ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / jamnagar news Bhuchar Mori Battle Ground Bhuchar Mori yuddh jam sataji jam ajaji akbar

'પાણીપત' / મુસ્લિમને શરણ આપવા આજથી 500 વર્ષ પહેલા શીતળા સાતમે ખેલાયું હતું ગુજરાતનું મોટામાં મોટું યુદ્ધ, જાણો ભુચર મોરી યુદ્ધની શોર્યગાથા

Published By: Vishnu

Last Updated: 11:19 AM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતની એ ધરતી જે સંતો મહંતો જોગી-જતીઓ, સતીઓ અને રણશૂરા રાજપૂતોની કર્મભૂમિ છે, જ્યાં આશરાનો ધર્મનું પાલન કરવા માટે કેટલાય શૂરવીરોએ લીલુંડાં મસ્તકની કુરબાની આપી ઇતિહાસના પાને પોતાનાં નામો સુવર્ણ અક્ષરે અંકિત કર્યા.. રૂંવાડા ઉભા કરી દે એવી 'ભુચર મોરી'ની શૌર્યગાથા વિષ્ણુ મોરીની કલમે...

ADVERTISEMENT

આજે યાદ કરવું છે ગુજરાતનું છેલ્લું મોટામાં મોટું યુદ્ધ, એવું યુદ્ધ જેનો ઈતિહાસ લખવો પણ ગર્વની વાત..એ વઢાયેલા અણનમ માથા આજે પણ અમર છે..એ લોહિયાળ જંગના લોહીના છાંટાઓ આજે પણ ઈતિહાસના પાને પાને અંકિત છે.. વાત છે ભૂચર મોરી યુદ્ધની, આ યુદ્ધ કોઈ જમીન-જાગીરી પચાવવા નહીં પણ આશરા ધર્મનું પાલન કરવા ખપી જનાર ક્ષત્રિયોની યશગાથા છે..ભૂચર મોરી એટલે નાગડા વજીરની શૂરવીરતા, સૂરજ કુંવરબાનું સ્વાભિમાન, અજા જામની ખુમારી, સતા જામનો આશરા ધર્મ, લોમા ખુમાણ, દોલત ખાન, અને રા'ભારાની દગાબાજી અને 2 હજાર નરબંકાઓના પ્રાણોની આહૂતિની સાક્ષી પૂરે છે..

500 વર્ષ પહેલાની વાત છે..ઇ.સ. 1596ના શ્રાવણ વદી (શીતળા) સાતમ..એવું કહેવાય છે કે આ જગ્યા પર આ તવારીખ પહેલા પક્ષીઓના અવાજો જેવા અપશુકનો સંભળાયા હતા, જે ભવિષ્યમાં થનારા યુદ્ધના ભણકારા હતા..વિક્રમ સંવત 1648નો એ દિવસ. દિલ્હીમાં ગાદી પર બિરાજતા અકબર બાદશાહે ગુજરાતનાં છેલ્લા બાદશાહ મુઝફ્ફર શાહ ત્રીજાને હરાવી તેનું રાજ્ય કબજે કરી લીધું. અકબરે મુઝફ્ફર શાહને કેદ કરી દિલ્હી લઇ ગયો. મુઝફ્ફર શાહ અકબરની કાળી કોટડીમાં બંધ હતો. પણ અકબર બાદશાહની લોખંડી કેદ તોડીને મુઝફ્ફર શાહ ભાગી છૂટ્યો. અકબરને કાને વાત પડતાં જ ગુસ્સો સાતમા આસમાને હતો, વાત હતી સ્વાભિમાનની તેથી તેણે પોતાનું આખુય લશ્કર મુઝફ્ફરને પકડવા માટે પાછળ દોડાવ્યું. પણ મુઝફ્ફર શાહ બચતો ફરતો હતો અને અકબરની સેનાને સતત થાપ આપતો શરણ માગતો જગ્યાઓ બદલતો.

બાદશાહ મુઝફ્ફર શાહ આવ્યો સૌરાષ્ટ્રના રાજવીના શરણે
અકબરની આવડી મોટી સેના પાછળ પડી હોય અને બચવું કંઈ સહેલું ન હતું. મુઝફ્ફર શાહ રઝળપાટ કરતા ગુજરાતના અનેક રાજાઓની શરણે ગયો. પણ કોઈએ આશરો ન આપ્યો.છેવટે મુઝફ્ફરશાહ જામનગરના રાજવી જામસતાજીના શરણે આવ્યો. શરણાગતનું રક્ષણ કરવું એ ક્ષત્રિયનો ધર્મ છે. જામસતાજીએ દિલ્હી સલ્તનતની થોડો પણ વિચાર કર્યા વગર ખુલ્લેઆમ મુઝફ્ફર શાહને શરણ આપ્યું.

