બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / Budget 2026-27 / અન્ય જિલ્લા / ગુજરાત માટે ₹4.08 લાખ કરોડનું બજેટ રજૂ, 10 ટકાનો વધારો, જાણો મોટી જાહેરાતો

ગુજરાત બજેટ 2026 / ગુજરાત માટે ₹4.08 લાખ કરોડનું બજેટ રજૂ, 10 ટકાનો વધારો, જાણો મોટી જાહેરાતો

Vishal Khamar

Last Updated: 02:26 PM, 18 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કનુ દેસાઈ દ્વારા આજે વિધાનસભામાં 4,08,053 લાખ કરોડનું વિશાળ બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં ગત વર્ષની સરખામણીએ 10 ટકાનો નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. વિકાસને વેગ આપવા અને રાજ્યની આર્થિક મજબૂતી માટે આ બજેટમાં અનેક મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી હોવાનું તેમણે ગૃહને જણાવ્યું.

નાણામંત્રીએ બજેટ ભાષણ દરમિયાન ટેકનોલોજીને પરિવર્તનનું શક્તિશાળી સાધન ગણાવતા જણાવ્યું કે રાજ્યમાં સ્ટાર્ટઅપ સંસ્કૃતિને વધુ વેગ આપવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. i-Hub અમદાવાદ ખાતે વિકસેલી મજબૂત ઇકોસિસ્ટમને હવે વિસ્તૃત કરીને સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટમાં i-Hubના રીજનલ સેન્ટરો સ્થાપિત કરવામાં આવશે. આ પહેલથી યુવાનો અને ઉદ્યોગસાહસિકોને સ્થાનિક સ્તરે માર્ગદર્શન, ફંડિંગ અને ઇનોવેશન માટે સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ પ્રોજેક્ટ માટે સરકારે ₹૮૦ કરોડની જોગવાઈ સૂચવી છે, જે રાજ્યના ટેકનોલોજી આધારિત વિકાસને નવી દિશા આપશે.

MSME માટે ₹૧૭૭૫ કરોડની જોગવાઇ

રાજ્ય સરકાર સ્ટાર્ટઅપ અને MSME ક્ષેત્રને વધુ ગતિ આપવા દૃઢ પ્રતિબદ્ધ છે. યુવાનોને “વિચારથી વ્યવસાય” સુધી પહોંચાડવા માટે અનુકૂળ નીતિઓ, નાણાકીય સહાય અને મેન્ટરશિપ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. પરિણામે રાજ્યમાં અત્યાર સુધી આશરે 16 હજારથી વધુ સ્ટાર્ટઅપ નોંધાયા છે, જે નવીનતા અને રોજગાર સર્જનમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને “બેસ્ટ પરફોર્મર સ્ટેટ” તરીકે મળેલ માન્યતા રાજ્યના યુવાનોની સર્જનાત્મકતા અને સાહસિકતાનું પ્રતિબિંબ છે. દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 19 ટકા યોગદાન આપતું ગુજરાત મજબૂત MSME ઇકોસિસ્ટમ ધરાવે છે અને 29 લાખથી વધુ નોંધાયેલા એકમો સાથે અગ્રેસર રાજ્ય તરીકે સ્થાન ધરાવે છે. MSME ક્ષેત્રને વધુ પ્રોત્સાહન આપવા “આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ MSME” માટે ₹1775 કરોડની જોગવાઈ કરવામાં આવશે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રાથમિકતા આપતા આગામી સમયમાં 25 GIDCને સ્માર્ટ સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે, જેમાં ₹1250 કરોડના રોકાણથી પાણી, વીજળી, ગેસ અને ડિજિટલ નેટવર્કને મજબૂત બનાવાશે. સાથે જ ₹50 કરોડના ખર્ચે 120 મીની GIDCના આધુનિકીકરણનું આયોજન પણ હાથ ધરવામાં આવશે, જે રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપશે.

નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવાની જાહેરાત

રાજ્યના આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસને ગતિ આપવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપી સ્થાનિક યુવાનોને રોજગારીની વધુ તકો ઉપલબ્ધ થાય તે હેતુસર દાહોદ જિલ્લોના ઝાલોદ અને ગરબાડા તાલુકામાં બે નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવામાં આવશે. ઉપરાંત અરવલ્લી જિલ્લો સહિતના અન્ય જિલ્લાઓમાં કુલ ત્રણ ઔદ્યોગિક વસાહતો વિકસાવવામાં આવશે. આમ રાજ્યભરમાં કુલ પાંચ નવી ઔદ્યોગિક વસાહતો ઉભી થવાને કારણે સ્થાનિક સ્તરે રોજગારી સર્જાશે, રોકાણમાં વધારો થશે અને આદિવાસી વિસ્તારોના આર્થિક વિકાસને નવી દિશા મળશે.

