ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અન્ય જિલ્લા / રાજ્યના વહીવટી તંત્ર અને પોલીસ તંત્રમાં મોટા પરિવર્તનના એંધાણ, કેટલાક અધિકારી ડેપ્યુટેશન પર દિલ્હી જાય તેવી પણ ચર્ચા

ઈનસાઈડ સ્ટોરી / રાજ્યના વહીવટી તંત્ર અને પોલીસ તંત્રમાં મોટા પરિવર્તનના એંધાણ, કેટલાક અધિકારી ડેપ્યુટેશન પર દિલ્હી જાય તેવી પણ ચર્ચા

Published By: Gautam Purohit

Last Updated: 10:55 AM, 3 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Inside Story : રાજ્યમાં દારૂબંધીમાં હજી કેટલીક છૂટછાટ મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ગુજરાત બહારના ટુરિસ્ટ માટે સરકાર એક નવી એપ્લીકેશન લાવી રહી છે, જેના દ્વારા પરમિટ અંગેનું કામ થશે. બીજી તરફ ગાંધીનગરમાં વહીવટી તંત્રમાં મોટા ફેરફાર અંગે પણ ચર્ચા ચાલી રહી છે.

ADVERTISEMENT

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટના નવસર્જન પછી હવે રાજ્યની બ્યુરોક્રેસી અને પોલીસ વિભાગમાં મોટાપાયે પરિવર્તન થાય તેવી ચર્ચા ચાલી રહી છે. આમ તો કેબિનેટના મંત્રીની માગણી પ્રમાણેના અધિકારીઓ મળવા મુશ્કેલ બની રહ્યાં છે, તેમ છતાં ગુણદોષ અને કામના અનુભવને જોતાં વિભાગોના સેક્રેટરીઓના હાલના પોર્ટફોલિયોમાં મોટાપાયે બદલીઓ સંભવ બની છે. ખાસ કરીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપરાંત નવા આવેલા મંત્રીઓના વિભાગોમાં પરિવર્તન નિશ્ચિત બન્યું છે. રાજ્યમાં આવતા વર્ષે ગમે ત્યારે સ્થાનિક ચૂંટણીઓ આવી શકે છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગમાં ફેરબદલ થઇ શકે તેમ છે. ગૃહ વિભાગના કેટલાક અધિકારીઓ પાસે બેવડા ચાર્જ છે, સિનિયર અધિકારીઓને ત્રણ કે તેથી વધુ વર્ષ થઇ ચૂક્યાં છે તેમની બદલી થવાની જોરશોરથી ચર્ચા થઇ રહી છે. હાલ તો નવા મંત્રીઓ તેમના વિભાગની મુલાકાતો લઇને કામની સમજ કેળવી રહ્યાં હોવાથી વિભાગોમાં ઉત્સવ જેવો માહોલ દેખાઇ રહ્યો છે. ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં 12 એવા ચહેરા છે કે જેઓ પ્રથમવાર ધારાસભ્ય બન્યા છે અને પહેલી જ ટર્મમાં મંત્રીપદ મળ્યું છે તેથી તેઓ તેમના વિભાગના અધિકારીઓ સાથે સંકલન બનાવી રહ્યાં છે.

આવતા વર્ષે 1996ની બેચમાં ACSના પ્રમોશન નિશ્ચિત

ગુજરાતના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા પાંચ પ્રિન્સિપલ સેક્રેટરીને ટૂંકસમયમાં એડિશનલ ચીફ સેક્રેટરી (ACS)ના પ્રમોશન નિશ્ચિત બન્યાં છે. સિનિયર અધિકારીઓની નિવૃત્તિ અને નોકરીનો સમયગાળો જોતાં રાજ્ય સરકાર આ પ્રમોશન આપતી હોય છે. આ વખતે 1996ની બેચના મોના ખંધાર, ડો. ટી. નટરાજન, રાજીવ ટોપનો, મમતા વર્મા અને મુકેશકુમારનો ક્રમ આવી શકે છે. જો કે મોના ખંધારનું સેન્ટ્રલ ડેપ્યુટેશન પણ પેન્ડીંગ છે. સચિવાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે 2026ના પ્રારંભમાં આ અધિકારીઓને પ્રમોશન મળે તેવી સંભાવના છે. છેલ્લે જુલાઇ 2025માં નિવૃત્ત થયેલા ACS કક્ષાના અધિકારીઓમાં જેપી ગુપ્તા અને કમલ દાયાણી પછી હવે નવેમ્બરમાં 1989 બેચના સુનયના તોમર અને ડિસેમ્બરમાં 1991ની બેચના એસજે હૈદર નિવૃત્ત થઇ રહ્યાં હોવાથી આ કક્ષામાં વધુ જગ્યાઓ ખાલી પડી રહી છે. ACSની જેમ 2001ની બેચના અધિકારીઓને પ્રિન્સિપલ સેક્રેટરીના પ્રમોશન આપવામાં આવે તેવું પણ લાગી રહ્યું છે. એટલ કે આવનારા બે મહિનામાં રાજ્યના વહીવટી તંત્રમાં પ્રમોશનની મોસમ અને મોટા ફેરફારો સંભવ બની રહ્યાં છે.

