બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / VTV વિશેષ / ઓક્ટોબરના અંતે વહીવટી તંત્રમાં ઉથલપાથલની શક્યતા, નવા cs અંગે નિર્ણય લેવાશે, IAS-IPSમાં મોટા પાયે બદલીઓની પણ સંભાવના

ઇનસાઇડ સ્ટોરી / ઓક્ટોબરના અંતે વહીવટી તંત્રમાં ઉથલપાથલની શક્યતા, નવા cs અંગે નિર્ણય લેવાશે, IAS-IPSમાં મોટા પાયે બદલીઓની પણ સંભાવના

Gautam Purohit

Last Updated: 12:27 PM, 28 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળી વેકેશન સમાપ્ત થયું છે, આજથી સરકાર કચેરીઓ ધમધમી રહી છે, ત્યારે નવી ચર્ચાઓ પણ શરૂ થઈ છે. એકબાજુ આઈપીએસ અભય ચૂડાસમાની નિવૃત્તિ થઈ છે, બીજી તરફ નવા ચીફ સેક્રેટરી અંગે જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. તો વહીવટી તંત્રમાં બદલીનો દોર પણ આવે તેવી શક્યતા છે.

ગુજરાતમાં ઓક્ટોબર મહિનાનું છેલ્લું સપ્તાહ વધુ મહત્વનું એટલા માટે બન્યું છે કે આ સપ્તાહમાં ગુજરાતના વહીવટી તંત્રના સુપ્રીમો એવા ચીફ સેક્રેટરીના ભાવિનો ફેસલો થવાનો છે. પંકજ જોષીને એક્સટેન્શન મળે છે કે, નવા ચીફ સેક્રેટરી તરીકે કોઇ નવું નામ પસંદ થાય છે તેના પર બ્યુરોક્રેસીની નજર છે. આ સંજોગોમાં 31મી ઓક્ટોબરે કેવડિયા સ્થિત સ્ટેટ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની જન્મજ્યંતિનો રાષ્ટ્રીય અવસર આવી રહ્યો છે. અંદાજે 100થી વધુ VVIPની ઉપસ્થિતિમાં એકતા પરેડ અને અન્ય કાર્યક્રમો યોજાવાના છે ત્યારે ગુજરાતના મહત્વના વિભાગો અને CMO આ ઉજવણીની તૈયારીમાં વ્યસ્ત બન્યાં છે. આ જ ગાળામાં સરકારને નવા વિઝિલન્સ કમિશનર પણ શોધવાના થાય છે. આઠ દિવસના દિવાળી વેકેશન પછી આવતા આજે જ્યારે સચિવાલયના દરવાજા ખૂલશે ત્યારે પ્રથમ ચર્ચા સરદાર અને સીએસની થવાની છે. આ સાથે જ રાજ્યના વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં મોટાપાયે બદલીઓનો સંકેત પણ મળવાનો છે. નવરચિત કેબિનેટના સભ્યો ઓક્ટોબરના છેલ્લા સપ્તાહના પ્રારંભે જ પોતાની ઓફિસનો કારોબાર સંભાળવાના હોવાથી સ્વર્ણિમ સંકુલનો ધમધમાટ વધી જવાનો છે. કેબિનેટમાં થયેલા પરિવર્તન પછી હવે વહીવટમાં પરિવર્તનના સંકેત અપેક્ષિત બન્યાં છે.