ટેક્સટાઇલ ઉદ્યોગો માટે જોગવાઇ

ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી “ગુજરાત ટેક્સટાઇલ પોલિસી” હેઠળ રાજ્યના ટેક્સટાઇલ ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે ₹૬૭ હજાર કરોડથી વધુનું મૂડીરોકાણ આકર્ષવામાં સફળતા મળી છે. આ મહત્વપૂર્ણ પગલાંના પરિણામે બે લાખથી વધુ પ્રત્યક્ષ રોજગારીની તકો સર્જાઈ છે, જે રાજ્યના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને નવી ગતિ આપી રહી છે. આગામી સમયમાં આ ક્ષેત્રમાં વધુ મૂડીરોકાણની અપેક્ષા સાથે મોટા પાયે રોજગારી સર્જાય તે હેતુસર ₹૨૭૫૫ કરોડની જોગવાઇ સૂચવવામાં આવી છે, જે ટેક્સટાઇલ ઉદ્યોગને વધુ મજબૂત બનાવશે અને રાજ્યને વૈશ્વિક બજારમાં આગવી ઓળખ અપાવશે.

નિકાસમાં ૨૬% થી વધુ યોગદાન સાથે ગુજરાત સૌથી મોખરાનું સ્થાન

​રાષ્ટ્રની માલસામાન નિકાસમાં ૨૬% થી વધુ યોગદાન સાથે ગુજરાત સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે. આ ક્ષેત્રને પ્રોત્સાહન, તાલીમ, આર્થિક અને માર્કેટ સપોર્ટથી વધુ વેગ આપવા ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્‍સીલ (GEPC)ની સ્થાપના કરવાની જાહેરાત કરું છું. રાજ્યએ ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ અને ઈઝ ઓફ લિવિંગને વધુ સશક્ત બનાવવા ગુજરાત જન વિશ્વાસ(જોગવાઇઓમાં સુધારા) અધિનિયમ, ૨૦૨૫ અમલમાં મૂક્યો છે. જેમાં ૧૧ અધિનિયમો તથા ૫૧૬ જોગવાઇઓમાં હકારાત્મક કાયદાકીય સુધારાઓ કરવામાં આવ્યાં છે. આ સરળીકરણના લીધે ઉત્પાદક, વેપારી અને ઔદ્યોગિક કામદારોનો શાસન પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

સ્વદેશી હાટ અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ પૂરું પડાશે

રાજ્ય સરકાર આત્મનિર્ભર ભારતના દ્રષ્ટિકોણને સાકાર કરવા “વોકલ ફોર લોકલ” અભિયાનને વધુ વેગ આપી રહી છે. “એક જિલ્લો, એક ઉત્પાદન” યોજનાના માધ્યમથી રાજ્યના હસ્તકલા, હાથશાળા અને ગ્રામોદ્યોગ સાથે જોડાયેલા લગભગ ૯૦ વિશિષ્ટ ઉત્પાદનોને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાઈ છે. આ યોજનાથી સ્થાનિક કારીગરોને બજાર વ્યવસ્થા, બ્રાન્ડિંગ અને નિકાસ માટે નવી તકો મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા સ્વદેશી હાટ તેમજ ઇ-કોમર્સ પ્લેટફોર્મની સુવિધા ઉપલબ્ધ કરાવી કારીગરોને સીધા ગ્રાહકો સુધી પહોંચવાની તક આપવામાં આવશે. સાથે જ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના સંતુલિત પ્રાદેશિક વિકાસ માટે વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કુદરતી આફતો જેવી પરિસ્થિતિમાં અન્નદાતા ખેડૂતોને આર્થિક સહાય, પાક વીમા અને પુનર્વસન પેકેજ દ્વારા રાજ્ય સરકાર સતત તેમની સાથે મજબૂત રીતે ઉભી રહી છે.