ડેપ્યુટેશનથી કોઇ પાછા આવશે, કોઇ દિલ્હી દરબારમાં જશે

ગુજરાતમાં અધિકારીઓના ડેપ્યુટેશન એ સામાન્ય બાબત છે પરંતુ રાજ્યમાં અધિકારીઓની ઘટ જોતાં બહુ ઓછા અધિકારીઓને દિલ્હી દરબારમાં મોકલવામાં આવે તેવું લાગી રહ્યું છે. કેન્દ્રમાં ડેપ્યુટેશન ધરાવતા બે અધિકારી – ઇનસ્પેસ, અમદાવાદમાં જોઇન્ટ સેક્રેટરી લોચન સેહરા અને કેન્દ્રના ડિફેન્સ મંત્રાલયમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા ડો. અજયકુમાર તો પાછા આવી રહ્યાં છે, la જયપ્રકાશ શિવહરેનું પણ ડેપ્યુટેશન નક્કી થઈ ગયું છે. સાથે જ શાહમીના હુસેનનો માર્ગ મોકળો બની રહ્યો છે. અન્ન અને નાગરિક પુરવઠાના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે કાર્યરત મોના ખંધાર ડેપ્યુટેશન પર નવી દિલ્હી જઇ રહ્યાં હોવાની ચર્ચા તેજ બની છે. અગાઉ પણ તેઓ ડેપ્યુટેશન પર જઇ આવ્યા છે. આ સાથે એવું ચર્ચાઇ રહ્યું છે કે સેન્ટ્રલ ડેપ્યુટેશન પર ગયેલા અજય ભાદુ અને સંધ્યા ભુલ્લર પણ પાછા આવે તો નવાઇ પામવા જેવું નહીં હોય!

GPSCની પરીક્ષાનું 2 વર્ષેય રિઝલ્ટ નહીં!

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ની પરીક્ષા પ્રક્રિયા લાંબી અને જટિલ હોય છે તેનું ઉદાહરણ તાજેતરમાં જોવા મળ્યું છે. બે વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં વર્ગ-1 અને વર્ગ-2ની મુખ્ય પરીક્ષાનું પરિણામ હજી સુધી આવ્યું નથી. ડિજિટલ યુગમાં આટલો બધો વિલંબ શક્ય બની રહ્યો છે. GPSCના અધ્યક્ષ કહી રહ્યાં હતા કે અમે GPSCને હવે UPSC સમકક્ષ લઇ જઇશું અને તેના માટે સિલેબસ બદલ્યો, પરીક્ષા પદ્ધતિ પણ બદલી, સિસ્ટમ પણ ચેન્જ કરી છતાં પરિણામ આપવાની ઝડપ બદલાઇ શકી નથી. ઉમેદવારો જ કહી રહ્યાં છે કે જેટલો સમય મુખ્ય પરીક્ષાના પરિણામમાં લીધો છે તેટલા સમયમાં તો UPSCની આખી પ્રોસેસ પૂરી થઇ જાય અને ભારતીય સેવાના અધિકારીઓને નિમણૂકો પણ મળી જાય. અત્યારે તો પરીક્ષાનું પરિણામ જાહેર નહીં થતાં અંદાજે 10 હજાર ઉમેદવારો માનસિક તણાવમાં છે. ઉલ્લેખનીય છે કે GPSC દ્વારા ઓગષ્ટ 2023માં ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી હતી. પ્રાથમિક પરીક્ષા જાન્યુઆરી 2024માં અને મુખ્ય પરીક્ષા ઓક્ટોબર 2024માં લેવામાં આવી હતી.

