેટ પછીની સૌથી મોટી ટેકનોલોજીકલ ગણવામાં આવે છે. લગભગ દરેક મોટી અને નાની કંપની AI સાથે પોતાનું નામ જોડવા આતુર હતી. ટેક કંપનીઓ, રોકાણકારો અને નિષ્ણાતો દાવો કરી રહ્યા હતા કે AI દુનિયાને સંપૂર્ણપણે બદલી નાખશે. પરંતુ વર્ષ 2026માં પહેલી વાર એવું લાગી રહ્યું છે કે AIને લઈને ઉભી થયેલી ભારે ઉત્સુકતા હવે સવાલોમાં બદલાઈ રહી છે.

AI-Device

AI ચલાવવાનો ખર્ચ સતત વધી રહ્યો

તાજેતરના અહેવાલો અનુસાર ગૂગલ, માઇક્રોસોફ્ટ, ઉબેર અને ઓપનએઆઈ જેવી અગ્રણી ટેક કંપનીઓએ સ્વીકાર્યું છે કે AI ચલાવવાનો ખર્ચ સતત વધી રહ્યો છે. માઇક્રોસોફ્ટે તો ખર્ચ ઘટાડવા માટે કેટલાક ક્લાઉડ લાઇસન્સ પણ રદ કર્યા હોવાનું સામે આવ્યું છે. એક કંપનીને માત્ર થોડા મહિનામાં AI સેવાઓ માટે 500 મિલિયન ડોલરનું બિલ મળ્યું હોવાનું જણાવાયું છે, જ્યારે ઉબેરનું AI સબ્સ્ક્રિપ્શન બજેટ પણ સમય પહેલાં જ સમાપ્ત થઈ ગયું હતું.

સૌથી મોટી સમસ્યા તેની ભારે કિંમત

AIની સૌથી મોટી સમસ્યા તેની ભારે કિંમત બની રહી છે. જ્યારે ChatGPT જેવા પ્લેટફોર્મ લોન્ચ થયા ત્યારે લોકો તેના ચમત્કારિક પરિણામોથી પ્રભાવિત થયા હતા. લોકો પ્રશ્નોના જવાબ મેળવતા, તસવીરો બનાવતા અને કોડ લખાવતા થયા. પરંતુ તેની પાછળ ચાલતા વિશાળ ખર્ચ વિશે બહુ ઓછી ચર્ચા થઈ હતી. હકીકતમાં AI માત્ર એક સોફ્ટવેર નથી. તેની પાછળ વિશાળ ડેટા સેન્ટરો, હજારો મોંઘા GPU ચિપ્સ, સતત ચાલતા સર્વર્સ અને ભારે વીજળીનો ઉપયોગ સામેલ છે. દરેક પ્રશ્ન, દરેક જવાબ અને દરેક જનરેટ થયેલી ઇમેજ પાછળ કંપનીઓને ખર્ચ સહન કરવો પડે છે.

ai-simple

"ઇન્ફરન્સ કોસ્ટ"

ટેક ઉદ્યોગમાં હવે "ઇન્ફરન્સ કોસ્ટ" શબ્દ ખૂબ ચર્ચામાં છે. તેનો અર્થ એ છે કે જ્યારે પણ કોઈ AIને પ્રશ્ન પૂછે છે અથવા કોઈ સામગ્રી જનરેટ કરે છે ત્યારે કંપનીએ તેનો ખર્ચ ચૂકવવો પડે છે. વપરાશ વધે તેમ ખર્ચ પણ વધે છે. આ જ કારણ છે કે ઘણી કંપનીઓ હવે મફત AI સુવિધાઓ પર મર્યાદા મૂકી રહી છે અને વધુ મોંઘા સબ્સ્ક્રિપ્શન પ્લાન રજૂ કરી રહી છે. કેટલાક વિશ્લેષકોના જણાવ્યા અનુસાર માત્ર વિડિયો જનરેશન મોડલ ચલાવવાનો ખર્ચ જ કંપનીઓને દરરોજ લાખો ડોલર સુધી પહોંચી રહ્યો છે.

નોકરીઓનો અંત હજુ આવ્યો નથી

ઉબેરના સીઓઓ એન્ડ્રુ મેકડોનાલ્ડે જણાવ્યું હતું કે કંપનીઓ AIમાં ભારે રોકાણ કરી રહી છે, પરંતુ હજુ સુધી અપેક્ષિત ઉત્પાદકતા અને નફો જોવા મળ્યા નથી. આ પહેલી વાર છે જ્યારે મોટી ટેક કંપનીઓ ખુલ્લેઆમ પૂછવા લાગી છે કે અબજો ડોલર ખર્ચ્યા પછી વાસ્તવિક ફાયદો ક્યાં છે. આ સવાલ હવે માત્ર નાના રોકાણકારો નહીં પરંતુ સમગ્ર ટેક ઉદ્યોગ પૂછવા લાગ્યો છે. નોકરીઓને લઈને પણ ચર્ચા બદલાઈ રહી છે. ઓપન AIના CEO સેમ ઓલ્ટમેન અગાઉ કહી ચૂક્યા હતા કે AI લાખો વ્હાઇટ-કોલર નોકરીઓને અસર કરશે. પરંતુ હવે તેઓ પણ સ્વીકારી રહ્યા છે કે નોકરીઓનો અંત હજુ આવ્યો નથી. હવે વધુ ભાર એ વાત પર મૂકવામાં આવી રહ્યો છે કે AI અને માનવશક્તિ સાથે મળીને કામ કરશે. Nvidiaના વડા જેન્સેન હુઆંગે પણ એવી કંપનીઓની ટીકા કરી છે જે દરેક છટણી માટે AIને જવાબદાર ઠેરવી રહી છે. તેમના મતે ઘણી કંપનીઓ પોતાના જૂના વ્યાવસાયિક નિર્ણયોને યોગ્ય ઠેરવવા માટે AIનું નામ લઈ રહી છે.