પૂર અને કમોસમી વરસાદ

રાજ્યમાં આવેલ પૂર અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ₹૧૧ હજાર કરોડથી વધુનું વિશાળ કૃષિ રાહત પેકેજ અમલમાં મૂક્યું છે. આ પેકેજ અંતર્ગત ૩૩ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક નાણાકીય સહાય પહોંચાડવામાં આવી છે. ઉપરાંત “વાવણીથી વેચાણ સુધી” ખેડૂતને સહારો આપવાના સંકલ્પ સાથે સરકારે બજારના ચડ-ઉતાર સામે સુરક્ષા આપવા માટે ૯ લાખ ૫૦ હજારથી વધુ ખેડૂતો પાસેથી ₹૧૮ હજાર કરોડથી વધુની મગફળી, મગ, અડદ, સોયાબીન અને કપાસની ટેકાના ભાવે ખરીદી કરી છે. આ પગલાંઓથી ખેડૂતોને આર્થિક સ્થિરતા મળી રહી છે અને કૃષિ ક્ષેત્રમાં વિશ્વાસનો માહોલ મજબૂત બન્યો છે.

વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવાની જોગવાઇ

ખેડૂતોને ખેતીક્ષેત્રે થતો ખર્ચ ઘટાડવા તેમજ પાક ઉત્પાદન અને આવક વધારવા યાંત્રિકીકરણનું મહત્વ છે. ટ્રેકટર, પાવરટીલર, સીડડ્રીલ, હાર્વેસ્ટર જેવા યંત્રો દ્વારા ખેતીકામમાં ઝડપ અને ચોકસાઇ આવે છે. નાના-સીમાંત સહિતના ખેડૂતો માટે કૃષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા ₹૧૫૬૫ કરોડની જોગવાઇ સૂચવું છું.

ખેડૂતો પાકૃતિક ખેતી અપનાવે તે માટે અમારી સરકાર પ્રતિબદ્ધ

ખેડૂતો પાકૃતિક ખેતી અપનાવે તે માટે અમારી સરકાર પ્રતિબદ્ધ છે. જેનો વ્યાપ વધારી પ્રોત્સાહન આપવા સેન્ટર ઓફ એક્સલન્સ ઊભા કરવા, બજાર સુવિધા ઉપલબ્ધ કરાવવા, માર્કેટીંગ અને બ્રાન્‍ડ પ્રમોશન તથા હેન્ડ હોલ્ડીંગ અને સર્ટીફીકેશન સહાય માટે ₹૩૯ કરોડની જોગવાઇ સૂચવું છું. ​રાજ્યમાં ડાંગર, કઠોળ, તેલીબિયાં, ફાર્મ મિકેનાઇઝેશન, વેલ્યુ એડીશન અને એગ્રો પ્રોસેસીંગ માટે છ (૬) સેન્ટર ઓફ એક્સલન્સ કેન્દ્ર ઊભા કરવાનું આયોજન છે. જેના માટે ₹૧૨ કરોડની જોગવાઇ સૂચવું છું.

સૂક્ષ્મ સિંચાઇ યોજના

રાજ્યમાં બાગાયત ક્ષેત્રે નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ રહી છે. છેલ્લા બે વર્ષમાં બાગાયત હેઠળનો વિસ્તાર અંદાજે બે લાખ હેક્ટરથી વધુ વધ્યો છે, જેના પરિણામે ફળ અને શાકભાજી સહિતનું કુલ ઉત્પાદન ૨૧ લાખ મેટ્રિક ટનથી વધુ પહોંચ્યું છે. ખેતી ખર્ચ ઘટાડીને ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે સરકાર દ્વારા “પર ડ્રોપ મોર ક્રોપ” સૂક્ષ્મ સિંચાઇ યોજના અસરકારક રીતે અમલમાં મૂકાઈ રહી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં રાજ્યભરમાં આશરે ૨૫ લાખ હેક્ટર વિસ્તાર આવરી લેવાયો છે, જ્યારે બાકી રહેલા વિસ્તારમાં કામગીરી ઝડપી ગતિએ પ્રગતિ હેઠળ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

સુજલામ સુફલામ પાઇપ લાઇન યોજના

સરકાર દ્વારા રાજ્યના સુકા વિસ્તારોમાં પાણી પહોંચાડવાના પ્રયત્નો તેજ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. નર્મદા નદીના પાણીના વહાવને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના તણાવગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચાડવા માટે સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના માટે ₹૧,૨૩૭ કરોડ, સૌની યોજના માટે ₹૪૭૩ કરોડ અને કચ્છની યોજના માટે ₹૧,૩૩૩ કરોડની કુલ ₹૩,૦૪૩ કરોડની જોગવાઇ સૂચવવામાં આવી છે. આ ઉપરાંત, અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારના અંતિમ ગામોને પાઇપલાઇન અને કેનાલ મારફતે સિંચાઇ સુવિધા પહોંચાડવાનું પહેલું તબક્કાનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થયુ છે અને બીજા તબક્કાનું કાર્ય શરૂ થઈ ચુક્યું છે, જેના માટે ₹૯૫૮ કરોડની વધુ જોગવાઇ કરવામાં આવી છે.