IPS કેડરમાં અભય ચૂડાસમાની સફરનો સત્તાવાર અંત

ગુજરાત પોલીસમાં અલગ પ્રકારની ઇમેજ ધરાવતા IPS અધિકારી અભય ચૂડાસમાએ ગયા ફેબ્રુઆરી મહિનામાં તેમની નોકરીમાંથી સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું હતું, પરંતુ રાજ્ય સરકારે તે મંજૂર કર્યું ન હતું પરંતુ હવે આ અધિકારી ઓક્ટોબરના અંતે નિવૃત્ત થઇ રહ્યાં છે. એનકાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ એવા 1999ની બેચના આ અધિકારીની 2010માં સોહરાબુદ્દીન એનકાઉન્ટર કેસમાં સીબીઆઇએ અરેસ્ટ કરી હતી પરંતુ ચાર વર્ષ પછી સીબીઆઇની ખાસ અદાલતે તેમને છોડી મૂકતાં સરકારી નોકરીમાં તેઓએ ફરીથી પ્રવેશ કર્યો હતો. તેમનું પોસ્ટીંગ જ્યારે કરાઇ પોલીસ તાલીમ શાળામાં કરવામાં આવી હતી ત્યારે તેમણે અચાનક રાજીનામું આપી દીધું હતું. આ પહેલાં તેમણે ઘણાં વર્ષો સુધી ગાંધીનગર રેન્જમાં આઇજી તરીકે સર્વિસ આપી હતી. સરકારે રાજીનામું સ્વીકાર્યું નહીં હોવા છતાં તેઓ રજા પર રહ્યાં હતા. હવે લાંબી રજાઓ પછી તેઓ 31મી ઓક્ટોબરે રજાના દિવસે જ સત્તાવાર નિવૃત્ત થઇ રહ્યાં છે. રાજીનામા પછી તેમણે જાહેર સમારંભમાં કહ્યું હતું કે “હું રાજકારણમાં ક્યારેય જોડાવાનો નથી. મારી ઇચ્છા સમાજના શિક્ષણ ક્ષેત્રે કામ કરવાની છે.”

રાજ્ય વિઝિલન્સ કમિશનરનો તાજ કોના શિરે મૂકાશે?

ગુજરાત વિઝિલન્સ કમિશન (જીવીસી)માં નવા અધિકારીની નિયુક્તિ કરવા માટે રાજ્ય સરકારે તૈયારી શરૂ કરી છે. હાલના કમિશનર સંગીતા સિંઘ 31મી ઓક્ટોબરે નિવૃત્ત થઇ રહ્યાં હોવાથી ખાલી પડનારી આ જગ્યાએ હાલમાં જ નિવૃત્ત થયેલા ત્રણ અધિકારી – રાજકુમાર, જેપી ગુપ્તા કે કમલ દાયાણી પૈકી કોઇ એકને ચાન્સ મળી શકે તેવી સંભાવના છે. રાજ્યના ગૃહ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી પદેથી નિવૃત્ત થયેલા 1986ની બેચના આઇએએસ અધિકારી સંગીતા સિંઘને રાજ્ય સરકારે 31મી ઓક્ટોબર 2020માં વિઝિલન્સ કમિશનર તરીકે પોસ્ટીંગ આપ્યું હતું. હવે તેમના પાંચ વર્ષ પૂર્ણ થયાં છે. આ કમિશન પરંપરાગત રીતે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની જેમ જ સ્વતંત્રતા છે અને તેના અધિકારો અને કાર્યક્ષેત્રના પ્રયોગમાં તે રાજ્ય સરકારના કોઈપણ વિભાગનું અધિકાર મથક નથી. વહીવટી બાબતો માટે આ કમિશન હોમ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલું છે.

વલસાડમાં 13-15 નવેમ્બરે બ્યુરોક્રેસી અને મંત્રીઓનું ચિંતન

ગુજરાત સરકારની 12મી ચિંતન શિબિર આ વખતે 13 થી 15 નવેમ્બર દરમ્યાન વલસાડના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં યોજાવાની છે. આ શિબિરમાં પોષણ અને જાહેર આરોગ્ય, સર્વિસ સેક્ટરમાં વૃદ્ધિ, ક્ષમતા નિર્માણ, જાહેર સલામતી, હરિત ઉર્જા અને પર્યાવરણ જેવા વિવિધ મુદ્દાઓ પર મંથન થવાનું છે. મહત્વનું છે કે પાછલા વર્ષોમાં સરકારે 11 ચિંતન શિબિરો કરી છે પરંતુ એકપણ શિબિરમાં ભ્રષ્ટાચારને નિયંત્રણમાં લાવવાના કોઇ ઉપાયોની ચર્ચા કરી નથી, કે જે રાજ્યના વિકાસ આડે સૌથી મોટો પડકાર છે. જરીપુરાણા કાયદા કોઇપણ આરોપીને ઉચ્ચતમ સજા અપાવી શકતા નથી. રાજકીય નેતાઓની જેમ રાજ્યની બ્યુરોક્રેસી પણ આ મુદ્દે ચૂપ છે. આશ્ચર્યની બાબત એ છે કે ચિંતન શિબિરમાં મનોમંથન થાય છે, ડોક્યુમેટન્સ બને છે પરંતુ તેનો અમલ કરવાનો આવે છે ત્યારે હંમેશા પાછીપાની કરવામાં આવે છે. સામાન્ય રીતે ચિંતન શિબિરમાં કેબિનેટના સભ્યો, સરકારના વિવિધ વિભાગો અને જાહેરસાહસોના વડાઓ, જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ સામેલ થતાં હોય છે. ગયા વર્ષે જ્યારે શિબિરનું આયોજન કર્યું હતું ત્યારે તેમાં રોજગારીની તક, ગ્રામ્યસ્તરે આવક વૃદ્ધિ, સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ અને પ્રવાસન વિકાસમાં સ્થાનિક સંસ્થાઓનું યોગદાન જેવા વિષયો હતા પરંતુ છેલ્લા એક વર્ષથી આ દિશામાં નક્કર કામગીરીનો અભાવ જોવા મળી રહ્યો છે.

