બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:30 AM, 28 October 2025
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં દડવા ગામે ઐતિહાસિક રાંદલ માતાજીનું મંદિર આવેલું છે. અહિં માતાજી વાવમાંથી પ્રગટ થયા હતા એટલે તેમની સ્થાપના વાવમાં જ કરવામાં આવી હતી. દૂરદૂરથી મોટી સંખ્યામાં ભક્તો પોતાની મનોકામના લઈ માતાજીના શરણે આવે છે. અને માતાજી તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. નિઃસંતાન દંપતિના ઘરે માતાજીના આશીર્વાદથી અચૂક પારણા બંધાયા હોવાના અનેક પુરાવા છે અને એટલે જ રાંદલ માતાજીનું મંદિર ભકિત અને આસ્થાનું કેન્દ્ર છે. આજે દેવદર્શનમાં મા રાંદલના દર્શન કરી ધન્ય થઈશુ.
ADVERTISEMENT

ગોહિલવાડ તરીકે પ્રચલિત ભાવનગર જિલ્લામાં અનેક સુપ્રસિદ્ધ ધાર્મિક યાત્રાધામો આવેલા છે અને એટલા માટે જ ભાવનગર તીર્થનગરી તરીકે પણ ઓળખાય છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના નાનકડા એવા દડવા ગામે રાંદલ માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિર સાથે હજારો ભક્તોની અતુટ શ્રદ્ધા જોડાયેલી છે એટલા માટે આજે આ ગામ રાંદલના દડવા તરીકે ઓળખાય છે.
ADVERTISEMENT

ભાવનગર જિલ્લાની ધાર્મિક અને લોક સંસ્કૃતિની ધરોહર તરીકે જાણીતા ઉમરાળા તાલુકાના દડવા ગામે આવેલું રાંદલ માતાજીનું મંદિર ભક્તો માટે શ્રદ્ધાનો દિવ્ય કિલ્લો છે. આ મંદિર માત્ર પૂજાના સ્થાન પૂરતું નહીં, પણ તેની આસપાસ ફેલાયેલી લોકકથાઓ, રિવાજો અને લોક આસ્થાના પ્રવાહોથી વિશિષ્ટ છે. રાંદલ માતાજીનો ઈતિહાસ જોઈએ તો સ્થાનિક માન્યતા મુજબ, રાંદલ માતાજી 'સૂર્ય દેવ' અને 'વિશ્વકર્મા' કુળ સાથે સંકળાયેલા માતાજી છે. ભક્તો એમ માને છે કે માતાજી દુઃખ દૂર કરતી, ઈચ્છાપૂર્તિ કરતી અને જીવનમાં શાંતિ આપતી દેવી છે. મંદિરનું મુખ્ય મૂર્તિ સ્થાન શાસ્ત્રીય રૂઢિ પ્રમાણે સ્થપાયેલું છે અને દરરોજ સવારે તથા સાંજે આરતી અને ભક્તિમય કાર્યક્રમો યોજાય છે.
ADVERTISEMENT

દડવા ગામે અંદાજીત ૪૩૦ વર્ષ પહેલા વાવનું ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યારે વાવમાંથી રાંદલ માં પ્રગટ થયા હતા ત્યારબાદ ગામલોકોએ વાવમાં માતાજીની સ્થાપના કરેલી અને ત્યારથી ગામના તેમજ આસપાસના લોકો માતાજીની સેવા પૂજા કરતા આવ્યા છે. રાંદલ માતાજી તેમના દરેક ભક્તોની તમામ મનોકામના પૂરી કરી તેમની સદાય રક્ષા કરે છે. હાલમાં પણ અહિં પાણીની વાવની અંદર જ મા રાંદલ બિરાજે છે
ADVERTISEMENT

દડવા રાંદલ મંદિરે ખાસ નિઃસંતાન લોકો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા માટે આવે છે અને અહિ માતાજીની માનતાં માને છે અને તેમના ઘરે માતાજીના આશીર્વાદથી સંતાન પ્રાપ્તિ થાય છે. ઘણા એવા દંપતિઓ છે જેમને લગ્ન જીવનના ૧૮ થી ૩૦ વર્ષ સુધી સંતાન પ્રાપ્તિ ન થયી હોય અને તેમણે માતાજીની માનતા રાખ્યા બાદ તેમના ઘરે પારણા બંધાયા છે દડવા રાંદલ માતાજીના મંદિરે અનેક ભાવિકોને માતાજીનો સાક્ષાત્કાર થયો છે.
ADVERTISEMENT

ઘણા ભક્તો પોતાની મનોકામના પુરી થયા બાદ "લોટો ચઢાવવો" માનતા પૂરી કરે છે તેમજ કેટલાક ભક્તો પોતાની માનતા પુરી થાય એટલે પગપાળા મંદિર આવે છે, તો કેટલાક નિઃસંતાન લોકોને સંતાન પ્રાપ્તિ થઈ હોય તે પોતાના બાળકને લઈને માતાજીના દર્શન કરવા લાવે છે. તો ઘણા લોકો માથે ગરબા મુકીને અહિ માનતા કરવા આવે છે. મંદિરમાં અવિરત ભક્તિગાન, સત્સંગ, આરતી, સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ જોધપુરમાં બિરાજમાન ઓમકારેશ્વર મહાદેવ, અખંડ જ્યોતના દર્શનથી ભક્તો થાય છે ધન્ય
સદીઓ જૂના આ મંદિરમાં આજે પણ રાંદલના લોટા દર્શન, નવરાત્રિ મહોત્સવ, હવન અને યજ્ઞવિધિ જેવા અનેક ધાર્મિક કાર્યક્રમો કરી જૂની પરંપરાને યથાવત રાખવામાં આવી છે. દર વર્ષે ખાસ કરીને નવરાત્રી દરમ્યાન હજારોની સંખ્યામાં ભક્તો રાંદલ માતાજીના દર્શનાર્થે ઉમટે છે. રાંદલ માતાજીનું મંદિર માત્ર ધાર્મિક સ્થળ નથી તે લોકોના જીવંત વિશ્વાસનું દ્રષ્ટાંત છે. ત્યારે સમગ્ર ગુજરાતના લોકો માટે આ મંદિર એટલે આસ્થાનો અનોખું તીર્થસ્થાન છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.