ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરેન્દ્રનગરમાં બ્રિજની બંને સાઈડના રોડ જાણે ખાડામાં ફેરવાયા તેવી સ્થિતિ, વાહનચાલકોને જીવનું જોખમ!
Last Updated: 02:31 PM, 19 September 2026
ADVERTISEMENT
વરસાદ આવે એટલે રસ્તા પર ખાડા પડવાની સમસ્યા જાણે હવે સામાન્ય બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અમદાવાદ-રાજકોટ હાઇવે પર વરસાદ બાદ તંત્રની બેદરકારી સામે આવી છે. હાઇવે પર આવેલા અનેક બ્રિજની બંને સાઈડના સર્વિસ રોડની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે જાણે રસ્તો નહીં પરંતુ ખાડાઓનો માર્ગ બની ગયો હોય. વરસાદી પાણી ભરાયા બાદ આ ખાડાઓ વધુ જોખમી બની રહ્યા છે અને વાહનચાલકોને જીવના જોખમે આ રસ્તા પરથી પસાર થવાની ફરજ પડી રહી છે.
ADVERTISEMENT

અમદાવાદ-રાજકોટ હાઇવે પર ટોકરાળા, લીંબડી, બોડિયા, વડોદ અને વસ્તડી સહિતના વિસ્તારોમાં બ્રિજની બંને તરફના સર્વિસ રોડ પર મોટા-મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે. વરસાદી પાણી ખાડાઓમાં ભરાઈ જતાં રસ્તા પર ખાડો કેટલો ઊંડો છે તેનો અંદાજ લગાવવો પણ વાહનચાલકો માટે મુશ્કેલ બની રહ્યો છે. ખાસ કરીને વાહનચાલકોને અચાનક ખાડો આવી જતાં વાહનનું સંતુલન ગુમાવવાનો કે અકસ્માત સર્જાવાનો ભય રહે છે.
ADVERTISEMENT
આ માર્ગ પર રોજબરોજ હજારો વાહનોની અવરજવર રહે છે. અમદાવાદ અને રાજકોટ જેવા મોટા શહેરોને જોડતા મહત્વના હાઇવે સાથે જોડાયેલા સર્વિસ રોડની આવી સ્થિતિ હોવા છતાં રસ્તાની મરામત અને ખાડા પૂરવા માટે જવાબદાર તંત્ર દ્વારા કેટલી ગંભીરતા દાખવવામાં આવી રહી છે તે અંગે સવાલો ઊભા થયા છે. વરસાદ બાદ રસ્તાઓની સ્થિતિ વધુ ખરાબ બની છે, પરંતુ હજુ સુધી મોટા ખાડાઓ પૂરવા કે સર્વિસ રોડને યોગ્ય રીતે રિપેર કરવા માટે પૂરતી કામગીરી કરવામાં આવી નથી.
ADVERTISEMENT

ખાડાઓના કારણે દિવસ દરમિયાન તો કોઈ રીતે વાહનચાલકો રસ્તો પસાર કરી લે છે, પરંતુ રાત્રિના સમયે પરિસ્થિતિ વધુ જોખમી બની જાય છે. અંધારામાં રસ્તા પર પડેલા ખાડા સ્પષ્ટ દેખાતા નથી. તેના કારણે વાહનચાલકોને અચાનક ખાડામાં વાહન ઉતરી જવાની શક્યતા રહે છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે આ સ્થિતિ વધુ જોખમી બની શકે છે. ખાડાઓને કારણે વાહનોને નુકસાન થવાની સાથે ગંભીર અકસ્માતનું જોખમ પણ વધી રહ્યું છે.
ADVERTISEMENT
સ્થાનિક વાહનચાલકોમાં પણ તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. જાખણ ગામના વાહનચાલક મહાવિર સિંહ ઝાલાએ રસ્તાની સ્થિતિ અંગે પોતાની મુશ્કેલી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “હું જાખણથી આવ્યો છું. રોડ બહુ ખરાબ છે. બસ, હવે આ સર્વિસ રોડ અમે સરખો જ નથી કરતા. ખાડા બહુ છે.” તેમના આ નિવેદન પરથી પણ સ્પષ્ટ થાય છે કે સર્વિસ રોડની ખરાબ હાલતના કારણે સ્થાનિક વાહનચાલકો લાંબા સમયથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ADVERTISEMENT
વરસાદ બાદ સર્વિસ રોડ પર પડેલા આ ખાડાઓ હવે માત્ર રસ્તાની સમસ્યા રહી નથી, પરંતુ વાહનચાલકોની સુરક્ષા સાથે જોડાયેલો ગંભીર મુદ્દો બની ગયા છે. એક તરફ વરસાદી પાણી અને બીજી તરફ મોટા ખાડાઓના કારણે વાહન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા આ રસ્તાની તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે અને જ્યાં મોટા ખાડાઓ પડ્યા છે ત્યાં યોગ્ય રીતે પુરાણ અને મરામત કરવામાં આવે તેવી વાહનચાલકોની માંગ છે.
ADVERTISEMENT
હવે જોવાનું એ રહેશે કે અમદાવાદ-રાજકોટ હાઇવેના આ સર્વિસ રોડની સમસ્યા અંગે જવાબદાર તંત્ર ક્યારે જાગે છે અને વાહનચાલકોને રોજિંદી હાલાકીમાંથી ક્યારે મુક્તિ મળે છે. હજારો વાહનોની અવરજવર ધરાવતા આ મહત્વના માર્ગ પર વહેલી તકે ખાડાઓ પૂરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અકસ્માતનું જોખમ વધુ વધી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.