કોમનવેલ્થ ગેઇમ્સમાં બે અધિકારીઓની વ્યસ્તતા વધી જશે

અમદાવાદને કોમનવેલ્થ ગેઇમ્સ 2030નું યજમાનપદ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાથી સ્પોર્ટ્સ, યુથ એન્ડ કલ્ચરલ એક્ટિવિટીઝ ડિપાર્ટમેન્ટ કે જે કોમનવેલ્થ ઉપરાંત ઓલિમ્પિક 2036ના આયોજનમાં વ્યસ્ત છે તેના અધિકારીઓની જવાબદારીમાં વધારો થવાનો છે. આ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિનીકુમાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ સંદીપ સાંગલે જ્યાં સુધી આ વિભાગમાં ફરજ બજાવશે ત્યાં સુધી તેમણે આ બન્ને ઇન્ટરનેશનલ ગેઇમ્સ માટે કામ કરવું પડશે. કોમનવેલ્થ ગેઇમ્સ છેલ્લે 2022માં ઇંગ્લેન્ડમાં યોજાઇ હતી જેમાં 20 સ્પોર્ટ્સ અને 283 ઇવેન્ટ્સ હતી. 2026માં આ રમતોત્સવ સ્કોટલેન્ડમાં યોજાવાનો છે. મહત્વનું છે કે આ ગેઇમ્સમાં ભારતે અત્યાર સુધીમાં 203 ગોલ્ડ, 190 સિલ્વર, 171 બ્રોન્ઝ સહિત કુલ 564 મેડલ મેળવ્યા છે. ગુજરાતમાં કોમનવેલ્થ ગેઇમ્સ માટે મોટેરા સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ, વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, કરાઇનું સૂચિત સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ઉપરાંત નાના-મોટા 45 કોમ્પલેક્સનો ઉપયોગ કરવામાં આવનાર છે. 20 ગેઇમ્સની 200થી વધુ ઇવેન્ટ્સમાં 72 દેશોના 5000થી વધુ ખેલાડીઓ ભાગ લેશે.

