ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના મોતનું અસલી કારણ શું હતું? ભાભર પોલીસે VTV સાથેની વાતમાં કર્યો ખુલાસો
Last Updated: 05:32 PM, 19 September 2026
ADVERTISEMENT
વાવ-થરાદ પંથક સહિત સમગ્ર ગુજરાતમાં સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની આગવી ઓળખ બનાવનાર ‘ગુજ્જુ લવ ગુરુ’ ઉર્ફે ચંદન રાઠોડનું માર્ગ અકસ્માતમાં કરૂણ અવસાન થતાં તેમના પરિવાર, મિત્રો અને લાખો ચાહકોમાં શોકની લાગણી પ્રસરી છે. પોતાની દેશી બોલી, અનોખી કોમેડી અને આગવી રજૂઆતથી લોકોના ચહેરા પર સ્મિત લાવનાર ચંદન રાઠોડની અચાનક વિદાયે સોશિયલ મીડિયા જગતને પણ હચમચાવી દીધું છે. આ તરફ હવે તેમના અકસ્માતને લઈ અને ચર્ચાઓ એ સોશિયલ મીડિયામાં જન્મ લીધો છે કે, શું ખરેખર આ કોઈ અકસ્માત હતો કે કોઈ ષડ્યંત્ર કે પછી બીજું કઈ? જોકે VTV ન્યૂઝ ડિજિટલ સાથે વાત કરતા ભાભર પોલીસે આ અંગે એક મોટી અપડેટ આપી છે.
ADVERTISEMENT
ભાભર પોલીસે કર્યો મોટો ખુલાસો
ભાભર પોલીસ સ્ટેશનના PI હરેશકુમાર એલ. જોશી એ VTV News Digital સાથેની ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, ચંદન રાઠોડનું મોત માર્ગ અકસ્માતની ઘટનામાં થયું છે. પ્રાથમિક માહિતી મુજબ બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ‘ગુજ્જુ લવ ગુરુ’ ઉર્ફે ચંદન રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાઓના કારણે તેમનું નિધન થયું હોવાનું PIએ જણાવ્યું હતું.
ADVERTISEMENT
પરિવારે આજે ફરીયાદ આપી છે : પીઆઈ
PI હરેશકુમાર એલ. જોશીએ વધુમાં જણાવ્યું હતું કે, હાલની પ્રાથમિક માહિતી પ્રમાણે આ ઘટના બે બાઈક વચ્ચે થયેલા અકસ્માતની છે. ચંદન રાઠોડના પરિવારજનો દ્વારા આજે આ અંગે પોલીસ ફરિયાદ આપવામાં આવી છે. ફરિયાદના આધારે પોલીસ દ્વારા હવે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવશે અને જરૂરિયાત મુજબ સંબંધિત વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી શકે છે
ADVERTISEMENT
આ પણ વાંચોઃ પ્રેમની વાતો કરતો ‘લવ ગુરુ’ થયો મૌન, ભાભર પાસે અકસ્માતમાં કરુણ અંત, મોત પર બનાવી હતી છેલ્લી રીલ
સામાન્ય અંદાજથી અલગ હતી ચંદન રાઠોડની ઓળખ
ADVERTISEMENT
સુઈગામના વતની ચંદન રાઠોડ સોશિયલ મીડિયા પર માત્ર કોમેડી કલાકાર તરીકે જ નહીં, પરંતુ પોતાની અલગ બોલવાની શૈલી અને ગામઠી અંદાજને કારણે જાણીતા બન્યા હતા. તેમના વીડિયો ગુજરાતના ખૂણે-ખૂણે પહોંચ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો તેમના કન્ટેન્ટ સાથે જોડાયા હતા.
ADVERTISEMENT
તેમના વીડિયોનો ખાસિયતભર્યો ભાગ હતો તેમની દેશી ભાષા, સહજ અભિનય અને રોજિંદા જીવનમાંથી લેવામાં આવતી વાતોને રમૂજી રીતે રજૂ કરવાની શૈલી. અનેક વખત તેઓ મનોરંજનની સાથે સામાજિક સંદેશ પણ આપતા હતા.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર તેમની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે Instagram પર તેમના આશરે 18 લાખ, Facebook પર સાડા ત્રણ લાખથી વધુ અને YouTube પર આશરે 10 લાખ ફોલોઅર્સ હોવાનું જણાવાયું છે.
