બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / VTV વિશેષ / અન્ય જિલ્લા / હવે સચિવાલયમાં ત્રણ મોટી પોસ્ટીંગ પર બ્યુરોક્રેસીની નજર, લોબિંગ પણ શરૂ
Last Updated: 12:18 PM, 20 October 2025
ADVERTISEMENT
ગુજરાતમાં ચાર વર્ષ જૂની ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મોટા બદલાવ થયાં છે. દિવાળી પહેલાં થયેલી આ ફેરબદલમાં કહીં ખુશી, કહીં ગમ જેવો માહોલ છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના ગ્રહો ખૂબ પાવરફુલ હોવાથી તેમને ગૃહ, ઉદ્યોગ સહિતના મહત્વના વિભાગોની જવાબદારી સોંપાઇ છે. હકીકતમાં તેમણે મુખ્યમંત્રીનો ભાર હળવો કર્યો છે. કેબિનેટના રિનોવેશનમાં ભલભલાં નેતાઓના સપનાં ચકનાચૂર થયાં છે. જેમની ધારણા હતી તેઓ બહાર રહી ગયા છે અને જેમની કલ્પના પણ ન હતી તેવા નવનકોર ચહેરાઓ સરકારી બંગલા, સ્વર્ણિમ સંકુલ અને ગાડીના હક્કદાર બની ગયા છે. નવ પૂર્વ મંત્રીઓને અફસોસ એ છે કે અમારો વાંક શું, અમારો ગુનો શું?... જો રિનોવેશન કરવું જ હતું તો તમામ મંત્રીઓના રાજીનામાં મંજૂર થવા જોઇએ પરંતુ અડધી રાત્રે છ મંત્રીઓ રિપીટ થયાં એ મોટું સસ્પેન્સ છે. નવી કેબિનેટમાં બે મંત્રીઓ – કુંવરજી બાવળિયા અને પરશોત્તમ સોલંકી એવાં છે કે જેઓ પોતાની જ્ઞાતિના કારણે રિપીટ થયાં છે. બીજીતરફ જેમની અપેક્ષા હતી તે અમિત ઠાકર, અલ્પેશ ઠાકોર, સીજે ચાવડા અને જયેશ રાદડિયા હવે સંગઠનના આગ્રહી બની ગયા છે.
ADVERTISEMENT
આ વખતે દિવાળીની મોસમ દરમ્યાન સચિવાલયમાં અધિકારીઓ અને મંત્રીઓની ચેમ્બરમાં ઠલવાતી કોર્પોરેટ ગિફ્ટ્સમાં આ વખતે ચાંદીના સિક્કા અદ્રશ્ય બની ગયા છે. મીઠાઇના બોક્સની સાથે કેટલીક નાની-મોટી ગિફ્ટ તેમજ ડ્રાયફ્રુટની ડીશ લોકપ્રિય બનતી ગઇ છે. ચાંદીનો ભાવ આસમાને પહોંચ્યો છે અને બે લાખની આસપાસ પહોંચી ગયો હોવાથી કોર્પોરેટ વર્લ્ડને 50 ગ્રામ કે 100 ગ્રામના સિક્કા પણ મોંઘા પડી રહ્યાં છે. અધિકારીઓ જેની રાહ જોઇ રહ્યાં હતા તે સિલ્વર કોઇન આ વખતે તેમના નસીબમાં નથી. જો કે અપવાદરૂપ કિસ્સાઓમાં જે કંપનીને ટેન્ડરમાં કે સરકારી ઇન્સેન્ટીવ્સમાં ભરપૂર ફાયદો થયો છે તે કંપનીઓના પ્રતિનિધિઓએ નિવાસસ્થાને પહોંચીને અધિકારી તેમજ મંત્રીઓના ચરણે સિલ્વર કરતાં પણ મોંઘી ગિફ્ટ ધરી દીધી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. દિવાળી પહેલાંના આ સમયમાં સચિવાલયની પ્રત્યેક ચેમ્બર ગિફ્ટ બોક્સથી ભરાઇ ચૂકી છે. માત્ર અધિકારી કે મંત્રી જ નહીં તેમના પર્સનલ આસિસ્ટન્ટ અને પર્સનલ સેક્રેટરીના ઘરમાં ડાયરેક્ટ ગિફ્ટ પહોંચી છે. છેલ્લા કેટલાક વર્ષોથી સુગર કોટેડ મીઠાઇનું સ્થાન ડ્રાયફ્રુટના બોક્સે લીધું છે અને પ્રત્યેક 10 ગિફ્ટ પૈકી 8 ગિફ્ટમાં ડ્રાયફ્રુટ્સ જોવા મળે છે. ઘણાં કોર્પોરેટ્સ પ્રતિનિધિઓએ કંપનીની ગિફ્ટ આપવાના બહાને સચિવાલયમાં ઉચ્ચ અધિકારી અને તેમના સ્ટાફ સાથે ઘરોબો કેળવી લીધો છે.