જામનગરના રાજવી જામસતાજીએ આપ્યું શરણ
એક તરફ મુઝફ્ફર શાહને જામસતાજી જેવા સાહસિક રાજાનું શરણ મળી ગયું હતું. બીજી તરફ દિલ્લીના બાદશાહના સિપાહીઓ મુઝફ્ફરને શોધવા માટે ગામે ગામે ખૂંદી રહ્યા હતા. .ત્યાં અમદાવાદમાં અકબરના સુબા મિર્ઝા અઝીઝ કોકાને જાણ થઈ કે જામસતાજીએ મુઝફ્ફરને આશરો આપ્યો છે. ત્યારબાદ તાબડતોડ અકબરે પોતાનું લશ્કર જામનગર તરફ મોકલ્યું. .અને જામસતાજીને ફરમાન કર્યું કે મુઝફ્ફર શાહ અમને સોંપી દો. પણ પોતાના આશરે આવેલાનું રક્ષણ ન કરે તો તે ક્ષત્રિય શેનો ? 

 

રામાયણ મહાભારત જેવા મહાભયંકર યુદ્ધ ભણકારા
ધરતી પર કેટલીક આફતો આવવાની હોય ત્યારે કુદરત તેના અંદેશા આપતું હોય છે. યુદ્ધ અગાઉ મળેલા આવા સંકેતોની રસપ્રદ વાત ‘યદુવંશ પ્રકાશ’ની અગિયારમી કળામાં આપેલા ચારણી ગીતમાં નોંધાઈ છે. ધ્રોળમાં ભૂચર નામનો રાજપૂત માલધારી હતો. તેનું ધણ ધ્રોલ ઢુંકડી જે ધાર ઉપર બેસતું તે ધાર ઉપર અચાનક રાતવરતનાં પક્ષીઓ બોલવા માંડયા. પક્ષીઓના ભયંકર અને બિહામણા અવાજથી ડરેલા ગોવાળિયાએ જઇને ભૂચર મોરીને કરી તેના મનમાં પણ ઉદ્ભવેલી શંકાના સમાધાન માટે તે ત્યાં જઇને રાત રોકાયો. છ ઘડી રાત જતાં ચિત્રવિચિત્ર મોઢાંવાળા, વિકરાળ રૂપ, નખ અને દાંતવાળા પક્ષીઓ બિહામણા અવાજે બોલી ચાર પ્રહર રહીને ઉડી ગયાં. ભૂચર મોરીએ જઇને વજીરને વાત કરી. વજીરે પંડિતો, શુકન શાસ્ત્રીઓ અને જ્યોતિષીઓ તેડાવ્યા. એમણે પણ માન્યું. ‘પક્ષીઓની બોલી પરથી સમજાય છે કે આ ધરતી માથે રામાયણ મહાભારત જેવું મહાભયંકર યુદ્ધ થશે.’

ભુચરમોરીના મેદાનમાં જામ્યું યુદ્ધ
જામસતાજીએ દિલ્હીના બાદશાહને જવાબ મોકલ્યો કે શરણાગતને કાઢી મુકવો તે ક્ષત્રિયોનો ધર્મ નથી. જામસતાજીનો આ જવાબ સાંભળીને બાદશાહ અને તેનાં હાકેમો ક્રોધથી લાલચોળ થઇ ગયા. અને ત્યારબાદ ભીષણ યુદ્ધના મંડરાણ થયા. મિર્ઝા અઝીઝ કોકાએ ધ્રોળ નજીક આશરે 9000 સૈનિકોનું સૈન્ય એકઠું કર્યું. સૈન્યમાં રોમન, આરબ, રશિયન, તુર્ક, ફિર્કાની, હબસી, મિર્કાની, મકરાણી, સિંધી, કંદહાર, કાબુલ અને ઈરાન વિસ્તાર અને મૂળના સૈનિકો હતા. અકબરના દિલ્હીના લશ્કરમાં આશરે એક લાખ જેટલા સૈનિકો હતા. 