જે વીડિયો છેલ્લો સંદેશ બની ગયો
ચંદન રાઠોડના અકાળે અવસાન બાદ તેમના સોશિયલ મીડિયા પરનો એક વીડિયો ખાસ ચર્ચામાં આવ્યો છે. અકસ્માતના આશરે ચાર કલાક પહેલાં તેમણે આ વીડિયો અપલોડ કર્યો હતો.
આ વીડિયોમાં તેમણે જીવનની અનિશ્ચિતતા અંગે વાત કરતાં કહ્યું હતું:
“જેનો કોઈ ભરોસો નથી એ જ છે જિંદગી અને જેનો 100 ટકા ભરોસો છે તેનું નામ છે મોત.”
વિડિયો પોસ્ટ થયાના થોડા જ કલાકોમાં તેમના અકસ્માત અને મૃત્યુના સમાચાર સામે આવતા ચાહકો માટે આ વાત વધુ ભાવુક બની ગઈ. સોશિયલ મીડિયા પર અનેક લોકોએ આ વીડિયોને યાદ કરીને ચંદન રાઠોડને શ્રદ્ધાંજલિ આપી.
આ પણ વાંચોઃ ગુજરાતમાં કોમેડી કિંગ તરીકે જાણીતા આ કલાકારનું મોત, વાવ-થરાદમાં નડ્યો અકસ્માત
અકસ્માત કેવી રીતે થયો?
મળતી માહિતી મુજબ, ભાભર-સુઈગામ હાઈવે પર હરિધામ ગૌશાળા નજીક બે બાઈક સામસામે અથડાઈ હતી. આ અકસ્માતમાં ચંદન રાઠોડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માની જાણ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે ભાભર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
આ ઘટનાની જાણ પરિવારજનો અને ચાહકો સુધી પહોંચતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. જે કલાકાર થોડા સમય પહેલાં સુધી પોતાના વીડિયોથી લોકોને હસાવી રહ્યો હતો, તેની અચાનક વિદાયના સમાચાર માનવા પણ ઘણા ચાહકો માટે મુશ્કેલ બન્યા હતા.
કોમેડીથી આગળ પણ હતી તેમની સફર
ચંદન રાઠોડની ઓળખ માત્ર સોશિયલ મીડિયા સુધી સીમિત નહોતી. તેમણે ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. અભિનય દરમિયાન પણ તેમની બોલવાની આગવી છટા અને દેશી અંદાજને લોકોએ પસંદ કર્યો હતો.
તેમણે પોતાની આસપાસના જીવન, ગામડાની ભાષા અને સામાન્ય માણસની વાતોને કન્ટેન્ટનો ભાગ બનાવીને પોતાની અલગ ઓડિયન્સ ઊભી કરી હતી. આ જ કારણથી તેમનો કન્ટેન્ટ માત્ર કોમેડી પૂરતો સીમિત ન રહેતાં લોકો સાથે લાગણીના સ્તરે પણ જોડાતો ગયો.
લાખો ચાહકોને પાછળ છોડી ગયા
ચંદન રાઠોડના નિધનના સમાચારથી સોશિયલ મીડિયા પર તેમના ચાહકોમાં ભારે દુઃખ જોવા મળ્યું છે. તેમના વીડિયો જોનારા લોકો માટે તેઓ માત્ર એક કલાકાર નહોતા; તેમની આગવી શૈલી અને સ્થાનિક ભાષાના કારણે તેઓ ઘણા લોકોના પોતાના માણસ જેવા બની ગયા હતા.
આ પણ વાંચોઃ ઝેરી દવા પીને જૂનાગઢમાં વનરાજસિંહ અને રેખાબા ઝાલાએ કર્યો આપઘાત, જાણો કારણ
આજે તેમના વીડિયો સોશિયલ મીડિયા પર ફરી શેર થઈ રહ્યા છે અને ચાહકો તેમની જૂની યાદોને વાગોળી રહ્યા છે. જીવનની અનિશ્ચિતતા અંગેનો તેમનો છેલ્લો વીડિયો હવે તેમના ચાહકો માટે એક ભાવુક યાદ બની ગયો છે.
લોકોને હસાવનાર ‘ગુજ્જુ લવ ગુરુ’ હવે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના વીડિયો, તેમની આગવી બોલી અને તેમની યાદો લાંબા સમય સુધી ચાહકોના દિલમાં જીવંત રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