ADVERTISEMENT
ગુજરાતમાં પ્રતિવર્ષ નિવૃત્ત થઇ રહેલા આઇએએસ અધિકારીઓ અને કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ફરજ બજાવતા દોઢ ડઝન કરતાં વધુ અધિકારીઓના કારણે રાજ્યના વહીવટી તંત્ર પર વિપરિત અસર થઇ છે, આ સ્થિતિ જોતાં રાજ્ય સરકારે ગયા જૂન મહિનામાં કેન્દ્ર સરકારને રજૂ કરેલી એક દરખાસ્ત પ્રમાણે આઇએએસની ઓથોરાઇઝ્ડ સ્ટ્રેન્થ 313 થી વધારીને 343 કરવાની મંજૂરી માગવામાં આવી છે. એટલે કે ગુજરાતના વહીવટી તંત્રમાં બીજા 20 અધિકારીઓની આવશ્યકતા છે. સંખ્યાબળની દ્રષ્ટિએ જોઇએ તો રાજ્યમાં પ્રતિ 2.40 લાખની વસતીએ એક આઇએએસ છે. દેશના કુલ આઇએએસની સંખ્યા પૈકી ગુજરાતને માત્ર પાંચ ટકાની ફાળવણી કરવામાં આવે છે. બીજીતરફ ડેપ્યુટેશન પર ફરજ બજાવી રહેલા દોઢ ડઝનથી વધુ અધિકારીઓ પૈકી 2002ની બેચના લોચન સેહરા કે જેઓ ઇન સ્પેસ, અમદાવાદમાં ફરજ બજાવી રહ્યાં છે અને 2006ની બેચના ડો. અજયકુમાર કે જેઓ કેન્દ્રના ડિફેન્સ મંત્રાલયમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે ડેપ્યુટેશન પર છે તેઓ એકાદ મહિનામાં પાછા આવી જાય તેવી શક્યતા છે. આ ઉપરાંત રાજ્ય સરકાર બીજા ચાર થી પાંચ અધિકારીઓને પાછા બોલાવવાની માગણી કરે તેમ મનાય છે.