કોર્પોરેટ ગ્રાહકો AIના વધતા ખર્ચને લઈને ચિંતિત

ગૂગલના CEO સુંદર પિચાઈએ પણ સ્વીકાર્યું છે કે કોર્પોરેટ ગ્રાહકો AIના વધતા ખર્ચને લઈને ચિંતિત છે. કંપનીઓના બજેટ ઝડપથી ખાલી થઈ રહ્યા છે અને આ પડકાર આગામી સમયમાં વધુ ગંભીર બની શકે છે. અત્યાર સુધી ટેક કંપનીઓ AIની શક્તિ વિશે જ વાત કરતી હતી, પરંતુ હવે તેઓ તેના ખર્ચ અંગે પણ ખુલ્લેઆમ ચર્ચા કરવા લાગી છે. અમેરિકામાં AI વિરુદ્ધ વિરોધના અવાજો પણ વધી રહ્યા છે. ઘણી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓએ ટેક નેતાઓ સામે વિરોધ નોંધાવ્યો છે. લોકોમાં ભય છે કે AI તેમની નોકરીઓ પર અસર કરી શકે છે અને ભવિષ્યમાં કારકિર્દીની તકો ઘટાડી શકે છે. જોકે નેશનલ બ્યુરો ઓફ ઇકોનોમિક રિસર્ચના અભ્યાસ મુજબ લગભગ 90 ટકા કંપનીઓએ સ્વીકાર્યું છે કે AIએ હજુ સુધી તેમની ઉત્પાદકતા અથવા રોજગાર પર નોંધપાત્ર અસર કરી નથી.

AI-COVER

AIની સરખામણી 1990ના દાયકાના ડોટ-કોમ બબલ

આ તમામ પરિસ્થિતિને કારણે ઘણા અર્થશાસ્ત્રીઓ AIની સરખામણી 1990ના દાયકાના ડોટ-કોમ બબલ સાથે કરી રહ્યા છે. તે સમયે પણ ઇન્ટરનેટને લઈને ભારે ઉત્સાહ હતો, પરંતુ બાદમાં અનેક કંપનીઓ બજારમાંથી ગાયબ થઈ ગઈ હતી. બ્રિજવોટરના રે ડાલિયો અને જેપી મોર્ગનના જેમી ડિમન જેવા નિષ્ણાતોનું માનવું છે કે AI એક વાસ્તવિક અને ઉપયોગી ટેકનોલોજી છે, પરંતુ તેમાં થઈ રહેલા તમામ રોકાણ સફળ સાબિત થશે તેની કોઈ ખાતરી નથી.

AIને લઈને બીજો મોટો મુદ્દો વીજળી

AIને લઈને બીજો મોટો મુદ્દો વીજળી, પાણી અને ડેટા સેન્ટરોનો છે. નવા ડેટા સેન્ટરો માટે ભારે પ્રમાણમાં વીજળી અને પાણીની જરૂર પડે છે, જેના કારણે અનેક વિસ્તારોમાં સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે. હવે AI માત્ર ટેકનોલોજીનો વિષય રહ્યો નથી, પરંતુ અર્થતંત્ર, પર્યાવરણ, રોજગાર અને જાહેર નીતિ સાથે પણ સીધો જોડાઈ ગયો છે.

AIનું ભવિષ્ય સંપૂર્ણપણે અંધકારમય

તેમ છતાં નિષ્ણાતો માને છે કે AIનું ભવિષ્ય સંપૂર્ણપણે અંધકારમય નથી. ડોટ-કોમ બબલ પછી ઇન્ટરનેટ નષ્ટ થયું નહોતું, પરંતુ વધુ મજબૂત બનીને બહાર આવ્યું હતું. શક્ય છે કે AI સાથે પણ આવું જ બને. જે કંપનીઓ માત્ર હાઈપ પર ચાલી રહી છે તે કદાચ ટકી નહીં શકે, પરંતુ વાસ્તવિક ઉપયોગિતા, ઓછા ખર્ચ અને મજબૂત બિઝનેસ મોડલ ધરાવતી કંપનીઓ આગળ વધશે.

આ પણ વાંચો : દુનિયાની સૌથી મોંઘી કોફી! એક કપની કિંમત ₹57 હજાર, જાણો વિશેષતા

હાલની સ્થિતિ એટલું ચોક્કસ દર્શાવે છે કે AI કાર્યક્ષમ છે, પરંતુ તેને ચલાવવા માટે જરૂરી પૈસા, વીજળી, ડેટા સેન્ટરો અને માળખાગત સુવિધાઓ તેને વિશ્વની સૌથી મોંઘી ટેકનોલોજીઓમાંની એક બનાવી રહી છે. તેથી જ આજે પહેલી વાર ટેક વિશ્વ AIની પ્રશંસા કરતાં વધુ તેના ખર્ચ, ઉપયોગિતા અને લાંબા ગાળાના ભવિષ્ય વિશે ગંભીર પ્રશ્નો પૂછતું જોવા મળી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

OpenAI AI Costs Artificial Intelligence

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