જામ સતાજી પાસે કેવા બળની સેના હતી.
ધ્રોળ નજીકના કાઠિયાવાડના સૈન્યમાં 17 હજાર થી 21 હજાર જેટલા સૈનિકો હોવાનો અંદાજ છે. નવાનગરના સૈન્યમાં હાપા, કાના, જિયા, કાબર, ડાળ, મોઢ અને રાવ વંશના જાડેજા, સોઢા, આહીર, તુંબેલ, ચારણ, ધુંધણ, ધામણ, સુમરા, સિંધી, રાજગોર અને બારોટ જ્ઞાતિના સૈનિકો હતા. જામ સતાજી સાથે જુનાગઢના નવાબ દોલત ખાન ઘોરી અને જાગીરદાર રા ખેંગારના સૈન્યો, ખેરડી-સાવરકુંડલાના લોમા ખુમાણ અને કચ્છના રાવ ભારમલજી પ્રથમના સૈનિકો યુધ્ધ લડવા થનગન્યા હતા. ઓખાના વાઢેર અને મૂળીના વસાજી પરમાર પણ સૈન્યનો ભાગ હતા. ભદ્રેસરના મહેરામણ અજાણી પોતાના ચૌદ પુત્રો સાથે સૈન્યમાં જોડાયા હતા. આ સિવાય દ્વારકાની જાત્રાએ થી પરત ફરી હિંગળાજ દેવીના દર્શને જઈ રહેલ 500 નાગા સાધુઓની જમાત પણ જોડાઈ હતી. સૈન્યમાં તોપખાનું, અશ્વદળ, હાથી અને ઊંટ પણ હતા

જૂનાગઢના નવાબ દોલત ખાન પહેલાએ જામસતાજીને કર્યો સપોર્ટ
ધ્રોલ પાસે ભુચરમોરીના મેદાનમાં અકબરની સેના અને જામસતાજીની સેના બાથ ભિડવવા માંડી. ક્ષત્રિયોની શૌર્ય શક્તિ અને સૂઝબૂઝની લડાઈ અને વરસાદના કુદરતી કહેરના સામે બાદશાહે નતમસ્તક થવું પડ્યું હતું. અને મંત્રણા માટે આજીજી કરવી પડી હતી. પણ પેલી કહેવત છે ને ઘર કા ભેદી લંકા ઢાએ. જૂનાગઢના નવાબ દોલત ખાન પહેલા તો જામસતાજીને સપોર્ટ કર્યો હતો પણ બાદમાં એના મનમાં એવુ થયું કે પોતાનું વર્ચસ્વ ઓછુ થઈ જશે તો તેણે બાદશાહની સેનાને સપોર્ટ કર્યો. ઈતિહાસમાં કંડારેલી વાર્તા મુજબ હળવદના ચંદ્રસિંહની મધ્યસ્થતામાં શાંતિમંત્રણા સફળ થાય તો તેણે જામ સતાજીને બે લાખ ચૂકવવા અને ચંદ્રસિંહને ગુપ્ત રીતે એક લાખ ચૂકવવા વચન આપ્યું. કુંડલાના કાઠી લોમા ખુમાણે અગાઉના જૂનાગઢના અભિયાન સમયે લૂંટના ભાગરુપે એક હાથી મુઘલો પાસેથી મેળવી પોતાની પાસે રાખ્યો હતો અને તેને માટે જસ્સા વજીરે તેને બહુ રંજાડ કરેલી તે બાબતે તે જામથી છૂપી નારાજી ધરાવતો હતો. આ જ પ્રકારે જૂનાગઢનો દૌલત ખાન પણ જામ વિરુદ્ધ હતો. આ બંને એ અઝીઝ કોક સાથે ગુપ્ત સંધિ કરી અને મિર્ઝાએ સહાયની ખાતરી આપતાં તેમણે જામ વિરુદ્ધ ફરી યુદ્ધની જાહેરાત કરી. ફરી સૈનિકો ખડકલા કરવામાં આવ્યા. અકબરે એટલા સૈનિકો ઉતાર્યા કે યુદ્ધ મેદાન આખું લડવૈયાઓથી ભરાઈ ગયું. 

મોગલ સિપાહીના તલવારના ઘાથી કુંવર અજાજી શહીદ થયા
પણ ક્ષત્રિયોએ ફરી પોતાનું શૌર્ય બતાવ્યું. બાદશાહની સેના ટપોટપ મરવા લાગી. સતત ત્રણ પ્રહર એટલે કે 9 કલાકની આસપાસ આ યુધ્ધ ચાલ્યુ હોવાનું ઇતિહાસમાં લખાયું છે. તો સામી બાજુ જામસતાજીનુ સૈન્ય પ્રમાણમાં ઘણું નાનું હતું. પરંતું ક્ષત્રિયોનું શૌર્ય અપ્રતિમ હતું. બરાબર એ સમયે જામનગરના પાટવી કુંવર અને જામ સતાજીના પુત્ર અજાજી ત્રીજાના લગ્ન લેવાયા હતા.  અજાજીની જાનમાં જમણવારમાંથી નાગડા વજીર સાથે 500  શૂરવીરો યુદ્ધ મેદાનમાં મોકલવાની વ્યવસ્થા કરાઇ. અજાજીએ દુશ્મનના સૂબા પર ખુંખાર હૂમલો કર્યો. સુબો હાથી પર સવાર હતો. જ્યારે અજાજી ઘોડા પર હતા. ઘોડા પર સવાર અજાજીએ કૂદકો મારીને સુબા પર બરછીથી હુમલો કર્યો પણ સુબો બચી ગયો. બરછી હાથીની આરપાર થઈ ગઈ. પરંતુ બરાબર તે જ સમયે એક મોગલ સિપાહીના તલવારના ઘાથી કુંવર અજાજી શહીદ થયા. 