ADVERTISEMENT
ગુજરાતમાં એડવેન્ટર ટુરિઝમ એક એવો અદ્દભૂત અને રોમાંચક વિકલ્પ છે કે જેના કારણે ટુરિસ્ટની સંખ્યામાં અનેકગણો વધારો થઇ શકે તેમ છે. રાજ્ય સરકાર આ પ્રવૃત્તિ માટે સાહસ સાથે કાયદાનો સંગમ ઉભો કરવા જઇ રહી છે. ટુરિઝમ વિભાગના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે જોશ અને જોશીલા જોખમ પર ચાલતી એડવેન્ચર પ્રવૃત્તિઓ હવે નિયમ અને ધારાધોરણોથી ચાલશે. ખાસ કરીને ટ્રેકિંગ, રિવર રાફ્ટિંગ, પેરાસેલિંગ, વોટર સ્પોર્ટ્સ અને ઝિપલાઇલિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓ માટે સરકાર અલગ અધિનિયમ લાવવા માગે છે, જે સાહસિક, ટુર ઓપરેટર અને સંચાલકને બંધનકર્તા હશે. આ પ્રવૃત્તિ શરૂ કરતાં પહેલાં લાયસન્સ અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. ઉલ્લેખનીય છે કે ટુરિસ્ટ પ્લેસ ઉપર ઘણીવખત અણધાર્યા દુખદ પ્રસંગો બની જતાં હોય છે તેથી સરકાર આ પ્રવૃત્તિને કાયદામાં સિક્યોર કરવા માગે છે. સર્વિસ પ્રોવાઇડરે લાયસન્સ મેળવી ટુરિસ્ટની સલામતી માટેના તમામ પગલાં લેવા પડશે. આ કામગીરીની દેખરેખ માટે એક રેગ્યુલેટરી ઓથોરિટીની પણ નિયુક્તિ કરવામાં આવશે. તાજેતરમાં મહેસાણા ખાતે યોજાયેલી વાયબ્રન્ટ પરિષદમાં કેન્દ્રીય ટુરિઝમ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી સુમન બિલ્લાએ કહ્યું હતું કે એડવેન્ચર ટુરિઝમને વેગ આપવા કેન્દ્ર સરકાર ગુજરાતને વિશેષ માર્દદર્શન આપશે.
ADVERTISEMENT
સરકારી નોકરીમાં સાતમા પગારપંચ હેઠળ અઢળક પગાર-ભથ્થાં લેતાં અધિકારી અને કર્મચારીઓ પૈકી કેટલાક લાલચીઓએ કરપ્શનના બઘાં સિમાડા વટાવી દીધા છે. માત્ર 100 રૂપિયા થી એક લાખ અને તેથી વધુની રકમ લાંચમાં લઇને પોતાની નોકરી તો જોખમમાં મૂકી છે પણ સાથે સાથે સામાજિક તિરસ્કારનો ભોગ પણ બની રહ્યાં છે. રાજ્યના એન્ટી કરપ્શન બ્યુરોના આંકડા બતાવે છે કે પ્રતિવર્ષ સરેરાશ 240 સામે એસીબી કેસ દાખલ થાય છે. છેલ્લા પાંચ વર્ષનો આંકડો 1500 સુધી પહોંચ્યો છે. મહત્વનું છે કે 2019માં કરપ્શનના 417 કેસ પકડવામાં આવ્યા હતા જે સંખ્યા પાછલા ત્રણ વર્ષમાં ઘટીને 250 ની આસપાસ થઇ છે. એસીબીના સત્તાવાર આંકડા પ્રમાણે રાજ્ય સરકારમાં સૌથી ભ્રષ્ટ ગૃહ વિભાગ છે, જ્યાં સૌથી વધુ કરપ્શનના કેસો પકડાય છે. બીજાક્રમે પંચાયત અને ત્રીજાક્રમે મહેસૂલ વિભાગ આવે છે. આ ત્રણ વિભાગોમાં અધિકારીઓ અને કર્મચારીઓ લેવલે લાંચ લેવાનું દૂષણ વધ્યું છે. ચોંકાવનારી બાબત એવી સામે આવી છે કે એસીબીની ટ્રેપમાં ફસાયેલા અધિકારીઓમાં સૌથી વધુ વર્ગ-3ના અધિકારીઓ જોવા મળ્યા છે.