મત્સ્ય અને પશુપાલન ક્ષેત્ર જોગવાઇ

આ બેઠકમાં રાજ્ય સરકારે મત્સ્ય અને પશુપાલન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે વિશેષ યોજનાઓના અમલની ઘોષણા કરી છે. રાજ્યના ખેડૂતો અને માછીમારોને વધુ આવક અને રોજગાર મળવા માટે માળખાકીય સુવિધાઓ, સાધનોની સહાય અને સ્ટોરેજ માટે કુલ ₹૧૩૪૦ કરોડની ભથ્થા ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ રાજ્યની કુલ મત્સ્ય પેદાશમાં વધારો કરવો અને નિકાસને પ્રોત્સાહન આપવું છે, જેનાથી સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવામાં મદદ મળશે.

ગૌકલ્યાણ પ્રત્યે રાજ્યની પ્રતિબદ્ધતા

ગુજરાત સરકારે પશુસંવર્ધન અને દૂધ ઉત્પાદન વધારવા માટે મહત્વપૂર્ણ પગલાં ભરી રહ્યા છે. રાજ્યના દૂધ ઉદ્યોગમાં ગુજરાતનો ફાળો ૧૦% થી વધુ વધારવાનો ટાર્ગેટ રાખીને ગાયોના સંરક્ષણ, સંવર્ધન અને ગૌકલ્યાણ માટે નવી યોજનાઓ અમલમાં લાવવામાં આવી રહી છે. આ માટે ખાસ કરીને ₹૫૦૦ કરોડની ફંડની જોગવાઇ કરી રાજ્ય સરકારે ગૌ માતા પોષણ યોજનાને મજબૂત બનાવ્યું છે, જે ગાયોના આરોગ્ય, રોગ નિદાન અને જરૂરી માળખાકીય સુવિધાઓમાં સહાય આપશે. આ પહેલ રાજ્યની કૃષિ અને પશુપાલન ક્ષેત્રે પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે, જે લાંબા ગાળામાં દૂધ ઉત્પાદન અને ગૌકલ્યાણ બંનેને પ્રોત્સાહન આપશે.

કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત વ્યાજ સહાય આપવાની જોગવાઇ

ખેડૂત સમુદાયને મજબૂત કરવા માટે સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ મોટા પાયે લાભ આપવાનો નિર્ણય કર્યો છે. આ યોજનાથી ખેડૂતો, પશુપાલકો અને સાગરખેડૂઓને પોતાની ખેતી, પશુપાલન અને માછીમારી સંબંધિત પ્રવૃત્તિઓ સમયસર કરવા માટે જરૂરી નાણાં મળી શકશે. સરકારે વ્યાજ સહાય માટે ₹૧૫૩૯ કરોડની નવી જોગવાઈ પણ રજૂ કરી છે, જેનાથી કૃષિ અને સંબંધિત ક્ષેત્રોમાં કાર્યક્ષમતા અને આવકમાં વધારો થશે.

આ પણ વાંચોઃ ઘરના ઘરનું સપનું જોતા પરિવારો માટે આનંદના સમાચાર, 3.15 લાખ નવા આવાસો-મફત અનાજની જાહેરાત

સહકારી મંડળીઓને સક્ષમ બનાવવામાં આવશે

રાજ્ય સરકાર સહકારી મંડળીઓને બહુહેતુક કાર્યક્ષમ બનાવવા માટે મહત્વાકાંક્ષી પગલાં લઈ રહી છે. સરકારની યોજના અનુસાર અનાજ સંગ્રહથી લઈને રાજ્યના ૪ ઝોનમાં બાયો સીએનજી પ્લાન્ટો સ્થાપિત કરવામાં આવશે. આ યોજના પશુપાલકો માટે પૂરક આવકનો સ્ત્રોત અને વાહન chalકો માટે પ્રાકૃતિક ગ્રીન ફ્યુઅલ ઉપલબ્ધ કરાવશે. આ માટે ₹112 કરોડની જોગવાઇ સૂચવામાં આવી છે, જે રાજ્યના કૃષિ અને ઉર્જા ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ હોવાનું માનવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gujarat Budget 2026 gujarat Budget 2026
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