RTIના 20 વર્ષ પછી પણ ગોપનીયતા હજી અકબંધ

ગુજરામાં રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ (આરટીઆઇ) કાયદો અમલમાં આવ્યા પછી છેલ્લા 20 વર્ષમાં રાજ્યમાં 21.29 લાખ અરજીઓ દાખલ કરવામાં આવી છે, જે પૈકી 58 ટકા શિક્ષણ, ગૃહ અને મહેસૂલ વિભાગને લગતી જોવા મળી છે. એનજીઓના એક સંશોધિત અહેવાલ પ્રમાણે અરજદારને સમયસર માહિતી નહીં આપતાં 1284 જાહેર માહિતી અધિકારીઓ (પીએલઓ) ને 1.14 કરોડનો દંડ કરવામાં આવ્યો છે, જ્યારે 74 પીએલઓને શિસ્તબદ્ધ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે. આશ્ચર્યજનક બાબત એવી સામે આવી છે કે આરટીઆઇ કાયદાની કલમ હેઠળ થયેલા ઓડિટમાં રાજ્યના 26 વિભાગો પૈકી 35 ટકા સરકારી વેબસાઇટ્સએ ડેટા અપડેટ કર્યો હતો અને 38 ટકાએ જૂની માહિતી પ્રદર્શિત કરી હતી. જ્યારે 19 ટકા વેબસાઇટ્સમાં મુખ્ય માર્ગદર્શિકાઓ અને બજેટ રેકોર્ડનો અભાવ હતો. એટલે કે ડિજિટલ ટ્રાન્સફરન્સીનો અભાવ જોવા મળ્યો છે. ગુજરાત રાજ્ય માહિતી આયોગમાં અપીલની કુલ સંખ્યા 1.37 લાખ જોવા મળી છે. ડેટા એવું પણ દર્શાવે છે કે આરટીઆઇ વપરાશકર્તાઓ માટે ખતરો પણ જોવા મળ્યો છે. રાજ્યમાં 18 આરટીઆઇ એક્ટિવિસ્ટોએ પોતાના જીવ ગુમાવ્યા છે. એવું કહેવામાં આવે છે કે બે દાયકા પછી ગુજરાતની આરટીઆઇ યાત્રા સશક્તિકરણ અને ધોવાણ વચ્ચેના ક્રોસરોડ પર ઉભી છે. જ્યાં સુધી શાસન કાગળમાંથી કાર્યવાહી સુધી બદલાશે નહીં ત્યાં સુધી પારદર્શિતાનું વચન ફાઇલો નીચે દટાયેલું જ રહેશે.

આ પણ વાંચોઃ હવે સચિવાલયમાં ત્રણ મોટી પોસ્ટીંગ પર બ્યુરોક્રેસીની નજર, લોબિંગ પણ શરૂ

નવી ઔદ્યોગિક નીતિ કેવી હશે?

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિના ઘડતરનું કામ ચાલી રહ્યું છે ત્યારે તેમાં મોટા બદલાવના સંકેત જોવા મળી રહ્યાં છે. હાલની નીતિ ઓગષ્ટમાં પૂર્ણ થયા પછી ઉદ્યોગ અને ખાણ વિભાગે તેને ડિસેમ્બર 2026 સુધી એક્સટેન્ડ કરી છે, જેની સાથોસાથ નવી નીતિમાં અનેક નવા સેક્ટરોનો ઉમેરો થઇ રહ્યો છે. વિભાગના ટોચના અધિકારીનું કહેવું છે કે સૂચિત નીતિમાં સેમિકન્ડક્ટર, ગ્રીન હાઇડ્રોજન, ફિનટેક અને રિન્યૂએબલ એનર્જી ઉપરાંત સર્વિસ સેક્ટર માટે પણ નવા પ્રોત્સાહનોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારે નીતિ ઘડતર માટે 12 વિશેષ ટાસ્કફોર્સની રચના કરી છે જેમાં એમએસએમઇ વિકાસ, પર્યાવરણ સુરક્ષા, પ્રદૂષણ નિયંત્રણ, બિમાર એકમોનું પુનરૂત્થાન અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા છે. આવતા વર્ષે જાહેર થનારી નીતિમાં જમીન સુધારા, બાંધકામ પરમિશન, ઔદ્યોગિક કાયદામાં સુધાર, પાણી અને ખનીજ સંશાધનોનું વ્યવસ્થાપન, જીએસટીમાં પારદર્શિતા, ડિજિટલાઇઝેશન અને સ્થાનિક સંસ્થાઓ સાથેનો સહયોગ મુખ્ય મુદ્દાનો સમાવેશ થશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર હાલ જૂની પૂર્ણ થયેલી ઔદ્યોગિક નીતિ સાથે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (વીજીઆરસી) કરી રહી છે, જેની એક ઇવેન્ટ મહેસાણામાં પૂર્ણ થઇ છે અને હવે કચ્છ-સૌરાષ્ટ્રની ઇવેન્ટ 8-9 જાન્યુઆરી 2026માં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sardar Patel Jayanti Celebration Gujarat Gujarat Bureaucracy Changes Chief Secretary Gujarat
Gautam Purohit

Gautam has over 33 years of experience in print and digital media journalism with passion and dedication. With extensive experience in political and administrative reporting at Gujarat’s Secretariat and Legislative Assembly, his interests include social media, wildlife, and agriculture

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