ADVERTISEMENT
ગુજરાતના ચીફ સેક્રેટરી પંકજ જોષી માટે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે તેમને એક વખત એક્સટેન્શન મળી શકે છે પરંતુ જો તેમ ન થાય તો તેઓ નિવૃત્તિ પછી બીજી કોઇ સરકારી બંધારણીય સંસ્થામાં નિયુક્તિ પામી શકે છે અથવા તો મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરીથી કૈલાસનાથન જેવી પોસ્ટ ઉભી કરીને તેમને મહત્વનું પોસ્ટીંગ આપી શકાય તેમ છે, કારણ કે સરકાર જો નવા ચીફ સેક્રેટરીની શોધ કરશે તો સિનિયોરિટી પ્રમાણે 1990ની બેચના આઇએએસ અધિકારી મનોજ કુમાર દાસને હોટ ફેવરીટ તરીકે જોવામાં આવે છે. તેઓ હાલ મુખ્યમંત્રીના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે, એ ઉપરાંત તેમની પાસે ગૃહ વિભાગનો એડિશનલ ચાર્જ છે. જો તેઓ આ સુપ્રીમ પોસ્ટ પર નિયુક્તિ પામે તો તેમને ગૃહ વિભાગનું પદ છોડવું પડશે. બીજીતરફ નિવૃત્ત આઇએએસ અનિલ મુકિમનો ટેન્યોર પૂર્ણ થતાં ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (જીઇઆરસી) ની જગ્યા ખાલી પડી છે અને સંગીતા સિંઘની મુદ્દત પૂર્ણ થતાં ગુજરાત વિઝિલન્સ કમિશનરની વધુ એક જગ્યા પણ આ મહિનાના અંતે ખાલી પડી રહી છે, આ સંજોગોમાં થોડાં સમય પહેલાં નિવૃત્ત થયેલા ત્રણ આઇએએસ અધિકારી – જેપી ગુપ્તા, રાજકુમાર અને કમલ દાયાણીને સેટ કરવાનો પડકાર રાજ્ય સરકાર સામે ઉભો છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખપદે આ નેતા જેટલો ટેન્યોર કોઇએ ભોગવ્યો નથી, 7 વર્ષ સુધી પદ પર રહ્યા
ગુજરાતમાં કેબિનેટના વિસ્તરણ પછી હવે બ્યુરોક્રેસીમાં પણ મોટાપાયે પરિવર્તનના સંકેતો મળે છે. ચીફ સેક્રેટરીના પદને બાદ કરતાં વિભાગોના અધિકારીઓ કે જેમની પાસે એડિશનલ ચાર્જિસ છે તેમને મુક્ત કરવા માટે સિનિયર અધિકારીઓની બદલીનો એક મોટો રાઉન્ડ આવી રહ્યો છે. સરકારમાં ઘણાં એવા અધિકારીઓ છે કે જેમને એક જ જગ્યાએ ત્રણ કે તેથી વધુ વર્ષનો સમય થઇ ગયો છે, તેઓને પણ બદલવામાં આવશે. આગામી વર્ષે આવનારી સ્થાનિક ચૂંટણીઓ પહેલાં રાજ્યના વિભાગો, જિલ્લા વહીવટી અને પોલીસ તંત્રમાં બદલાવ દેખાઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે નવેમ્બરના અંતે હાયર એન્ડ ટેકનિકલ શિક્ષણના એડિશનલ ચીફ સેક્રેટરી સુનયના તોમર નિવૃત્ત થઇ રહ્યાં છે, જેમની પાસે હાલ રાજ્યના સામાન્ય વહીવટ વિભાગનો પણ એડિશનલ ચાર્જ છે. એવી જ રીતે ડિસેમ્બરમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના એડિશનલ ચીફ સેક્રેટરી એસજે હૈદર ડિસેમ્બરમાં નિવૃત્ત થવાના છે. ઓક્ટોબરના અંતે બીકે પંડ્યા, નવેમ્બરમાં એચકે કોયા, એએમ શર્મા, એબી પટેલ તેમજ ડિસેમ્બરમાં વીજે રાજપૂત, ધર્મેન્દ્રસિંહ જાડેજાની નોકરી પણ સમાપ્ત થઇ રહી છે. એટલે કે વહીવટી તંત્રમાં ઘણી જગ્યાઓ ખાલી પડી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Gautam has over 33 years of experience in print and digital media journalism with passion and dedication. With extensive experience in political and administrative reporting at Gujarat’s Secretariat and Legislative Assembly, his interests include social media, wildlife, and agriculture
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.