જાણે લોહીની નદીમાં પથરા તર્યા, જ્યાં જુઓ ત્યાં લાશોના ઢગલા
જામ અજાજી ઉપરાંત લડી લડીને જસા વઝીર, મહેરામણજી ડુંગરાણી, ભાણજીદળ, ડાહ્યો લોદક, નાગ વઝીર અને તોગાજી સોઢા વીરગતી પામ્યા, મુઘલ સૈન્યમાં મુહમ્મદ રફી, સૈયદ સૈફુદ્દીન, સૈયદ કબીર, સૈયદ અલીખાન જેવા મહાબલી સૈનિકોના મોત થયા, બંને પક્ષે અંદાજિત 2000 કાઠિયાવાડી વીરો સહિત 10 હજાર જેટલા સૈનિકો યુદ્ધ મેદાનમાં મોતને ભેટયા. જામ રાજવી પરિવારમાંથી સતાજીના પુત્ર, ભત્રીજો અને જમાઈ સહિતના અનેક સબંધીઓની શહીદી વહોરી લીધી. મહેરામણજીના ચૌદ પુત્રો પણ આ યુધ્ધમાં ધડે રમ્યા. એવું કહેવાય છે કે એટલા હદે ખુવારી થઈ હતી કે પંથકમાં 25 વર્ષની વયનો કોઈ યુવાન કોઇ બચ્યો ન હતો.

અઢીસો વર્ષ સુધી લોકોએ શીતળા સાતમ ન ઉજવી
ભુચર મોરીના આ મેદાનમાં શ્રાવણ વદ સાતમના રોજ જામનગરના નરબંકાઓએ ક્ષત્રિય ધર્મના પાલન માટે પાળિયા થઈ ગયા હતા.જેથી જામનગરમાં આશરે અઢીસો વર્ષ સુધી લોકો સાતમનો તહેવાર ઉજવતા ન હતા.લડાઇમાં લોહીની જાણે નદીઓ વહી હોય તેમ ભુચર મોરીની ધરતી આજે પણ લાલ અને રતાશ પડતી ભાંખે છે .આજે ત્યાં જામ અજાજીની દેરી છે અને નાગડા વજીર સહિત નરબંકાઓના પાળિયા પૂજાય છે. દર વર્ષે અહીં ભુચર મોરીના યુદ્ધની યાદમાં જુલાઇ-ઓગસ્ટ મહિના દરમિયાન મેળો ભરાય છે. 2016માં ભુચર મોરી ખાતે શહીદોની યાદમાં 67માં વનમહોત્સવની ઉજવણીના ભાગ રૂપે 'શહીદ વન' બનાવવામાં આવ્યું છે. જે ભુચર મોરી યુદ્ધના મહાન ઈતિહાસને સાચવી લોકોને પ્રેરણા આપી વીરોના બલિદાનની યશગાથા ગાઈ રહ્યું છે.

શૂરવીરોના બદલિદાનને યાદ કરતાં 18 ઑગસ્ટ 2022ના રોજ જામનગરના ધ્રોલમાં ઐતિહાસિક ભૂચર મોરી મેદાન ખાતે વર્લ્ડ રેકોર્ડ થયો . 17 જિલ્લાના 5 હજાર રાજપૂતો યુવાનોએ એક સાથે તલવારબાજી કરી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું. 

ઈતિહાસકારોએ આ યુદ્ધને સૌરાષ્ટ્રના પાણીપત તરીકે ઉપમા આપી છે. શરણે આવેલા એક મુસ્લિમની રક્ષા માટે ક્ષેત્ર લોહીથી રંગાઈ ગયું હતું. આ યુદ્ધ હજુ પણ ઈતિહાસના સુર્વણ પાને અંકિત છે અને યુગો યુગો સુધી રહેશે...
 

સંકળાયેલા મુદ્દાઓ

Akbar Bhuchar Mori Battle Vtv Exclusive bhuchar Mori jam sataji અકબર ગુજરાતનો ઈતિહાસ જામ સતાજી ભુચર મોરી ભુચર મોરી યુદ્ધ Bhuchar Mori Battle

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