પોલીસને x પર ફરિયાદ કરો, પરિણામ મેળવો

ગુજરાત પોલીસનો એક એવો પ્રયોગ કે જેનાથી સોશિયલ મીડિયા x ઉપર ફરિયાદોનો નિકાલ થઇ રહ્યો છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોલીસે જીપી-સ્મેશ દ્વારા નાગરિકો અને પોલીસ અધિકારી વચ્ચે પાદર્શક સિસ્ટમ વિકસાવી છે. ગુજરાત પોલીસ- સોશિયલ મીડિયા મોનિટરીંગ, અવેરનેસ એન્ડ સિસ્ટેમેટિક હેન્ડલીંગ નામની આ સુવિધા ગયા માર્ચ મહિનામાં શરૂ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા x પર આવતી ફરિયાદો અને સૂચનોનો ગણતરીના કલાકોમાં ઉકેલ શોધવામાં આવે છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં એક્સ હેન્ડલ પર મળેલી 850 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. ખાસ કરીને લો એન્ડ ઓર્ડર, ટ્રાફિક, સાયબર ફ્રોડ, પ્રોહિબિશન, એન્ટી કરપ્શન કે પોલીક અધિકારીના દુર્વ્યવહાર સબંધિત ફરિયાદોને જિલ્લા, રેન્જ અને જે તે વિભાગના વડા સુધી પહોંચાડીને કાર્યવાહી કરવામાં આવે છે અને જે તે અધિકારી પોસ્ટ પર જ કાર્યવાહીની અપડેટ્સ આપે છે. આ સિસ્ટમમાં રાજ્ય, રેન્જ અને જિલ્લા એમ ત્રણસ્તરે સતત મોનિટરીંગની વ્યવસ્થા છે.

ડિજિટલ ગુજરાત 2.0 ડિઝાઇન પણ અમલીકરણમાં શંકા

ગુજરાત વહીવટી સુધારણા કમિશન (GARC)ના સ્વીકાર કરવામાં આવેલા પાંચમા રિપોર્ટ પ્રમાણે રાજ્ય સરકાર એક રાજ્ય-એક પોર્ટલ પર કામ કરશે, જેમાં નાગરિક સેવાઓ માટે સિંગલ સાઇન-ઓન (SSO) રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. GARCના અધ્યક્ષ અને મુખ્યમંત્રીના ચીફ એડવાઇઝર ડો. હસમુખ અઢિયાએ જણાવ્યું છે કે પ્રત્યેક નાગરિકને એક જ ડિજિટલ ઇન્ટરફેસથી તમામ સરકારી સેવાઓ એક જ ક્લિકમાં ઉપલબ્ધ કરાવી ગવર્મેન્ટ એટ ધ ડોર સ્ટેપ ઓફ સિટિઝનનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે, જેના કારણે અલગ અલગ સેવાઓ મેળવવા વારંવાર માહિતી આપવાની જરૂર રહેશે નહીં. આ કમિશને ડિજિટલ ગુજરાત 2.0 પોર્ટલ વિકસાવવાની ભલામણ કરી છે પરંતુ રાજ્ય સરકાર ક્યારે તેનું અમલીકરણ કરશે તે હજી નિશ્ચિત નથી. રાજ્યના તમામ જનસેવા કેન્દ્રોને આધુનિક બનાવવા, સેવાઓ મેળવવા માટેના પ્રતીક્ષા સમયમાં ઘટાડો કરવા, દરેક જનસેવા કેન્દ્રોમાં માર્ગદર્શન ડેસ્ક ઉભા કરવા અને નાગરિકો સાથે મૈત્રીભાવપૂર્ણ વાતાવરણ જેવો કન્સેપ્ટ વિચારવામાં આવ્યો છે પરંતુ સરકારી તંત્રમાં શિથિલતાના કારણે આ અનુભવ સાકાર થાય છે કે કેમ તે મોટો સવાલ છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ઘણાં સમય પહેલાં પોલીસ સ્ટેશનોમાં અરજદારોને ચા-પાણી આપી તેમની સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર કરવાની અનેક સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં એકપણ પોલીસ સ્ટેશનમાં તેનું પાલન થઇ શકતું નથી. અરજદારોને આરોપીની જેમ ટ્રીટ કરવામાં આવે છે.

ફરિયાદીને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવામાંથી મુક્તિ

આઇ-પ્રગતિ – ઇન્ટેલિજન્સ પ્રોગ્રેસ રિપોર્ટીંગ એન્ડ ગ્રિવન્સિસ એડ્રેસિંગ થ્રુ ટેકનોલોજી ઇનિશિયેટીવ પહેલના ગુજરાત પોલીસને સાનુકૂળ પ્રતિસાદ મળી રહ્યાં છે. ફરિયાદને પોલીસ કેસમાં થયેલી કાર્યવાહીની વિગતોના એસએમએસ મળવાના શરૂ થયાં છે. રાજ્યના નાગરિકોએ કરેલી ફરિયાદની તપાસ ક્યાં પહોંચી તે જાણવા પહેલાં પોલીસ સ્ટેશન જવું પડતું હતું પરંતુ હવે ઓનલાઇન અપડેટ્સ આપી દેવામાં આવતા હોવાથી ધક્કા ખાવાના બંધ થયાં છે. આ પહેલ 14મી મે 2025ના રોજ શરૂ કરવામાં આવી હતી, જેમાં એફઆઇઆર દાખલ થયા પછી થયેલી કાર્યવાહીની જાણ ફરિયાદીને કરવામાં આવે છે. આ સિસ્ટમ હેઠળ ફરિયાદીને સ્થિતિનું પંચનામું, જામીન, નોટિસ તેમજ ધરપકડ સહિતની વિગતોનું અપડેટ્સ મોકલવામાં આવે છે.

