બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સાયલામાં કુદરતનો અદ્દભૂત નજારો, મિનિ ‘ટોર્નેડો’આવતાં વાહનો થંભ્યા, રસ્તા ઉખડ્યા
5 ફોટો ગેલેરી
Last Updated: 10:39 AM, 4 June 2026
1/5
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બુધવારે સાંજે લગભગ 7:10 વાગ્યે અચાનક વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. હાઈવે પર ચાલતા લોકો અને વાહનચાલકોને એવું લાગી રહ્યું હતું કે જાણે આકાશમાંથી વાદળોથી ગૂંથાયેલી દોરી સીધી જમીન તરફ ઉતરી રહી હોય. આ અદ્દભુત પરંતુ ભયજનક દૃશ્યને જોઈ લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. થોડા જ મિનિટોમાં સમગ્ર વિસ્તારમાં આંધી જેવો માહોલ સર્જાઈ ગયો હતો અને ભારે પવન સાથે ધૂળના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા.
2/5
પવનની ગતિ એટલી વધુ હતી કે હાઈવેના ડિવાઈડરમાં લગાવવામાં આવેલા છોડ અને આસપાસની હલકી વસ્તુઓ ઉખડીને દૂર ફેંકાઈ ગઈ હતી. હાઈવે પરથી પસાર થતાં વાહનોને અચાનક દૃશ્યતા ઘટતા ડ્રાઈવરોને પોતાના વાહનો રસ્તા પર જ ઉભા રાખવા પડ્યા હતા. કુદરતના આ રૌદ્ર સ્વરૂપને જોઈ ઘણા લોકો વાહનોમાંથી બહાર પણ ન નીકળ્યા હતા. આ દરમિયાન સતત વીજળીના કડાકા અને ભારે વરસાદે સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો હતો.
3/5
થોડીવાર બાદ આ મિનિ ટોર્નેડો જેવી રચના આગળ વધતી ગઈ અને નજીકના પેટ્રોલ પંપ વિસ્તારમાં ભારે તારાજી સર્જાઈ હતી. ભારે પવન સાથે પડેલા મસમોટાં કરાઓએ લોકોમાં ભયનો માહોલ ઊભો કર્યો હતો. અનેક લોકોને એવું લાગતું હતું કે જાણે વાવાઝોડું આવી રહ્યું હોય. હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી અને વાહનચાલકો સુરક્ષિત સ્થળ શોધવા મજબૂર બન્યા હતા.
4/5
હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર હાલ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી હોવાથી સીબી ક્લાઉડ એટલે કે ક્યુમ્યુલોનીમ્બસ ક્લાઉડનું લોકલ ફોર્મેશન બનતું હોય છે. આવા વાદળોની ઊંચાઈ સામાન્ય રીતે જમીનથી લગભગ 1000થી 1500 મીટર સુધી રહેતી હોય છે, જે ઓછી ગણાય છે. તેના કારણે વાદળોનો ભાગ જમીન તરફ ખેંચાતો દેખાય છે. આ જ દૃશ્યને હવામાન વિજ્ઞાનની ભાષામાં ‘ફનલ ક્લાઉડ’ કહેવાય છે.
5/5
અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે ફનલ ક્લાઉડ જ્યાં ઉતરે ત્યાં ભારે નુકસાન અને જાનહાનિ સર્જાવાની શક્યતા રહેતી હોય છે. ભારે પવન, વીજળી અને કરા જેવી પરિસ્થિતિઓ દરમિયાન લોકોને સલામત સ્થળે રહેવાની સલાહ આપવામાં આવી છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પર જોવા મળેલા આ દૃશ્યે એકવાર ફરી કુદરતની અણધારી શક્તિનો અહેસાસ કરાવ્યો હતો અને લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