દારૂબંધીની નીતિમાં છૂટછાટનો વધુ એક બદલાવ

ગુજરાતમાં દારૂબંધીની નીતિમાં છૂટછાટ આપવાનો ગિફ્ટ સિટીમાં પ્રયોગ કર્યા પછી રાજ્ય સરકારે ગુજરાત બહારના ટુરિસ્ટ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં ગુજરાતના પ્રવાસન સ્થળે આવતા ટુરિસ્ટને દારૂની પરમીટ મોબાઇલ એપ્લિકેશન દ્વારા આપવાની વિચારણા શરૂ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ એપ્લિકેશનનું ટ્રાયલ રન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી એમ ત્રણ ભાષામાં આ એપ્લિકેશન ઉપલબ્ધ કરાવાશે, જેમાં આધાર કાર્ડ જેવા આઇડી પ્રુફ અને કેવાયસી રાખવામાં આવશે. ઓનલાઇન મંજૂરી સાથે યુપીઆઇ દ્વારા પેમેન્ટ કરવાની સુવિધા પણ હશે. હાલની પદ્ધતિ પ્રમાણે અન્ય રાજ્યોના પ્રવાસીઓને દારૂની પરમીટ લેવા નિયુક્ત કરેલી હોટલોમાં જવું પડે છે, જેમાં બઘી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી સરકારી અધિકારીની મંજૂરી પછી પરમીટ મળતી હોય છે. નવી સિસ્ટમ હેઠળ આધાર કાર્ડ, મતદાર આઇડી, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ સહિત 10 દસ્તાવેજો ઓનલાઇન અપડેટ કરી શકાશે.

આ પણ વાંચો : ઓક્ટોબરના અંતે વહીવટી તંત્રમાં ઉથલપાથલની શક્યતા, નવા cs અંગે નિર્ણય લેવાશે, IAS-IPSમાં મોટા પાયે બદલીઓની પણ સંભાવના

‘નવું શીખવું અને સંશોધન કરવું એ જીવન મંત્ર’

એક અધિકારી ધારે તો શું કરી શકે છે, તેનું ઉદાહરણ ભારતીય પોલીસ સેવા (IPS)માં ગુજરાત કેડરના 2021ની બેચના મહિલા અધિકારી સુમન નાલા છે, કે જેઓ હાલમાં પોલીસ અધિક્ષક (ટેકનિકલ અને એસસીઆરબી)માં ફરજ બજાવી રહ્યાં છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ફરજ દરમ્યાન તેઓ લાઇમ લાઇટમાં આવ્યા છે. આદિવાસી પુનર્વસન અને કલ્યાણ ક્ષેત્રે સંવાદ આધારિત સહયોગ અને પ્રશાસનિક ટેકાથી સામાજિક સ્થિરતા લાવવાના ભાગરૂપે તેમણે દાંતાના આદિવાસી વિસ્તારમાં એક દાયકાથી સામાજિક બહિષ્કારનો ભોગ બનેલા 29 પરિવારોને તેમના ઘર સુધી પાછા લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. કોમ્પ્યુટર સાયન્સમાં BEની ડીગ્રી મેળવી છે, તેવા આ અધિકારીનો શૈક્ષણિક તેમજ સંશોધન અનુભવ પણ સમૃદ્ધ છે. તેમણે AIIMSમાં મિટ્રલ વાલ્વ પ્રોસ્ટેથેટિક્સ પર અભ્યાસ કર્યો છે અને રાષ્ટ્રીય એન્ટાર્કટીક-મહાસાગર સંશોધન કેન્દ્રમાં અતિશય પરિસ્થિતિઓમાં સૂક્ષ્મ જીવોના અસ્તિત્વ પર સંશોધન કર્યું છે. તેમનું યોગદાન પ્રોટીન પોઇન્ટ મ્યુટેશન પ્રેડિક્શન ક્ષેત્રે ગણિતીય સંશોધનમાં પણ છે. હાલ તેઓ પોલીસ અધિક્ષક (ટેકનિકલ અને SCRB) તરીકે ફરજ બજાવે છે. કોર્પોરેટ વર્લ્ડ છોડી સરકારી સેવામાં પ્રવેશ લેનારા આ અધિકારીને સરદાર પટેલ જન્મજ્યંતિએ એકતા પરેડનું નેતૃત્વ કરવાની તક મળી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Inside Story Gandhinagar news Deputation

Published by

Gautam Purohit

Gautam has over 33 years of experience in print and digital media journalism with passion and dedication. With extensive experience in political and administrative reporting at Gujarat’s Secretariat and Legislative Assembly, his interests include social media, wildlife, and agriculture

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